ચીન: એવું તો શું થયું કે મહાકાય અર્થતંત્રની વિકાસની ગાડી અટકી પડી?

    • લેેખક, કેટી સિલ્વર
    • પદ, બિઝનેસ રિપોર્ટર

ચીનના અર્થતંત્રનો જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં ગયા વર્ષની સરખામણીએ 4.9%નો વિકાસ થયો છે. પરંતુ આ વિકાસની ગતિ આ વર્ષની સૌથી ઓછી છે અને વિશ્લેષકોના અનુમાનથી ઊલટી સ્થિતિ આવીને ઊભી રહી છે.

ગયા વર્ષના આ જ ક્વાર્ટર કરતાં વિકાસદર ઘણો ઓછો છે, જે ગયા વર્ષે 8% હતો. તેના કારણે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે અર્થતંત્રને ફરીથી પાટે ચડાવવામાં મુશ્કેલી આવી શકે છે.

આ માટે વીજ ઉત્પાદનમાં કાપ, કોરોનાના કેસમાં ફરીથી થયેલો વધારો અને ચીનના ઘણા ઉદ્યોગો પર કડક નિયમો લાગુ કરવામાં આવ્યા તે બધાને આ સ્થિતિ માટે જવાબદાર ગણવામાં આવે છે.

એક વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર આ સ્થિતિને કારણે વર્ષના બાકીના મહિનાઓમાં પણ વિકાસની ગતિ ધીમી પડી શકે છે અને તેને નજરઅંદાજ કરી શકાય નહીં.

હાલના મહિનાઓમાં દુનિયાના સૌથી મોટા બીજા નંબરના ચીનના અર્થતંત્ર સામે ઘણા પડકારો આવ્યા છે.

વીજળીની અછત

સૌપ્રથમ વાત કરીએ વીજ ઉત્પાદનની તો દુનિયાભરમાં કાચા માલના ભાવમાં વધારો થયો તેની અસર પડી છે.

બીજિંગ તરફથી પ્રાંતીય સરકારોને કાર્બન ઉત્સર્જન રોકવા માટે દબાણ થઈ રહ્યું છે તે સમયે વીજ ઉત્પાદન ઘટી રહ્યું છે. ચીનનું લક્ષ્ય છે કે 2060 સુધીમાં પોતાને કાર્બન ન્યૂટ્રલ દેશ બનાવવો.

ચીનના ઘણા પ્રાંતોમાં વીજકાપ મુકાયો છે અને તેના કારણે ઘરો તથા ફેક્ટરીઓમાં વીજળી ગુલ થવા લાગી છે.

સાથે જ યોગાનુયોગ એ સર્જાયો છે કે સૌથી વધુ કોલસો ઉત્પાદન કરનારા ચીનના પ્રાંતમાં પૂર આવ્યું છે. શાનશી પ્રાંત ચીનના કુલ કોલસા ઉત્પાદનમાં 30%નો ફાળો ધરાવે છે.

ભારે વરસાદને કારણે કોલસાના ભાવો વધી ગયા છે અને સરકારે ઉત્પાદનક્ષમતામાં કાપ મૂકવો પડ્યો છે.

વીજકાપને કારણે દેશના ઘણા ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ઉત્પાદન માટે વીજળી પર આધારિત ઉદ્યોગો મુશ્કેલીમાં છે. સિમેન્ટ, સ્ટીલ અને ઍલ્યુમિનિયમ ઉત્પાદનના ઉદ્યોગોનો સમાવેશ તેમાં થાય છે.

ચીનના 'ફેક્ટરી ગેટ'ના (ઉત્પાદન કંપનીઓ જથ્થાબંધ વિક્રેતાઓ પાસેથી વસૂલે તે દામ) ભાવો છેલ્લાં 25 વર્ષમાં સૌથી ઝડપથી ઊંચા ગયા છે.

કૅપિટલ ઇકૉનૉમિક્સના ચીનની બાબતોના જાણકાર અર્થશાસ્ત્રી જુલિયન એવન્સ-પ્રિચાર્ડ કહે છે કે કોલસાના ભાવો વધ્યા તેના કારણે 'ઉદ્યોગમાં જોવા મળેલો ઘટાડો બહુ ઊંડો દેખાઈ રહ્યો છે.'

મિલકતોની બજાર પણ મુશ્કેલીમાં

આવી સ્થિતિ એવા સમયે પેદા થઈ છે, જ્યારે ચીનના પ્રોપર્ટી સેક્ટરમાં પોતાના પરનું દેવું હવે આનાથી ના વધે તે માટે ભારે દબાણ આવ્યું છે.

તાજું ઉદાહરણ ચીનના એવરગ્રાન્ડે ગ્રૂપનું છે, જેના પર 300 અબજ ડૉલરથી વધુનું દેવું છે અને આ કંપની દેવાળું કાઢવાની અણી પર છે.

એક બીજી રિયલ એસ્ટેટ કંપની ફેન્ટેસિયાએ તો પોતાને દેવાળિયા જાહેર પણ કરી દીધી છે. સિનિક હૉલ્ડિંગ કંપનીને પણ ચેતવણી મળી છે કે તે પોતાની સ્થિતિ સુધારે.

ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના યૂ સૂ કહે છે, "પ્રોપર્ટી સેક્ટરમાં બાંધકામના કૉન્ટ્રેક્ટમાં ધીમો વધારો, બિલ્ડિંગ મટીરિયલ્સ અને ઘરની સજાવટના સામાનની માગમાં પણ ઘટાડો જેવી અસરો થઈ શકે છે."

આવી સ્થિતિ છતાંય ચીનની કેન્દ્રીય બૅન્કે આખરે ગયા અઠવાડિયાના અંતે પોતાનું નિવેદન આપ્યું, તેમાં એવું જણાવ્યું હતું કે આ સમસ્યા બહુ ગંભીર નથી.

પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાના ડિરેક્ટર સો લેને જણાવ્યું કે એવરગ્રાન્ડેનું 'નાણાકીય દેવું તેના કુલ દેવાના એક તૃતીયાંશથી પણ ઓછું છે અને તેના કરજદાર અલગઅલગ પ્રકારના છે."

"કોઈ એક નાણાકીય સંસ્થા એવરગ્રાન્ડેના કારણે જોખમમાં આવી જાય તેવું નથી. આર્થિક ક્ષેત્ર આવનારા જોખમને નિયંત્રણમાં રાખી શકાય તેમ છે."

આગળ શું થઈ શકે છે?

સિંગાપુરની યુનાઇટેડ ઓવરસીઝ બૅન્કના અર્થશાસ્ત્રી વોઈ ચેન હો કહે છે કે વીજસંકટ અને પ્રોપર્ટી સેક્ટરને ફટકો પડે તેની અસર એ થશે કે આ વખતે બૅન્ક ચીનના વિકાસદરને ઓછો આંકે તેવું બની શકે છે.

"અમે વિચાર્યું હતું કે વિકાસદર નીચે જશે, તેનાથી પણ ઘણો નીચે ગયો છે. મને લાગે છે કે ચોથા ક્વાર્ટરમાં વિકાસદર વધારે ઓછો થશે, કેમ કે વીજળીની અછતની અસર દેખાશે."

બીજી બાજુ ગેમિંગ અને એજ્યુકેશનના સેક્ટરની જંગી ટેકનિકલ કંપનીઓને સામાજિક પરિવર્તનના ઉદ્દેશ સાથે લાદવામાં આવેલા નિયમોની અસર થઈ રહી છે અને તેના કારણે ઘણી મુશ્કેલીનો સામે આવીને ઊભી છે.

ચીન સરકારે તેની આગામી પંચવર્ષીય યોજના જાહેર કરી છે તેના પરથી ખ્યાલ આવે છે કે આ કંપનીઓ પર આગળ પણ વધારે કડક કાર્યવાહી થઈ શકે છે.

જે. પી. મોર્ગન ઍસેટ મૅનેજમૅન્ટના કે ચાઓપિંગ સૂના જણાવ્યા અનુસાર આ બધા સુધારાનું લક્ષ્ય લાંબા ગાળાના વિકાસ માટે છે, પણ તેના કારણે હાલમાં સ્થાનિક માગ અને રોકાણ પર તેની અસરો દેખાઈ રહી છે.

તેઓ કહે છે, "જુલાઈથી નવી નીતિઓ લાગુ કરવામાં આવી છે ત્યારે તેના કારણે ટૂંકા ગાળે થનારી અસરોને ટાળવી અસંભવ લાગતી હતી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો