વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન સામે તો ભારત જીત્યું, પણ સેમિફાઇનલમાં પહોંચશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આખરે ટી20 વર્લ્ડકપ 2021માં બુધવારે ભારતને પહેલી સફળતા સાંપડી, જોકે અફઘાનિસ્તાન સામેના વિજય બાદ પણ ભારત માટે સેમિફાઇનલની શક્યતા ઓછી છે. આમ છતાં ભારતની આશા જીવંત છે, એ માટે ભારતે બાકીની બંને મૅચ જીતવી પડશે.

બુધવારે અબુ ધાબીમાં રમાયેલી મૅચમાં વિરાટ કોહલીની ટીમે અગાઉની બે મૅચમાં કરેલી ભૂલો સુધારી લીધી હતી, સાથે જ ટીમની પસંદગી અને બેટિંગના ક્રમમાં કરાયેલા ફેરફાર પણ સફળ રહ્યા હતા.

ટીમમાં રવિચંદ્રન અશ્વિનને સામેલ કરાયા હતા, જેમણે ચુસ્ત બૉલિંગની સાથે વિકેટ ખેરવવાની ક્ષમતાનો પરચો આપી દીધો હતો.

આ ઉપરાંત ઋષભ પંત અને હાર્દિક પંડ્યાના બેટિંગના ક્રમમાં કરાયેલું પરિવર્તન પણ ભારત માટે ફાયદાકારક રહ્યું હતું.

જોકે આ બંનેને વહેલા મોકલવાનો નિર્ણય પરિસ્થિતિ મુજબનો હતો, કેમ કે રોહિત શર્મા અને રાહુલે જેવી શરૂઆત કરી હતી તે જોતાં હાર્દિક અને ઋષભ પંતની ફિનિશરની ભૂમિકા રહી ગઈ હતી, જે તેમણે બખૂબી નિભાવી હતી.

રોહિત-રાહુલની ભાગીદારી

અફઘાનિસ્તાન સામેની ભારતની સફળતાનો સઘળો શ્રેય રોહિત શર્મા અને કે. એલ. રાહુલની ઓપનિંગ જોડીને આપવો રહ્યો.

ભારતને મૅચ જીતવા માટે જ નહીં, પરંતુ નેટ રનરેટ બહેતર બનાવવામાં પણ આ ઇનિંગ મહત્ત્વપૂર્ણ પુરવાર થઈ છે.

તેવામાં અફઘાનિસ્તાનના સુકાનીએ ટોસ જીતીને પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડના કૅપ્ટનને અનુસરવાનો નિર્ણય લીધો હતો.

અગાઉની બંને મૅચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરનારી ભારતીય ટીમ સામાન્ય સ્કોર કરી શકી હતી, પરંતુ બુધવારની સ્થિતિ અલગ હતી.

ભારતને આ મૅચમાં જંગી સ્કોર કરવાની જરૂર હતી, જે માટે પહેલા બેટિંગ મળે એ આવશ્યક હતું.

બીજી અને પાંચમી ઓવરે જ પરિણામ નક્કી કરી નાખ્યું

મૅચની બીજી અને પાંચમી ઓવરે જ પરિણામ નક્કી કરી નાખ્યું હતું. અફઘાનિસ્તાને પ્રારંભમાં જ સ્પિનરને અજમાવ્યો તો ખરો પણ સરાફુદ્દીન શરીફ એવા બૉલર નહોતા, જે ટીમને બ્રેક અપાવી શકે અને સામે છેડે બે મરણિયા બૅટ્સમૅન હતા, જેમના માથે ટીમનું અસ્તિત્વ ટકાવી રાખવાની જવાબદારી હતી.

બીજી ઓવરમાં રોહિત શર્માએ ફાઇન લેગ પર ચોગ્ગો ફટકાર્યો, ત્યાર બાદ રાહુલ સ્ટ્રાઇક પર આવ્યા.

એ સમયે રોહિત તેમના સાથી ઓપનર પાસે ગયા, બંનેએ કંઈક મસલત કરી અને ત્યાર પછીનો બૉલ રાહુલે લોંગ ઓન બાઉન્ડરી ઉપરથી કુદાવી દીધો.

છેલ્લો બૉલ ફટકારવામાં રાહુલ ટાઇમિંગ જાળવી ન શક્યા, બૉલ બાઉન્ડરીની બહાર તો ગયો પણ ભારતને સિક્સરને બદલે ચાર રન મળ્યા. પણ આ ઓવરે ભારતના ઇરાદા સ્પષ્ટ કરી નાખ્યા હતા.

આમ છતાં બંને ઓપનર સાવચેતીથી રમતા હતા. પાવર પ્લે સમાપ્ત થવા આવ્યું ત્યારે પાંચમી ઓવરમાં ફરીથી રોહિત શર્મા ત્રાટક્યા હતા.

આ વખતે અફઘાનિસ્તાનના શ્રેષ્ઠ બૉલર મનાતા નવીન ઉલ હકનો વારો હતો. ત્રીજા બૉલને તેમણે પૉઇન્ટ બાઉન્ડરી બહાર ધકેલી દીધો તો પાંચમા બૉલે તેમણે વધુ આક્રમક પ્રહાર કર્યો અને લૉંગ ઓન પર સિક્સર ફટકારી દીધી.

અફઘાનિસ્તાનના કૅપ્ટને ફિલ્ડિંગમાં ફેરફાર કરવાનો અખતરો કરી જોયો પણ છેલ્લા બૉલે તેમના કોઈ ફિલ્ડર એક્સ્ટ્રા કવર બાઉન્ડરીની બહાર જતાં રોહિતના સ્ટ્રોકને રોકી શક્યો નહીં.

ભારતીય બૉલર્સની પ્રશંસનીય ભૂમિકા

રોહિત અને રાહુલે ભારતના વિજયનો પાયો નાખ્યો હતો, પરંતુ ઇમારતને બુલંદ બનાવવામાં બૉલર્સે પણ એટલી જ પ્રશંસનીય ભૂમિકા અદા કરી હતી.

અગાઉની મૅચમાં મોહમ્મદ શમી પાસે બૉલિંગનો પ્રારંભ નહીં કરાવવાની ભૂલ કરનારા કોહલી બુધવારે ચેતી ગયા અને શમીએ તેમની ઉપયોગિતા પુરવાર કરી દેતાં ત્રીજી જ ઓવરમાં મોહમ્મદ શહેજાદને આઉટ કરી દીધા. અનુભવી અફઘાન ઓપનર હજી એકેય રન કરી શક્યા નહોતા.

બીજી તરફ જસપ્રિત બુમરાહ પણ હંમેશાની માફક પ્રભાવશાળી રહ્યા, જેમણે અન્ય ઓપનર હઝરતુલ્લાબ ઝાઝાઈને પૅવેલિયન ભેગા કરી દીધા હતા.

અત્યાર સુધી નજરઅંદાજ કરાયેલા રવિચંદ્રન અશ્વિને તેની ચાર ઓવરમાં માત્ર 14 રન આપીને બે વિકેટ ઝડપી લીધી હતી.

ભારત માટે જોખમ ટળ્યું નથી

વર્લ્ડકપમાં બુધવારે અફઘાનિસ્તાન સામે ભવ્ય વિજય છતાં ભારતીય ટીમના માથેથી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જવાનું જોખમ હજી ટળ્યું નથી.

આ વિજયથી ભારતને આગામી મૅચોમાં નેટ રનરેટ જાળવી રાખવામાં મદદ મળી શકે છે, તેમ છતાં પહેલી શરત બાકીની બંને મૅચ જીતવાની છે.

ભારતને હવે પાંચમી નવેમ્બરે સ્કૉટલૅન્ડ અને આઠમીએ નામિબિયા સામે રમવાનું છે.

આ બંને મૅચમાં જીત્યા બાદ પણ ભારતે ન્યૂઝીલૅન્ડ અને અફઘાનિસ્તાનની મૅચોના પરિણામ પર નજર રાખવાની રહેશે.

પાકિસ્તાન આ ગ્રૂપમાંથી સેમિફાઇનલ માટે ક્વૉલિફાઈ થઈ ગયું છે. જ્યારે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ ચાર-ચાર પૉઇન્ટ ધરાવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો