અકીલ કુરૈશી : આ જજ મોદી-શાહ વિરુદ્ધ ચુકાદો આપવાની કિંમત ચૂકવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, YT@The Gujarat High Court Advocates' Association
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મંગળવારે એકસાથે નવ જજ દેશની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે શપથ લીધા, જેમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ તથા જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીનાં નામોનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત હાઈકોર્ટના 60 કરતાં વધુ વર્ષના ઇતિહાસમાં જસ્ટિસ બેલા ત્રિવેદી સર્વોચ્ચ અદાલતમાં પદોન્નતિ મેળવનારાં પ્રથમ મહિલા જજ છે. તેઓ હાલના જજોમાં નીચલી અદાલતમાંથી સર્વોચ્ચ અદાલત સુધી પહોંચેલાં એકમાત્ર જજ છે.
સુપ્રીમ કોર્ટની કૉલિજિયમમાં વરિષ્ઠતાની દૃષ્ટિએ દેશમાં બીજા ક્રમે રહેલા ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અકીલ કુરૈશીના નામની ગેરહાજરીએ ગુજરાતના ન્યાયક્ષેત્રના વ્યવસાયિકોનું ધ્યાન ખેંચ્યું હતું.
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે જસ્ટિસ અકીલ કુરૈશી મામલે એક લેખ લખ્યો છે જેનું ટાઇટલ છે - અકીલ કુરૈશી : ન્યાયનો ઇનકાર.
જસ્ટિસ કુરૈશી મૂળ ગુજરાત હાઈકોર્ટના છે, કથિત રીતે મોદી-શાહ વિરુદ્ધના અમુક ચુકાદાને કારણે તેમના નામ પર કેન્દ્ર સરકાર દ્વારા અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. આ પહેલાં જસ્ટિસ શરદ બોબડેના કાર્યકાળ દરમિયાન એક પણ નિમણૂક થઈ શકી ન હતી.

મૂળ ગુજરાતના જસ્ટિસ કુરૈશી અને કૉલિજિયમ

ઇમેજ સ્રોત, High Court of Tripura - Official
ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, જસ્ટિસ આર. એફ. નરિમાન ઇચ્છતા હતા કે વરિષ્ઠતાના આધારે નિમણૂક કરવામાં આવે, પરંતુ કૉલિજિયમના અન્ય સભ્યો સહમત ન હતા, એટલે જ તેમની નિવૃત્તિ બાદ નવું કૉલિજિયમ બન્યું હતું અને એક સાથે બાકી રહેતી જગ્યાઓ ભરવામાં આવી હતી.
કૉલિજિયમ વચ્ચે સહમતિ ન સધાતાં બે વર્ષ સુધી દેશની સર્વોચ્ચ અદાલતમાં નવી ભરતી થઈ શકી ન હતી અને તેની માન્ય સભ્યસંખ્યા 34માંથી 24 પર આવી ગઈ હતી.
હાલની કૉલિજિયમમાં દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન. વી. રમન્ના, જસ્ટિસ યુ. યુ. લલિત, જસ્ટિસ એ. એમ. ખાનવીલકર, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ તથા એલ. નાગેશ્વર રાવનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં ફેબ્રુઆરી મહિનામાં સૂત્રોને ટાંકતા અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'એ દાવો કર્યો હતો કે જસ્ટિસ અકીલ કુરૈશીને સર્વોચ્ચ અદાલતમાં નીમવા મુદ્દે કૉલિજિયમમાં સહમતિ સાધી શકાઈ ન હતી, જેના કારણે મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડેના કાર્યકાળ દરમિયાન સર્વોચ્ચ અદાલતમાં એક પણ નવા જજની નિમણૂક થઈ શકી ન હતી.
એ કૉલિજિયમમાં દેશના મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે ઉપરાંત એન. વી. રમન્ના, રોહિંગ્ટન નરિમાન, યુ. યુ. લલિત તથા એમ. એન. ખાનવીલકર હતા.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ માર્કણ્ડેય કાત્જુએ પણ તેમની ફેસબુક પોસ્ટમાં આ વાતનો અણસાર આપ્યો હતો, બાદમાં તેમણે એ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.
વરિષ્ઠતાની દૃષ્ટિએ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અભય ઓક્કા સૌથી સિનિયર છે. જ્યારે અકીલ કુરૈશી બીજા ક્રમે છે.
જસ્ટિસ કુરૈશી માર્ચ-2022માં નિવૃત્ત થશે, જ્યારે જસ્ટિસ ઓક્કા મે-2022માં નિવૃત્ત થશે. તાજેતરની યાદીમાં જસ્ટિસ ઓક્કાના નામનો સમાવેશ થાય છે.
હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં જજોની પદોન્નતિની બાબતમાં નિમણૂકની તારીખ મહત્ત્વપૂર્ણ બની રહે છે. આથી, સરકાર પર નિમણૂકમાં ઢીલ કરવાના કે ઉતાવળ કરવાના આરોપ લાગતા રહે છે.
બંધારણીય જોગવાઈ મુજબ, હાઈકોર્ટના જજ 62 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે, જ્યારે સુપ્રીમ કોર્ટના જજ 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે. એટલે જો જસ્ટિસ અકીલ કુરૈશી સર્વોચ્ચ અદાલતમાં નિમણૂક પામે તો તેમનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે લંબાઈ જાય.

જસ્ટિસ કુરૈશીની નિમણૂકની સંભાવના

ઇમેજ સ્રોત, Getty Images
સર્વોચ્ચ અદાલતમાં જજોના 34 સ્થાન છે, જેમાંથી નવી નિમણૂકો બાદ સંખ્યા 33 પર પહોંચી જશે. આ પછી પણ એક જગ્યા ખાલી રહેશે.
ગુજરાત હાઈકોર્ટ ઍડ્વોકેટ ઍસોસિયેશનના એક સભ્યના કહેવા પ્રમાણે, સર્વોચ્ચ અદાલતમાં જસ્ટિસ અકીલ કુરૈશીની નિમણૂક માટે ફરીથી કાયદાકીય માર્ગ અપનાવવામાં નહીં આવે, કારણ કે હજુ એક જગ્યા ખાલી છે. કેસની અસર તેના પર થઈ શકે છે.
માર્ચ-2022માં 62 વર્ષની ઉંમરે જસ્ટિસ કુરૈશી નિવૃત્ત થશે.
એ પહેલાં જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી નિવૃત્ત થશે, ત્યારે પણ જસ્ટિસ કુરૈશીના નામની વિચારણા થઈ શકે છે. જોકે વરિષ્ઠતાને જ પ્રાથમિકતા આપવી એવો કોઈ નક્કર નિયમ નથી, પરંતુ પરંપરા છે, જેનું મહદંશે પાલન થયું છે.
જોકે, કૉલિજિયમ દ્વારા નામ પર વિચારણા કરતી વખતે પ્રાંતીય પ્રતિનિધિત્વ તથા લૈંગિક પ્રતિનિધિત્વ જેવી બાબતોને ધ્યાને લેવામાં આવે છે. જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી ઉપરાંત જસ્ટિસ મુકેશકુમાર શાહ સુપ્રીમ કોર્ટનાં જજ છે, જેમની પૅરન્ટ હાઈકોર્ટ ગુજરાત ઉચ્ચ ન્યાયાલય છે. જસ્ટિસ શાહ મે-2023માં નિવૃત્ત થશે.
આ સિવાય જસ્ટિસ કુરૈશી જેટલા જ વરિષ્ઠ જસ્ટિસ ડી. એન. પટેલ છે. જસ્ટિસ કુરૈશી અને જસ્ટિસ ધીરુભાઈ નારણભાઈ પટેલની ગુજરાત હાઈકોર્ટમાં એકસાથે જ ઍડિશનલ જજ તરીકે નિમણૂક થઈ હતી. જસ્ટિસ પટેલ હાલમાં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. આથી પણ કુરૈશીના નામ ઉપર પ્રશ્નાર્થ રહી શકે છે.
આ પહેલાં જસ્ટિસ કુરૈશીને ત્રિપુરાના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા, ત્યારે પણ સરકાર અને કૉલિજિયમ વચ્ચે ગજગ્રાહ થયો હતો.

કોણ છે જસ્ટિસ કુરૈશી?

ઇમેજ સ્રોત, National Archives
જસ્ટિસ અકીલ કુરૈશીના પિતાજીના નાના અબ્દુલ કાદીર બાવાઝીર દક્ષિણ આફ્રિકામાં રહેતા. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેઓ અને બાવાઝીર નજીક આવ્યા. તેમની નિકટતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ગાંધીજી તેમને 'સહોદર' કહેતા.
બાવાઝીર ગાંધીજીની સાથે જ ભારત પરત ફર્યા અને સાબરમતી આશ્રમમાં રહ્યા. આશ્રમમાં તેઓ જ્યાં રહેતા તે સ્થળ 'ઇમામ મંઝિલ' તરીકે ઓળખાય છે.
જસ્ટિસ અકીલ કુરૈશીના દાદા ગુલામ રસૂલ કુરૈશી ગાંધીજીની તરુણ ટુકડીના સભ્ય હતા, જેમણે ગાંધીજીની 'દાંડીયાત્રા' પૂર્વે ગામે-ગામે જઈને વ્યવસ્થા કરી હતી.
કુરૈશીના પિતા અબ્દુલહામીદ પ્રખર ગાંધીવાદી હતા અને સાબરમતી આશ્રમના ટ્રસ્ટી હતા. તેમનો જન્મ સાબરમતી આશ્રમમાં થયો હતો અને તેમનું નાનપણ પણ ત્યાં જ પસાર થયું હતું.
આઝાદી સમયે તેઓ નવરંગપુરામાં રહેતા; બાદમાં ફાટી નીકળેલી હિંસામાં તેમનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતું અને તેમને સાબરમતી આશ્રમની 'ઇમામ મંઝીલ'માં આશરો લેવો પડ્યો હતો.
અબ્દુલહામિદે સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટમાં પ્રૅક્ટિસ કરી હતી અને આગળ જતાં તેમના પુત્ર અકીલ આ ઉચ્ચ અદાલતમાં ન્યાયાધીશ પણ બન્યા.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
અકીલ કુરૈશીનો જન્મ 7 માર્ચ 1960ના દિવસે થયો હતો અને તેમણે બી.એસસી. (ગણિતશાસ્ત્ર)નો અભ્યાસ કરીને પિતાને પગલે વકીલાતનો અભ્યાસ કર્યો.
વર્ષ 1983માં તેમણે એલ.એલ.બી.ની પદવી મેળવી અને વકીલાત શરૂ કરી. માર્ચ-1992થી માર્ચ-1998 દરમિયાન તેઓ કેન્દ્ર સરકારના ઍડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ પદે રહ્યા.
ત્યારબાદ જાન્યુઆરી-2000થી ડિસેમ્બર-2001 સુધી તેઓ ગુજરાત હાઈકોર્ટમાં આવકવેરા ખાતાના વકીલ તરીકે રજૂ થયા.
સાતમી માર્ચ 2004માં ગુજરાત હાઈકોર્ટના ઍડિશનલ જજ તરીકે તેમની નિમણૂક થઈ અને ગણતરીના મહિનાઓમાં 12મી ઑગસ્ટ 2005ના તેમને કાયમી કરી દેવામાં આવ્યા.
બૉમ્બે હાઈકોર્ટમાં બદલી પૂર્વે 2 નવેમ્બરથી 14 નવેમ્બર, 2018 સુધી ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રહ્યા. 16મી નવેમ્બર, 2019ના તેમણે ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા.
વરિષ્ઠ વકીલ દુષ્યન્ત દવેના મતે, "જસ્ટિસ અકીલ કુરૈશી ખૂબ જ સારા જજ છે. તેઓ દક્ષ, પરિશ્રમી અને સંનિષ્ઠ જજ છે, તેમની અવગણના ન થવી જોઈએ."

સિનિયૉરિટી, બદલી અને બદલાવ
વર્ષ-2018 ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ આર.સુભાષ રેડ્ડીની સર્વોચ્ચ અદાલતમાં નિમણૂક કરવામાં આવી હતી. એ સમયે સૌથી વરિષ્ઠ જજ એવા જસ્ટિસ અકીલ કુરૈશી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બનવા પાત્ર હતા.
તેમના બદલે જસ્ટિસ અનંતકુમાર દવેને મુખ્ય ન્યાયાધીશની નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમવામાં આવ્યા. જે સ્થાપિત પરંપરાથી વિરુદ્ધ હતું.
જેની સામે ગુજરાત હાઈકોર્ટના વકીલોએ કામથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો. કૉલિજિયમ દ્વારા જસ્ટિસ અકીલ કુરૈશીની બદલી બૉમ્બે હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, જ્યાં તેમની વરિષ્ઠતા ઘટીને પાંચમા ક્રમે આવી ગઈ.
કૉલિજિયમ દ્વારા અહીંથી તેમની નિમણૂક પહેલાં મધ્યપ્રદેશ અને પછી ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કરવામાં આવી. જોકે, તેની પાછળ પણ નાટ્યાત્મક ઘટનાક્રમ જવાબદાર હતો.
જસ્ટિસ (રિટાયર્ડ) મદન બી. લોકૂરે સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાના વિચારલેખમાં લખ્યું હતું : "
"તમામ પાસાંને ધ્યાને લેતા 10 મે (2019)ના રોજ ગુજરાત હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ અકીલ કુરૈશીના નામની ભલામણ મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કરવામાં આવી હતી. દરમિયાન ઑગસ્ટ 23મી અને 27મીએ સરકારે બે પત્રો દેશના મુખ્ય ન્યાયાધીશને મોકલ્યા."
"આ સાથે કેટલીક માહિતી પણ મોકલવામાં આવી હતી. જેને ધ્યાને લેતા કૉલિજિયમે તેની ભલામણમાં સુધારો કર્યો અને 5 સપ્ટેમ્બરે ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ અકીલ કુરૈશીના નામની ભલામણ કરી."
"પત્રાચાર સાથે મોકલવામાં આવેલી માહિતી કે સામગ્રી અંગે કોઈ વિગતો નથી. શું તેમના વિશે એવી કોઈ ગુપ્ત માહિતી છે કે જેને સાર્વજનિક કરવી એ ન્યાયતંત્રના હિતમાં નહીં હોય?"
પોતાના વિચારલેખમાં જસ્ટિસ (રિટાયર્ડ) મદન બી. લોકૂરે સવાલ ઉઠાવ્યો હતો કે જો જસ્ટિસ અકીલ કુરૈશી ત્રિપુરાની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનવાને પાત્ર છે, તો આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કેમ ન બની શકે?
સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ દુષ્યન્ત દવેના મતે, જસ્ટિસ કુરૈશીની બદલી કરીને કૉલિજિયમે જજોને ખોટો સંદેશ આપ્યો હતો. તેઓ માને છે કે ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે અકીલ કુરૈશીએ નરેન્દ્ર મોદી તથા અમિત શાહ અંગે ચુકાદા આપ્યા હતા, જે 'કદાચ' સરકારના વિપરીત વલણ માટે કારણભૂત હોઈ શકે છે.

મોદી-શાહ વિશે ચુકાદા

ઇમેજ સ્રોત, Getty Images
સોહરાબુદ્દીન શેખ તથા કૌસરબી હત્યા કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને ગુજરાતના તત્કાલીન રાજ્યકક્ષાના ગૃહમંત્રી અમિત શાહને આરોપી બનાવ્યા હતા. તપાસ એજન્સીએ સી.બી.આઈ. કોર્ટ સમક્ષ અમિત શાહના રિમાન્ડની માગ કરી હતી.
કોર્ટે ઠેરવ્યું હતું કે ચાર્જશિટ દાખલ થઈ ગઈ હોવાથી આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી શકાય, પરંતુ તેમના રિમાન્ડ મંજૂર ન કરી શકાય. જેની સામે સી.બી.આઈ.એ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવતા જસ્ટિસ અકીલ કુરૈશીની સિંગલ જજની બેન્ચે સાબરમતી જેલમાં બંધ અમિત શાહના બે દિવસના કસ્ટૉડિયલ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઑક્ટોબર-2010માં અમિત શાહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા, પરંતુ પુરાવા સાથે ચેડાં ન કરી શકે કે સાક્ષીઓને પ્રભાવિત ન કરી શકે તે માટે તેમને ગુજરાત બહાર રહેવાના આદેશ આપ્યા.

ઇમેજ સ્રોત, AFP
2014માં સી.બી.આઈ.ની કોર્ટે ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમીત શાહને પુરાવાના અભાવે સોહરાબુદ્દીન કેસમાંથી મુક્ત કરી દીધા.
ઑગસ્ટ-2011માં ગુજરાતનાં રાજ્યપાલ કમલા બેનિવાલે જસ્ટિસ આર.એ. મહેતાની લોકાયુક્ત તરીકે નિમણૂક કરી હતી. લગભગ આઠેક વર્ષથી આ પદ ખાલી હોય, રાજ્યપાલે ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને જસ્ટિસ મહેતાની નિમણૂક કરી હતી.
તત્કાલીન મોદી સરકારે ગુજરાત હાઈકોર્ટમાં લોકાયુક્ત તરીકે જસ્ટિસ મહેતાની નિમણૂકને પડકારી હતી. સરકારની દલીલ હતી કે લોકાયુક્તના નામ અંગે મસલતો ચાલુ હતી, ત્યાં જ નિમણૂક કરી દેવાઈ હતી.
આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે જસ્ટિસ કુરૈશીએ આ નિમણૂકને બહાલ રાખી હતી. ગુજરાત સરકારે તેની સામે સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ આ નિમણૂકને યથાવત્ રાખી હતી.
આ ઘટનાક્રમ રાજ્યની મોદી સરકાર માટે લપડાકરુપ હતો. હાલ નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન છે અને અમિત શાહ દેશના ગૃહમંત્રી છે, તેમને સરકારમાં 'નંબર-ટુ' માનવામાં આવે છે.
મે-2018માં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે અકીલ કુરૈશીએ આણંદ જિલ્લાના ઓડ હત્યાકાંડમાં 14 લોકોની આજીવન કેદની સજાને બહાલ રાખી હતી.
ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા હુલ્લડોની આગે ઓડને પણ દઝાડ્યું હતું, જ્યાં 23 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે જે નવ કેસની તપાસ કરી હતી, તેમાં ઓડ હત્યાકાંડ પણ સામેલ હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













