ડાંગ કસ્ટોડિયલ ડેથ : માતાનો સવાલ, 'ફાંસીનો વાયર કસ્ટડીમાં ક્યાંથી આવ્યો?'

ગુજરાતમાં બે યુવાનોની પોલીસ સ્ટેશનમાં કથિત કસ્ટોડિયલ ડેથની ઘટનાએ ચર્ચા જગાવી છે. જોકે પોલીસ તેને પ્રાથમિક દૃષ્ટિએ આકસ્મિક આત્મહત્યા ગણાવે છે.

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના વઘઈના બે યુવકોના મોત થયા છે. સુનિલ પવાર (19) અને રવિ જાદવ (19) બંને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસ અનુસાર તેમને બાઇક ચોરીની શંકાના હેઠળ 20 જુલાઈ, મંગળવાના રોજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. બુધવારે 21 જુલાઈના રોજ સવારે તેઓ પોલીસ સ્ટેશનના કમ્પ્યુટર રૂમમાં મૃત સ્થિતિમાં મળી આવ્યા.

જોકે તેમની અટકાયતની પ્રક્રિયા અને અટકાયત પછી તેમની સાથે થયેલા વ્યવહાર પર પરિવાર અને સ્થાનિક આદિવાસી નેતાઓએ સવાલ કર્યાં છે અને શંકા સર્જી છે.

મૃત્યુ પામનાર બે યુવાનો ડાંગ જિલ્લાના રહેવાસી છે અને તેમને નવસારી જિલ્લાના ચીખલીના પોલીસ સ્ટેશનમાં અટકાયત હેઠળ હતા.

પોલીસ સ્ટેશનની અંદર આવી ઘટના બનતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઊઠી રહ્યા છે. અને કેસ-ફરિયાદ કે પૂછપરછ સંબંધે અટક કરવામાં આવતા આરોપી કે વ્યક્તિઓની સુરક્ષા મામલે પણ સવાલ ઊઠી રહ્યા છે.

પરિવારજનો અને સ્થાનિક લોકોએ ખૂબ વિરોધ કરી મૃતદેહો સ્વીકારવા ઇનકાર કર્યો હતો અને આખરે કાર્યવાહીની ખાતરી બાદ ગુરુવારે મૃતદેહોનો સ્વીકાર કર્યો હતો.

આ મામલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે દોષીઓ સામે કડક કાર્વાહીની માગ કરી હતી.

આ કેસને પગલે જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયે ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અજિતસિંહ. આર. વાળા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. બી. કોકણીને અને હેડ કૉન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા અને કૉન્સ્ટેબલ રામજી યાદવને સસ્પેન્ડ કર્યા છે.

પોલીસે શું કહ્યું?

નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયનું આ મામલે કહેવું છે કે, "ચીખલી પોલીસ સ્ટેશન ખાતે બંનેને વાહન ચેંકિગ મામલે લવાયા હતા. તેમને વધુ પૂછપરછ માટે ત્યાં રખાયા હતા. પરંતુ ગત રોજ સવારે તેમણે ગળે ફાંસો ખાઈ લીધો હતો. અકસ્માત મોતની ઘટના નોંધી છે. એસડીએમ અને એફએસએલની આગેવાની હેઠળ ફૉરેન્સિક તપાસ પણ કરવામાં આવી છે અને ફૉરેન્સિક પીએમ પણ કરવામાં આવ્યું છે."

પોલીસ અનુસાર, બેઉ યુવાનો વાહનચોરીના કેસમાં સંદિગ્ધ તરીકે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. એમને મંગળવારે રાત્રે પોલીસ સ્ટેશનના કમ્પ્યુટર રૂમમાં રાખવા આવ્યા હતા. જ્યારે બુધવારે, 21 જુલાઈના રોજ સવારે રૂમ ખોલવામાં આવ્યો તો બેઉ કમ્પ્યુટરના કેબલથી ફાંસો ખાધેલી સ્થિતિમાં મળી આવ્યા.

આ મામલે જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની હાજરીમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પરિવારનો આરોપ

બીજી તરફ રવિ જાદવના માતા નીરુબેન જાદવે બીબીસીના સહયોગી પત્રકાર ધર્મેશ અમીન સાથેની વાતચીતમાં કહ્યું, "મારો દીકરો કામ પર ગયો હતો. મેં લાકડા વેચીને તેને ઉછેર્યો છે. તેનો અકસ્માત થયો ત્યારે જમીન વેચીને તેની સંભાળ રાખી હતી. અમને કહ્યું હતું કે તે કામ પર ગયો છે."

"પોલીસે લઈને બેસાડી દીધો. તેણે અમને ફોન કર્યો હતો કે તેને પકડી રાખેલો છે. અમે તેને છોડાવવા ગયા હતા ત્યારે તે એકદમ સ્વસ્થ હાલતમાં હતો. પરંતુ એક જ રાતમાં શું થઈ ગયું કે આવું થયું? ખરેખર આત્મહત્યા નથી પણ તેમને મારી નાખવામાં આવ્યા છે. ફાંસો ખાધો પણ વાયર ક્યાંથી આવ્યો? પગ તો નીચે અડતા હતા. પોલીસ સ્ટેશનમાં આવું કેવી રીતે થઈ શકે?"

"અમને એ સવાલને જવાબ તો જોઈએ જ કે તેની સાથે શું થયું હતું અને તેને કેમ પકડવામાં આવ્યો હતો?"

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મૃતક રવિ જાદવના ભાઈ નીતેશ સુરેશભાઈ જાદવે કહ્યું કે, "મારા ભાઈએ મને કહેલું કે એ કડિયા કામ માટે જાય છે. પછી સાંજે એને પોલીસે પકડ્યો છે એવો એનો ફોન આવ્યો. મોડું થઈ ગયું હતું એટલે હું બીજા દિવસે હું એને મળવા ગયો. ત્યાં પોલીસ સ્ટેશનમાં એની હાલત સારી ન હતી. એ સરખી રીતે ઉઠી શકતો ન હતો. મેં એને પૂછ્યું કે પોલીસે માર્યો છે તો એણે મને કહ્યું કે હા મને ખૂબ મારવામાં આવ્યો છે. અમને ન્યાય જોઈએ છીએ."

વઘઈના નાથા ફળિયામાં રહેતા નીતેશ જાદવ પોતે કંપનીમાં કામ કરવા જાય છે અને એમના ભાઈ રવિ જાદવ મજૂરીકામ કરીને પરિવારને મદદરૂપ થતા હતા.

નીતેશ જાદવનું કહેવું છે કે અમારે કદી પોલીસ સ્ટેશન જવાનું થયું નથી અને અમારી પર કદી કોઈ કેસ પણ થયો નથી.

બીજી તરફ રવિ જાદવના કાકા સુરેશ જાદવે કહ્યું કે, "અમે ગરીબ માણસ છીએ પણ ન્યાય મળે તો સારું."

આ મામલે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાના સ્થાનિક આગેવાનોએ પણ વિરોધ નોંધાવ્યો છે અને પોલીસ પ્રશાસન સામે સવાલ ઉઠાવી કડક કાર્યવાહની માગ કરી છે.

સુરેશ પવારના પરિવારનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ સંપર્ક થઈ શક્યો નથી.

કસ્ટોડિયલ ડૅથમાં ગુજરાત ટોચ પર

એ અહેવાલ મુજબ ગત એક વર્ષ દરમિયાન દેશભરમાં 86 લોકોનાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયાં, જેમાં સૌથી વધુ 15 મૃત્યુ ગુજરાતમાં નોંધાયા હતા. લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપેલા જવાબમાં આ વિગતો બહાર આવી હતી. જ્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મૃત્યુની બાબતમાં ઉત્તર પ્રદેશ 395 મૃત્યુ સાથે ટોચ ઉપર રહ્યું હતું, જ્યારે ગુજરાતમાં 78 જ્યુડિશિયલ કસ્ટડી મૃત્યુ થયાં છે.

પોલીસ કસ્ટડીમાં મૃત્યુની બાબતમાં ગુજરાત પોલીસ છેલ્લાં ચાર વર્ષથી 'ટૉપ થ્રી'માં છે.

માનવઅધિકાર કાર્યકરોઓનું માનવું છે કે ભૂલ કરનાર પોલીસ અધિકારીઓને 'રાજકીય સંરક્ષણ' મળેલું હોય છે એટલે તેમની સામે નક્કર કાર્યવાહી નથી થતી; સામાન્યતઃ આ આરોપોને નકારવામાં આવે છે. જોકે, પોલીસનું કહેવું છે કે ઘણીવખત આરોપીઓને અનેક બીમારીઓ હોય છે ને તેઓ ખુદને હાનિ પણ પહોંચાડતા હોય છે.

આ અગાઉ 2019માં બીબીસી સંવાદદાતા મેહુલ મકવાણાએ આ અંગે અહેવાલ રજૂ કર્યો હતો જેમાં નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્સના બ્યૂરોના આંકડાઓને ટાકીંને એ વાત બહાર આવી હતી કે 2001થી 2016 દરમિયાન ગુજરાતમાં 180 કસ્ટોડિય ડૅથ થયાં. એપ્રિલ 2017થી માર્ચ 2019 દરમિયાન કસ્ટોડિયલ ડૅથની સંખ્યા 133 પર પહોંચી હતી.

જ્યારે કોઈ ગુનાની તપાસ દરમિયાન આરોપી વ્યક્તિ પોલીસ (કે અન્ય કોઈ તપાસનીશ એજન્સી)ના કબજામાં રહે છે, ત્યારે તેને 'પોલીસ કસ્ટડી' કહેવામાં આવે છે.

જ્યારે કોઈ શખ્સ સામે કેસ ચાલી રહ્યો હોય અથવા તો તે દોષિત ઠર્યો હોય તો તે 'જ્યુડિશિયલ કસ્ટડી'માં છે એમ કહેવાય.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો