કોઈ માણસ જેલમાં જવા પોલીસ સ્ટેશનને આગ ચાંપવાની હદે કેવી રીતે જઈ શકે?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી

'આ તો બહુ કજિયાખોર છે, એમને તો જ્યાં સુધી ઝઘડો ન થાય ત્યાં સુધી ભોજન પચતું નથી. દિવસે એક ઝઘડો તો જોઈએ જ.' આવી વાતો તમે અમુક લોકો માટે અનેક વખત સાંભળી હશે.

આડોશપાડોશમાં કે પછી સંબંધીઓમાં આવી એકાદી વ્યક્તિ કદાચ તમે જોઈ પણ હશે અથવા તેની સાથે પનારો પણ પડ્યો હશે. નિષ્ણાતો આને એક ડિસઑર્ડર માને છે.

ગુજરાતમાં હાલમાં આવા જ આક્રમક સ્વભાવની એક વ્યક્તિ સમાચારમાં રહી. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી બજરંગ પોલીસ ચોકીના દરવાજાને એક વ્યક્તિએ પેટ્રોલ જેવો જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દીધો હતો.

આ વ્યક્તિનું નામ છે દેવજી ચાવડા અને ઉંમર છે 26 વર્ષ. પત્ની સાથે ઝઘડો થયો એટલે કંટાળીને તેઓ એવા સ્થળે જવા માગતા હતા જ્યાં કોઈ તેમને ઝઘડે નહીં.

દેવજી ચાવડા પ્રમાણે માત્ર જેલ જ એક એવી જગ્યા છે કે જ્યાં કોઈ એમની સાથે નહીં ઝઘડે એટલે તેમણે જેલમાં બંધ થવાનો રસ્તો શોધ્યો. તેમણે પોલીસ ચોકીના દરવાજાને સળગાવીને પોતાના માટે જેલ જવાનો રસ્તો ખોલી નાખ્યો.

જોકે આગનો વ્યાપ વધારે ન હતો એટલે તેમાં કોઈ મોટું નુકસાન થયું નથી કે કોઈને ઈજા થઈ નથી.

દેવજી ચાવડા આગ ચાંપ્યા બાદ ત્યાંને ત્યાં જ ઊભા રહી ગયા હતા અને પોલીસ તેમને ધરપકડ કરે તેની રાહ જોઈ રહ્યા હતા.

'આસપાસની દરેક વ્યક્તિ સાથે નિયમિત ઝઘડો'

પોલીસ માટે આમ તો આ ઘટના સામાન્ય છે, પરંતુ જ્યારે પોલીસે વધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વ્યક્તિ સ્વભાવે જ કજિયાળી અને ઝઘડાખોર છે અને તેમને માનસિક શાંતિની જરૂર છે.

બીબીસી ગુજરાતીએ આ વિશે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળા સાથે વાત કરી.

તેમને પોતે પણ આ ગુનાની વિગત જાણીને નવાઈ લાગી હતી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે "અમે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે એવી કોઈ વ્યક્તિ નથી જેની સાથે દેવજીભાઈનો ઝઘડો ના થયો હોય."

"એક બે દિવસથી કે મહિના-વર્ષથી નહીં, નાનપણથી જ તેઓ આવા સ્વભાવ સાથે જીવી રહ્યા છે, અને તેમના સંપર્કમાં આવતી લગભગ દરેક વ્યક્તિ સાથે કોઈ નાનકડી વાત માટે કે પછી કોઈ પણ વાત વગર ઝઘડો કરી નાંખે છે."

હાલમાં તો પોલીસે તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 426 અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી લીધી છે.

આ વિશે બીબીસીએ તપાસઅધિકારી પી. જે. ક્રિશ્ચિયન સાથે વાત કરી.

તેમણે જણાવ્યું, "પોલીસ તપાસમાં તેમણે કહ્યું કે તેઓ ઝઘડાઓથી કંટાળી ગયા છે. તેમને શાંતિ જોઈએ છે, અને તે માટે તેમને જેલમાં જવું છે. એટલા માટે જ તેમણે આ કૃત્ય કર્યું હતું."

પોલીસ આ મામલે હજી વધુ તપાસ કરીને દેવજીભાઈની માનસિક સ્થિતિ જાણશે.

વારંવાર ઝઘડવું એક માનસિક બીમારી છે?

જોકે, મનોવૈજ્ઞાનિકો પ્રમાણે દેવજીભાઈ જેવી વ્યકિતને સામાન્ય રીતે ઇમ્પલ્સિવ કંટ્રોલ ડિસ્ઑર્ડરની શ્રેણીમાં મૂકી શકાય.

આ પ્રકારની વ્યક્તિનું માનસ કંઈક વિચારે તે પહેલાં તેઓ ઍક્શન લઈ લેતી હોય છે. એટલે કે સામાન્ય ભાષામાં વિચાર્યા વગર કંઈ પણ કરી લેતી હોય છે.

વ્યક્તિની આ પ્રકારની મનોસ્થિતિ અંગે બીબીસી ગુજરાતીએ મનોચિકિત્સક હંસલ ભચેચ સાથે વાત કરી.

ડૉ. ભચેચે કહ્યું, "સામાન્ય રીતે બાળપણમાં પોતાની આસપાસ આ વ્યક્તિએ ખૂબ ગુસ્સો કરતા લોકો જોયા હશે, અને તેમને લાગ્યું હશે કે ગુસ્સો કરવાથી કામ થઈ જાય છે કે કોઈ પણ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય છે, માટે આવી વ્યક્તિ ગુસ્સો કરીને ઝઘડા મારફતે દરેક સમસ્યાનું સમાધાન લાવવા માટે તત્પર હોય છે."

"બીજું જો કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની હતાશા હોય, તો તેનું પરિણામ પણ નિયમિત ઝઘડો હોઈ શકે. કોઈ વ્યસની વ્યક્તિ પણ આવું કરતી હોય છે, જ્યારે માથામાં ઈજા થઈ હોય તો પણ આવું થઈ શકે છે."

યુએસ નેશનલ લાઇબ્રરી ઑફ મેડિસિન મુજબ ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઑર્ડર્સ દર્દીઓ માટે અને તેની આસપાસના લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને સામાજિક તથા વ્યાવસાયિક જીવનમાં અડચણો ઊભી કરી શકે છે.

આગળ કહેવામાં આવ્યું છે કે આ ડિસઑર્ડર્સને કારણે આમ તો એક સામાન્ય માનસિક સ્થિતિ છે છતાં સામાન્ય લોકો, ચિકિત્સકો અને ડિસઑર્ડર્સથી પીડાતી વ્યક્તિમાં આને લઈને બહુ સમજણ નથી.

આ પ્રકારના ડિસઑર્ડર અંગે વધારે સંશોધન નથી થયું પરંતુ અભ્યાસો દર્શાવે છે કે દવાઓથી આ ડિસઑર્ડરની સારવારમાં મદદ મળી શકે છે.

ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઑર્ડરની સારવાર કેવી રીતે થાય છે?

ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઑર્ડર્સ જીવનભર વ્યક્તિનાં વર્તન અને સ્વભાવમાં પોતાની છાપ છોડતા રહે છે.

જો તેની સારવાર ન કરવામાં આવે તો આનાથી પીડાતી વ્યક્તિએ તેનાં દુષ્પરિણામ પણ ભોગવવાં પડે.

આ પ્રકારના ડિસઑર્ડર્સથી પીડાતી વ્યક્તિઓના વર્તનમાં બીજા પ્રત્યે નફરત અને દુશ્મનાવટની ભાવના દેખાતી હોય છે, જેનાથી અન્ય લોકો સાથે ઝઘડા અથવા અણબનાવની સ્થિતિ ઊભી થઈ શકે છે.

આ ડિસઑર્ડરથી પીડાતી વ્યક્તિ ખૂબ ગુસ્સે થઈને લોકોને શારીરિક અથવા માનસિક રીતે હાનિ પહોંચાડે તો એનો ક્યારેક તેને પસ્તાવો પણ થતો હોય છે. પણ તે પોતાની આક્રમકતા સામે અસહાય હોય છે.

આ વિશે વધુ વાત કરતાં ભચેચ કહે છે કે આવી વ્યક્તિઓની સારવાર શક્ય છે. તે માટે અમુક દવાઓ લેવી પડે અને શરીરમાંથી નીકળતી ઊર્જાને કોઈ પૉઝિટિવ કાર્યમાં લગાવવી પડે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો