જલિયાંવાલા બાગ નવીનીકરણ પ્રોજેક્ટમાં સામેલ અમદાવાદની કંપનીએ શું કહ્યું?

ભારતના ઇતિહાસમાં નોંઘાયેલા એક કાળા અધ્યાય સંબંધિત ઘટનાસ્થળ જલિયાંવાલા બાગના નવીનીકરણને લઈને કેન્દ્રની મોદી સરકારના વિરોધમાં સોશિયલ મીડિયા પર કેટલાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે, આ પ્રોજેક્ટમાં કામ કરનાર અમદાવાદની વામા કૉમ્યુનિકેશન કંપનીએ આ મામલે 'સરકારી એજન્સી કે મંત્રાલય' જવાબ આપવા અધિકૃત છે તેમ કહ્યું છે.

જલિયાંવાલા બાગમાં 102 વર્ષ પહેલાં જલિયાંવાલા બાગમાં ભેગા થયેલા 15000 લોકો પર બ્રિટિશ આર્મીએ ગોળીઓ વરસાવી હતી અને તેમાં અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. જોકે, મૃત્યુ પામનાર લોકોની ચોક્કસ સંખ્યા બાબતે ઇતિહાસકારો એકમત નથી.

ઇતિહાસકાર વીએન દત્તા અનુસાર મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 379 છે. જેબી થેમ્પસન અનુસાર 291 લોકો મૃત્યુ પામ્યાં હતા. જોકે એ પછી સેવા સમિતિએ ઘરે-ઘરે સરવે કરીને મૃત્યુ પામનાર લોકોનો આંકડો 530 કહ્યો હતો. એક મિટિંગમાં મદન મોહન માલવિયાએ મૃત્યુનો આંક 1000 નજીક ગણાવ્યો હતો. એ પછી વીએન દત્તાએ લોકો પર છોડવામાં આવેલી ગોળીઓ, લોકોની સંખ્યાને આધારે 700 લોકો મૃત્યુ પામ્યાં એમ કહ્યું હતું.

બ્રિટિશ સેનાના બ્રિગેડિયર જનરલ ડાયરે વૈશાખી પર શાંતિથી પ્રદર્શન કરી રહેલાં પુરુષો-મહિલાઓ પર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો હતો.

દરમિયાન મોદી સરકારની ટીકા એટલે થઈ રહી છે કેમ કે જલિયાંવાલા બાગ પરિસરનું નવીનીકરણ કરી તેમાં લાઇટ અને સાઉન્ડ પણ રાખવામાં આવ્યાં છે.

વિપક્ષ, ડાબેરી પક્ષો અને કેટલાક ઇતિહાસકારો તથા સોશિયલ મીડિયા યુઝર્સ સરકારના આ કામની ટીકા કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે મોદી સરકારે જલિયાંવાલા બાગના ઐતિહાસિક મહત્ત્વને ઓછું કરી નાખ્યું અને તેના પ્રત્યે એકદમ અસંવેદનશીલ અભિગમ દાખવ્યો છે.

જલિયાંવાલા બાગના નવીનીકરણ પ્રોજેક્ટમાં જે વિવાદ થઈ રહ્યો છે તેમાં નવીનીકરણ પ્રોજેક્ટમાં સામેલ આર્કિયૉલોજિકલ સરવે ઑફ ઇન્ડિયા અને એનબીસીસી તથા વામા કૉમ્યુનિકેશનની પણ લોકો ટીકા કરી રહ્યાં છે.

વામા કૉમ્યુનિકેશન ગુજરાતના અમદાવાદની કંપની છે અને તે અગાઉ ગાંધીનગરસ્થિત મહાત્મા મંદિરમાં આવેલું ગાંધી ટૂ મહાત્મા, રાજકોટનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ સહિત અનેક મોટાં સરકારી પ્રોજેક્ટમાં કામ કરી ચૂકી છે.

બ્રિટિશ સાંસદ પ્રીત કૌર ગિલે જલિયાંવાલાના ઇતિહાસ પર પુસ્તક લખનાર ઇતિહાસકામ કિમ. એ. વૈગનરનું ટ્વીટ રિટ્વીટ કરી લખ્યું કે, એ પણ નિસબતનો મામલો છે કે જલિયાંવાલા બાગનું રિનૉવેશન અમદાવાદસ્થિત વામા કૉમ્યુનિકેશન નામની કંપનીએ કર્યું છે. પંજાબના લોકોની અવગણના કરવામાં આવી અને શીખ ઇતિહાસ ભૂંસી દેવામાં આવ્યો.

જોકે, આ મામલે વામા કૉમ્યુનિકેશનની ટીકા કરવામાં બ્રિટિશ સાંસદ જ નથી.

જસ ઑબેરોય નામના યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, મેં ખણખોદ કરી તો ધાર્યું હતું એ જ મળ્યું. જલિયાંવાલા બાગનું ભદ્દુ નવીનીકરણ અમદાવાદની વામા કૉમ્યુનિકેશને કર્યું છે. આ કામ માટે 20 કરોડ ચૂકવવામાં આવ્યા. આ એ જ કંપની છે જને રાજકોટમાં ગાંધી મ્યુઝિયમ માટે 26 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.

આ મામલે વામા કૉમ્યુનિકેશનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યું હતું.

બીબીસી ગુજરાતીએ વિવાદ બાબતે તેમનો પક્ષ શું છે એ જાણવા અને નવીનીકરણ પ્રોજક્ટની વિગતો સમજવા માટે વામા કૉમ્યુનિકેશનના હેડ વંદના પરીખ સાથે વાત કરવાની કોશિશ કરી હતી.

જોકે, તેમણે આ મામલે મંત્રાલય અને એજન્સી સાથે વાત કરવાનું જણાવી ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

લાઇટ-સાઉન્ડ સાથેના નવીનીકરણનો લોકોએ કેમ વિરોધ કર્યો?

લાઇટ-સાઉન્ડ સાથેના નવીનીકરણને જલિયાંવાલા બાગના ઇતિહાસના અપમાન તરીકે ગણાવાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીએ પરિસરનું વર્ચ્યુયલ ઉદ્ધાટન કર્યું હતું અને કહ્યું હતું કે 'દેશનું કર્તવ્ય છે કે તે તેના ઇતિહાસની રક્ષા કરે.'

જોકે, આ સાથે જ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ સરકાર પર નવીનીકરણના નામે ઇતિહાસને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ લગાવાઈ રહ્યો છે કે રાજનેતાઓને ભાગ્યે જ આ ઇતિહાસની અનૂભૂતિ થાય છે.

ઇતિહાસકાર એસ. ઇરફાન હબીબે ટ્વિટ કર્યું કે 'આ સ્મારકોનું ખાનગીકરણ છે, જે આધુનિક સંરચનાના રૂપે પૂરું થાય છે અને વિરાસતના મૂલ્યને ગુમાવી દે છે.'

તેમણે લખ્યું, "સરકારનું ચાલે તો તે આવી જગ્યાઓને એક રિસૉર્ટ બનાવી દે તો એમાં નવાઈ નહીં. "

સિતારામ યેચુરીએ ઇરફાન હબીબનું ટ્વિટ રિ-ટ્વિટ કરી લખ્યું, "આપણા શહીદોનું આ અપમાન છે. જલિયાંવાલા બાગ જ્યાં હિંદુ, મુસ્લિમ, શીખ લોકો ભેગા થયા હતા તે આપણી સ્વતંત્રતા સંઘર્ષનો પુરાવો છે. દરેક ઈંટ બ્રિટિશ શાસનની ભયાનકતા દર્શાવે છે. જે લોકો સ્વતંત્રતાસંઘર્ષમાં નહોતા તેઓ જ તેની સાથે છેડછાડ કરી શકે છે."

દરમિયાન ઇતિહાસકાર કિમ. એ. વૈગનરે ટ્વિટ કર્યું કે, "આ સાંભળીને સ્તબ્ધ છું કે 1919ના અમૃતસર નરસંહારના સ્થળ એવા જલિયાંવાલા બાગને નવું સ્વરૂપ અપાયું છે. તેનો અર્થ એ છે કે ઘટનાનાં અંતિમ નિશાન અસરકારક રીતે હઠાવી દેવાયાં છે. મેં મારા પુસ્તકમાં સ્મારક વિશે લખ્યું છે, તે એક સ્થાનનું વર્ણન કર્યું છે. પણ હવે તે એક ઇતિહાસ બની ગયું છે."

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ જલિયાંવાલા બાગ સ્મારકમાં થયેલા પરિવર્તનને શહીદોનુ અપમાન ગણાવ્યુ છે.

આ વિષય પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યુ, "જલિયાંવાલા બાગના શહીદોનુ આવુ અપમાન તે જ કરી શકે છે જે શહાદતનો અર્થ જાણતા ના હોય."

રાહુલ ગાંધીએ કહ્યુ, "હુ એક શહીદનો પુત્ર છુ અને શહીદોનુ અપમાન કોઈ પણ કિંમતે સહન નહીં કરું. અમે આ અભદ્ર ક્રૂરતાના વિરૂદ્ધ છીએ."

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ જલિયાંવાલા બાગ સ્મારકસ્થળ પર વિકસિત કેટલીક મ્યુઝિયમ ગૅલેરીઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

કૅમ્પસમાં લાંબા સમયથી ઓછા ઉપયોગવાળી ઇમારતોનો અનુકૂળ ઉપયોગ માટે ચાર મ્યુઝિયમ ગૅલેરીઓ બનાવાઈ છે.

આ સાથે જ 13 એપ્રિલ 1919એ ઘટિત વિભિન્ન ઘટનાઓને દર્શાવવા માટે એક સાઉન્ડ ઍન્ડ લાઈટ શોની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વિશે કૉંગ્રેસ નેતા હસીબાએ કહ્યું કે, "જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં ઉજવણી જેવી શુ વાત છે, ત્યાં લાઈટ અને સાઉન્ડની જરૂર શું હોય?"

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર આ મામલે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. એકે લખ્યું કે આ એક ઐતિહાસિક અને સંવેદનશીલ સ્મારક છે. તેને 'બકાર્ડી વિકૅન્ડ' ફેસ્ટિવલ ન બનાવી દેવું જોઈએ.

આર્યા નામના યુઝરે નરેન્દ્ર મોદીને ટૅગ કરીને ટ્વિટર પર લખ્યું, "આ નરસંહારનું ઘટનાસ્થળ છે, કોઈ સપ્તાહની રજા માણવાનું સ્થળ નથી."

એમ. કે. ઝા નામના યુઝર લખે છે, "આપણી સ્વતંત્રતા ચળવળનો આ સૌથી ગોઝારો દિવસ હતો. તેને ઉત્સવનું કારણ ન બનાવો. પુરાતત્ત્વવિભાગ અને ભારત સરકાર પર શરમ આવે છે."

વળી એક યુસુફ અબ્દુલ્લાહ નામના યુઝરે લખ્યું, "આવી રીતે તો જનરલ ડાયરે પણ ઉજવણી ના કરી હોત."

જોકે બીજી તરફ કેટલાક યુઝરો મોદી સરકારના પગલાની તરફેણ કરી રહ્યા છે.

પ્રણવ મહાજાન નામના યુઝર જેઓ ખુદ એક પોલીસકર્મી છે. તેમણે લખ્યું, "આ સારું પગલું છે. સ્વતંત્રતાચળવળ અને શહીદોનું સન્માન થવું જોઈએ અને તેમની વીરગતિના આપણે ઋણી છીએ."

મિનેશ પટેલ નામના યુઝરે લખ્યું, "પહેલા ત્યાં જાઓ અને જુઓ,પછી તેનો વિરોધ કરો. પહેલા જુઓ કે લાઇટ અને સાઉન્ડ શેના માટે કરાયાં છે."

જલિયાંવાલા બાગ છેલ્લા દોઢ વર્ષથી બંધ હતો...

કોરોના અને નવીનીકરણને કારણે છેલ્લા દોઢ વર્ષથી બંધ જલિયાંવાલા બાગ શનિવારે સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પંજાબ સરકારે જલિયાંવાલા બાગ માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું વર્ચ્યુયલ ઉદ્ઘાટન કર્યું.

જોકે પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

તેમણે જલિયાંવાલા બાગના ઇતિહાસ વિશે માહિતી આપી. તેમણે પીએમને વિનંતી કરી હતી કે મહાન શહીદ ઉધમસિંહની પિસ્તોલ અને વ્યક્તિગત ડાયરી પરત લાવવા માટે બ્રિટિશ સરકાર સાથે વાતચીત કરવી જોઈએ.

તેમણે કહ્યું કે વડીલોના બલિદાનને યાદ રાખવું જોઈએ.

તદુપરાંત કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમનો વિરોધ કરવા માટે જલિયાંવાલા બાગ પહોંચેલા 'નૌજવાન ભારત સભા'નાં સભ્યો તથા અન્ય ખેડૂત જૂથોના પ્રતિનિધિઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

પોલીસે ત્રીસથી વધુ લોકોની અટકાયત પણ કરી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો