રણદીપ હુડ્ડા માયાવતી પર ટિપ્પણી મામલે વિવાદમાં ફસાયા, UNએ ઍમ્બેસેડરપદેથી હઠાવ્યા

બોલીવૂડ અને તેના સેલેબ્રિટિઝ હાલ તેમનાં નિવેદનોના કારણે સોશિયલ મીડિયા પર લોકોના ગુસ્સાનું કારણ બની રહ્યા છે.

હાલ જ 'બબીતાજી' એટલે કે મુનમુન દત્તા જાતિવાચક શબ્દનો ઉપયોગ કરીને ફસાયાં હતાં, અને હવે રણદીપ હુડ્ડાનું એક જૂનું નિવેદન લોકોના ગુસ્સાનું કારણ બન્યું છે.

રણદીપ હુડ્ડાએ બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતી પર એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને હવે તેને લઈને સોશિયલ મીડિયા પર તેમની ધરપકડની માગ થવા લાગી છે.

આ વિવાદ એટલો વકર્યો છે કે રણદીપ હુડ્ડાને UN ટ્રીટીના ઍમ્બેસેડરના પદ પરથી પણ હઠાવી દેવાયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે રણદીપ હુડ્ડાને જંગલી પ્રાણીઓની પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સંમેલનના ઍમ્બેસેડરપદ પરથી હઠાવી દેવાયા છે.

વાઇરલ વીડિયોમાં શું છે?

વિવાદનું કારણ એક વીડિયો છે, જે ગુરુવારે ફરીથી ટ્વિટર પર ફરતો થયો છે.

વીડિયોમાં રણદીપ દ્વારા કરવામાં આવેલા ટિપ્પણીને કેટલાય લોકોએ 'કાસ્ટિસ્ટ અને સેક્સિટ' ગણાવી છે.

કેટલાય યુઝરે રણદીપની ધરપકડની પણ માગ કરી છે અને આ દરમિયાન ટ્વિટર પર #ArrestRandeepHooda ટ્રૅન્ડ પણ કરવા લાગ્યું છે.

આ મુદ્દે રણદીપ હુડ્ડાની હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

રણદીપ હુડ્ડાના નિવેદન પર નારાજગી

વાઇરલ થયેલા આ વીડિયો અને તેમાં કહેલી વાત મુદ્દે ઘણા લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.

CPIML લીડર તેમજ સોશિયલ ઍક્ટિવિસ્ટ કવિતા કૃષ્ણને રણદીપ હુડ્ડાના નિવેદનને 'જાતિવાદી અને નારીવિરોધી' ગણાવ્યું છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું છે, "આ પ્રકારના જ્ઞાતિઆધારિત શારીરિક શોષણે હંમેશાં પોતાનું કામ કર્યું છે, સાથે જ દલિત, આદિવાસી મહિલાઓને 'કદરૂપી, ગંદી અને ઘૃણાસ્પદ' મહિલાના રૂપમાં રજૂ કરી છે. આ બેવડી રણનીતિ કેવી રીતે કામ કરે છે, તેના એક ઉદાહરણના રૂપે સૂર્પણખા વિશે વિચારો."

દીપિકા સિંહ નામનાં એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે 'દરેક હીરો હીરો નથી હોતા.'

ઇંકલાબ સિંહ નામના ટ્વિટર યૂઝર લખે છે, "રણદીપ હુડ્ડા. મરદ બનો અને પોતાની જાતને આ ખોટા કામ બદલ મુંબઈ પોલીસને સોંપી દો. અથવા તો કાયદાકીય રીતે તમારે જેલમાં જવું પડશે."

મોહિત નામના એક યૂઝર લખે છે, "લોકો રાજકારણમાં માયાવતીની સફળતાને પચાવી શકતા નથી. એ રાજકારણ જે ઉચ્ચ જ્ઞાતિના પુરુષો ચલાવે છે. દલિત મહિલા તરીકે તેમણે જે સફળતા મેળવી છે તે મહિલા શક્તિનું ઉદાહરણ છે."

હાલના સમયમાં વિવાદમાં આવેલાં સેલેબ્રિટીઝ

હાલના સમયમાં સેલેબ્રિટિઝ રણદીપ હુડ્ડાની જેમ કોઈને કોઈ વિવાદમાં ફસાયેલાં જોવા મળ્યાં છે.

તાજું ઉદાહરણ છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નાં 'બબીતા' એટલે કે મુનમુન દત્તા.

મુનમુન દત્તાએ થોડા દિવસ પહેલાં જ એક વીડિયોમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો.

એ વીડિયો એટલો વાઇરલ થયો હતો કે તેમની વિરુદ્ધ હરિયાણામાં બિનજામીનપાત્ર કલમો લગાવવામાં આવી હતી અને FIR નોંધાઈ હતી.

વિવાદ વધતા મુનમુન દત્તાએ માફી માગતા સ્પષ્ટતા આપી હતી કે "તેમને એ શબ્દના મૂળ સંદર્ભ વિશે જાણકારી ન હતી."

ટીવી કલાકાર યુવિકા ચૌધરીએ પણ એક વીડિયોમાં આવા જ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જોકે, એ બાદ વિવાદ વકરતાં તેમણે માફી માગી હતી.

આ સિવાય આદિત્ય નારાયણે સિંગિંગ રિયાલિટી શોના એક ઍપિસોડ દરમિયાન અલીબાગ અંગે કથિતપણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

તેમની ટિપ્પણી પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ શો વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી.

વિવાદ વધતાં આદિત્ય નારાયણે ફેસબુક પર માફી માગી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો