શબવાહિની ગંગા : 'અર્બન નક્સલ' બાદ હવે 'સાહિત્યિક નક્સલ', આ માત્ર જુમલો નથી- દૃષ્ટિકોણ

    • લેેખક, પ્રિયદર્શન
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે

ગુજરાતી ભાષાનાં કવયિત્રી પારુલ ખખ્ખરને કેટલાક દિવસો પહેલાં ગુજરાતની બહારના બહુ ઓછા લોકો જાણતા હતા. પણ તેમણે 14 પંક્તિની 'શબવાહિની ગંગા' કવિતા લખીને અને ચર્ચામાં આવી ગયાં છે.

કોવિડ-19ની બીજી લહેર દરમિયાન નદીઓમાં તરતા મૃતદેહો જોઈને વિચલિત અને દુખી થઈને લખેલી આ નાની એવી કવિતા રાતોરાત અનેક ભાષાઓમાં અનુદિત થઈ. હિન્દી-પંજાબી અને અન્ય ભાષાઓમાં તે યૂ-ટ્યૂબમાં પણ જોવા મળી.

પણ નવા સમાચાર એ છે કે ગુજરાતી સાહિત્ય અકાદમીના મુખપત્ર 'શબ્દસૃષ્ટિ'ના સંપાદકીયમાં આ કવિતાની આકરી ટીકા કરીને તેના પ્રચાર-પ્રસારને રાષ્ટ્રવિરોધી ગતિવિધિ ગણાવી, જેને 'સાહિત્યિક નક્સલ' તત્ત્વો પ્રબલન આપી રહ્યાં છે.

રસપ્રદ વાત એ છે કે પોતાના સાહિત્યિક ભૂતકાળમાં પારુલ ખખ્ખરને નક્સલ તો દૂર, વામપંથી વિચારધારાનાં સાહિત્યકાર પણ ગણાવી ન શકાય, જો તેમના લેખનને કોઈ વર્ગમાં ગોઠવવાના હોય તો તેમને દક્ષિણપંથી જૂથમાં જ રાખવામાં આવશે.

નજરઅંદાજ કરવાની કોશિશ

આ કવિતા અને ગુજરાત સાહિત્ય અકાદમીના વિરોધથી ઘણી બાબતો સમજી શકાય, જેનો નાતો સાહિત્યના પ્રતિરોધ અને સત્તાદમનની રણનીતિથી છે.

પહેલી વાત તો એ કે ઘણા આલોચકોને કવિતાના માપદંડોથી પારુલ ખખ્ખરની કવિતા બહુ મહાન લાગતી નથી, પણ એ દિલથી સ્ફુરી છે, બહુ સહજતાથી ઘણા લોકોનો ગુસ્સો અને ક્ષોભને વ્યક્ત કરે છે અને જાણેઅજાણ્યે એ આખી વ્યવસ્થાને સવાલોથી ઘેરે છે, જે ધર્મ અને સંસ્કૃતિના સવાલોને જોરશોરથી ઉઠાવીને સત્તામાં આવી છે.

આ કવિતામાં એ બેચેની એટલા માટે આવી કે લેખિકાના મૂલ્યબોધમાં ગંગા અને સંસ્કૃતિને લઈને એક પારંપરિક પવિત્રતા-બોધ છે, પણ રચનાઓ હંમેશાં લેખકોની પકડથી છૂટી જાય છે, એ લોકોની થઈ જાય છે.

દુષ્યંતકુમાર અને અદમ ગોંડવીની ઘણી ગઝલો ડાબેરી ચેતનાના આંદોલનકારીઓ પણ ઉપયોગ કરે છે અને દક્ષિણપંથીઓ પણ તેને ગાતાં જોવા મળે છે. ધૂમિલ અને પાશ જેવા કવિઓ એવી જ રીતે અનેક ભાષાથી વ્યક્ત થતા રહે છે.

સત્તાની પહેલી કોશિશ આવી રચનાઓ અને લેખકોને અવગણવાની હોય છે. તેમાં નિષ્ફળતા મળતા બીજો ખેલ લેખકોને બદનામ કરવાનો થાય છે.

પારુલ ખખ્ખરના મામલામાં આ ખેલ શરૂ થઈ ચૂક્યો છે. હાલમાં તેમની પર એ સવાલ ઉઠાવાઈ રહ્યા છે કે તેમણે આ કવિતાને અન્ય સુધી પહોંચાડી, અન્ય ભાષાઓમાં અનુદિત થઈ. ધીમેધીમે ત્રીજી પ્રક્રિયા પણ શરૂ થશે- લેખકને દંડિત કરવાની.

'ઍવૉર્ડવાપસી ગૅંગ'

આપણે યાદ કરી શકીએ કે કેટલાંક વર્ષ પહેલાં જ્યારે ભારતીય લેખકોએ અભિવ્યક્તિ પર હુમલાના વિરોધમાં પુરસ્કાર પાછા આપવાનું શરૂ કર્યું ત્યારે તેને 'ઍવૉર્ડવાપસી ગૅંગ'નું કામ ગણાવ્યું, જ્યારે આ પ્રક્રિયાને નજીકથી જોનારા જાણતા હતા કે આ પુરસ્કારવાપસી સ્વતંત્ર રીતે, એકબીજાની પ્રેરણામાંથી કરાઈ હતી, તેની પાછળ કોઈ સંગઠિત બળ કે કાર્યયોજના નહોતી.

બીજી વાત એ કે ઘણી વાર સત્તા સીધો દંડ કરતી નથી, સત્તાના પક્ષમાં ઊભેલી અને યથાશક્તિને જાળવી રાખનારી શક્તિઓ આ કામ કરે છે.

પારુલ ખખ્ખરના કેસમાં ગુજરાતની સાહિત્ય અકાદમી આ કામ કરી રહી છે, જ્યારે પેરુમલ મુરુગનના કેસમાં ઘણાં અન્ય સંગઠનોએ આ કામ કર્યું હતું.

તમિળ લેખક મુરુગનને એક નવલકથા લખલા બદલ એ રીતે હેરાન કર્યા કે તેમણે પોતાના મૃત્યુની ઘોષણા કરી દીધી. તેમણે કહ્યું કે તેઓ હવે આગળ કશું જ નહીં લખે.

જોકે તેમની ભીતરનો લેખક અને તેમની સાથે ઊભેલી શક્તિઓનું સમર્થન વધુ તાકાતવર સાબિત થયું અને તેઓ ફરીથી લખી રહ્યા છે.

ઘણી વાર સત્તા લેખકને સીધા જેલમાં મોકલી આપે છે. 1949માં આઝાદ ભારતનાં સાવ શરૂઆતનાં વર્ષોમાં મઝરૂહ સુલતાનપુરીને જેલ જવું પડ્યું, કેમ કે તેમણે રાષ્ટ્રમંડળમાં ભારતના હોવાનો વિરોધ કરતાં આકરી રીતે કશુંક લખ્યું હતું.

બલરાજ સાહનીને એક સરઘસમાં ભાગ લેવા બદલ ત્રણ મહિનાની જેલ થઈ હતી.

દુનિયાભરનો સિલસિલો

ઇમરજન્સીના સમયમાં કુલદીપ નૈય્યર જેવા પત્રકારો અને ગિરધર રાઠી જેવા લેખકોએ આખી જેલ પૂરી કરી. 1942ના આંદોલન દરમિયાન ફણીશ્વરનાથ રેણુએ બે વર્ષની સજા કાપી.

રસપ્રદ વાત એ છે કે ચાલીસના દશકમાં લાહોર જઈને વસેલા મહાન શાયર સાહિર લુધિયાનવીને આગામી કેટલાંક વર્ષોમાં પાકિસ્તાનથી ફરાર થવું પડ્યું, કેમ કે ત્યાંની સરકાર જેમને જેલમાં નાખી દેવા તત્પર હતી. બાદમાં તેઓ ભારત આવ્યા અને અહીંના જ થઈને રહી ગયા.

તેલુગુ કવિઓ ગદર અને વરવરા રાવની કહાણી પણ બહુ જૂની નથી.

તો લેખકો અને રચનાઓ માથે બદનામી, બહિષ્કાર, જેલ અને વતનઝુરાપાની નિયતી હંમેશાં તલવારની જેમ લટકતી રહે છે.

આ દુનિયાભરનો સિલસિલો છે. અસહમતિનો અવાજો બધાને પરેશાન કરે છે. સલમાન રશ્દીના માથે ઇનામ જાહેર કરવામાં આવે છે, તો તસલીમા નસરીનને પોતાનો દેશ છોડીને ભારતમાં શરણ લેવી પડે છે.

ઇસ્મત ચુગતાઈ અને મંટો પર કેસ કરાય છે. હબીબ તનવીરનાં નાટકો વચ્ચે ઉપદ્રવ મચાવવામાં આવે છે, તો મકબૂલ ફિદા હુસૈન જેવા ચિત્રકારોને દેશ છોડવા પર મજબૂર કરાય છે. આ સિલસિલો આખી દુનિયાનો છે.

હુમલાનું પ્રતીક

દક્ષિણ આફ્રિકામાં બેન્ઝામિન મોલોઇસ જેવા કવિને ફાંસી અપાઈ. ભારતમાં અવતારસિંહ પાશને આતંકવાદીઓએ ગોળી મારી દીધી. કન્નડ લેખક કુલબુર્ગીને પણ ગોળી મરાઈ, પણ કુલબુર્ગી, પાનસરે, દાભોલકર અને ગૌરી લંકેશ તો અભિવ્યક્તિની સ્વતંત્રતા પર થયેલા હુમલાનાં પ્રતીક બની ગયાં.

રસપ્રદ વાત એ છે કે અનેક આરોપ, દબાણ, વિરોધ, અત્યાચાર, મોત અને દેશનિકાસ થવાના અંદેશા છતાં દુનિયાભરની કલમો થાકતી નથી- તે કોઈ પણ રીતે આંતરિક સંબંધ સ્થાપી લે છે- પ્રતિરોધ ચલાવે છે, તેમનું સમર્થન બચેલું રહે છે.

નેહરુના સમયમાં મુક્તિબોધ 'અંધેરે મેં' લખે છે અને ધૂમિલ 'પટકથા', જેમાં સંસદ અને સડકની બધી કવિતાઓ સામેલ છે.

નાગાર્જુન નેહરુ, ઇંદિરા, લાલ બહાદુર શાસ્ત્રીથી લઈને બાલ ઠાકરેને પણ નિશાના પર રાખે છે.

પ્રતિરોધના અવાજો

પણ વાત અહીં ખતમ નથી થતી. આપણે જાણીએ છીએ કે દુનિયાભરમાં પ્રતિરોધના આ અવાજો એકબીજા સાથે મળે છે અને એક સંયુક્ત જબાન બની રહી છે.

આપણા માટે નાઝિમ હિકમત પણ હિન્દીના કવિ થઈ જાય છે, બર્તોલ્ત બ્રેખ્ત અને પાબ્લો નેરુદા પણ. મરાઠીના નામદેવ ઢસાળ અને બાંગ્લાના જીવનાનંદ દાસજી પણ, પંજાબીના પાશ પણ અને હવે પારુલ ખખ્ખર પણ હિન્દીનાં કવયિત્રી બની ગયાં છે.

ફૈઝ અને હબીબ જાબિલ તો હિન્દીના છે જ. એટલું જ નહીં તેમાં જૂના અવાજો પણ સામેલ થતા જાય છે. કબીર અને ખુશરો સુધીને પણ આપણે સમકાલીન પ્રતિરોધના અવાજોમાં સામેલ કરતાં જઈએ છીએ.

બીજી તરફ સત્તા અને તેની સાથે જોડાયેલા લોકો અનેક રીતની દલીલો લાવે છે. હવે તેમને સાહિત્યિક નક્સલો ડરાવે છે.

કદાચ ગુજરાતની સાહિત્ય અકાદમીને ખબર નહીં હોય કે સિત્તેરના દશકમાં બંગાળમાં ચાલેલા નક્સલ આંદોલનના પ્રભાવમાં ઘણા લેખકો અને કવિઓએ રચનાઓ લખી હતી.

આલોક ધન્વા અને મંગલેશ ડબરાલ જેવા કવિઓ નક્સલવાદની અસરમાં શરૂઆતનાં વર્ષોમાં ઉછર્યા. એ ચર્ચાનો વિષય હોઈ શકે કે સાહિત્યે નક્સલ કે માઓવાદી આંદોલનોમાંથી માત્ર એક રોમૅન્ટિક સંબંધ જોડી રાખ્યો છે કે તેની અંદરની તપાસ પણ કરી છે, તેની સીમાઓનું ઉદ્ઘાટન પણ કર્યું, પરંતુ તેમાં કોઈ સંદેહ નથી કે એ સમયની ઘણી બધી બળવાખોર કવિતાઓ ત્યાંથી નીકળી.

પણ હવે જ્યારે સાહિત્ય અકાદમી 'સાહિત્યિક નક્સલ' જેવા જુમલાનો ઉપયોગ કરે છે અને આ નામ પર નિશાને લીધેલા લેખકોને દેશદ્રોહી ગણાવે છે તો તેના ખતરા પ્રત્યક્ષ છે.

જોકે હવે સરકારો લેખકોને માત્ર ડરાવતી જ નથી, લલચાવે પણ છે અને આ લલચાયેલા લેખકો ફરીથી સરકારના પક્ષમાં પ્રદર્શન કરવા લાગે છે.

આપણને યાદ હશે કે જ્યારે કેટલાંક વર્ષ પહેલાં દિલ્હીના મંડી હાઉસ પર એક વિરોધપ્રદર્શનનું આયોજન થયું ત્યારે લેખકોની બીજી ટોળી તેમનો જ વિરોધ કરવા પહોંચી ગઈ હતી.

એટલે પ્રતિરોધની વાસ્તવિક અવાજ પર વિશ્વાસ કરનારાઓ સામે બેવડો ખતરો છે, પણ ઇતિહાસ અને વર્તમાન એ જ દર્શાવે છે કે ખતરાઓમાં જ અસલી લેખન ખીલે પણ છે અને વધતા દુખોની વચ્ચે કોઈ સામાન્ય માનવામાં આવતી કવયિત્રી પારુલ ખખ્ખર સત્તાની આંખોમાં ખટકવા પણ લાગે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો