You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Aryan Khan Case : આજે જામીન નહીં, અદાલતમાં આજે શું થયું?
કથિત ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન માટેની અરજી સંદર્ભે આજે મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે.
જસ્ટિસ નીતિન સાંબરેની ખંડપીઠ આ મામલે સુનાવણી કરી રહી છે.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમામે મુકુલ રોહતગીએ અદાલતમાં કહ્યું કે, "ક્રૂઝ પર આર્યન ખાન મહેમાન તરીકે હાજર હતા. તેમને પ્રતીક ગાબાએ આમંત્રણ આપ્યું હતું, જેઓ આયોજકસમાન છે."
"આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટને પ્રતીકે જ આમંત્રણ આપ્યું હતું. તેઓ બંને સાથે જ ક્રૂઝ ટર્મિનલ પર પહોંચ્યા હતા."
આર્યન ખાનની તરફેણમાં દલીલ કરતાં દાવો કરવામાં આવ્યો છે કે જે વૉટ્સઍપ ચૅટ તેમની વિરુદ્ધ રજૂ કરાઈ હતી, તે 12થી 14 મહિના જૂની છે.
આર્યનની તરફેણમાં દલીલ કરતાં રોહતગીએ કહ્યું કે, "(ડ્રગની) રિકવરી નથી થઈ અને સેવન નથી થયું, હું કહું છું કે (આર્યન ખાનની) ખોટી ધરપકડ થઈ છે."
સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આર્યન ખાનની જામીનઅરજીનો વિરોધ કર્યો છે.
એનસીબીએ સોગંદનામું રજૂ કરતાં કહ્યું છે કે, "આંતરરાષ્ટ્રીય ડ્રગરૅકેટ ચાલી રહ્યું છે અને તેને ઉકેલવા માટે ઍજન્સીને સમય જોઈએ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જો જામીન આપવામાં આવશે તો આર્યન તપાસને અસર કરી શકે છે, પુરાવાઓને હાનિ પહોંચાડી શકે છે અને સાક્ષીઓને પણ તોડી શકે છે."
સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા પ્રમાણે એનસીબીએ હાઈકોર્ટમાં કહ્યું છે કે, "આર્યન ખાન ન માત્ર ડ્રગનું સેવન કરનાર છે, તે ડ્રગની તસ્કરીમાં સામેલ છે અને સાક્ષીઓ સાથે પણ ચેડાં કર્યાં છે."
અગાઉની સુનાવણીમાં શું થયું હતું?
આ અગાઉ 20 ઑક્ટોબરે અંગે એનડીપીએસ સ્પેશિયલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં આર્યન ખાનની જામીનની અરજી નામંજૂર થઈ હતી.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે સુનાવણી દરમિયાન મુંબઈ એનસીબીએ અદાલતમાં આર્યન ખાનની વૉટ્સઍપ ચૅટ રજૂ કરી છે.
એનસીબીનું કહેવું છે કે પોલીસને ડ્રગ અંગે વૉટ્સઍપ ચૅટ મળી છે, જે કથિત રીતે આર્યન ખાન અને નવોદિત અભિનેત્રી વચ્ચેની હતી.
બીજી ઑક્ટોબરે અડધી રાતે શું થયું?
મુંબઈના ડ્રગ કંટ્રોલ સ્ક્વૉડે શનિવાર અડધી રાત્રે એક મોટું ઑપરેશન શરૂ કર્યું.
મહારાષ્ટ્ર ટાઇમ્સના રિપોર્ટ મુજબ સમુદ્ર વચ્ચે એક ક્રૂઝ શિપ પર કથિત રીતે ડ્રગ પાર્ટી ચાલી રહી હતી. ત્યાં દરોડો પાડવામાં આવ્યો અને એનસીબીએ દસ લોકોની અટકાયત કરી હતી.
પોલીસને સૂચના મળી હતી કે પાર્ટી મુંબઈથી ગોવા જઈ રહેલા એક ક્રૂઝ શિપ પર ચાલી રહી હતી.
એટલે એનસીબીની ટીમે એક ડ્રગ લેવાનું શરૂ થયું ત્યાર બાદ બધાને પકડ્યા. શનિવારે રવાના થયેલા આ ક્રૂઝને સોમવારે મુંબઈ પાછું આવવાનું હતું.
આ ક્રૂઝ શિપ મુંબઈથી ગોવા જઈ રહ્યું હતું. એનસીબીના અધિકારીઓ સાદાં કપડાંમાં પર્યટક તરીકે ક્રૂઝ શિપમાં પહોંચી ગયા હતા. ક્રૂઝ શિપે જ્યારે સમુદ્રમાં સફર શરૂ કરી ત્યારે પાર્ટી શરૂ થઈ અને બધા આરોપીઓ રંગેહાથે પકડાયા.
કેટલાક મીડિયા અહેવાલ મુજબ ક્રૂઝ શિપ થોડા દિવસો પહેલાં જ શરૂ થયું હતું અને તેના પર યોજાતી પાર્ટીની ટિકિટ 80 હજાર રૂપિયા હતી.
આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે
આર્યન ખાનનો કથિત ડ્રગ કેસ ચર્ચામાં રહ્યો છે, સાથે જ આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે પણ ચર્ચામાં આવ્યા છે.
માનશિંદે સંજય દત્તથી લઈને સલમાન ખાન સહિતના સેલિબ્રિટીના કેસ લડી ચૂક્યા છે.
સતીશ માનશિંદે મૂળ કર્ણાટકના છે અને મુંબઈમાં વકીલાત કરે છે. તેમણે રાજકારણી, અભિનેતા-અભિનેત્રી અને અન્ય સેલિબ્રિટીઝ સહિતનાના કેટલાક હાઈ-પ્રોફાઇલ કેસ લડ્યા છે.
1993ના મુંબઈ બ્લાસ્ટ કેસ મામલે તેઓ સંજય દત્તનો કેસ લડ્યા હતા, તેમણે એ સમયે સંજય દત્તને પણ જામીન અપાવ્યા હતા.
વર્ષ 2007માં આર્મ્સ ઍક્ટ હેઠળ ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં પણ સંજય દત્તના બચાવપક્ષની ટીમમાં તેઓ સામેલ હતા.
દેશભરમાં ચર્ચાનો મુદ્દો બનેલા 2002ના સલમાનના ડ્રિંક ઍન્ડ ડ્રાઇવ કેસમાં પણ તેમણે સલમાન ખાનને જામીન અપાવ્યા હતા. ત્યાર બાદ કોર્ટે સલમાન ખાનને નિર્દોષ છોડી મૂક્યા હતા.
1998ના કાળિયારશિકાર કેસમાં પણ તેઓ સલમાન ખાન તરફથી બચાવપક્ષના વકીલ તરીકે કેસ લડ્યા હતા.
સૅલ્ફી લેનાર કિરણ ગોસાવી વિરુદ્ધ ફરિયાદ અને ફરાર
આર્યન ખાન સાથેની સેલ્ફી બાદ ચર્ચામાં આવેલા એનસીબીના સાક્ષી કિરણ ગોસાવી વિરુદ્ધ પાલઘરમાં પોલીસફરિયાદ નોંધાઈ છે.
ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે કિરણ ગોસાવી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તેમની પર આરોપ છે કે તેમણે પાલઘરના બે યુવકો સાથે વિદેશમાં નોકરી અપાવવાના બહાને ત્રણ વર્ષ પહેલાં છેતરપિંડી કરી હતી.
ડ્રગ કેસમાં આર્યન ખાનની એનસીબી દ્વારા અટકાયત થઈ એ વખતે સૅલ્ફી લેનાર વ્યક્તિ કિરણ ગોસાવી છે, તેઓ પ્રાઇવેટ ડિટેક્ટિવ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો