જ્યારે રાજશેખર રેડ્ડીને લઈને ઊડેલું હેલિકૉપ્ટર પચ્ચીસ કલાક ગુમ થયું અને દેશમાં અફરાતફરી મચી

    • લેેખક, બીએસએન મલ્લેશ્વર રાવ
    • પદ, બીબીસી તેલુગુ સંવાદદાતા

આ 2009ની વાત છે; તે દિવસ બીજી સપ્ટેમ્બરનો હતો અને બુધવાર હતો.

આમ તો જ્યારે આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી હૈદરાબાદમાં ન હોય ત્યારે સી બ્લૉકમાં ખળભળાટ નહોતો મચતો, પરંતુ તે દિવસે 11 વાગ્યા પછી ચારેકોર અફરાતફરીનો માહોલ બની ગયો હતો.

તત્કાલીન મુખ્ય મંત્રી વાયએસ રાજશેખર રેડ્ડી સવારે આઠ વાગ્યા ને આડત્રીસ મિનિટે બેગમપટથી હેલિકૉપ્ટરમાં રવાના થઈ ગયા હતા, એમણે ચિત્તુર જિલ્લાના એક કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. નક્કી થયા મુજબ સાડા દસ સુધીમાં તો તેમણે ત્યાં પહોંચી જવું જોઈતું હતું, પણ કોઈ કારણે તેઓ પહોંચ્યા નહોતા.

દરમિયાન ઇલેક્ટ્રોનિક મીડિયા પર એવા સમાચાર પ્રસારિત થવા લાગ્યા કે એમના હેલિકૉપ્ટર સાથેનો એટીસીનો સંપર્ક તૂટી ગયો છે અને એમનું હેલિકૉપ્ટર ક્યાં છે તેની કશી માહિતી મળતી નથી. પણ થોડી જ વારમાં સાક્ષી સમૂહની ચૅનલ સહિતની કેટલીક ચૅનલો પર એ સમાચાર વહેતા થયા કે મુખ્ય મંત્રી સંપૂર્ણ સલામત છે અને ધોરીમાર્ગે ચિત્તુર જઈ રહ્યા છે.

ત્યાં સુધીમાં તો રાજ્યના ગૃહમંત્રી સબિતા ઇંદ્રા રેડ્ડી, નાણામંત્રી રોશૈય્યા અને બીજા કેટલાક વરિષ્ઠ મંત્રી અને રાજ્યના મુખ્ય સચિવ રમાકાન્ત રેડ્ડી સચિવાલયમાં પહોંચી ગયા હતા. આ બધા જ ઉત્સુકતાથી મુખ્ય મંત્રી કાર્યાલય પર મળનારી માહિતીની રાહ જોઈ રહ્યા હતા.

આ અફરાતફરી દરમિયાન સચિવાલય પહોંચેલા પત્રકારોમાં અંદરોઅંદર અફવા ફેલાવા લાગી હતી. કેમ કે, હેલિકૉપ્ટર સાથેનો એટીસીનો સંપર્ક નલ્લામલ્લા વનવિસ્તારમાં તૂટ્યો હતો. તો કોઈએ કહ્યું હતું કે, આ વિસ્તાર તો માઓવાદીઓના કબજામાં છે; તો શું મુખ્ય મંત્રીનું અપહરણ થઈ ગયું? આ અફવા પણ ફેલાવા લાગી હતી.

બીજી તરફ સરકાર તરફથી બપોર થતાં સુધીમાં એક જાહેરાત કરવામાં આવી. જાહેરાત એવી કરાઈ કે, હેલિકૉપ્ટર ગુમ છે અને મુખ્ય મંત્રી ક્યાં છે તે વિશે જાણકારી નથી મળી. એમને શોધવાના પ્રયત્નો ચાલુ છે. હેલિકૉપ્ટરમાં મુખ્ય મંત્રી ઉપરાંત મુખ્ય મંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ સુબ્રમણ્યમ્ અને મુખ્ય સલામતી અધિકારી એએસસી વેસ્લે પણ હતા.

શોધખોળ શરૂ કરી દેવાઈ

હેલિકૉપ્ટર સાથે મુખ્ય મંત્રીના ગુમ થઈ જવાની ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. કેન્દ્ર સરકારે પણ ઍલર્ટ જાહેર કરી દીધું. રાજ્ય સરકારે છ જિલ્લામાં ઍલર્ટ જાહેર કરીને શોધખોળ અભિયાન માટેના તમામ પ્રયાસો શરૂ કરી દીધા.

રાજ્યની પોલીસ અને કેન્દ્ર સરકારની જાસૂસી સંસ્થાઓએ કહ્યું કે, પોલીસ, સીઆરપીએફ અને ઍન્ટિ-નક્સલ પોલીસ ફોર્સને સાગમટે નલ્લામલ્લા જિલ્લાનાં જંગલોમાં મોકલવાં જોઈએ. સિકંદરાબાદ અને બૅંગલુરુથી સેનાનાં હેલિકૉપ્ટર મંગાવાયાં. આ ઉપરાંત જંગલ ઉપરથી તપાસ કરવા માટે થર્મલ ઇમેજિંગ સાથે સક્ષમ એવું સુખોઈ વિમાન પણ મોકલી દેવાયું. આ બધું થઈ રહ્યું હતું ત્યાં રાજ્યમાં કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ દેખાવો શરૂ કરી દીધા હતા.

પરંતુ મોસમ ખરાબ હોવાને લીધે હેલિકૉપ્ટરને મોકલી શકાતું નહોતું. પછી ફરી સરકાર તરફથી જણાવાયું કે ઇસરોના સૅટેલાઇટની મદદથી હેલિકૉપ્ટરની શોધ થઈ રહી છે.

હું એ દિવસે સવારથી જ સચિવાલયમાં મુખ્ય મંત્રી કાર્યાલયમાં હાજર હતો. સાંજે હું મારા અખબાર 'આંધ્રજ્યોતિ'ના કાર્યાલયે ગયો. રાત્રે આઠ વાગ્યે ખબર મળ્યા કે એબીએન ચૅનલની એક ટીમ નલ્લામલ્લાનાં જંગલોમાં જશે. મુખ્ય મંત્રી અંગે કોઈ જ માહિતી મળી નહોતી પરંતુ હેલિકૉપ્ટર વિશે એક જાણકારી પ્રાપ્ત થઈ હતી. હું એ ટીમનો એક સભ્ય હતો.

મારા બ્યૂરોચીફે મને કહ્યું કે, "તમે પ્રિન્ટમીડિયા રિપોર્ટર તરીકે નહીં, બલ્કે ટીવી ચૅનલના રિપોર્ટરરૂપે જાઓ છો."

મારી સાથે ટીમમાં ક્રાઇમ રિપોર્ટર સત્યાનારાયણ, રિપોર્ટર વામસી, ફોટોગ્રાફર નારાયણ, કૅમેરામૅન શ્રીનિવાસ અને અક્કી રામૂ પણ હતા. સત્યાનારાયણે મને કહ્યું કે નલ્લામલ્લામાં એકબે દિવસ રોકાવું પડે એવું થાય, તો તમે તમારાં કપડાં સાથે લઈ લેજો.

અમે બધા સવારના સાડા ત્રણ વાગ્યે આત્મકુરુ પહોંચ્યા. ત્યાંના આર ઍન્ડ બી ગેસ્ટ હાઉસમાં પહેલાંથી જ બીજા કેટલાક મીડિયાકર્મીઓ પોતપોતાની ડીએસએનજી વેન સાથે હાજર હતા. ત્યાંથી મેં અમારા સ્થાનિક રિપોર્ટર કોઠાચારીને ફોન કર્યો. એ હૈદરાબાદમાં સબ-એડિટર રહી ચૂક્યા હતા અને પછીથી કુરનૂલમાં સ્ટૉક રિપોર્ટર તરીકે કામ કરતા હતા. તેઓ આવ્યા અને અમને આત્મકુરુના પ્રેસ કૉન્ફરન્સ સેન્ટર ખાતે લઈ ગયા.

ક્યાંયથી કોઈ સમાચાર મળતા નહોતા

અમે હૅલિકોપ્ટર ગુમ થયા અંગે ચર્ચાઓ કરી અને અમે બે જૂથમાં વહેંચાઈ ગયા. સત્યાનારાયણ, વામસી, કોઠાચારી અને કૅમેરામૅન શ્રીનિવાસ એ જગ્યાએ રહ્યા જ્યાં કૃષ્ણા નદીમાં ઈંધણ વહેતું હોવાના સમાચાર મળ્યા હતા. હું, કુરનુલના બ્યૂરો ઇન્ચાર્જ સુબ્બારાવ, ફોટોગ્રાફર અજાનેયૂલૂ અને કૅમેરામૅન રામૂ ટાટા ઇન્ડિકામાં નલ્લામલ્લાનાં જંગલો બાજુ રવાના થયા.

અમે આત્મકુરુથી નાલાકાલૂવા સુધી ગયા અને ત્યાંથી નલ્લામલ્લા બાજુ આગળ વધ્યા. સ્થાનિક અને નેશનલ ટીવી ચૅનલના પત્રકારો ત્યાં પહેલેથી જ હાજર હતા. જંગલમાં છ કિલોમિટર જેટલા અંદર ગયા પછી માર્ગ પરના કીચડને કારણે કાર ચલાવવી મુશ્કેલ હતી. અમે અનુભવ્યું કે હવે કાર આગળ નહીં જઈ શકે ત્યારે અમે નીચે ઊતરીને પગપાળા જવાનું નક્કી કર્યું. બે-ત્રણ કિલોમિટર પગપાળા ચાલ્યા પછી અમને કેટલીક જીપ આવતી દેખાઈ. રાજ્ય સરકારના આહ્વાનને કારણે કૉંગ્રેસી કાર્યકરો પણ મુખ્ય મંત્રીની શોધ માટેના અભિયાનમાં જોડાયા હતા.

ગુંટૂરથી બે જીપ ભરીને કૉંગ્રેસના કાર્યકરો આવેલા. અમે એમની જીપમાં બેસીને ગાલેરુ નદી સુધી પહોંચ્યા. સુબ્બારાવે જણાવ્યું કે હવે નલ્લામલ્લામાં વાઘવાળો વિસ્તાર આવશે. ત્યાં ઓછામાં ઓછા 50 જેટલા મીડિયાકર્મીઓ ઉપસ્થિત હતા. એમના ઉપરાંત 50 બીજા કાર્યકરો અને ગ્રામજનો પણ હતા. અમને ના તો પોલીસ જોવા મળી અને ના તો શોધખોળ કરી રહેલા કહેવાતાં હેલિકૉપ્ટરના અવાજ સંભળાયા. કોઈ જ હલચલ જોવા ન મળતાં અમે એમ વિચાર્યું કે કદાચ મુખ્ય મંત્રીની ભાળ મળી ગઈ હશે. અમે જંગલમાં થોડા વધારે અંદર ગયા તો અમને હેલિકૉપ્ટરનો અવાજ સાંભળવા મળ્યો. એટલે એ સ્પષ્ટ થયું કે તપાસઅભિયાન ચાલુ જ છે.

સવારે આઠ વાગ્યે એડિટર શ્રીનિવાસનો ફોન આવ્યો. એમણે જણાવ્યું કે હવાઈદળના અધિકારીઓએ જણાવ્યું છે કે કુરનૂલ જિલ્લાના વેલુગોડની પહાડીઓ ઉપર એક હેલિકૉપ્ટર જોવા મળ્યું છે.

એ દરમિયાન જ ત્યાંથી કડપ્પાના મેયર રબીન્દ્રનાથ રેડ્ડી પોતાના સમર્થકો સાથે પસાર થઈ રહ્યા હતા. મેં એમની સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તેઓ વેલુગોડ તરફ જ જઈ રહ્યા છે. અમે એમની સાથે ગયા. સુબ્બારાવ એમની કારમાં બેઠા અને અમે અમારી કારમાં. ડ્રાઇવરે અમને પાણીની બૉટલ અને ટિફિન આપ્યાં. અમે એ બધું બૅગમાં મૂકી દીધું. થોડે આગળ જતાં અમને લાગ્યું કે અમે યોગ્ય દિશામાં જઈ રહ્યા છીએ.

રસ્તામાં અમને અનાપર્થીના ધારાસભ્ય સેશારેડ્ડી પણ મળ્યા. એમની સાથે રબીન્દ્રનાથ રેડ્ડી અને ઘણા બધા કાર્યકર્તાઓ હતા. અમે બધા વેલુગોડ તરફ આગળ વધી રહ્યા હતા ત્યાં એક ગ્રામજને જણાવ્યું કે આઠેક કિલોમિટર દૂર પહાડી આવશે, પણ ઘણું ચાલવા છતાં પહાડનો અણસાર નહોતો મળ્યો.

રસ્તામાં મેં ટિફિન ખોલ્યું. એમાં બે પડીકાં હતાં, એકમાં પૂરી અને બીજામાં ઇડલી. મેં ઇડલી લીધી. રામૂએ પણ નાસ્તો કર્યો. અમે બીજા સાથીદારો સાથે નાસ્તાની વહેંચણી કરી. અમે ચાલતાંચાલતાં જ નાસ્તો કર્યો અને પાણી પીધું જેથી અમારા શરીરમાં શક્તિનો સંચાર થયો.

અહીં સુધી આવતાંમાં બૂટ પહેરીને ચાલવામાં તકલીફ પડી હતી તેથી મેં થોડી વાર માટે મારા જોડાં કાઢી નાખ્યાં. એટલામાં કેટલાક બાઇકસવારો આવ્યા તો મેં એમને કૅમેરામૅન રામૂને થોડે આગળ સુધી લઈ જવા લિફ્ટ આપવા વિનંતી કરી. મને આશા જન્મેલી કે આવી રીતે કૅમેરામૅન પહેલાં પહોંચી જાય તો કમ સે કમ વિઝ્યુઅલ્સ તો મળે. પણ તેમણે રામૂને લિફ્ટ ન આપી. જોકે, કીચડવાળા એ માર્ગ પર બાઇક ચલાવવું અઘરું પડતું હશે, મને તો એ જ કારણ લાગ્યું.

અઘરી બની રહી હતી હેલિકૉપ્ટરની શોધખોળ

બરાબર છે કે અમે થાકી ગયા હતા. રામૂ અને હું પરસ્પર ઉત્સાહ વધારી રહ્યા હતા. હું તો દોડવા ઇચ્છતો હતો પણ એક તો સાથે બૅગ હતી અને બીજું જિન્સનું પૅન્ટ; આને લીધે તકલીફ પડતી હતી. ઉપરથી મેં ચામડાનો કોટ પહેરેલો. જો કે એ કોટને લીધે જ વરસાદથી રક્ષણ થયેલું. આવી હાલતમાં પણ અમે સેંક્ચુરી સુધી પહોંચી ગયા.

ત્યાં પહોંચતાં જ અમે જોયું કે કેટલાય મીડિયાકર્મીઓ સ્થાનિક કૉંગ્રેસી કાર્યકરોની સાથે ત્યાં હાજર હતા. અમને થયું કે હેલિકૉપ્ટર હશે, એટલે અમે પણ જલદી જલદી ત્યાં પહોંચી ગયા. પણ ત્યાં એવું કશું નહોતું. એ જ સમય અમારી ઉપરના આકાશમાં હૅલિકૉપ્ટરે ચક્કર લગાવ્યું. જંગલમાં હતા પણ એ હેલિકૉપ્ટરને લીધે અમે વિચાર્યું કે અમારે કઈ બાજુ જવાનું છે.

પરંતુ અમને ખબર નહોતી કે કઈ બાજુ જવાનું છે એટલા માટે અમે ત્યાં રોકાયા હતા. કુરનૂલ રેન્જના ડીઆઇજી પણ ત્યાં હાજર હતા. અમારી બીજી ટીમના કૅમેરામૅન શ્રીનિવાસ અને રિપોર્ટર વામસી પણ ત્યાં પહોંચી ગયેલા. મેયર રબીન્દ્રનાથે બે લોકોને આગળ જવા કહ્યું તો હું રામૂની સાથે આગળ વધી ગયો. બીજા કેટલાક મીડિયાકર્મી પણ હતા પણ કેટલેક દૂર ગયા પછી તેઓ પાછા વળી ગયા. 'સૂર્યા' પત્રિકાના એક સંવાદદાતા અમારી સાથે હતા અને અમે આગળ જઈ રહ્યા હતા.

હેલિકૉપ્ટર જે તરફ ગયું હતું એનો પીછો કરતાં કરતાં અમે આગળ ગયા તો ત્યાં એક પહાડ હતો. કેટલાક સ્થાનિક લોકો ત્યાં હતા. અમે એમની સાથે પહાડ ચડવા લાગ્યા. જ્યારે ત્યાં પહોંચ્યા તો હેલિકૉપ્ટર બીજા પહાડ બાજુ વળી ગયું. એ વખતે મને ગુસ્સો અને નિરાશા બંને લાગણી એકસાથે થઈ આવી.

અમે જંગલમાં ફસાઈ ગયા હતા

આ જગ્યાએ અમને એમ લાગ્યું કે નજીકમાં જ પાણીનો સ્રોત છે. આ વિસ્તાર વાઘ અભયારણ્ય તરીકે ઓળખાતો હતો અને સ્થાનિક લોકોએ જણાવ્યા મુજબ અહીં વાઘ ફરતા રહેતા હતા; એટલે બહુ બીક લાગતી હતી.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે જો તમે 15 કિલોમીટર જેટલું ચાલશો તો શ્રીસેલમ હાઈવે પહોંચી જવાશે અને પાછા જવા માટે પછી 30 કિલોમીટર ચાલવું પડશે. મેં શ્રીસેલમ હાઈવે બાજુ જવાનો નિશ્ચય કરી લીધો.

જોયું તો સેલફોનમાં સિગ્નલ મળતાં હતાં. મેં હૈદરાબાદ સિટીના બ્યૂરોચીફ શશિકાન્તને ફોન કર્યો. મેં એમને એટલા માટે ફોન કર્યો કેમ કે જો મને કંઈ હા-ના થઈ જાય તો તેઓ બનતી ત્વરાએ મદદ કરી શકે. મેં એમને જણાવ્યું કે અમે નલ્લામલ્લાનાં જંગલોમાં માર્ગ ભૂલ્યા છીએ અને મુખ્ય મંત્રીની જેમ અમે પણ ગુમ થઈ શકીએ છીએ.

જંગલમાં અમે ક્યાં કેટલે છીએ અને કઈ તરફ જઈ રહ્યા છીએ એની એમને જાણકારી આપી. એમણે અમને કહ્યું કે કેટલાય મીડિયાકર્મીઓ જંગલમાં ખોવાયાની અફવા ફેલાઈ છે. થોડીક વાતચીત થયા પછી સિગ્નલ મળતાં બંધ થઈ ગયાં.

થોડી વાર પછી મેં ફરીથી શશિકાન્તને ફોન જોડ્યો, એ જ સમયે સામેના પહાડ પર હેલિકૉપ્ટર ચક્કર મારતું દેખાયું. શશિકાન્તે હેલિકૉપ્ટરની નજીક જવાની સલાહ આપી. મને લાગતું હતું કે ત્યાં જવામાં કશો લાભ નહીં થાય, પણ શશિકાન્ત એમ માનતા હતા કે ત્યાં જઈને જોવું તો જોઈએ. પછી અમે ત્યાં જવાનો નિર્ણય કર્યો.

અમે એક પહાડ પર હતા, ત્યાંથી નીચે ઊતરી અમારે બીજા પહાડ પર ચઢવાનું હતું. અમારી પાસે ખાવા-પીવાનું કશું નહોતું. થોડુંક ચાલ્યા હોઈશું કે રસ્તામાં અમને સાક્ષી સમૂહના ગંટૂરના પત્રકાર મળ્યા. અમે એકબીજાની પૂછપરછ કરી કે ગ્રામીણોએ આપણને સાચો રસ્તો બતાવ્યો છે કે કેમ? જો કે અમે આ વાતચીત ચાલતાં ચાલતાં જ કરી, કેમ કે અમારે હેલિકૉપ્ટર જ્યાં ચક્કર મારતું હતું ત્યાં પહોંચવું હતું. થોડેક આગળ વધ્યા હોઈશું ત્યાં તો હેલિકૉપ્ટર પાછું વળી ગયું!

અમે જ્યાં ઊભા હતા ત્યાં જ બેસી ગયા. ઊભા રહેવાની તાકાત જ નહોતી બચી. રસ્તો કીચડભર્યો લપસણો હતો. જો કે વરસાદમાં ભીંજાયેલાં કપડાં હવે સુકાઈ જવા આવ્યાં હતાં. કોઈ પણ પહાડ પર ચઢવા કરવા માટે લગભગ 20થી 30 કિલોમીટર ચાલવું પડતું હતું. ઓછામાં ઓછું બે વાર ચઢવું-ઊતરવું પડે છે. અમે રસ્તા પર ચાલવાની સ્થિતિમાં પણ નહોતા, ફોન પર સિગ્નલ નહોતા અને અધૂરામાં પૂરું પેલી ચેતવણી પણ મગજમાં ઘૂમરીઓ લેતી હતી કે આ વિસ્તાર વાઘનો છે એટલે ચેતીને ચાલજો. એટલામાં હેલિકૉપ્ટર એક જગ્યાએ સ્થિર થઈ ગયેલું દેખાયું. અમને આશાનું કિરણ દેખાયું અને અમને લાગ્યું અમારે દોડીને ત્યાં પહોંચી જવું જોઈએ. અને અમે દોડ્યા.

અમારામાં ચાલવાની પણ શક્તિ નહોતી અને અમે દોડવાની કોશિશ કરતા હતા. અમે એક પહાડ પરથી ઊતરી બીજા પર ચઢવાનો પ્રયત્ન કરતા હતા. જ્યારે અમે ચઢાણ કર્યું તો જોયું કે રાહત અને બચાવ ટુકડીના કર્મીઓ કામ કરે છે. તરત જ અમારી નજર ભાંગેલાતૂટેલા હેલિકૉપ્ટર પર પડી.

હેલિકૉપ્ટર મળી ગયું ત્યારે...

અમે એકદમ ત્યાં નજીક પહોંચી ગયા હતા જ્યાં હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એ પહાડની ટોચ હતી. પહાડને ટકરાવાથી હેલિકૉપ્ટરના ટુકડા થઈ ગયા હતા અને અહીંતહીં વેરાઈને પડ્યા હતા. પાછળનો ભાગ એક જગ્યાએ હતો, પાંખો બીજી જગ્યાએ અને એન્જિનવાળો ભાગ ત્રીજા જગ્યાએ પડ્યો હતો. બધા ટુકડા વેરવિખેર પડ્યા હતા. એન્જિન બળી ગયું હતું. સીએમ વાયએસ રાજશેખર રેડ્ડીનો મૃતદેહ એન્જિનની પાસે પડ્યો હતો. માથા પરના ઓછા વાળના લીધે એમને ઓળખી શકાયા હતા.

રાહતકર્મીઓએ જણાવ્યું કે પાઇલટનો મૃતદેહ હજી પણ સીટ પર જ છે, બીજા પાઇલટનું માથું મળ્યું હતું. સુરક્ષા અધિકારીની ઓળખ એની બંદૂકને કારણે થઈ શકી. હું આ બધું સેલફોન પર રેકૉર્ડ કરી રહ્યો હતો.

બધાના મૃતદેહ વિરવિખેર પડ્યા હતા. શરીરનાં અંગોને એકઠાં કરાઈ રહ્યાં હતાં. કેટલાંક અંગો તો બળેલી હાલતમાં મળ્યાં કેમ કે હેલિકૉપ્ટરમાં આગ લાગી ગઈ હતી. પછી એવી માહિતી મળી કે વરસાદને કારણે હેલિકૉપ્ટરને લાગેલી આગ ઓલવાઈ જવાથી હેલિકૉપ્ટર પૂરેપૂરું સળગી ગયું નહોતું. એ વિસ્તારમાં દૂર સુધી દુર્ગંધ પ્રસરેલી હતી.

મૃતદેહોનાં છૂટાં પડેલાં અંગોને કાળા રંગની અલગ અલગ પોલિથિન બૅગમાં પૅક કરાતાં હતાં. એ પૅકેટને પછી સફેદ કપડામાં બાંધવામાં આવતાં હતાં અને એક દોરડાની મદદથી હવામાં સ્થિર હેલિકૉપ્ટરમાં મોકલાતાં હતાં.

મારા અંદાજ મુજબ એ બધો કાટમાળ લગભગ પાંચ એકરમાં વેરાયેલો પડ્યો હતો અને એ વિસ્તાર અનેક પહાડી ટૂકોથી ઘેરાયેલો હતો. રાહત અને બચાવકર્મીઓને એ બધું ભેગું કરવામાં ખૂબ જ તકલીફ પડતી હતી.

પરંતુ ગજબની વાત એ હતી કે સેલફોન પર સિગ્નલ બરાબર મળતા હતા. એડિટર શ્રીનિવાસે બપોરના દોઢ વાગ્યા આસપાસ ફોન કર્યો. હેલિકૉપ્ટરનો ખૂબ અવાજ આવતો હતો તો પણ મેં એમને ત્યાંની સ્થિતિનો અહેવાલ આપી દીધો.

શશિકાન્તનો પણ ફોન આવ્યો. એ પછી સળગેલા હેલિકૉપ્ટરના એન્જિન બાજુ ગયો અને ત્યાંથી મારો પહેલો પીટૂસી રેકૉર્ડ કર્યો, પછી બચાવકર્મીઓની સાથે એક પીટૂસી રેકૉર્ડ કર્યો, ત્યાં સુધીમાં તો અધિકારીઓએ એ જગ્યાને ખાલી કરી દેવાના હુકમો કરી દીધા હતા.

એક બાજુ પર ઊભા રહીને મેં ઑપરેશન ઇન્ચાર્જ રાજીવ ત્રિવેદી સાથે વાતચીત કરી. એમની સાથે વાત કરતો હતો ત્યારે જોરદાર વરસાદ પડવા લાગ્યો હતો. એમની સાથે વાત કરતી વખતે હું એમ વિચારતો હતો કે હું જ સૌથી પહેલો અહીં પહોંચ્યો છું પણ એમણે જણાવ્યું કે અહીંયાં સૌથી પહેલાં એચએમટીવીનો કૅમેરામૅન પહોંચ્યો હતો. અમારા પછી ટીવી5ની ટીમ પણ આવી ગઈ હતી.

શોટ્સ અને બાઇટ્સ લેતાં લેતાં બપોરના અઢી વાગી ગયા હતા. વરસાદ પણ ધોધમાર હતો એટલે અમારા કૅમેરા બચાવવા અમારે ત્યાંથી જલદી નીકળી જવું પડ્યું.

રાજીવ ત્રિવેદી પણ અમારી સાથે જ નીચે ઊતરી ગયા. જ્યારે અમે ઊતરી રહ્યા હતા ત્યારે અમે કેટલાક રિપોર્ટરોને ઉપર ચઢતા જોયા. કેટલાક મીડિયામાં એવા સમાચાર છપાયા કે પિજન હિલમાં હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાને કારણે રાજશેખર રેડ્ડીનું મૃત્યુ થયું. પરંતુ ખરી હકીકત તો એ છે કે, એમનું મૃત્યુ પિજન હિલની સામેના પહાડ પર થયું હતું જેને સ્થાનિક લોકો પસુરુતલા હિલ કહે છે.

હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત કેવી રીતે થયું હતું?

મુખ્ય મંત્રી અમૂમન અગસ્તા હેલિકૉપ્ટરનો ઉપયોગ કરે છે પણ રાજશેખર રેડ્ડી જે હેલિકૉપ્ટરમાં હતા એ બેલ-430 હતું. શંકા એટલા માટે થઈ કે, ઘણા લોકોએ એમ કહ્યું કે તેઓ કાવતરાનો ભોગ બન્યા છે.

સરકારે ડીજીસીએની ટૅકનિકલ ટીમ બનાવીને આ અકસ્માતની તપાસ કરાવી.

આર કે ત્યાગીની અધ્યાક્ષતાવાળી આ કમિટીએ 139 પાનાંનો રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં એમ તારણ કાઢ્યું કે, ગિયરબોક્ષમાં તકનીકી નુકસાન થયું હતું, જેને રિપૅર કરવાના પ્રયત્નમાં પાઇલટે હેલિકૉપ્ટર પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું. આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું કે આ હેલિકૉપ્ટરની ઉડ્ડયન પહેલાં કરવી જોઈએ એટલી અને એવી તપાસ કરવામાં નહોતી આવી.

આ બનાવમાં મુખ્ય મંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીની સાથે સીએમઓના મુખ્ય સચિવ સુબ્રમણ્યમ્, મુખ્ય મંત્રીના મુખ્ય સુરક્ષા અધિકારી એએસસી વેસ્લે અને હેલિકૉપ્ટરના પાઇલટ એસ કે ભાટિયા, સહ-પાઇલટ એમ સત્યાનારાયણ રેડ્ડીનાં મૃત્યુ થયાં હતાં.

ડીજીસીએના રિપોર્ટ અનુસાર બીજી સપ્ટેમ્બર 2009ના દિવસે સવારે નવ વાગ્યા ને સત્યાવીસ મિનિટ અને સત્તાવન સેકન્ડે કોકપિટ વૉઇસ રેકૉર્ડર કામ કરતું અટકી ગયું હતું. ગુરુવારે સવારે નવ વાગ્યા ને વીસ મિનિટે હવાઈદળે દુર્ઘટનાગ્રસ્ત હેલિકૉપ્ટર શોધી કાઢ્યું હતું.

મુખ્ય મંત્રીનું હેલિકૉપ્ટર ગુમ થયા પછીના 25 કલાક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે દિલ્હીથી એમના અવસાનની સત્તાવાર જાહેરાત કરી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો