કોરોના વાઇરસ : કોવિડ-19 થયો હોય તેને ડાયાબિટીસ થવાનું જોખમ ખરું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મયંક ભાગવત
- પદ, બીબીસી મરાઠી
કોરોના વાઇરસના ચેપ સંબંધે એક આઘાતજનક વાત નિષ્ણાતોના ધ્યાનમાં આવી છે. સ્વસ્થ અને ડાયાબિટીસની બીમારી ન ધરાવતા, પણ કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા લોકોને ડાયાબિટીસ થયાનું બહાર આવ્યું છે. ડૉક્ટરો તેને "કોવિડ-19ને લીધે થયેલા ડાયાબિટીસ"ના નામે ઓળખાવે છે.
મુંબઈની કેઈએમ હૉસ્પિટલના ડાયાબિટોલૉજિસ્ટ ડૉ. વ્યંકટેશ શિવણે કહે છે, "કોરોનાના ચેપને કારણે ડાયાબિટીસ થયો હોય તેવા કેસોનું પ્રમાણ 10 ટકાથી ઓછું છે, પણ આ વાત ચોક્કસપણે ચિંતાજનક છે."
ડાયાબિટીસ અને હાઈ-બ્લડપ્રેશરના દર્દીઓને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે, પણ કોરોનાનો ચેપ હવે ડાયાબિટીસનું કારણ બન્યો હોવાના પુરાવા નિષ્ણાતોને મળ્યા છે. કોવિડ-19નો ચેપ લાગવાને કારણે થતા ડાયાબિટીસ બાબતે જગતભરમાં સંશોધન ચાલી રહ્યું છે.

કોરોના વાઇરસનો ચેપ લાગવાથી શુગર શા માટે વધે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કોરોના વાઇરસનો ચેપ લાગવાને કારણે ડાયાબિટીસ શું કામ થાય છે એ જાણતા પહેલાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા લોકોના શરીરમાં શુગરનું પ્રમાણ શા માટે વધે એ સમજવું જરૂરી છે. તેનાં મુખ્ય ત્રણ કારણ છે.
નિષ્ણાતોએ આપેલી માહિતી અનુસાર,
•ડાયાબિટીસના દર્દીઓમાં કોરોના વાઇરસના ચેપ અને બીમારીને કારણે જોરદાર સ્ટ્રેસ (માનસિક તાણ) સર્જાય છે, જે શુગર વધવાનું એક કારણ છે.
•સ્ટેરૉઇડને કારણે પણ શરીરમાં શુગરનું પ્રમાણ વધે છે.
•ક્યારેય ડાયાબિટીસ ન થયો હોય એવી વ્યક્તિના શરીરમાં પણ, કોરોના વાઇરસના ચેપને કારણે શુગરનું પ્રમાણ અચાનક વધી ગયું હોવાનું જાણવા મળ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કોરોના વાઇરસના ચેપને કારણે ડાયાબિટીસ થઈ શકે?

ઇમેજ સ્રોત, Roop_Dey/Getty
કોરોનાગ્રસ્તોની સારવાર કરતા ડૉક્ટરોના જણાવ્યા મુજબ, કોરોના વાઇરસના ચેપને કારણે ડાયાબિટીસ થયો હોય એવા ઘણા કેસ છેલ્લા વર્ષ દરમિયાન નોંધાયા હતા.
કોરોના વાઇરસના ચેપને કારણે ડાયાબિટીસ શા માટે થાય છે તેની માહિતી આપતાં ડૉ. વ્યંકટેશ શિવણેએ આ મુજબ જણાવ્યું હતું:
•કોરોના વાઇરસ ફેફસામાંના ACE- 2 રિસેપ્ટર્સને ચોંટી જાય છે અને વૃદ્ધિ પામે છે.
•આ જ ACE- 2 રિસેપ્ટર્સ સ્વાદુપિંડમાં બીટા કોષો પર હોય છે.
•કોવિડ-19 વાઇરસ બીટા કોષો પર હુમલો કરે છે. બીટા કોષોના સંપર્કમાં આવતાં ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
•તેના પરિણામે શરીરમાં શુગરના પ્રમાણમાં વધારો થાય છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સ્વાદુપિંડમાં તૈયાર થતું ઇન્સ્યુલિન શરીરમાં શુગરના નિયંત્રણનું કામ કરે છે, પણ ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટવાથી શુગરના પ્રમાણમાં વધારો થાય છે. આ પરિસ્થિતિ પર નિયંત્રણ માટે દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન કે દવા આપવી પડે છે.
બૉમ્બે હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ડાયાબિટોલૉજિસ્ટ ડૉ. રાહુલ બક્ષી આ નવા પ્રકારના ડાયાબિટીસ થવાનાં ત્રણ કારણ આપે છે.
•ઘણી વાર દર્દીને ખબર નથી હોતી કે તેને ડાયાબિટીસ થયેલો છે, પણ તબીબી તપાસ કરવામાં આવે ત્યારે તેના શરીરમાં શુગરનું પ્રમાણ વધ્યાનું જાણવા મળે છે.
•ઘણાનું શુગર લેવલ બૉર્ડર પર હોય છે. તેમને પ્રી-ડાયાબિટીક કહેવામાં આવે છે. કોરોના વાઇરસના ચેપને કારણે શુગરનું પ્રમાણ વધે છે.
•કેટલાકના ત્રણ મહિનાના શુગર (HBA1C) રિપોર્ટ નૉર્મલ હોવા છતાં તેમનામાં શુગરનું પ્રમાણ વધ્યું હોવાનું જોવા મળે છે.
ફોર્ટિસ હૉસ્પિટલનાં એન્ડોક્રાયનોલૉજિસ્ટ ડૉ. શ્વેતા બુદ્યાલ કહે છે, "કોરોના વાઇરસના ચેપને કારણે ડાયાબિટીસ થતો હોવાનું બહાર આવ્યું છે. સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતા કોષો પર વાઇરસ સીધો હુમલો કરતો હોવાને લીધે આવું થવું શક્ય છે."
ડૉ. બુદ્યાલ ઉમેરે છે, "કોરોના વાઇરસના ચેપમાંથી સાજા થયા બાદ ડાયાબિટીસની તકલીફ શરૂ થઈ હોય તેવા એક-બે નવા દર્દી દર અઠવાડિયે હૉસ્પિટલમાં આવે છે."
એનડીટીવી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં વરિષ્ઠ ડાયાબિટોલૉજિસ્ટ ડૉ. વી. મોહને કહ્યું હતું, "સ્વાદુપિંડના બીટા કોષોમાં કોરોના વાઇરસ પહોંચ્યો હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું છે. કોરોના વાઇરસ કોષો પર હુમલો કરતો હોય છે."

"કોવિડને કારણે મને ડાયાબિટીસની તકલીફ શરૂ થઈ"
ખાનગી કંપનીમાં કામ કરતા 37 વર્ષના નીતિન પરાડકર(નામ બદલ્યું છે)ને કોવિડને કારણે ડાયાબિટીસની તકલીફ શરૂ થઈ છે.
નીતિન કહે છે, "મને કોવિડનો મધ્યમ સ્તરનો ચેપ લાગ્યો હતો. સારવારમાં મને સ્ટેરોઈડ આપવામાં આવ્યું ન હતું. હું કોરોનામાંથી મુક્ત થયો પછી મારા શરીરમાં સુગરનું પ્રમાણ વધારે હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. ત્રણ સપ્તાહ પછી ફરી ટેસ્ટિંગ કરાવ્યું ત્યારે પણ સુગરનું પ્રમાણ વધારે હતું. હવે ડાયાબિટીસની દવા શરૂ કરી છે."

કોવિડને કારણે થયેલો ડાયાબિટીસ આજીવન રહે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કેઈએમ હૉસ્પિટલના ડાયાબિટોલૉજિસ્ટ ડૉ. વ્યંકટેશ શિવણે અને તેમની ટીમે "કોરોનાને લીધે થતા ડાયાબિટીસ" વિશે સંશોધન કર્યું છે. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કેટલાક દર્દીઓમાં બ્લડશુગરનું પ્રમાણ 200-250ના સ્તરે, જ્યારે કેટલાકમાં 300-400ના સ્તરે હોવાનું જાણવા મળ્યું હતું.
તેઓ કહે છે, "જેમના પરિવારમાં કોઈને ડાયાબિટીસ ન હોય તેમજ શરીરમાં શુગરનું પ્રમાણ સામાન્ય હોય એવા લોકોને કોરોના વાઇરસના ચેપને કારણે ડાયાબિટીસ થયો હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું."
કોવિડને કારણે થતો ડાયાબિટીસ કાયમી સ્વરૂપનો હોય છે કે કેમ, એ સવાલનો જવાબ આપતાં ડૉ. શિવણે કહે છે, "કોરોનાને કારણે ડાયાબિટીસ થયો હોય તેવા દર્દીઓમાં શુગર લેવલ ઉપચાર દરમિયાન જ નૉર્મલ થઈ ગયું હતું, પણ ટાઈપ-2 પ્રકારના ડાયાબિટીસના દર્દીઓમાં શુગરનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું."
તેઓ ઉમેરે છે, "કોરોનાને કારણે થયેલો ડાયાબિટીસ હંગામી સ્વરૂપનો છે કે કાયમી સ્વરૂપને એ જાણવા માટે તેના દર્દીઓનું નિયમિત ફોલૉ-અપ કરીને અભ્યાસ કરવો પડશે."

સ્ટેરૉઇડને કારણે વધે શુગર લેવલ?

ઇમેજ સ્રોત, Getty Images
કોરોનાના ઉપચારમાં દર્દીનો જીવ બચાવવા માટે સ્ટેરૉઇડ બહુ મહત્ત્વની છે, પણ સ્ટેરૉઇડના ઉપયોગને કારણે દર્દીના શરીરમાં શુગરના પ્રમાણમાં વધારો થાય છે.
ડૉ. રાહુલ બક્ષી કહે છે, "દર્દીને ડાયાબિટીસ હોય કે ન હોય, સ્ટેરૉઇડને કારણે દર્દીના શરીરમાં શુગરનું પ્રમાણ વધતું જ હોય છે."
એ શુગરને કંટ્રોલ કરવા માટે ડૉક્ટરો દર્દીને ઇન્સ્યુલિન આપતા હોય છે.
ડૉ. બક્ષી ઉમેરે છે, "સ્ટેરૉઇડનો ડોઝમાં ઘટાડા કે સ્ટેરૉઇડ આપવાનું બંધ કરવા છતાં દર્દીના શુગરના પ્રમાણમાં ઘટાડો ન થતો હોવાનું જાણવા મળ્યું છે. તેનો અર્થ એવો થયો કે દર્દીના શરીરમાં એવું કશુંક થયું છે, જેના કારણે તેના શુગર લેવલમાં ઘટાડો થતો નથી. આવા દર્દીઓ કોરોનામાંથી મુક્ત થઈ જાય પછી પણ તેમણે દવા લેવાનું ચાલુ રાખવું પડે છે."

કોવિડમાંથી સાજા થયા બાદ શાની કાળજી રાખવી જોઈએ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ડૉ. શિવણેના જણાવ્યા મુજબ, કોરોનામાંથી સાજા થઈ ગયા એમાં ઉજવણી કરવા જેવું કંઈ નથી. તમને ડાયાબિટીસ હોય તો તમે અરધી લડાઈ જ જીત્યા છો. કોરોના સામેની લડાઈમાં દર્દીના શરીરમાં શુગર પર નિયંત્રણ સૌથી મહત્ત્વની બાબત છે.
કોરોનામાંથી સાજા થયેલા લોકો માટે તેઓ કેટલીક ટિપ્સ આપે છે.
•કોરોના થયો હોય એવી 30 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિએ ડાયાબિટીસ માટે તપાસ કરાવવી જોઈએ.
•હોમ ક્વૉરેન્ટીઇનમાં રહેલા દર્દીઓએ ખાસ કરીને શુગરની ચકાસણી કરાવવી જોઈએ.
•કોવિડમાંથી સાજા થયા પછીના 180 દિવસ સુધી શુગર લેવલ કંટ્રોલમાં રહે એ બહુ જરૂરી છે.
•તેનું કારણ એ છે કે ફુગને કારણે થતા મ્યુકરમાઇકોસિસનો ચેપ ત્રણથી ચાર મહિના બાદ લાગવાની શક્યતા હોય છે.
•તેથી શરીરમાં શુગરનું લેવલ 70-180ની વચ્ચે હોવું જોઈએ.
•HB1C એટલે કે શુગરની ત્રિમાસિક સરેરાશ સાતની અંદર હોવી જરૂરી છે.

કોવિડ થયો હોય ત્યારે ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવું જોઈએ?
વોકાર્ડ હૉસ્પિટલના એન્ડોક્રાયનોલૉજિસ્ટ ડૉ. અલ્તમસ શેખ ડાયાબિટીસના દર્દીઓને અત્યંત મહત્ત્વની સલાહ આપતાં કહે છે, "ડાયાબિટીસના દર્દીઓએ સમયસર અને યોગ્ય પ્રમાણમાં ભોજન કરવું જોઈએ. ક્યારેય પેટ ભરીને જમવાનું નહીં. બે-ત્રણ કલાકના અંતરે કશુંક ખાતા રહેવું જોઈએ."
•શરદી થઈ હોય કે તાવ હોય ત્યારે તમે ટમેટાં કે પાલકનો સૂપ લઈ શકો.
•લીલાં શાકભાજી, કઠોળ અને દાળ ખાઈ શકો. છાશ પી શકો.
•નાસ્તા વખતે બે-ત્રણ ઈંડાં (વ્હાઇટ) ખાઓ તો સારું.
•ચિકન અને માંસ પણ ખાઈ શકો.
•ડાયાબિટીસના દર્દીઓએ તળેલી અને મીઠી વાનગીઓ ખાવી ન જોઈએ.
•ભરપૂર પાણી પીતાં રહેવું જોઈએ. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવું ન જોઈએ.

કોરોનાને કારણે થતા ડાયાબિટીસ વિશે સંશોધન
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
કોરોનાને કારણે ડાયાબિટીસ શા માટે થાય છે એ વિશે લંડનની કિંગ્ઝ કૉલેજ અને ઑસ્ટ્રેલિયાની મોનેશ યુનિવર્સિટીમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે. એ માટે સંશોધકોએ 'કોવ્હિડેબ' રજિસ્ટ્રી બનાવી છે.
મોનેશ યુનિવર્સિટીના સંશોધક અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના માનદ અધ્યક્ષ પો. પોલ ઝિમ્મેટ કહે છે, "કોરોનાને કારણે કેટલા લોકોને ડાયાબિટીસ થયો છે તેની પૂર્ણ માહિતી હજુ સુધી મળી નથી. ડાયાબિટીસ કાયમ રહે છે કે પછી કોવિડમાંથી દર્દી સાજો થઈ જાય પછી જતો રહે છે તેની પણ નક્કર માહિતી નથી. તેથી અમે રજિસ્ટ્રી બનાવીને આ સંબંધે માહિતી આપવા આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરીએ છીએ."
એનડીટીવી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં વરિષ્ઠ ડાયાબિટોલૉજિસ્ટ ડૉ. વી. મોહને કહ્યું હતું, "કોવિડ પછી કેટલા દર્દીઓને ડાયાબિટીસ થયો છે તેની માહિતી અમે એ રજિસ્ટ્રીમાં આપી છે. સમગ્ર વિશ્વમાંથી આવા 600થી વધુ કેસ ત્યાં રિપોર્ટ કરવામાં આવ્યા છે અને આવા કેસોની સંખ્યા વધી રહી છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













