ગુજરાતની જળસીમામાં માછીમારી કરતી મહારાષ્ટ્રની બોટોને કેમ પકડવામાં આવી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હીથી

સોમનાથ મરીન પોલીસે સુત્રાપાડા નજીક રાજ્યની જળસીમાનો ભંગ કરીને માછીમારીમાં વપરાતી મહારાષ્ટ્રની 18 બોટ્સને પકડીને જપ્ત કરી છે.

બીબીસીના સહયોગી હનિફ ખોખર અનુસાર મહારાષ્ટ્રની ફીશિંગ બોટ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાની નજીક આવીને માછીમારી કરતી હોવાની રજૂઆતો સ્થાનિક સ્તરેથી કરાઈ હતી. આથી કાર્યવાહી કરવામાં આવી.

બોટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વહીવટીતંત્ર અને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસ થકી 18 બોટ્સને વેરાવળ બંદરે લઈ આવવામાં આવી હતી.

અત્રે ઉલ્લખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી વેરાવળ બંદર સામેથી સૂત્રાપાડા સુધી ગુજરાત રાજ્યની દરિયાઈ જળસીમાના વિસ્તારમાં મહારાષ્ટ્ર રાજ્યની ઘણી બોટ ‘લાઇન-ફીશિંગ’ કરી રહી હતી.

સ્થાનિક પત્રકાર હનિફ ખોખર જણાવે છે કે, આ વાતની જાણ વેરાવળ બોટ ઍસોસિયેશનના પ્રમુખ તુલસીભાઈ ગોહિલ, ભીડિયા કોળી સમાજ બોટ ઍસો. પ્રમુખ લક્ષ્મીકાંતભાઈ સોલંકી અને ભીડીયા ખારવા બોટ ઍસો.ના પ્રમુખ રમેશભાઈ સોલંકીને થઈ હતી.

તેમણે ગેરકાયદેસર ગુજરાત રાજ્ય જળસીમામાં પ્રવેશીને પ્રતિબંધિત લાઇન-ફીશિંગ કરતી બોટ વિરુદ્ધ મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, ફિશરીઝ વગેરે તમામ વિભાગોમાં ફરિયાદ કરી હતી.

તેમજ બોટ ઍસોશિયેશને તંત્ર સાથે રહી તાત્કાલિક પગલાં રૂપે કેટલીક બોટને વેરાવળ બંદરે લાવવા પ્રયાસ કર્યાં હતા.

વહીવટીતંત્ર અને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસ થકી 18 બોટ્સને વેરાવળ બંદરે લઈ આવવામાં આવી હતી.

line

પાંચ ગણો દંડ?

મહારાષ્ટ્રની બોટ વારંવાર આવી રીતે ગુજરાતની જળસીમામાં ઘુસી જતી હોવાની ફરિયાદ

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રની બોટ વારંવાર આવી રીતે ગુજરાતની જળસીમામાં પ્રવેશ કરતી હોવાની ફરિયાદ

ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ મુજબ બોટમાં રહેલ માલની હરાજી કરી પાંચ ગણો દંડ વસૂલવામાં આવે તેવી શક્યતા છે.

હનિફ ખોખર અનુસાર ગેરકાયદેસર માછીમારીને ટેકો આપનારા અસામાજિક તત્ત્વો પણ તેમાં સંડોવાયેલા હોવાની વાત છે.

છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક માછીમારોના અધિકાર વિરુદ્ધ અન્ય રાજ્યોની બોટ્સ ગુજરાતમાં (વેરાવળ)માં માછીમારી માટે બોલાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી આવી છે. બોટ જપ્તી અને દંડની કાર્યવાહી ગુજરાત પોલીસે ગુજરાત ફીશરીઝ ઍક્ટના વટહુકમ હેઠળ કરી છે. તથા ફીશરીઝને પણ જાણ કરાઈ છે.

ગુજરાતના માછીમારોનું કહેવું છે કે મહારાષ્ટ્રની બોટ તેમના એરિયામાં લાઇન-ફીશિંગ કરતી હોવાથી તે વિસ્તારોમાં એક વર્ષમાં માછલીઓ ખતમ થઈ જાય છે અને તેમના માટે પછી કંઈ બાકી નથી રહેતું.

અત્રે નોંધવું કે ગુજરાત સરકારે આની રોકથામ મામલે વિધાનસભામાં વટહુકમ પસાર કરી રાખેલ છે. જેથી ગુજરાતના માછીમારોના અધિકારોનું રક્ષણ કરી શકાય.

પકડાયેલી બોટ

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

ઇમેજ કૅપ્શન, પકડાયેલી બોટ

તેમાં સબ-ઇન્સ્પેક્ટર રૅન્કના પોલીસ અધિકારીને બોટ જપ્તી તથા મામલતદાર કક્ષાના અધિકારીને માછલીઓ જપ્ત કરી હરાજી કરવાનો તથા પાંચ ગણો દંડ વસૂલવાની સત્તા છે.

સોમનાથ મરીન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. વાઘેલાએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું, “બોટને વેરાવળ બંદરે લંગારવામાં આવી છે. આગળની કાર્યવાહી ચાલુ છે. ગુજરાતની જળસીમામાં 18 બોટ્સ ગેરકાયદેસર રીતે માછીમારી કરી રહી હતી. અમે તેને જપ્ત લીધી છે અને મત્સ્યવિભાગ તથા અધિકારીઓને સોંપી છે. હવે તેઓ પગલાં લેશે.”

આ મામલે વેરાવળ બોટ ઍસોસિયેશનના પ્રમુખ તુલસી ગોહિલ અનુસાર મહારાષ્ટ્રમાં લાઇન-ફીશિંગ મામલેનો કાયદો ક્યારનો લાગુ થઈ ગયો હતો પરંતુ ગુજરાતમાં તે ગત વર્ષે જ લાગુ થયો છે.

ગોહિલ અનુસાર, “ઘણા માછીમારોએ મહારાષ્ટ્રમાં આવી જ રીતે લાખો રૂપિયાની પૅનલ્ટી ભરવી પડી છે. મહારાષ્ટ્રમાં તેમની બોટ બેથી ત્રણ મહિનાઓ માટે જપ્ત રહેતી. આ વખતે તંત્રએ સાવચેતી રાખીને બોટ પકડી લીધી છે.”

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો