You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી ગૅંગરીનનો ખતરો, કેટલો જોખમી છે આ રોગ?
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
તમે તમારી આસપાસ કેટલાંય દર્દીઓને કોરોનામાંથી સાજા થતા જોયા હશે, અને કેટલાક દર્દીઓમાં સાજા થયા પછી અલગઅલગ કૉમ્પિલકેશનના સમાચાર પણ સાંભળ્યા હશે.
કોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી બ્લડ ક્લૉટ્સ, હાર્ટ ઍટેક, બ્લૅક ફંગસ અને વ્હાઇટ ફંગસ જેવી ગંભીર સમસ્યા થવાના કેસ સતત ચિંતાનો વિષય છે.
ગુજરાતની જેમ અનેક રાજ્યોમાં બ્લૅક ફંગસને મહામારી જાહેર કરવી પડી છે ત્યારે દર્દીઓમાં ગૅંગરીનની સમસ્યા પણ સામે આવી રહી છે.
કોરોના દરદીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો સામે બ્લૅક ફંગસ અને હવે વાઇટ ફંગસનો પડકાર છે ત્યારે ગૅંગરીન તેમની ચિંતા વધારી દીધી છે.
ડૉક્ટરો અનુસાર સારવાર દરમિયાન કેટલાટ દર્દીઓના હાથ અને પગની નસોમાં બ્લડ ક્લૉટ્સ (લોહીના ગાંઠા) થઈ જવાને કારણે ગૅંગરીનની સમસ્યા જોવા મળી રહી છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર રાજ્યમાં દરરોજ ગૅંગરીનના મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં છે અને મોટાભાગના દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના છે. દર્દીઓ ગંભીર પરિસ્થિતિમાં સારવાર માટે આવી રહ્યા છે અને કેટલાંક દરદીઓના જીવ બચાવવા માટે ડૉક્ટરોને તેમના અંગ કાપવા પડ્યા છે.
અમદાવાદ સ્થિત ડૉક્ટર મનીષ રાવલને ટાંકતાં અખબાર લખે છે કે કોરોના વાઇરસની બીજી લહેરમાં ગૅંગરીનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગૅંગરીનના 80 ટકા કેસ રાજ્યના ગ્રામ્ય વિસ્તારથી સામે આવી રહ્યા છે. તેની પાછળનું કારણ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની પૂરતી સુવિધા નથી.
લોહીનો પ્રવાહ અટકી જતા ગૅંગરીન થાય છે
વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર શરીરના અંગમાં લોહીનો પ્રવાહ અટકી જવાના કારણે ગૅંગરીન થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોહીનો પ્રવાહ અટકી જતા ટિશ્યૂ તૂટી જાય અને બાદમાં ટિશ્યૂ નિર્જીવ બની શકે છે. જે બૅક્ટેરિયાના કારણે ગૅંગરીન થાય છે તે સામાન્ય રીતે વ્યક્તિની ચામડી પર જોવા મળે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે ગૅંગરીનના દર્દીને ઝડપથી સારવાર મળવી જોઈએ નહીં તો તેના જીવને જોખમ થઈ શકે છે. સારવાર માટે ઍન્ટીબાયોટિક દવાઓ અપાય છે અથવા ઑપરેશન પણ કરવું પડે છે.
જૉહ્ન હૉપકિન્સ મેડિસિન અનુસાર ગૅંગરીન શબ્દ ગ્રીક અથવા લૅટીનમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ઘાવ અથવા મૃત ટિશ્યૂ.
વેબસાઇટ અનુસાર ગૅંગરીન બે પ્રકારનો હોય છે, શુષ્ક (ડ્રાય) અને ભીનાશવાળો (વૅટ).
જો લોહીનો પ્રવાહ અટકી જવાને કારણે ટિશ્યૂ નિર્જીવ બની જાય તો તે પરિસ્થિતિને શુષ્ક (ડ્રાય) ગૅંગરીન કહેવામાં આવે છે.
વૅટ ગૅંગરીન ત્યારે થાય છે જ્યારે બૅક્ટેરિયા ટિશ્યૂ પર હુમલો કરે છે. આ સ્થિતિમાં સોજો આવી જાય છે, પ્રવાહી નિકળે છે અને ગંધ પણ આવે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડૉક્ટર આર્ટુરો પેસીગન અનુસાર ગૅંગરીન ચેપી નથી પરતું ચેપને નિયંત્રણમાં રાખવા માટેની ખરાબ પદ્ધતિઓ અપનાવવામાં આવે તો આ બીમારીનો ચેપ થઈ શકે છે. દૂષિત સર્જિકલ ઔજારો અથવા ગલ્વસથી ગૅંગરીન માટે જવાબદાર બૅક્ટીરિયા એક દર્દીમાંથી બીજા દર્દીમાં ફેલાઈ શકે છે.
ગૅંગરીનના લક્ષણો શું છે?
નિષ્ણાતો મુજબ ગૅંગરીનના દર્દીમાં જે લક્ષણો જોવા મળે છે, તે આ પ્રમાણે છે :
- દર્દીના શરીરમાં ગૅંગરીનની અસર થઈ હોય તે જગ્યા ઠંડી પડી જવી અને અચેત થઈ જવી
- ગૅંગરીનથી અસરગ્રસ્ત થયેલી જગ્યાએ દુઃખાવો થવો
- લાલાશ અને ઘાની આસપાસ સોજો થવો (આ સામાન્ય રીતે વૅટ ગૅંગરીનમાં થાય છે)
- ગૅંગરીનની અસર થઈ હોય ત્યાં સતત ઘા થવા
- સતત 100 ડિગ્રી કરતા વધુ તાવ આવવો
- ઘામાંથી વાસ આવવી
- ચામડીનો રંગ બદલાઈ જવો (લીલો, વાદળી, લાલ અથવા ભૂરો), ઘામાંથી પસ નિકળવું અને ફોલ્લીઓ થવી.
કોરોના વાઇરસના દર્દીઓને ગૅંગરીન કેમ થઈ રહ્યો છે?
ધ સન અનુસાર કોરોના વાઇરસ શરીરને પોતાની પર હુમલો કરવા માટે દબાણ કરે છે જેના કારણે ગૅંગરીન થવાની સંભાવના છે.
ડૉ. સ્વાતી દેશમુખને ટાંકતાં અહેવાલ લખે છે કે સંશોધનમાં બહાર આવ્યું છે કે શરીરનું રોગ પ્રતિકારકતંત્ર (ઇમ્યુન સિસ્ટમ) કોરોના વાઇરસનો પ્રતિકાર કરે છે, જેના કારણે ઇન્ફલૅમેશન (સોજો), બ્લડ ક્લૉટ અને નર્વમાં નુકસાન થતું હોવાનું બહાર આવ્યું છે. તેના કારણે ટિશ્યૂમાં સોજો અને પરિવર્તન આવી શકે છે અને હેમાટોમાસ અથવા ગૅંગ્રીન થઈ શકે છે.
અમદાવાદમાં પ્રૅક્ટિસ કરતા ડૉક્ટર ધીરેન મહેતા કહે છે કે કોરોના વાઇરસના કારણે થ્રોમ્બોએમ્બોલિક કેસમાં પણ વધારો નોંધાયો છે.
"થ્રોમ્બોએમ્બોલિક એટલે લોહીનું ગંઠાવવું. આ ગાંઠ લોહીની નળીમાં પ્રવેશ કરે એટલે લોહીનો પ્રવાહ અટકી જાય છે જેના કારણે ટિશ્યૂમાં લોહી અને ઓક્સિજન પહોંચતું નથી અને ટિશ્યૂ નિર્જીવ થઈ જાય છે. ટિશ્યૂ નિર્જીવ થઈ ગયા બાદ ગૅંગરીન થઈ જાય છે."
તેઓ વધુમાં જણાવે છે, "કોરોના વાઇરસની સારવાર માટે જે દવા આપવામાં આવે છે તેના કારણે લોહી ઘાટું થઈ જાય છે, જેના કારણે બ્લડ કલૉટની સમસ્યા થાય છે."
"બ્લડ ક્લૉટને અટકાવવા માટે દર્દીને લોહીને પાતળું કરવાની દવા આપવામાં આવે છે."
"કોરોના વાઇરસની દવાની આડઅસરના કારણે ગૅંગરીન થાય છે એ વાતમાં તથ્ય નથી. ગૅંગરીન એક કૉમ્પ્લિકેશન (વધારાની બીમારી) કહી શકાય."
"તેની સારવાર શક્ય છે. કેટલીક વખત દર્દીનો જીવ બચાવવા માટે ઑપરેશન કરવું પડે છે."
ડૉ. હિતેશ જરીવાળા કહે છે કે, "થ્રોમ્બોસીસના કારણે હાથ અને પગનાં નાના-નાના ટિશ્યૂ હોય તેમાં અસર થાય છે જે બાદમાં ગૅંગરીનમાં પરિણામે છે. જો લોહીની તપાસ કર્યા બાદ સમયસર સારવાર મળી જાય તો માત્ર દવાઓથી આ રોગને મટાડી શકાય છે."
તેઓ કહે છે કે કોરોના વાઇરસની દવાઓના કારણે ગૅંગરીન થઈ રહ્યું હોય એ વાતના કોઈ પુરાવા હાજર નથી. કોઈ સંશોધન અથવા રિસર્ચ પેપર પણ આ વાતની પુષ્ટી કરતું નથી.
કોરોના વાઇરસના દર્દીઓ માટ ગૅંગરીન કટલું જોખમી છે?
અમદાવાદ મેડિકલ ઍશોસિયેશનના ઉપ-પ્રમુખ ડૉ. મૌલીક શેઠ કહે છે, "ગૅંગરીન કોરોના વાઇરસના દર્દી માટે જોખમી પુરવાર થઈ શકે છે ખાસ કરીને એવા દર્દીઓ જેઓ મોટી ઉંમરના છે અને કોમોર્બિડીટી ધરાવે છે. આવા દર્દીઓને કોરોના સારવાર બાદ પણ લોહીને પાતળું રાખવાની દવા આપવામાં આવે છે, જેથી તેમને થ્રોમ્બોસીસ નહીં થાય."
અમદાવાદમાં જટેલા પણ સર્જન પ્રૅક્ટિસ કરે છે તેમના મુજબ "કોરોનાથી સાજા થયા બાદ ઘણા દર્દીઓ ગૅંગરીનની ફરિયાદ લઈને આવી રહ્યા છે. આમાંથી કેટલાક દર્દીઓ ગંભીર પરિસ્થિતિમાં હોય છે અને તેમનો જીવ બચાવવા માટે ડૉક્ટરને ઑપરેશન કરવું પડે છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો