IPL અમદાવાદ ટીમની હરાજીમાં અદાણીને પાછળ છોડનાર કોણ છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વર્ષ 2022ની આઈપીએલ ટુર્નામેન્ટ માટે નવી બે ટીમનાં નામ નક્કી થઈ ગયાં છે. અમદાવાદની ટીમ ઇલેરિયા કંપની પીટીઈ લિમિટેડના ફાળે ગઈ છે. જ્યારે સંજીવ ગોએન્કાએ લખનૌની ટીમ માટે રૂ. 7090 કરોડ ચૂકવ્યા છે.

અમદાવાદની ટીમ માટે અદાણી જૂથ, ટૉરેન્ટ ફાર્મા, એચટી મીડિયા વૅન્ચર્સ, કોટકજૂથ વગેરે મેદાનમાં હતા, પરંતુ સ્થાનિકો માટે પ્રમાણમાં અજાણી એવી ઇલેરિયા કંપનીને ફાળે ગઈ હતી, જે સીવીસી કૅપિટલ પાર્ટનર્સના ભાગરૂપ છે.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

ઇમેજ સ્રોત, Getty Images

આ વખતની હરાજીની મુખ્ય ખાસિયત એ રહી હતી કે તેમાં ભારતીય કંપનીઓ ઉપરાંત વિદેશી સ્પૉર્ટ્સ કંપનીઓ તથા કલબોએ પણ રસ લીધો હતો. જેને આઈપીએલની વધતી જતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા તરીકે જોવામાં આવે છે.

આઈપીએલમાં બે નવી ટીમો ઉમેરાતા વર્ષ 2022માં રમાનારી આગામી ટુર્નામેન્ટ દરમિયાન રમતોની સંખ્યા અને ટીમો સહિત અનેક બાબતોમાં ફેરફાર આવશે.

line

અમદાવાદની ટીમને ખરીદનાર કોણ?

આઈપીએલ

ઇમેજ સ્રોત, Ani

સંજીવ ગોએન્કાએ લખનૌની જેમ જ અમદાવાદની ટીમ માટે પણ રૂ. 7090 કરોડ (96 કરોડ 40 લાખ ડૉલર)ની બોલી લગાવી હતી. તેમની બોલી સૌથી ઊંચી હતી એટલે તેમને અમદાવાદ અને લખનૌમાંથી જે પસંદ હોય તે ટીમ ખરીદવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

આ તબક્કે ગોએન્કાના પ્રતિનિધિઓએ સૌથી વધુ વસતિ ધરાવતા અને સૌથી મોટા રાજ્ય ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો, જ્યાં તેઓ ગ્રેટર નોઇડામાં વીજવિતરણ કરે છે તથા તેમના કેટલાક સ્ટોર પણ છે.

આથી, અમદાવાદની ટીમ બીજા નંબરની સૌથી ઊંચી બોલી લગાવનારને ફાળે ગઈ હતી.

રૂ. પાંચ હજાર 625 કરોડના (અંદાજે 73 કરોડ 60 લાખ ડૉલર) ખર્ચે સીવીસી કૅપિટલ પાર્ટનર્સ દ્વારા અમદાવાદની ટીમ ખરીદવામાં આવી છે. આ માટે સપ્ટેમ્બર મહિનામાં જ સિંગાપુર ખાતે આઇલેરિયા કંપની પીટીઈ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. ઉપલબ્ધ સાર્વજનિક માહિતી પ્રમાણે, તેના બે અધિકારી નોંધાયેલા છે.

સીવીસી કૅપિટલ પાર્ટનર્સ અગાઉથી જ કાર રેસિંગ (ફૉર્મ્યુલા વન), ફૂટબૉલ (લા લિગા)માં પોતાના હિતો ધરાવે છે. મૂળ અમેરિકાની આ કંપની રગ્બી તથા ક્રિકેટ જેવી રમતોમાં રોકાણ કરી રહી છે.

તે પાંચ-સાત વર્ષ માટે રોકાણ કરીને નીકળી જવાની ગણતરી રાખશે. કંપની અલગ-અલગ રમત, સ્પૉર્ટ્સ લિગ તથા કલબોમાં લગભગ 80 કરોડ ડૉલરનું રોકાણ ધરાવે છે.

આઈપીએલ ગુજરાતની અગાઉની ટીમ ગુજરાત લાયન્સના માલિક કેશવ બંસલ (જમણે) તથા કૅપ્ટન સુરેશ રૈના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઈપીએલ ગુજરાતની અગાઉની ટીમ ગુજરાત લાયન્સના માલિક કેશવ બંસલ (જમણે) તથા કૅપ્ટન સુરેશ રૈના

કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, તેની સ્થાપના વર્ષ 1981માં થઈ હતી. તે વિશ્વભરમાં 125 અબજ ડૉલરની સંપત્તિઓનું નિયમન કરી રહી છે.

કંપની યુરોપ-અમેરિકામાં 16 તથા એશિયામાં નવ ઑફિસો ધરાવે છે. કંપનીની માલિકી તેના કર્મચારીઓની છે, પરંતુ 34 જેટલા મૅનેજિંગ પાર્ટનર્સ દ્વારા તેને નેતૃત્વ પૂરું પાડવામાં આવે છે, જેમને સરેરાશ 15 વર્ષનો અનુભવ છે.

આ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મને રોકાણ માટે વિશ્વભરના 300 જેટલા રોકાણકારો ફંડ આપે છે. જેમાં સોવરિન ફંડ, ખાનગી રોકાણકારો, પેન્શન ફંડ, ધનાઢ્ય પરિવારો, નાણાં સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે.

ફૂટબૉલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના યુએસસ્થિત માલિક ગ્લેઝર્સ દ્વારા અમદાવાદ અને લખનૌ માટે રૂ. ચાર હજાર 200 કરોડ જેટલી બોલી લગાવવામાં આવી હતી, પરંતુ તે અન્યોની સરખામણીમાં ઓછી પુરવાર થઈ હતી.

ગ્લેઝર્સ બીડ કરી શકે તે માટે બીસીસીઆઈ દ્વારા બોલીની તારીખને પાછળ ઠેલવામાં આવી હોવાના અહેવાલ પણ આવ્યા હતા.

બે વર્ષ માટે ચેન્નાઈ સુપરકિંગ્સ તથા રાજસ્થાન રૉયલ્સની ટીમને ભ્રષ્ટાચારના આરોપો સબબ બે વર્ષ (2016 અને 2017) માટે સસ્પેન્ડ કરવામાં આવી ત્યારે આરપીએસજી તથા ગુજરાત લાયન્સને હંગામી પ્રવેશ મેળવ્યો હતો.

ગુજરાતની ટીમને ફોન બનાવનારી કંપની ઇન્ટેક્સે ખરીદી હતી અને તેનું હૉમગ્રાઉન્ડ રાજકોટ પાસેનું ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ હતું, જેને લૉર્ડ્સની સ્ટાઇલમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે.

line

બેઠકમાં બોલી અને બબાલ

બીસીસીઆઈની નિર્ણાયક કમિટી

ઇમેજ સ્રોત, Ipl

ઇમેજ કૅપ્શન, બીસીસીઆઈની નિર્ણાયક કમિટી

સપ્ટેમ્બર મહિનામાં બીસીસીઆઈ (બોર્ડ ઑફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા)ની આઈપીએલ (ગવર્નિંગ કાઉન્સિલ) દ્વારા આઈટીટી (ઇન્વિટેશન ટુ ટૅન્ડર) મંગાવવામાં આવ્યા હતા. જેના માટે જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ) વગર રૂ. દસ લાખની ફી રાખવામાં આવી હતી.

ભારતની કે વિદેશની મહત્તમ ત્રણ કંપની/વ્યક્તિ મળીને બીડ કરી શકે તેમ ન હતા, જેના માટે દરેકનું વાર્ષિક ટર્નઓવર રૂ. 2500 કરોડથી વધુ હોય તે જરૂરી હતું.

એવી જ રીતે જો કોઈ એક વ્યક્તિ/કંપની બોલી લગાવે તો તેનું વાર્ષિક ટર્નઓવર ઓછામાં ઓછું રૂ. ત્રણ હજાર કરોડ હોવાની શરત રાખવામાં આવી હતી.

આઈપીએલ દ્વારા અમદાવાદ, લખનૌ ઉપરાંત ધર્મશાળા, ગુવાહાટી, ઇન્દૌર અને કટક જેવાં શહેરોની ટીમો માટે પણ ટેન્ડર મંગાવવામાં આવ્યાં હતાં.

લગભગ 22 જેટલાં આવેદન આવ્યાં હતાં, પરંતુ અંતિમ તબક્કામાં નવ કંપનીઓ જ ફાઇનલ થઈ હતી. દરેક શહેર માટે લઘુતમ બેઝ પ્રાઇસ રૂ. બે હજાર કરોડ રાખવામાં આવી હતી.

બીસીસીઆઈ દ્વારા બે ઍન્વલપમાં વિગતો માગવામાં આવી હતી, જેમાં પ્રથમ વ્યક્તિગત તથા આર્થિક સદ્ધરતાની વિગતો આપવાની હતી, જ્યારે બીજા કવરમાં ટીમ માટેની બીડ માગવામાં આવી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

દુબઈમાં હોટલ તાજ ખાતે લગભગ સાત કલાક સુધી આ પ્રક્રિયા ચાલી હોવાના અહેવાલ છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે, ટેકનિકલ રાઉન્ડ દરમિયાન આરપી-એસજી, અદાણી જૂથ, અખબાર હિંદુસ્તાન ટાઇમ્સનું એચટી મીડિયા પ્રાઇવેટ લિમિટેડ, ટૉરેન્ટ ફાર્મા, અરબિંદો ફાર્મા, ઑલકાર્ગો, સીવીસી, કોટક જૂથ તથા ઇક્વિટી ફર્મ મારફત માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક મેદાનમાં રહ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની મૅનેજમૅન્ટ કંપની રિથિ સ્પૉર્ટ્સની બોલીને ટેકનિકલ તબક્કા પરથી જ નકારી કાઢવામાં આવી હતી, કારણ કે બીસીસીઆઈના પદાધિકારીઓને લાગતું હતું કે તેઓ એક ઉદ્યોગપતિના મહોરા તરીકે બિડિંગ કરી રહ્યા હતા અને સંબંધિત ઉદ્યોગપતિનાં સગાં આઈપીએલની ટીમ ધરાવે છે.

અદાણી જૂથના પ્રતિનિધિઓ જ્યારે ભાગ લેવા પહોંચ્યા ત્યારે તેમની સાથે બીસીસીઆઈના સ્પૉન્સર્સમાંથી એક હાજર હતા, એટલે તેમને તાત્કાલિક પરિસર છોડી જવા કહેવામાં આવ્યું હતું, અન્યથા નિયમભંગ થાય તેમ હતો.

અદાણી જૂથ દ્વારા અમદાવાદ તથા લખનૌની ટીમ માટે રૂ. 5,100-5,100 કરોડની બોલી લગાવવામાં આવી હતી. પરંતુ તે અપૂરતી સાબિત થઈ હતી.

એજન્સી નોંધે છે કે ઓછી જાણીતી ઑલ કાર્ગો કંપનીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, તેને બીસીસીઆઈના શક્તિશાળી વહીવટકર્તા તથા વિપક્ષના ખૂબ જ કનેક્ટેડ એવા રાજનેતાના આશીર્વાદ હાંસલ હતા.

ફ્રેન્ચાઇઝી મેળવનારે આગામી 10 વર્ષ દરમિયાન રકમ ચૂકવવાની રહે. આ દરમિયાન તેને બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ તથા સ્પૉન્સરશિપ વગેરેમાંથી આવક મળશે.

line

કેવી રીતે બદલાશે રમત?

ચીયરલેડી

ઇમેજ સ્રોત, Getty Images

તાજેતરમાં પૂર્ણ થયેલી આઈપીએલની ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો અને 60 મૅચ રમાઈ હતી. વર્ષ 2022માં 15મી આવૃત્તિ દરમિયાન 10 ટીમો હશે અને 74 મૅચ રમાશે.

આ માટે 2011નું ફૉર્મેટ અજમાવવામાં આવશે, એ સમયે પણ 10 ટીમોએ ભાગ લીધો હતો. 2013માં નવ ટીમોએ ભાગ લીધો હતો ત્યારે 76 મૅચ રમાઈ હતી.

બીસીસીઆઈને આશા છે કે 13મી તથા 14મી આવૃત્તિ વધુ મૅચો અને ટીમોને કારણે વધુ રોચક બનશે.

નવી ટીમોને સારા અને મજબૂત ખેલાડીઓ મળી રહે અને તેઓ સક્ષમ ટીમ ઊભી કરી શકે તે માટે ખેલાડીઓને જાળવી રાખવાની અગાઉની મર્યાદા કરતાં ઓછા ખેલાડીઓ જાળવી શકાશે, એવું માનવામાં આવે છે.

વિદેશી તથા ભારતીય ખેલાડીઓને કેટલી સંખ્યામાં યથાવત્ રાખવામાં આવે છે તથા નવી ટીમોના કૅપ્ટન કોણ બને છે, તે જોવું રસપ્રદ બની રહેશે.

વીડિયો કૅપ્શન, બાબર આઝમ અને વિરાટ કોહલીની સરખામણી કેમ થઈ રહી છે?

તમામ ટીમોને પાંચ-પાંચના બે જૂથમાં વહેંચી દેવામાં આવશે. દરેક ટીમ પોતાના જૂથની અન્ય ચાર ટીમો સાથે બે-બે વખત ટકરાશે. આ સિવાય અન્ય જૂથની ટીમો સાથે એક-એક વખત ટકરાશે.

ડ્રો સિસ્ટમ દ્વારા વધુ બે મૅચોનો નિર્ણય થશે. આમ દરેક ટીમ ઓછામાં ઓછી 14 મૅચ રમશે. જે જીતશે તેના આધારે આગળના તબક્કામાં પહોંચશે.

લગભગ એક લાખ 30 હજાર દર્શકોની બેઠકક્ષમતા ધરાવતું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદની નવી ટીમનું હૉમગ્રાઉન્ડ હશે.

નવી વ્યવસ્થા પ્રમાણે, ટીમ તેની સાત મૅચ મોદી સ્ટેડિયમ ખાતે રમશે, જ્યારે સાત મૅચ અન્ય ટીમોના ગ્રાઉન્ડ પર રમશે. લખનૌની ટીમનું હોમગ્રાઉન્ડ શહેરનું અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ હશે.

line

નાણાં, રમત અને ફાયદો

મુંબઈ ઇન્ડિયન્સના માલિક મુકેશ અંબાણીની ટીમને ચિયર કરતી વેળાની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુંબઈ ઇન્ડિયન્સના માલિક મુકેશ અંબાણીની ટીમને ચિયર કરતી વેળાની ફાઇલ તસવીર

2008માં મુકેશ અંબાણીએ મુંબઈ ઇન્ડિયન્સને ખરીદવા માટે લગભગ 12 કરોડ ડૉલરની રકમ ચૂકવી હતી, હવે લખનૌની ટીમને ખરીદવા માટે આરપીએસજીએ લગભગ નવ ગણી કિંમતે લખનૌની ટીમ ખરીદી છે.

2016 પછી જે કોઈ ટીમ વેચાઈ છે, તે ઓછામાં ઓછી રૂ. ત્રણ હજાર કરોડમાં વેચાઈ છે. એટલે જૂની ટીમોનું મૂલ્યાંકન સ્વાભાવિક રીતે જ ઊંચું અંકાવાનું.

2018માં જિંદાલ જૂથે દિલ્હીની ટીમમાં જીએમઆર ગ્રૂપ પાસેથી 50 ટકા હિસ્સો ખરીદ્યો ત્યારે તેની કિંમત રૂ. એક હજાર 100 કરોડ અંદાજવામાં આવી હતી, જેમાં અડધી રકમ તત્કાલ ચૂકવવામાં આવી હતી.

બોર્ડને આશા હતી કે બંને ટીમના વેચાણમાંથી લગભગ 10 હજાર કરોડ ઉપજશે, પરંતુ આ રકમ તેની અપેક્ષા કરતાં વધુ હતી. હવે, પાંચ વર્ષ માટે મીડિયા રાઇટ્સ વેચવામાં આવશે.

અગાઉ કરતાં બે ટીમ અને 14 મૅચ વધુ હોવાથી બોર્ડને આશા છે કે ખાસ્સી એવી રકમ ઉપજશે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

એક અનુમાન પ્રમાણે, પાંચ વર્ષ માટે પાંચ અબજ ડૉલરમાં પ્રસારણના અધિકાર વેચાશે. સ્ટાર, સોની, રિલાયન્સ અને એમેઝોન જેવી કંપનીઓને રસ પડશે એવી બોર્ડના અધિકારીઓને આશા છે. ઇન્ટરનેટ અને ઍપ પ્રસારણનું ચલણ પણ વધ્યું છે. આ સિવાય વધુ મૅચ રમાશે એટલે ટિકિટમાંથી પણ વધુ આવક થવાની.

અમદાવાદની ટીમનું હૉમગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જ્યારે લખનૌના સ્ટેડિયમની બેઠકક્ષમતા 70 હજાર આસપાસ છે. કોરોનાનો ભય ધીમે-ધીમે ઓસરી રહ્યો છે, ત્યારે દર્શકો મૅચ જોવા મેદાન ઉપર આવશે, એવી કંપનીને આશા છે.

ડફ ઍન્ડ ફૅલ્પસના અનુમાન પ્રમાણે, વર્ષ 2020માં આઈપીએલની ઇકૉસિસ્ટમની કિંમત રૂ. 45 હજાર 800 કરોડની હતી. કોરોનાને કારણે આગળના વર્ષ કરતાં તેમાં 3.6 ટકાનો ઘટાડો જોવાયો હતો. જ્યારે રૂ. 761 કરોડના વૅલ્યુએશન સાથે મુંબઈ ઇન્ડિયન્સ ટોચની આઈપીએલની ટીમ હતી. આગળના વર્ષની સરખામણીએ તેમાં 5.9 ટકાનો ઘટાડો જોવાયો હતો.

જ્યારે ગુજરાતને બે વર્ષ માટે આઈપીએલ ટીમ મળી હતી, ત્યારે ગોએન્કાએ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સના નામથી ટીમ મેદાનમાં ઉતારી હતી. તેઓ ફૂટબૉલ ક્લબની ટીમો પણ ધરાવે છે.

આ સિવાય ડેક્કન ચાર્જર્સ, કોચ્ચી ટસ્કર્સ કેરલા, પુણે વૉરિયર્સ ઇન્ડિયા જેવી અલગ-અલગ આઈપીએલ ટીમો અસ્તિત્વ ધરાવતી હતી, જેમાં ડેક્કન ચાર્જર્સ સનરાઇઝર્સ હૈદરાબાદ બની તથા અન્ય ટીમો પરિદૃશ્યમાંથી અદૃશ્ય થઈ ગઈ છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો