IPLમાં ધડાધડ રન કરનારા ભારતના ખેલાડીઓ પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ સામે ફેલ કેમ ગયા?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ટી20 વર્લ્ડકપમાં ન્યૂઝીલૅન્ડ સામે પણ ભારતનો પરાજય થયો, ગયા સપ્તાહે પાકિસ્તાન સામેની પ્રારંભિક મૅચમાં પણ ભારતીય ટીમ હારી ગઈ હતી.
એ વખતે પાકિસ્તાન સામેની મૅચમાં શરૂઆતથી જ ઝડપી બૉલર શાહીન આફ્રિદી ભારે પડ્યા હતા; અને રોહિત શર્મા તથા રાહુલ જેવા મહત્ત્વના બૅટ્સમૅનને આઉટ કરીને સફળતા મેળવી હતી.
જોકે રવિવારે ન્યૂઝીલૅન્ડના કોઈ એક ખેલાડીએ ભારત સામે એવું જોરદાર પ્રદર્શન કર્યું ન હતું.

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમ તેની કંગાળ બેટિંગ અને આયોજનના અભાવને કારણે હારી હતી. એમ લાગતું હતું કે પાકિસ્તાન સામેના પરાજય બાદ વિરાટ કોહલીની ટીમ પદાર્થપાઠ શીખશે અને ટીમના પ્રદર્શનમાં પરિવર્તન આવશે, પણ એવું ન બન્યું.
ફરીથી એ જ સ્ટોરી, શરૂઆતના ત્રણ બૅટ્સમૅન નિષ્ફળ. ફરક એટલો જ કે આ વખતે રોહિત શર્મા ત્રીજા ક્રમે રમવા આવ્યા અને તેમના સ્થાને ઓપનિંગમાં આવેલા ઈશાન કિશન પહેલી ઓવરને બદલે ત્રીજી ઓવરમાં આઉટ થયા હતા.
એ સાથે કૅપ્ટન વિરાટ કોહલી સસ્તામાં આઉટ થઈ ગયા, જેમણે અગાઉની મૅચમાં અડધી સદી ફટકારી હતી.

વિરાટ કોહલીની એ ભૂલ

ઇમેજ સ્રોત, Reuters
માત્ર બેટિંગમાં જ નહીં, પરંતુ બૉલિંગમાં પણ ભારતે ઘણી ભૂલો કરી હતી. મોહમ્મદ શમીને વિશ્વના શ્રેષ્ઠ બૉલર ગણવામાં આવે છે અને તેમને પાવરપ્લેમાં લાવવાને બદલે જાડેજાને બૉલિંગ અપાઈ, જેને કારણે ભારત લડત આપવાની સ્થિતિમાં પણ ન રહ્યું.
ઋષભ પંત હવે એક ચમત્કારિક બૅટ્સમૅન બની ગયા છે, જે ક્યારેક જ ચમત્કાર કરી શકે છે અને મોટા ભાગે નિષ્ફળ જ રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂઝીલૅન્ડના બૉલર્સે ભારતના તમામ બૅટ્સમૅન માટે રણનીતિ ઘડી હોય, તેમ લાગતું હતું કેમ કે બોલ્ટે ઓપનર ઈશાન કિશનને આઉટ કરવા માટે જેવો બૉલ ફેંક્યો, તેવો જ બૉલ લોકેશ રાહુલ સામે સાઉથીએ ફેંક્યો હતો.
બંને બૉલમાં પરિણામ એકસમાન રહ્યું કેમ કે કિશન અને રાહુલ ડીપ સ્ક્વેર લેગ બાઉન્ડરી પર ઝડપાઈ ગયા.

હિટમૅન રોહિત શર્માની વિકેટ

ઇમેજ સ્રોત, Getty Images
સોઢીએ બૉલિંગ કરી અને રોહિત શર્માને ઊંચો શોટ ફટકારવા મજબૂર કર્યા, તેમનો કૅચ ઝડપાઈ ગયો.
તો સ્પિનર સામે રમવામાં માહેર ગણાતા વિરાટ કોહલીનો એવો જ અંજામ આવ્યો.
ભારતના મોખરાના ચાર બૅટ્સમૅનને આ રીતે સાણસામાં લીધા બાદ ન્યૂઝીલૅન્ડનું કામ આસાન થઈ ગયું હતું. કદાચ આ તેમની રણનીતિનો ભાગ હોઈ શકે.
70 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ભારતની બેટિંગ એ માત્ર ઔપચારિકતા જ હતી. હવે એટલું જ જોવાનું હતું કે ટીમ 100 રનનો આંક વટાવે છે કે નહીં અને આ ઔપચારિકતા રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ માંડ પૂરી કરી.
20 ઓવરને અંતે ભારત માંડ 110 રન કરી શક્યું હતું.

બેટિંગ બાદ બૉલિંગ પણ નબળી

ઇમેજ સ્રોત, Getty Images
જોકે ઊડીને આંખે વળગે તેવી બાબત ન્યૂઝીલૅન્ડની શિસ્તબદ્ધ બૉલિંગ રહી હતી. આઈપીએલમાં રમવાનો બહોળો અનુભવ ધરાવતા બોલ્ટે ચાર ઓવરમાં માત્ર 20 રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી.
તો સોઢીએ 17 રન આપીને બે વિકેટ લીધી, જ્યારે અન્ય સ્પિનર સેન્ટરે ચાર ઓવરમાં માત્ર 15 રન આપ્યા હતા.
વર્તમાન ક્રિકેટમાં 111 રનનો ટાર્ગેટ મહત્ત્વ ધરાવતો નથી અને તેમાંય વન-ડે વર્લ્ડકપમાં રનર અપ રહેલી ન્યૂઝીલૅન્ડની ટીમ રમતી હોય, ત્યારે આ સ્કોર સાવ સામાન્ય કહી શકાય.
ન્યૂઝીલૅન્ડે આસાનીથી આ ટાર્ગેટ વટાવી દીધો. ભારતે ગુપ્ટિલ કે વિલિયમ્સન માટે કદાચ યોજના ઘડી હશે, પણ ડેરેલ મિશેલને નજરઅંદાજ કર્યો અને તેમણે લાભ ઉઠાવી લીધો.
તેમણે બુમરાહ સામે થોડો સંયમ દાખવ્યો, પરંતુ રવીન્દ્ર જાડેજાએ ફેંકેલી પાંચમી ઓવરમાં એક સિક્સર સાથે 14 રન ફટકારી દીધા.
મિશેલ 50 રન કરી ન શક્યા પણ તેઓ ટીમને ટાર્ગેટની નજીક લઈ ગયા. તેમણે જાડેજા બાદ મોહમ્મદ શમી અને શાર્દૂલ ઠાકુરની બૉલિંગમાં પણ સિક્સર ફટકારી.
સસ્તામાં આઉટ થયા બાદ ભારતે મૅચ છોડી દીધી હોય તેમ કૅપ્ટન કોહલીએ શરૂઆતમાં મોહમ્મદ શમીને બદલે વરુણ ચક્રવર્તી અને જાડેજાને બૉલિંગ આપી હતી.
શમી બોલિંગમાં આવ્યા, ત્યાં સુધીમાં પરિણામ નિશ્ચિત થઈ ગયું હતું. અહીં ફરીથી ભારતના કંગાળ પ્લાનિંગે ભૂમિકા અદા કરી અને ન્યૂઝીલૅન્ડને મૅચની ગિફ્ટ આપી દીધી.

વર્લ્ડકપમાં ભારત માટે ફરી 'જો અને તો'ની સ્થિતિ
આ પરાજય સાથે ભારત માટે સેમિફાઇનલમાં પ્રવેશવાની તકો ઘટી ગઈ છે. ભારતે બે મૅચ ગુમાવી દીધી છે.
હવે તેને અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કોટલૅન્ડ જેવી નબળી ટીમો સામે રમવાનું છે. આ તમામમાં વિજય થાય તો છ પૉઇન્ટ થશે, પણ સાથે-સાથે ન્યૂઝીલૅન્ડને પણ આ ત્રણેય ટીમ સામે રમવાનું છે અને તે પણ જો ત્રણેય મૅચ જીતી જાય તો તેના આઠ પૉઇન્ટ થઈ જશે.
પાકિસ્તાન અગાઉથી જ મોખરે છે. અફઘાનિસ્તાન પણ બે મૅચ જીતી ચૂક્યું છે. આમ ભારતની હાલત કફોડી થઈ ગઈ છે.
ભારતની સેમિફાઇનલમાં પ્રવેશની સંભાવના હવે અફઘાનિસ્તાન પર આધારિત બની ગઈ છે.
સમીકરણ એ છે અફઘાનિસ્તાન ન્યૂઝીલૅન્ડને હરાવી દે અને ભારત આગળની ત્રણે મૅચ જીતી લે તો વાત બની શકે એમ છે. ભારતનો આગામી મુકાબલો અફઘાનિસ્તાન સામે 3 નવેમ્બરે અબુધાબીમાં થશે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












