અદિતિ અશોકે ચુપચાપ દિલ જીત્યું પણ મેડલ વેંત છેટો રહી ગયો

ભારતની યુવા ગોલ્ફર અદિતિ અશોક ટોક્યો ઑલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન બાદ પણ મેડલ જીતીને ઇતિહાસ રચી શક્યાં નથી અને સહેજ માટે મેડલ ચૂકી ગયાં છે.

છેલ્લા રાઉન્ડમાં તેઓ ચોથા સ્થાને રહ્યાં અને મેડલની રેસથી બહાર થઈ ગયા હતાં.

અદિતિ શરૂઆતથી જ સતત બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યાં હતાં, જેને લીધે તેમની પાસેથી મેડલની આશા વધી ગઈ હતી.

જો કે છેલ્લી ઘડી આવતાં સુધીમાં તેઓ સંયુક્ત રીતે ત્રીજા અને પછી ચોથા સ્થાન પર આવી ગયાં હતાં.

ચોથા નંબર સુધી આવનારમાં મેડલ લાવવાની ક્ષમતા છેઃ અદિતિ અશોક

મેડલથી ચૂક્યાં બાદ અદિતિ અશોકે ટોક્યોમાં પત્રકારોને કહ્યું, "મેં મારા તરફથી પૂર્ણ પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં મેડલ ન મળતા ખરાબ લાગે છે."

તેમણે કહ્યું, "ઑલિમ્પિકમાં ચોથા અથવા પાંચમા ક્રમે રહેવાનું હકીકતમાં કોઈ મહત્ત્વ નથી હોતું. અહીં દરેક વ્યક્તિ મેડલ માટે જ આવે છે."

જોકે, અદિતિએ એમ પણ કહ્યું કે ઑલિમ્પિકમાં ટૉપ-5 અથવા ટૉપ-10માં હોવું પણ મહત્ત્વની વાત છે.

તેમણે કહ્યું કે, "જો કોઈ ચોથા અથવા પાંચમા સ્થાન પર સમાપ્ત કરે છે તો સ્પષ્ટ રૂપે તેનામાં મેડલ લાવવાની ક્ષમતા છે."

ભારતની યુવા ગોલ્ફરે કહ્યું કે જ્યારે તેમણે ગોલ્ફ રમવાનું શરૂ કર્યું હતું ત્યારે વિચાર્યું પણ ન હતું કે ક્યારેય તેઓ ઑલિમ્પિક સુધી પહોંચી શકશે.

અદિતિ અશોકે આશા વ્યક્ત કરી કે તેમના અહીંયા સુધી પહોંચવાથી ગોલ્ફ વિશે લોકો વધારે જાણવા અને સમજવાનો પ્રયત્ન કરશે અને વધારે યુવાનો આ રમતને પસંદ કરવા અંગે વિચારશે.

મેડલ ન જીત્યો છતાં પણ ઇતિહાય રચ્યો

ભલે અદિતિ ટોક્યો ઑલિમ્પિકમાં મેડલથી ખૂબ જ નજીક આવીને ચૂકી ગયા હોય, પરંતુ તેમને ઇતિહાસ રહી દીધો છે.

અદિતિ એવા ખેલાડી બની ગયા છે, જેમના અહીંયા સુધી પહોંચવા વિશે કદાચ ભારતીય ઑલિમ્પિક ટીમના અધિકારીઓએ પણ નહીં વિચાર્યું હોય

અત્યાર સુધી કોઈ પણ અન્ય ભારતીય મહિલા ગોલ્ફ ખેલાડીએ બે વખત ઑલિમ્પિકમાં ક્વૉલિફાય કર્યું નથી.

અદિતિના નામે ઘણાં રેકૉર્ડ છે

અદિતિએ 2016ના રિયો ઑલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો. તે સમયે તેઓ ફક્ત 18 વર્ષનાં હતાં અને ઑલિમ્પિકમાં ભાગ લેનાર સૌથી ઓછી ઉંમરના ખેલાડી બની ગયાં.

તે ઉપરાંત અદિતિ પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર છે, જેમને એશિયન યુથ ગેમ્સ(2013), યુથ ઑલિમ્પિક ગેમ્સ(2014), એશિયન ગેમ્સ(2014)માં ભાગ લીધો છે.

અદિતિ લલ્લા આઇચા ટૂર સ્કૂલનું ટાઇટલ જીતનાર સૌથી નાની વયનાં ભારતીય છે.

2017માં તેઓ પહેલા પ્રથમ ભારતીય મહિલા પ્રોફેશનલ ગોલ્ફ ઍસોસિયેન(LPGA) ખેલાડી બન્યા હતાં.

અદિતિ એકમાત્ર ભારતીય છે, જેમણે 2016માં લેડીઝ યુરોપિયન ટૂરમાં બે ટાઇટલ જીત્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો