ટોક્યોમાં ભારતને વધુ એક મેડલની આશા, પી. વી. સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં -TOP NEWS

પીવી સિંધુ

ઇમેજ સ્રોત, PEDRO PARDO/AFP via Getty Images

ટોક્યો ઑલિમ્પિકમાં ભારતીય બૅડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ બૅડમિન્ટનમાં સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેમણે ડૅન્માર્કનાં મિયા બ્લિચફેલ્ટને 21-15,21-13થી હરાવ્યાં.

આ પૂર્વે તેમણે ગ્રૂપ સ્ટેજનો પોતાનો બીજો મુકાબલો પણ જીતી લીધો હતો. ગ્રૂપ 'જે'ના મુકાબલામાં તેમણે હૉંગકૉંગની એનગાન યી ચેયુંગને 35 મિનિટમાં 21-9, 21-16થી હરાવી દીધાં હતાં.

સિંધુએ પહેલી મૅચ પણ જીતી લીધી હતી. આમ બન્ને જીત સાથે તેઓ નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયાં હતાં. હવે પ્રિ-ક્વાર્ટર ફાઈનલ પણ જીતી લેતાં તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયાં છે.

તેમના વિજયથી ભારતની મેડલની આશા વધી ગઈ છે.

line

ગુજરાતનાં શહેરોમાં રાત્રિ કર્ફ્યુમાં ફેરફાર, જાહેર સમારંભો માટે નિયમોમાં ઢીલ

માસ્ક પહેરેલી મહિલા

ઇમેજ સ્રોત, Hindustan Times

કોરોના મહામારીને કારણે ગુજરાતનાં આઠ મહાનગરોમાં હાલ ચાલી રહેલા રાત્રિ કર્ફ્યુની સમયમર્યાદામાં 31 જુલાઈથી એક કલાકનો ઘટાડો કરવામાં આવશે, એ અંગેનો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે.

એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં આઠ મહાનગરોમાં રાત્રે 10 થી સવારે છ વાગ્યા સુધીનો કર્ફ્યુ 31 જુલાઈથી રાત્રે 11 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો રહેશે.

એ સિવાય આ આઠ મહાનગરોમાં હૉટલો અને રૅસ્ટોરાં પણ રાત્રે દસ વાગ્યા સુધી ચાલુ રહેશે.

ગુજરાત સરકારે ખુલ્લી જગ્યામાં જાહેર સભા યોજવામાં વર્તમાનમાં 200 વ્યક્તિઓની મર્યાદાને 31 જુલાઈથી વધારીને 400 લોકોની કરી છે.

ત્યારે બંધ હૉલમાં આયોજન કરવામાં આવે તો કુલ બેઠકના 50 ટકા પરંતુ મહત્તમ 400 લોકોની મર્યાદા રાખવામાં આવી છે. કોરોના સંક્રમણ અંગેના નિયંત્રણો અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરવાનું રહેશે.

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં જાહેર સમારોહમાં વધુમાં વધુ ચાર ફૂટની ગણેશપ્રતિમા રાખવાની મંજૂરી અપાશે.

line

ગુજરાતના ખેડૂતો પર 90 હજાર કરોડનું દેવું, સરકારે કહ્યું 'દેવું માફ નહીં થાય'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરકારનું કહેવું છે કે ખેડૂતોનાં દેવાંની માફી માટે હાલ કોઈ જ યોજના વિચારણા હેઠળ નથી

નાબાર્ડ (નેશનલ બૅન્ક ફૉર ઍગ્રિકલ્ચર ઍન્ડ રૂરલ ડેવલપમૅન્ટ) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશભરના ખેડૂતો પર હાલ રૂપિયા 16.8 લાખ કરોડનું દેવું છે.

જ્યારે બીજી તરફ સરકારનું કહેવું છે કે ખેડૂતોનાં દેવાંની માફી માટે હાલ કોઈ જ યોજના વિચારણા હેઠળ નથી.

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારે સંસદમાં આ માહિતી આપી છે. જેમાં ક્યા રાજ્યમાં ખેડૂતો પર કેટલા રૂપિયાનું દેવુ છે તે પણ જણાવવામાં આવ્યું છે. સંસદમાં જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું સરકાર ખેડૂતોનાં દેવાં માફ કરવાની કોઈ યોજના વિશે વિચારણા કરી રહી છે?

તેના જવાબમાં રાજ્યકક્ષાના નાણામંત્રી ભાગવત કિશનરાવ કરાડેએ જણાવ્યું હતું કે ખેડૂતોનાં દેવાં માફ કરવાની સરકારની હાલ કોઈ જ યોજના નથી.

સરકારે સંસદમાં 31મી માર્ચ 2021 સુધીના ડેટા જાહેર કર્યા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતના ખેડૂતો પર 90 હજાર કરોડનું દેવું છે, જ્યારે તામિલનાડુના ખેડૂતો પર સૌથી વધુ એક લાખ 89 હજાર કરોડનું દેવું છે.

line

ત્રીજી લહેરના ડર વચ્ચે 22 જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 3.14 કરોડને પાર છે, જ્યારે મૃત્યુઆંક 4.21 લાખ છે

દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 3.14 કરોડને પાર છે, જ્યારે મૃત્યુઆંક 4.21 લાખ છે.

કોરોનાના ઍક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 3.98 લાખ થઈ હતી, જે કુલ કેસના 1.27 ટકા જેટલી છે. દેશમાં અત્યાર સુધીમાં 3.06 કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે.

કોરોનાનો દૈનિક પૉઝિટિવિટી દર ઘટીને 1.73 ટકા થયો છે, જ્યારે સાપ્તાહિક પૉઝિટિવિટી દર 2.33 ટકા છે.

આ સાથે રિકવરી રેટ 97.39 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં ઍક્ટિવ કેસોની સંખ્યામાં 13,089નો ઘટાડો નોંધાયો છે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ પ્રમાણે બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયે છેલ્લાં કેટલાંક સપ્તાહમાં કોરોનાના કેસમાં ઘટાડાની ગતિ ધીમી પડી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, "દેશનાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 54 જિલ્લામાં કોરોનાનો પૉઝિટિવિટી દર 10 ટકાથી વધુ હતો, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધુ છે."

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું, "5થી 11 મે દરમિયાન સરેરાશ દૈનિક નવા કેસ 3.87 લાખ ઘટ્યા હતા, જ્યારે જુલાઈ 21-27 વચ્ચે 38,090 કેસનો જ ઘટાડો થયો હતો."

"છેલ્લાં કેટલાંક સપ્તાહમાં કોરોનાના કેસમાં ઘટાડાનો દર ધીમો પડ્યો છે. સાત રાજ્યોના 22 જિલ્લામાં છેલ્લાં ચાર સપ્તાહથી કોરોનાના દૈનિક કેસમાં વધારાનો ટ્રૅન્ડ જોવા મળ્યો છે."

આઠ જિલ્લામાં પૉઝિટિવિટી રેટમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ત્યાં પણ કેસ વધી રહ્યા છે.

જેમાં કેરળમાં અત્યંત સંવેદનશીલ સ્થિતિ રહી છે.

line

ઉત્તર પ્રદેશમાં હાઈવે પાસે મજૂરો પર ટ્રેલર ફરી વળતાં 18નાં મોત

અકસ્માત

ઇમેજ સ્રોત, UP POLICE

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મોડી રાતે એક માર્ગઅકસ્માત થયો છે.

આ ઘટના વખત કેટલાક કામદારો જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા, એની પાસે નીચે સૂઈ રહ્યા હતા.

લખનૌ-અયોધ્યા હાઈવે પર રોડની બાજુમાં ઊભેલી એક ડબલ ડેકર બસને લખનૌ તરફથી આવી રહેલી ટ્રકે ટક્કર મારી દીધી હતી.

'એનડીટીવી'ના રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં લગભગ 18 લોકોનાં મોત થયાં છે, જ્યારે કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે જિલ્લા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ લખનૌ બાજુથી આવતી ટ્રકે બસ પાસે નીચે સૂતેલા લોકોને કચડ્યા હતા અને 11 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં.

અહેવાલ અનુસાર મૃતક મજૂરો મૂળે બિહારના હતા અને તેઓ પંજાબ-હરિયાણાથી પરત ફરી રહ્યા હતા.

line

કોરોનાની રસીના બંને ડોઝ લીધા, છતાં ડૉક્ટર ત્રીજી વખત સંક્રમિત થયા

મુંબઈમાં એક ડૉક્ટર ત્રીજી વખત કોરોનાથી સંક્રમિત થયા છે.

ચિંતાજનક વાત એ છે કે કોરોના રસી લીધા બાદ પણ તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે.

મુલુંડ વિસ્તારનાં રહેવાસી ડૉક્ટર સૃષ્ટિ હલારી ગત વર્ષે જૂન 2020થી અત્યાર સુધીમાં ત્રીજી વખત સંક્રમિત થયાં છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ મુજબ તેમણે આ વર્ષે રસીના બન્ને ડોઝ પણ લઈ લીધા હતા. ડૉક્ટરનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે, જ્યારે પરિવારે પણ કોરોના રસી લઈ લીધી છે.

ડૉ. સૃષ્ટિને ત્રણ વખત કોરોનાનો ચેપ લાગ્યા બાદ હવે તેમના સૅમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે લેવામાં આવ્યા છે.

ડૉક્ટર અનુસાર, ત્રીજી વખત ચેપ લાગવા પાછળ કોરોનાના વૅરિયન્ટ, ઇમ્યુનિટી લેવલ અથવા ખોટો તપાસ રિપોર્ટ પણ કારણભૂત હોઈ શકે છે.

મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેમને રસી લીધા પછી બે વખત કોરોનાનું સંક્રમણ થયું હોવાનું કહેવાયું છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો