પેગાસસ ફોન ટેપિંગ : કૉંગ્રેસે પૂછ્યૂં, 'અમિત શાહને બરખાસ્ત કેમ ન કરવા જોઈએ?'

પેગાસસ સ્પાયવૅર થકી ફોનની કથિતિ ટેપિંગના મામલે રાજકીય આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ફોનની કથિત જાસૂસી કરાઈ હોવાની વાત સામે આવતાં કૉંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે.

કૉંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ એક પત્રકારપરિષદમાં કહ્યું, "દેશના પત્રકારો, જજો, વિપક્ષી નેતાઓની જાસૂસીનો આ ઘટનાક્રમ લોકતંત્ર માટે જોખમી છે."

તેમણે ગૃહમંત્રી અમિત શાહને બરખાસ્ત કરવાની માગ કરી.

બીજી તરફ પૂર્વ આઈટી અને કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કૉંગ્રેસના આરોપોને 'પાયાવિહોણા' ગણાવ્યા છે.

પેગાસસની કહાણી

રવિશંકર પ્રસાદે સવાલ કર્યો, "આ પેગાસસની કહાણી ચોમાસુસત્ર પહેલાં જ કેમ શરૂ થઈ? ભારતના રાજકારણમાં કેટલાક લોકો સોપારી એજન્ટ છે કે શું?"

આ પહેલાં કેન્દ્રીય દૂરસંચાર અને માહિતી પ્રોદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં સરકારનો પક્ષ રાખ્યો હતો.

કથિત ફોન ટેપિંગને લઈને રવિવારે વૉશિંગ્ટન પોસ્ટ અને અન્ય સમાચાર સંસ્થાઓએ રિપોર્ટ છાપ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દુનિયાભરના સેંકડો પત્રકારો અને અન્ય ચર્ચિત લોકોના ફોન ટેપ કરાયા છે. તેમાં ભારતના ઘણા લોકો સામેલ છે.

લોકસભામાં વૈષ્ણવે કહ્યું, "એક વેબપોર્ટલ પર કાલે રાતે એક અતિ સંવેદનશીલ રિપોર્ટ પ્રકાશિત કરાયો, જેમાં વધારીને ઘણા આરોપો લગાવ્યા. આ રિપોર્ટ સંસદના ચોમાસુસત્રના એક દિવસ પહેલાં જ પ્રકાશિત થયો છે. આ સંયોગ ન હોઈ શકે."

સંસદમાં સરકારનો જવાબ

ભારતના ઇન્ફર્મેશન ઍન્ડ ટેકનોલૉજી અને માહિતી પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં પેગાસસ સ્પાયવૅર દ્વારા કથિત ફોન ટેપિંગનો આરોપ નકારી કાઢ્યો છે અને એ મામલે સરકારનો પક્ષ રજૂ કર્યો છે.

એમણે કહ્યું, "આ અગાઉ પણ વૉટ્સૅપ પર પેગાસસના ઉપયોગને લઈને ભળતા દાવાઓ કરવામાં આવ્યા જે પાયાવિહોણા હતા અને બધી પાર્ટીઓએ એને રદિયો આપ્યો હતો. 18 જુલાઈએ પ્રકાશિત રિપોર્ટ પણ ભારતની લોકશાહી અને તેની સ્થાપિત સંસ્થાઓને બદનામ કરવાની કોશિશ હોય એમ પ્રતીત થાય છે."

ઉલ્લેખનીય છે કે પેગાસસ દ્વારા કથિત જાસૂસીનો અહેવાલ 'વૉશિંગ્ટન પોસ્ટ', 'ધ ગાર્ડિયન', 'લા મોંદે' અને અન્ય 14 મીડિયા હાઉસે રવિવારે પ્રકાશિત કર્યો છે. ભારતમાં આ અહેવાલ 'ધ વાયર' દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

પેગાસસ નામના જે સ્પાયવૅરથી ફોન હેક કરવાની વાત સામે આવી રહી છે, તેને તૈયાર કરનારી કંપની એનએસઓએ તમામ આરોપો ફગાવી દીધા છે.

કંપની દાવો કરે છે કે તે આ પ્રોગ્રામને માત્ર માન્યતાપ્રાપ્ત સરકારી એજન્સીઓને જ વેચે છે અને આનો ઉદ્દેશ 'આતંકવાદ તથા અપરાધ વિરુદ્ધ લડવાનો છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો