પાકિસ્તાન : ઇમરાન ખાનની પાર્ટીના મહિલા નેતાએ ટીવી શોમાં સાંસદને મારી દીધો લાફો

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં પાકિસ્તાનના તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના નેતા ફિરદૌશ આશિક અવાન અને પીપીપી પાર્ટીના નેતા અબ્દુલ કાદિર કાન મંદોખેલ વચ્ચે હાથા-પાઈ જોવા મળી.

આ ઘટના પાકિસ્તાની ન્યૂઝ ચૅનલ એક્સપ્રેસ ન્યૂઝના કાર્યક્રમ દરમિયાન થઈ.

ઍન્કર જાવેદ ચૌધરીના ‘કલ તક’ નામના કાર્યક્રમમાં બંને નેતાઓને ભ્રષ્ટાચાર પર ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા અને એ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ ગઈ.

પીપીપી નેતા મંદોખેલ જે એક સાંસદ પણ છે તે ફિરદૌશ અવાન પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવા લાગ્યા. આથી અવાને તેમની પાસે ભ્રષ્ટાચારના પુરાવા માગ્યાં અને કહ્યું કે તેઓ માનહાનિનો કેસ કરશે.

દલીલ વધતી ગઈ અને ત્યાર પછી ફિરદૌશે તેમનો કૉલર પકડી લીધો અને તેમને થપ્પડ મારી પછી બંને નેતાઓ વચ્ચે લડાઈ થઈ ગઈ.

કોણ છે ફિરદૌશ અવાન અને મંદોખેલ

પીટીઆઈ નેતા ફિરદૌશ અવાન પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની સરકારમાં સૂચના અને પ્રસારણ મામલોના વિશેષ સહાયક રહી ચૂક્યાં છે અને હાલ પંજાબના મુખ્ય મંત્રીનાં આ જ વિષયે વિશેષ સહાયક છે.

જ્યારે કાદિર ખાન મંદોખેલ બિલાવલ ભુટ્ટોની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીથી નેશનલ ઍસેમ્બલીના સભ્ય છે.

તેમણે હાલમાં જ એપ્રિલમાં થયેલી પેટા-ચૂંટણીઓમાં કરાચી પશ્ચિમ-2 બેઠક પરથી વિજય મેળવ્યો હતો.

ફિરદૌશ અવાને સ્પષ્ટીકરણ આપ્યું

પીટીઆઈ નેતા અવાને ટ્વિટ કર્યું અને આ ઘટના વિશે વાત કરી છે. તેમણે વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે મંદોખેલ તેમના વિરુદ્ધ સતત અપશબ્દો બોલતા રહ્યા હતા.

તેમણે જણાવ્યું કે કાર્યક્રમમાં બ્રેક દરમિયાન સાંસદે તેમને અને તેમના પિતા વિશે અપશબ્દો કહીને ધમકીઓ આપી.

અવાને જણાવ્યું કે તેમણે આત્મરક્ષા માટે મંદોખેલ પર હાથ ઉઠાવ્યો કેમ કે તેમનું સ્વમાન દાવ પર લાગેલું હતું.

તેમનું કહેવું છે કે આ નાનો વીડિયો લીક કરાયો છે જ્યારે આ કાર્યક્રમનો આકો વીડિયો રજૂ કરવો જોઈએ જેથી સત્ય બહાર આવી શકે કે કેમ મેં હાથ ઉઠાવ્યો.

સાથે જ તેમણે કહ્યું કે તેઓ પોતાના કાનૂની સલાહકારો સાથે વાત કરી રહ્યાં છે અને તેઓ મંદોખેલ વિરુદ્ધ મહિલા શોષણ જ નહીં પણ માનહાનિનો કેસ દાખલ કરવા પણ વિચાર કરી રહ્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો