You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
KBCનો 7 કરોડનો એ સવાલ, જેનો જવાબ હિમાની ન આપી શક્યાં પણ તમે આપી શકશો?
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સમાં બ્રિટનનાં જાસૂસના રૂપમાં કામ કરતી વખતે નૂર ઇનાયતખાને આમાંથી કયા નામનો ઉપયોગ કર્યો હતો?
A-વેરા ઍટકિંસ, B- ક્રિસ્ટિના સ્કારબેક, C-જુલીઅન આઇસ્નર, D-જીન-મૅરી રિનિયર.
'કૌન બનેગા કરોડપતિ'ની 13મી આવૃત્તિના 31 ઑગસ્ટના રોજ પ્રસારિત થયેલા ઍપિસોડમાં એક કરોડ રૂપિયા માટેનો આ સવાલ હતો.
જેનો આગરાનાં હિમાની બુંદેલાએ સાચો જવાબ આપતાં તેઓ એક કરોડની ધનરાશી જીતી ગયા. 23 ઑગસ્ટે શરૂ થયેલા 'કૌન બનેગા કરોડપતિ'ની 13મી સિઝનનાં તેઓ પહેલાં કરોડપતિ બન્યાં છે.
ગૅમમાં તેમનો આ 15મો પ્રશ્ન હતો. તેનો જવાબ હતો D-જીન-મૅરી રિનિયર.
જોકે હિમાની 16મો પ્રશ્નનો જવાબ ન આપી શક્યાં અને તેમણે ગૅમ ત્યાં જ ક્વીટ કરી એટલે કે આગળ નહીં રમવાનો નિર્ણય કરી એક કરોડની ધનરાશી સાથે ગૅમ છોડી દીધી.
16મો પ્રશ્ન સાત કરોડ રૂપિયા માટેનો હતો. પણ તેઓ જવાબ ન આપી શક્યાં.
7 કરોડ માટેનો એ પ્રશ્ન
અને એ પ્રશ્ન હતો - ડૉ. બાબાસાહેબ આંબેડકરે પી.એચડી માટે જે થીસિસ સુપરત કર્યું હતું અને જેના માટે તેમને 1923માં ડૉક્ટરેટની પદવીથી સન્માનિત કરાયા હતા, તે થીસિસનું ટાઇટલ શું હતું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના ચાર વિકલ્પો હતા : A -ધ વૉન્ટ ઍન્ડ મીન્સ ઑફ ઇન્ડિયા , B- ધ પ્રોબ્લેમ ઑફ રૂપી, C-નેશનલ ડિવિડન્ડ ઑફ ઇન્ડિયા, D-ધ લૉ ઍન્ડ લૉયર.
હિમાની બુંદેલા આ પ્રશ્નનો જવાબ નહોતા આપી શક્યાં. જોકે ઍપિસોડ બાદ સોશિયલ મીડિયામાં હિમાની બુંદેલાના કરોડપિત બનવાની સાથેસાથે આ પ્રશ્નની પણ ઘણી ચર્ચાઓ થઈ.
અત્રે નોંધવું કે હિમાની બુંદેલા એક પ્રજ્ઞાચક્ષુ છે અને તેઓ ગણિતનાં શિક્ષિકા છે. તેમણે એક દુર્ઘટના બાદ પોતાની દૃષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. તેમની આંખોનાં ત્રણ ઑપરેશન થઈ ચૂક્યાં છે પણ તેમની દૃષ્ટિ પાછી આવી શકી નથી.
દૃષ્ટિ ન હોવા છતાં તેઓ 'ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ'માં ઝડપથી જવાબ આપવામાં સફળ થયાં અને અમિતાભ બચ્ચન સમક્ષ તેમણે ગૅમ શૉમાં કુલ 15 પ્રશ્નોના જવાબો આપ્યા.
સાચો જવાબ શું?
તેમને 16મા પ્રશ્નનો જવાબ આપવો હતો પરંતુ જવાબ ખોટો પડે તો તેઓ ફરીથી માત્ર 3,20,000ની રકમ પર આવી જાય એવી સ્થિતિ હોવાથી તેમણે જવાબ ન આપ્યો અને ગૅમ ત્યાંથી છોડી દીધી હતી.
હિમાની જીતેલી રકમથી દિવ્યાંગ બાળકો માટે એક તાલીમસંસ્થા ખોલવા માગે છે.
સાત કરોડના સવાલની વાત કરીએ તો તેમણે ગૅમ છોડી પછી તેમને માત્ર જાણકારી માટે ઉત્તર પૂછ્યો કે તમે કયો વિકલ્પ પસંદ કર્યો હોત તો હિમાનીએ કહ્યું કે તેમણે નેશનલ ડિવિડન્ડનો C વિકલ્પ કહ્યો હતો. જોકે તે વિકલ્પ ખોટો હતો. તેનો જવાબ નેશનલ ડિવિડન્ડ નહોતો.
તેનો સાચો જવાબ B હતો, 'ધ પ્રોબ્લેમ ઑફ ધી રૂપી.'
જીતેલી રકમનું શું કરશે?
અત્રે નોંધવું કે1923માં જ્યારે પહેલી વખત 'ધી પ્રોબ્લેમ ઑફ રૂપી' રિપોર્ટ પ્રકાશિત થયો, ત્યારે તેમાં બ્રિટિશ શાસનકાળમાં ચલણ મામલે સવાલ સર્જાયા તેની વાત થઈ હતી.
એ બાદ હિલ્ટન યંગ કમિશનની ભલામણને પગલે 'રિઝર્વ બૅન્ક ઇન્ડિયા'નો કૉન્સેપ્ટ લવાયો, જે આંબેડકરના માર્ગદર્શન અને વિચારણા સાથે સંબંધિત હતો.
હિમાનીએ એક કરોડ રૂપિયા જીત્યા બાદ કહ્યું, "હું કેટલી રકમ જીતી છું (કરકપાત બાદની નિશ્ચિત રકમ) એ જાહેર ન કરી શકું. મારે સમાવિષ્ટ કૉચિંગ ક્લાસ શરૂ કરવા છે. આપણે ત્યાં સમાવિષ્ટ યુનિવર્સિટી છે પરંતુ કૉચિંગ ક્લાસ નથી. આથી અહીં સામાન્ય અને દિવ્યાંગ બાળકો પણ કૉચિંગ લઈ શકશે."
"અમે તેમને યુપીએસસી, સીપીસીએસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ કરાવીશું. મેં પ્રજ્ઞાચક્ષુ બાળકોને માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તી મામલે પણ જાગૃત કરવાનું કામ શરૂ કર્યું છે. વળી લૉકડાઉનમાં મારા પિતાનો નાનો બિઝનેસ ઠપ થઈ ગયો તેને પણ ફરી શરૂ કરવો છે. જેથી તેમને સુરક્ષિત અનુભવ મળે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો