'ગુજરાતના આગામી મુખ્ય મંત્રી પાટીદાર હોય એવું ઇચ્છીએ'- નરેશ પટેલ TOP NEWS

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સત્તાધારી પાર્ટી ભાજપ સહિત કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ સંગઠન સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રાજકોટના કાગવડ ખાતે ગુજરાતના પાટીદાર સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી, જેમાં સમાજના વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલે સંકેત આપ્યા હતા કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, તો સમાજ ઇચ્છે છે કે મુખ્ય મંત્રી પાટીદાર સમાજના હોય.

નરેશ પટેલે એમ પણ કહ્યું કે પાટીદાર સમાજ રાજ્યમાં સૌથી મોટો છે અને તે વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલો છે અને "ઉચ્ચ કરદાતાઓ"માંનો એક છે.

બેઠકમાં પહેલાં નરેશ પટેલે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે પાટીદાર સમાજ સૌથી મોટો છે. પ્રશાસન અને રાજનીતિમાં તેને કેવી રીતે મહત્ત્વ મળે એની ચર્ચા કરાશે.

તેમણે કહ્યું કે "કેશુબાપા (ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી) બાદ અમને લાગે છે કે અમારી પાસે એવા કોઈ નેતા નથી અને એ અંગે પણ ચર્ચા કરાશે.

ગુજરાતના ત્રીજા પક્ષના સવાલ પર તેમણે કહ્યું કે ઇતિહાસ દર્શાવે છે કે ગુજરાતમાં ત્રીજો મોરચો ફાવતો નથી. પણ દિલ્હીમાં આપ સરકારનું કામ જોતા મને લાગે છે કે ગુજરાતમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં તેને ફાયદો થઈ શકે છે."

તો ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને જ્યારે આ પાટીદાર બેઠક અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે "દરેક સમુદાય ભેગા થવા માટે સ્વતંત્ર છે. આજે કડવા અને લેઉવા પાટીદાર એકઠા થયા છે, તેમ ક્ષત્રિય, અનુસૂચિત જાતિ, આદિવાસી, બધા પોતપોતાની સભાઓનું આયોજન કરતા હોય છે. આ તેમનો અધિકાર છે."

અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પણ તૈયારી શરૂ કરી દીધી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, દિલ્હીના મુખ્ય મંત્રી અને આપના નેતા અરવિંદ કેજરીવાલ 14 જૂને ગુજરાત આવવાના છે. તેઓ અમદાવાદમાં પાર્ટીના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે ગુજરાતની મુલાકાત લેશે.

2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં તેઓ પાર્ટીના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.

પાર્ટીના સભ્યોના હવાલાથી ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું કે 14 જૂને એક વરિષ્ઠ પત્રકાર પણ તેમની પાર્ટીમાં સામેલ થાય તેવી શક્યતા છે.

યુદ્ધ અને ભારતીય સેનાનાં અભિયાનોની માહિતી સાર્વજનિક કરાશે

ભારતીય રક્ષા મંત્રાલયે દેશમાં અત્યાર સુધી થયેલાં યુદ્ધ, સૈન્ય અભિયાનો અને સેના સાથે જોડાયેલી અન્ય માહિતીઓને સાર્વજનિક કરવાનું એલાન કર્યું છે.

રક્ષા મંત્રાલયે શનિવારે એક બાદ એક ટ્વીટ કરીને એ અંગે માહિતી આપી હતી.

આ ટ્વીટમાં બતાવ્યું કે રક્ષામંત્રી રાજનાથસિંહે યુદ્ધ, યુદ્ધ દરમિયાન થયેલા સંવાદ, સૈન્ય ઑપરેશન અને સેનાના ઇતિહાસ સાથે જોડાયેલી માહિતીઓને ગોપનીયતાની સૂચિમાં હઠાવીને સાર્વજનિક કરવાની પૉલિસીને મંજૂરી આપી દીધી છે.

આ જાણકારીઓના પ્રકાશનની મંજૂરી અને તેને પ્રકાશિત કરવાની જવાબદારી હિસ્ટ્રી ડિવિઝનની હશે.

રક્ષા મંત્રાલય અનુસાર, "યુદ્ધના ઇતિહાસને સમયસર પ્રકાશિત થવાથી લોકોને ઘટનાની યોગ્ય જાણકારી મળશે, શૈક્ષણિક રિસર્ચ માટે પ્રમાણિત સામગ્રી ઉપલબ્ધ થશે અને સાથે જ બિનજરૂરી અફવાઓને દૂર કરવામાં પણ મદદ મળશે."

ગુજરાતમાં બે કરોડ ડોઝ આપવામાં આવ્યા

ગુજરાત સહિત દેશમાં હાલમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે અને કેસની સંખ્યા પણ ઘટવા લાગી છે. ત્યારે રસીકરણ પણ ઝડપી દિશામાં ગતિ કરી રહ્યું છે.

12 જૂન શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં ગુજરાતમાં કોરોનાની રસીના 2 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.

રાજ્ય સરકારની પ્રેસ રિલીઝમાં આ આંકડો દર્શાવવામાં આવ્યો છે.

તેમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં રોજના 3 લાખ લોકોને કોવિડ-19ની રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. તેમજ રાજ્યમાં 1200થી વધુ રસીકરણ કેન્દ્રો હાલમાં કાર્યરત્ છે.

પ્રથમ ડોઝ આપ્યો હોય એની સંખ્યા 1 કરોડ 55 લાખ છે અને બીજા ડોઝની સંખ્યા 45 લાખ છે.

ગુજરાત રસીકરણના દરેક તબક્કે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો