મુકુલ રૉયે ભાજપ સાથે છેડો ફાડ્યો, ટીએમસીમાં ઘરવાપસી કરી, મમતા બેનરજીએ શું કહ્યું? - Top News

પશ્ચિમ બંગાળમાં ભાજપના દિગ્ગજ નેતા અને પક્ષના ઉપાધ્યક્ષ મુકુલ રૉય ફરીથી પોતાના જૂના પક્ષ તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.

તેમની સાથે તેમના પુત્ર અને ધારાસભ્ય શુભ્રાંશુ રૉય પણ પક્ષમાં પરત ફર્યા છે.

સાંસદ પાર્થ ચેટરજીએ કોલકતામાં પક્ષના વડા મથકે આયોજીત પત્રકારપરિષદ દરમિયાન આ અંગેની જાહેરાત કરી છે.

મુકુલ રૉયની વાપસીની જાહેરાત કોલકતામાં ટીએમસીના વડા મથકે મુખ્ય મંત્રી મમતા બેનરજી, તેમના ભત્રીજા અને પક્ષના મહાસચિવ અભિષેક બેનરજી સહીત પક્ષના કેટલાય મોટા નેતાઓની હાજરીમાં કરાઈ.

મુખ્ય મંત્રી મમતા બેરનજીએ મુકુલ રૉયને પક્ષના જૂના સભ્ય ગણાવતા કહ્યું કે, 'ઘરનો લાકડો, ઘરે પરત ફર્યો.'

મુકુલ રૉય એક સમયે મમતા બેનરજીની બહુ નજીક હતા પણ બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. બંગાળમાં ભાજપને વિસ્તારવામાં એમની પ્રમુખ ભૂમિકા રહી હતી.

જોકે, તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ મુકુલ રૉયનો ભાજપથી 'મોહભંગ' થયો હોવાના સમાચાર વહેતા થયા હતા.

મુકુલ રૉય અને તેમનાં પત્નીને કોરાનો ચેપ લાગ્યો હતો અને લાંબા સમયથી બન્નેની ભાજપના નેતાઓએ ભાળ નહોતી કાઢી.

બાદમાં મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી તેમને મળવા પહોંચ્યા હતા, જે બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુકુલ રૉય સાથે ફોન પર વાતચીત કરી હતી.

આ પહેલાં બુધવારે તૃણમૂલ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સૌગત રૉયે મુકુલ રૉયના પક્ષમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા.

તેમણે કહ્યું હતું, "મુકુલ રૉય ભલે ટીએમસી છોડીને ભાજપમાં ગયા હોય પણ તેમણે મુખ્ય મંત્રી મમતા બેનરજી વિરુદ્ધ કશું નથી કહ્યું."

મુકુલ રૉય વર્ષ 2017માં ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયા હતા.

આ વર્ષે રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલાં ટીએમસીના કેટલાય નેતાઓને ભાજપમાં સામેલ કરાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

કોવૅક્સિન : ભારત બાયૉટેકની કોરોના રસીને અમેરિકાએ મંજૂરી ન આપી

ભારતમાં તૈયાર થયેલી કોરોના વાઇરસની રસી કોવૅક્સિનને અમેરિકામાં મંજૂરી નથી મળી. ભારત બાયૉટેક દ્વારા વિકસાવાવમાં આવેલી રસીના ઇમરજન્સી વપરાશ માટે ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગે મંજૂરી નથી આપી.

‘લાઇવ મિન્ટ’ ન્યૂઝ વેબસાઇટ અનુસાર અમેરિકામાં ભારત બાયૉટેકે જેની સાથે જોડાણ કર્યું છે તે ઑક્યુજેન કંપનીને ફરીથી ટ્રાયલ હાથ ધરી નવો ડેટા જમા કરાવવા કહેવામાં આવ્યું છે.

જોકે કંપનીનું કહેવું છે કે હવે તે પૂર્ણ લાયસન્સ માટે અરજી કરશે કેમ કે તેમને નવી ટ્રાયલ કરવા કહેવાયું છે જેથી બાયૉલૉજિકલ લાયસન્સ મેળવી શકે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતમાં ફેઝ-3ની ટ્રાયલનો ડેટા શૅર નહીં કરવા બાબતે ભારત બાયોટૅકની ટીકા થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેટલીક અમેરિકન યુનિવર્સિટીઓએ જે ભારતીય વિદ્યાર્થીઓએ કૉવેક્સિનનીન રસી લીધી તેમને ફરીથી બીજી કોઈ રસી લેવા કહ્યું હતું. કેમ કે વિશ્વ આરોગ્ય સંગઠન અથવા અમેરિકામાં આ રસીને મંજૂરી નથી મળેલી.

‘મેહુલ ચોક્સીનું અપહરણ કરવામાં ભારતીય મૂળના ત્રણ યુકે નાગરિક સામેલ’

લંડનમાં મેહુલ ચોક્સીની ટીમે દાવો કર્યો છે કે એન્ટિગુઆથી મેહુલ ચોક્સીનું કથિત અપહરણ કરી તેમને ડોમિનિકા લઈ જનારા લોકોમાં ભારતીય મૂળના ત્રણ યુકેના નાગરિકો સામેલ છે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પ્રમાણે માઇકલ પોલોક ચોક્સીની કાનૂની ટીમના વડા છે. તેમણે દાવો કર્યો છે કે તેમણે આ લોકોની યુકેથી ડોમિનિકાની યાત્રા અને દોઢ મહિનાની ગતિવિધિઓની માહિતીઓ પણ ભેગી કરી છે.

સ્કૉટલેન્ડ યાર્ડ પોલીસમાં તેમણે ફરિયાદ પણ નોંધાવી છે.

ક્ષદ્વીપમાં પ્રફુલ પટેલને કથિતરૂપે ‘જૈવિક હથિયાર’ કહેનાર સામે રાજદ્રોહનો કેસ

લક્ષદ્વીપમાં બીફ પર પ્રતિબંધ માટેના સૂચિત નિયમ લાવનારા પ્રશાસક પ્રફુલ પટેલ મામલે વિવાદ હજુ પણ યથાવત છે.

‘ધ હિંદુ’ના અહેવાલ અનુસાર લક્ષદ્વીપ પોલીસે સ્થાનિક રહેવાસી અને ફિલ્મ અનિભેત્રી આયેશા સુલતાના સામે રાજદ્રોહનો કેસ કર્યો છે.

ભાજપના સ્થાનિક નેતાએ ફરિયાદ કરતા આ કેસ દાખલ કરાયો છે. કેમ કે આયેશાએ એક ટીવી કાર્યક્રમમાં કથિતરૂપે પ્રફુલ પટેલને જૈવિક હથિયાર ગણાવ્યા હતા.

ગંદા પાણીમાં કોરોના વાઇરસને શોધી લેતા સસ્તા સૅન્સરની શોધ

ભારત અને યુકેના વૈજ્ઞાનિકોએ સંયુક્તરૂતે સંશોધન કરીને ગંદા પાણીમાં કોરોના વાઇરસ શોધી આપતા સસ્તા સૅન્સરની શોધ કરી છે.

‘એનડીટીવી’ના અહેવાલ અનુસાર આનાથી મોટા વિસ્તારોમાં વાઇરસનો ફેલાવો સમજવામાં આરોગ્યતંત્રને મદદ થઈ શકશે.

યુનિવર્સિટી ઑફ સ્ટ્રેચેડ અને આઈઆઈટી બૉમ્બે દ્વારા આ શોધ કરાઈ છે. તે ઓછી અને મધ્ય આવક ધરાવતા દેશોમાં કોવિડના ટેસ્ટિંગ મામલે મદદરૂપ થઈ શકશે.

મુંબઈમાં ગટરમાંથી લેવાયેલા પાણી પર સૅન્સરનું પરીક્ષણ કરાયું હતું જે સફળ રહ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો