જસ્ટિસ અરુણ મિશ્રાને માનવઅધિકાર પંચના અધ્યક્ષ બનાવાતા વિરોધ કેમ થઈ રહ્યો છે?

જસ્ટિસ અરુણ મિશ્રાની તાજેતરમાં માનવાધિકાર પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ અરુણ મિશ્રાની તાજેતરમાં માનવાધિકાર પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે
    • લેેખક, વિશાલ શુક્લા
    • પદ, બીબીસી સંવાદદાતા

કટોકટી પછી ચૂંટણીઓ યોજાઈ અને તેમાં ઇંદિરા ગાંધીની હાર થઈ હતી.

અઢી વર્ષ પછી ફરીથી સત્તા મળી અને પરિણામના બીજા જ દિવસે વડાં પ્રધાન તરીકે શપથ લીધા હતા.

15 જાન્યુઆરી, 1980ના રોજ ઇંદિરા ગાંધીને અભિનંદન સાથેના સંદેશાઓ મળી રહ્યા હતા.

અભિનંદન આપનારામાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી પણ હતા.

તેમણે લખ્યું હતું, "ચૂંટણીમાં શાનદાર વિજય અને વડાં પ્રધાન તરીકે સફળતાપૂર્વક ફરી પધાર્યાં છો તે બદલ હું આપને હાર્દિક અભિનંદન પાઠવું છું. મને ખાતરી છે કે આપની દૃઢ ઇચ્છાશક્તિ, દૂરંદેશી, વહિવટી કુશળતા અને નબળા લોકોની મુશ્કેલી સમજનારા હૃદય સાથે આપ રાષ્ટ્રને લક્ષ્ય સુધી પહોંચાડશો."

જસ્ટિસ ભગવતીએ આ રીતે અભિનંદન પાઠવ્યાં તેની સામે સવાલો ઉઠ્યા હતા અને ટીકા થઈ હતી કે આવો પત્ર લખાયો તેના કારણે જનતાને ન્યાયતંત્ર પરથી વિશ્વાસ જતો રહેશે.

આ ઘટનાનાં 40 વર્ષ પછી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણકુમાર મિશ્રાએ જાહેર મંચ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં હતાં. તેના કારણે તેમની સામે પણ ટીકાઓનો મારો ચાલ્યો હતો.

22 ફેબ્રુઆરી, 2020ના રોજ દિલ્હીમાં યોજાયેલા ઇન્ટરનૅશનલ જ્યુડિશિયલ કૉન્ફરન્સમાં જસ્ટિસ મિશ્રાએ આંતરરાષ્ટ્રીય સ્તરે મોદીની દાર્શનિક તરીકે સ્વીકૃતિ થઈ છે એમ જણાવીને કહ્યું કે તેઓ 'સદાબહાર જ્ઞાની છે.'

આ કાર્યક્રમમાં 20 દેશોના ન્યાયાધીશો ભાગ લઈ રહ્યા હતા.

હવે આ જ ન્યાયાધીશ જસ્ટિસ મિશ્રાને રાષ્ટ્રીય માનવઅધિકાર પંચના અધ્યક્ષ બનાવાયા ત્યારે તેમની સામે પણ સવાલો થઈ રહ્યા છે.

line

ક્યારે અને કેવી રીતે થઈ નિમણૂક?

માનવાધિકાર ક્ષેત્રે સક્રિય કાર્યકર્તાઓ જસ્ટિસ મિશ્રાની નિમણૂકનો વિરોધ કેમ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, માનવાધિકાર ક્ષેત્રે સક્રિય કાર્યકર્તાઓ જસ્ટિસ મિશ્રાની નિમણૂકનો વિરોધ કેમ કરી રહ્યા છે?

2 જૂન 2021ના રોજ જસ્ટિસ (નિવૃત્ત) અરુણકુમાર મિશ્રાને રાષ્ટ્રીય માનવઅધિકાર પંચના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા.

આ પદ છેલ્લા છ મહિનાથી ખાલી પડ્યું હતું. પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એચ. એલ. દત્તુ આ પદ પર હતા.

2 ડિસેમ્બર 2020ના રોજ તેઓ નિવૃત્ત થયા હતા, પણ તે પછી તેમની જગ્યાએ કોઈને મુકાયા નહોતા.

માર્ચ 2021માં પંચના સભ્ય જસ્ટિસ પ્રફુલ્લચંદ્ર પંતે અધ્યક્ષની જગ્યા ખાલી પડી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેથી 3 મેના રોજ પંચે એક હુકમ જાહેર કરીને 25 એપ્રિલે તેમને પંચના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા.

માનવઅધિકાર પંચના અધ્યક્ષ તરીકે ઉમેદવારોની યાદી તૈયાર થઈ હતી.

તેમાંથી પસંદગી કરવા માટેની સમિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે હતા.

આ સમિતિમાંથી માત્ર ખડગેએ જસ્ટિસ મિશ્રાની પસંદગીનો વિરોધ કર્યો હતો.

તેમણે બેઠકમાં વિરોધ કર્યા બાદ પોતાના વિરોધના મુદ્દાઓ લખીને વડા પ્રધાન મોદીને મોકલ્યા હતા.

line

ખડગેના વિરોધના મુદ્દાઓ શું છે?

મલ્લિકાર્જુન ખડગે

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસનેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉઠાવ્યો હતો જસ્ટિસ અરુણ મિશ્રાના સામે વાંધો

ખડગેનું માનવું છે કે માનવઅધિકારના ભંગના મોટા ભાગના કિસ્સામાં કહેવાતી પછાત જ્ઞાતિઓ, આદિવાસીઓ અને લઘુમતીના લોકો ભોગ બનતા હોય છે.

તેથી પંચના અધ્યક્ષ તરીકે આ સમુદાયમાંથી કોઈને પસંદગી થવી જોઈએ.

સમિતિના બીજા સભ્યોએ કહ્યું કે આવું કોઈ નામ ઉમેદવારોની યાદીમાં નથી. તેની સામે ખડગેએ સૂચન કર્યું કે નવી યાદી તૈયાર થવી જોઈએ અને તે પછી ફરીથી બેઠક થવી જોઈએ. તેમના સૂચનને જોકે સ્વીકારાયું નહોતું.

સમિતિએ નામ નક્કી કરી નાખ્યું અને તે રીતે જસ્ટિસ મિશ્રાની નિમણૂક કરી દેવામાં આવી.

ખડગેએ પોતાના વાંધા સાથે પીએમ મોદીને પત્ર લખ્યો હતો તે ટ્વિટર પર જાહેર કરી દીધો છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

line

71 લોકોનું નિવેદન

ભારતનું માનવાધિકાર પંચ

ઇમેજ સ્રોત, NHRC.NIC.IN

ઇમેજ કૅપ્શન, ભારતનું રાષ્ટ્રીય માનવાધિકાર પંચ

જસ્ટિસ મિશ્રાની નિમણૂક થઈ તે પછી દેશનાં ઘણાં માનવઅધિકાર સંગઠનો અને વિચારકોએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું.

રવિકિરણ જૈન, મલ્લિકા સારાભાઈ, અપૂર્વાનંદ, આકાર પટેલ, હર્ષ મંદર, નિવેદિતા મેનન, બેલા ભાટિયા, મેધા પાટકર, અરુણા રૉય અને ગૌહર રઝા જેવાં જાણીતાં લોકોએ આ નિવેદનમાં સહી કરેલી છે.

આ નિવેદનમાં જણાવાયું છે કે, "સરકારે લીધેલો આ નિર્ણય રાષ્ટ્રીય માનવઅધિકાર પંચની સ્વાયત્તતાની વિરુદ્ધમાં છે. પંચના અધ્યક્ષ તરીકે માનવ અધિકારના મુદ્દાઓ પર કામ કરી ચૂકેલા કોઈ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થવી જોઈતી હતી."

"મોદી સરકારે કરેલી આ નિમણૂક દર્શાવે છે કે લાયકાતનું કોઈ મહત્ત્વ રહ્યું નથી, માત્ર સત્તાની નજીક તમે હો તે જ મહત્ત્વનું રહ્યું છે. જનતા જાણવા માગે છે કે કયા આધાર પર જસ્ટિસ મિશ્રાની નિમણૂક થઈ છે. એ સ્પષ્ટ છે કે પીએમ મોદી પ્રત્યે નિષ્ઠા દેખાડવામાં આવી તેનું આ ઇનામ આપવામાં આવ્યું છે."

આ સંયુક્ત નિવેદનમાં જસ્ટિસ મિશ્રાએ ભૂતકાળમાં આપેલા ચુકાદાઓનો પણ ઉલ્લેખ છે, જેને આધારે પણ તેમની નિમણૂક સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

line

જસ્ટિસ મિશ્રાના કયા ચુકાદાઓનો ઉલ્લેખ કરાયો છે?

જસ્ટિસ મિશ્રા જાહેર મંચ પરથી કરી ચુક્યા છે વડા પ્રધાન મોદીની પ્રશંસા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ મિશ્રા જાહેર મંચ પરથી કરી ચુક્યા છે વડા પ્રધાન મોદીની પ્રશંસા

જબલપુર હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે રહેલા જસ્ટિસ હરગોવિંદ મિશ્રાના પુત્ર જસ્ટિસ અરુણ મિશ્રાએ 21 વર્ષ વકીલાત કરી હતી.

બાદમાં હાઈકોર્ટમાં કામ કર્યું અને છેવટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.

તેમના ઘણાં સગા જાણીતા વકીલ છે. તેમનાં દીકરી પણ દિલ્હી હાઈકોર્ટમાં વકીલાત કરે છે.

જમીન હસ્તગત કરવાના એક કેસમાં જસ્ટિસ મિશ્રાએ આપેલો ચુકાદો ચર્ચાસ્પદ બન્યો હતો. બાદમાં તે કેસ બંધારણીય બેન્ચેને સોંપવામાં આવ્યો, તો તેમાં પણ જસ્ટિસ મિશ્રા સભ્ય તરીકે હતા.

તેમણે જાતે ખંડપીઠમાંથી નીકળી જવા માટે ઇનકાર કર્યો હતો. તેનો અર્થ એ થયો કે તેમણે જ ચુકાદો આપ્યો હતો તેને પડકારવામાં આવ્યો તેની સુનાવણીમાં પણ તેઓ જજ તરીકે હતા.

જસ્ટિસ અરુણ મિશ્રા જે ખંડપીઠના સભ્ય હતા, તેમની સાથે બહુચર્ચિત 'સહારા બિરલા દસ્તાવેજ'ના મામલાની સુનાવણી ચાલી રહી હતી.

આ કેસમાં નેતાઓ, અમલદારો અને ન્યાયાધીશો સામે આરોપો મુકાયા હતા. બાદમાં આ મામલાને કાઢી નાખવામાં આવ્યો હતો.

2019માં પ્રસિદ્ધ વકીલ દુષ્યંત દવેએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને જણાવ્યું હતું કે જસ્ટિસ અરુણ મિશ્રા એક ઉદ્યોગગૃહ સામેના કેટલાય કેસ પોતાની અદાલતમાં સુનાવણી કરતા રહ્યા છે.

તેમનો આરોપ હતો કે આ ચોક્કસ ઉદ્યોગગૃહની સામે કોઈ પણ કેસ હોય ત્યારે તેને જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠમાં જ મૂકી દેવામાં આવતા હતા.

જોકે તેની સામે ઉદ્યોગગૃહે જણાવ્યું કે બધી જ કાર્યવાહી નિયમો પ્રમાણે જ થઈ હતી.

સિનિયર પત્રકાર પ્રેમશંકર ઝાએ ગુજરાતના વિવાદાસ્પદ હરેન પંડ્યા હત્યાકાંડનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે જસ્ટિસ અરુણ મિશ્રાના જજમેન્ટમાં ઘણી બધી ખામીઓ હતી.

તે રીતે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ખંડપીઠે રદ કરી દીધો હતો.

પ્રશાંત ભૂષણને અદાલતના તિરસ્કાર માટે દોષી ગણવામાં આવ્યા હતા અને તેમને એક રૂપિયાનો દંડ કરવાનો ચુકાદો અપાયો હતો તે ખંડપીઠની અધ્યક્ષ તરીકે જસ્ટિસ અરુણ મિશ્રા જ હતા.

line

ચાર ન્યાયાધીશોએ કરેલી પત્રકારપરિષદ

સર્વોચ્ચ અદાલતના ચાર ન્યાયાધીશોએ કરેલી પત્રકારપરિષદથી નારાજ થયા હતા જસ્ટિસ અરુણ મિશ્રા?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સર્વોચ્ચ અદાલતના ચાર ન્યાયાધીશોએ કરેલી પત્રકારપરિષદથી નારાજ થયા હતા જસ્ટિસ અરુણ મિશ્રા?

જસ્ટિસ મિશ્રાના કામકાજ સામે સૌથી વધુ વિવાદસ્પદ બાબત ચાર ન્યાયાધીશોએ પત્રકારપરિષદ બોલાવી હતી તે હતી.

જસ્ટિસ લોયાની હત્યાનો કેસ જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠમાં 10મા નંબરે લિસ્ટ કરવામાં આવ્યો હતો.

આ પછી જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી. લોકુર, જસ્ટિસ કુરિયન જૉસેફ અને જસ્ટિસ ચેલમેશ્વરે જાહેરમાં આવીને પત્રકારપરિષદ બોલાવી હતી.

તેઓએ આરોપ લગાવ્યો હતો કે મહત્ત્વના મામલા કેટલાક ચોક્કસ જજોની બેન્ચમાં જ લિસ્ટ કરી દેવામાં આવે છે.

આ પત્રકારપરિષદમાં જસ્ટિસ અરુણ મિશ્રાનું નામ લેવામાં આવ્યું નહોતું, પરંતુ તેના કારણે તેઓ બહુ નારાજ થયા હતા. બાદમાં તેમણે જજ લોયા કેસમાંથી પોતાને અળગા કરી લીધા હતા.

જસ્ટિસ અરુણ મિશ્રાની વિદાય માટે વીડિયો કૉન્ફરન્સ યોજાઈ હતી તેમાં પણ વિવાદ થયો હતો.

સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશનના અધ્યક્ષ રહી ચૂકેલા દુષ્યંત દવેએ આરોપ લગાવ્યો કે તેમને વિદાય સમારંભમાં કશું બોલવા દેવાયા નહોતા. સૌને ડર હતો કે તેઓ કશુંક અણગમતું બોલી જશે.

આ પછી દવેએ તે વખતના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેને પત્ર લખ્યો હતો,

"મારે કહેવું પડશે કે સુપ્રીમ કોર્ટમાં હવે એવી હાલત થઈ ગઈ છે કે જજોને બારનો ડર લાગવા લાગ્યો છે. યાદ રાખજો જજ આવશે અને જતા રહેશે, પણ બાર હંમેશાં રહેવાનું છે."

line

નિયમ શું કહે છે?

જસ્ટિસ અરુણ મિશ્રા મધ્ય પ્રદેશના જબલપુરના નિવાસી છે

ઇમેજ સ્રોત, SUPREME COURT OF INDIA

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ અરુણ મિશ્રા મધ્ય પ્રદેશના જબલપુરના નિવાસી છે

માનવઅધિકાર સંગઠનો સાથે સંકળાયેલા લોકો તથા સોશિયલ મીડિયામાં એ વાત વારંવાર જણાવવામાં આવી રહી છે કે 27 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર માનવઅધિકાર પંચમાં એવી વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ના રહેલા હોય.

હકીકતમાં સપ્ટેમ્બર 1993માં 'પ્રૉટેક્શન ઑફ હ્યુમન રાઇટ્સ ઍક્ટ' બનાવાયો ત્યારે તેમાં જણાવાયું હતું કે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશની જ નિમણૂક પંચના અધ્યક્ષ તરીકે કરી શકાશે.

8 જુલાઈ 2019ના રોજ લોકસભામાં પ્રૉટેક્શન ઑફ હ્યુમન રાઇટ્સ (અમેન્ટમેન્ટ) બિલ રજૂ કરવામાં આવ્યું.

તેમાં જોગવાઈ કરવામાં આવી કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અથવા સુપ્રીમ કોર્ટના કોઈ પણ જજની નિમણૂક પંચના અધ્યક્ષ તરીકે કરી શકાશે.

પંચના સભ્યો તરીકે માનવઅધિકારના બે જાણકારોની જગ્યાએ ત્રણ સભ્યોની નિમણૂક કરવાની દરખાસ્ત પણ હતી. તેમાં એક સભ્ય મહિલા હોવાં જોઈએ તેવી જોગવાઈ કરાઈ હતી.

આ ઉપરાંત કાયદામાં સુધારો કરીને અધ્યક્ષનો કાર્યકાળ પાંચ વર્ષની જગ્યાએ ત્રણ વર્ષનો કરી દેવાયો હતો.

નિયમો અનુસાર અધ્યક્ષની ઉંમર 70 વર્ષની થઈ જાય અને હજી ત્રણ વર્ષ પૂર્ણ ના થયા હોય તો પણ તેમણે પદ છોડી દેવું પડે.

19 જુલાઈ 2019ના રોજ લોકસભા અને 22 જુલાઈ 2019ના રોજ રાજ્યસભામાં આ બિલ પસાર થયું અને તે કાયદો બન્યું. કાયદામાં આ સુધારાને આધારે ચીફ જસ્ટિસ ના બનેલા જસ્ટિસ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે.

line

ન્યાયાધીશોની નિમણેકોનાં ઉદાહરણો

જસ્ટિસ લોયા કેસમાંથી પોતાની જાતને જુદા કર્યા હતા

ઇમેજ સ્રોત, CARAVAN MAGAZINE

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ લોયા કેસમાંથી પોતાની જાતને જુદા કર્યા હતા

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો નિવૃત્ત થાય તે પછી તેમને સરકારી અગત્યના હોદ્દાઓ પર મૂકવામાં આવ્યા હોય તેવી પરંપરા ભારતમાં નવી નથી.

1973માં સુપ્રીમ કોર્ટમાંથી રાજીનામું આપનારા જસ્ટિસ કે. એસ. હેગડે જનતા પક્ષની ટિકિટ પર ચૂંટણી લડીને લોકસભામાં આવ્યા હતા.

તેઓ 1977થી 1980 સુધી સ્પીકર તરીકે રહ્યા હતા. જસ્ટિસ એમ. હિદાયતુલ્લાહ 1970માં ચીફ જસ્ટિસ તરીકે નિવૃત્ત થયા હતા. બાદમાં 1979માં તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવાયા હતા.

જાન્યુઆરી 1983માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયેલા જસ્ટિસ બહરુલ ઇસ્લામને ઇંદિરા ગાંધીએ જૂન 1983માં રાજ્યસભામાં મોકલ્યા હતા.

ચીફ જસ્ટિસ પદેથી નિવૃત્ત થયેલા જસ્ટિસ પી. સદાશિવમને 2014માં એનડીએ સરકારે કેરળના રાજ્યપાલ બનાવ્યા હતા.

2019માં ચીફ જસ્ટિસ પદેથી નિવૃત્ત થયા પછી જસ્ટિસ રંજન ગોગોઈ પણ રાજ્યસભાના સભ્ય બની ગયા છે.

2012માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન ગડકરી હતા ત્યારે તેમણે પક્ષની બેઠકમાં ઠરાવ મૂકેલો કે કોઈ પણ ન્યાયાધીશ નિવૃત્ત થાય તે પછી ઓછામાં ઓછા બે વર્ષ સુધી તેમને કોઈ પદ પર મૂકવા જોઈએ નહીં.

આવો કૂલિંગ પિરિયડ રાખવામાં નહીં આવે તો ન્યાયતંત્રને પ્રભાવિત કરવાની તક સરકારોને મળી જશે અને ન્યાયતંત્રની નિષ્પક્ષતા માત્ર સ્વપ્નસમી બની રહેશે.

line

આરોપ-પ્રત્યારોપ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માનવાધિકાર ક્ષેત્રે કામ કરતા કાર્યકર્તાઓ આ નિમણૂકથી પંચની સ્વાયત્તતા પર સવાલ ઊભા થશે તેવો ભય વ્યક્ત કરે છે

પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝના રાજસ્થાન એકમનાં અધ્યક્ષ કવિતા શ્રીવાસ્તવ આ વિશે કહે છે, "કોઈ પણ સંસ્થા ત્યાં સુધી જ સારી રીતે કામ કરી શકે, જ્યાં સુધી તે સ્વાયત્તતા સાથે કામ કરે."

"જસ્ટિસ મિશ્રા અંગત રીતે જે પણ કરે કે કહે, પરંતુ તેમણે જાહેર મંચ પર પીએમ મોદીની પ્રસંશા કરીને કૉમ્પ્રોમાઇઝ કર્યું છે. તેથી તેમની પાસે કેવી રીતે આશા રાખવી? આપણે કેવી રીતે માનીએ કે તેઓ સરકારની તરફેણમાં ચુકાદા નહીં આપે?"

સરકારની દાનત સામે પણ કવિતા સવાલ ઊઠાવે છે, "નરેન્દ્ર મોદી સરકારનો રેકૉર્ડ છે કે વકીલો, કાર્યકરો અને ઍક્ટિવિસ્ટોને જેલમાં નાખી દેવા. તો કેવી રીતે માનવું કે નિમણૂક પામનારી વ્યક્તિ માનવઅધિકારના ભંગના કેસને ઢાંકી દેવાની કોશિશ નહીં કરે?"

તેઓ કહે છે, "અમારો વિરોધ ફક્ત એ આધાર પર છે કે જસ્ટિસ મિશ્રાનો માનવઅધિકારો માટે કામ કરવાનો કોઈ રેકૉર્ડ નથી. બીજું કે પંચમાં કોઈ વૈવિધ્ય પણ દેખાતું નથી. સરકાર ઇન્ટેલિજન્સના લોકોને પંચમાં સભ્ય બનાવે છે, જેમનું કામ જ માનવઅધિકારોની વિરુદ્ધનું હોય છે. આ હ્યુમન રાઇટ્સ કમિશન નથી, પણ ઍન્ટી હ્યુમન રાઇટ્સ કમિશન બની રહ્યું છે."

સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિરાગ ગુપ્તાનું માનવું છે કે માત્ર એક વ્યક્તિની નિમણૂકનો મુદ્દો બનાવવો યોગ્ય નથી.

લોકતંત્રના મૂળ આધારોમાંના એક ન્યાયતંત્ર પર સતત સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે તેમાં જ તિરાડો દેખાવા લાગી છે. તે મૂળભૂત મુદ્દાઓ પર ચર્ચાની જરૂર છે.

તેઓ કહે છે, "જસ્ટિસ મિશ્રાની નિમણૂકની ટીકા ત્રણ આધારે થઈ રહી છે. એવું કહેવાય છે કે તેઓ એવા નિવૃત્ત જજ છે, જેમણે ઘણા બંધારણીય મામલે સરકારને સાથ આપ્યો હોય. બીજું, તેમણે એવા ચુકાદા આપ્યા છે, જે માનવઅધિકારના વિરોધમાં હોય અને ત્રીજું કે આ મામલો ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે સાંઠગાંઠનો છે."

વિરાગ ગુપ્તા ભારપૂર્વક કહે છે કે આ મામલાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે, "જે ત્રણ બાબતોને આધારે જસ્ટિસ મિશ્રાની નિમણૂકની ટીકા થઈ રહી છે, તેમાંથી એક પણ નવી બાબત નથી."

"જજ રાજ્યપાલ બને છે, રાજકીય પક્ષોના સભ્ય બને છે, સાંસદો પણ બન્યા છે. આ બધુ સતત ચાલતું રહ્યું છે અને બધી સરકારો વખતે આવું થયું છે."

તેમનું કહેવું છે, "સરકાર પાસે નિમણૂક કરવાનો અધિકાર છે, ત્યારે કોઈ પણ નિમણૂકને સરકારની મહેરબાની તરીકે જ જોવામાં આવશે. તેમાં વિવાદ કરવો એ કોઈ એક વ્યક્તિને સિંગલ આઉટ કરવા જેવું છે. એવી વ્યવસ્થા થાય કે કોઈ આરોપ પ્રત્યારોપ લગાવવાની શક્યતા ઓછામાં ઓછી થઈ જાય તે માટે વિચારવું જોઈએ."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો