You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી વિરુદ્ધ દિલ્હીમાં લાગ્યાં પોસ્ટરો, 15 લોકોની ધરપકડ કરવામાં આવી
નરેન્દ્ર મોદી સરકાર કોરોના વાઇરસની મહામારીને નાથવાની નીતિઓને લઈને ચારે તરફથી ટીકાનો સામનો કરી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધના પોસ્ટરો બદલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ધ વીક સમાચાર સંસ્થા પીટીઆઈના હવાલાથી અહેવાલ છાપ્યો છે કે દિલ્હી પોલીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધના પોસ્ટરોને લઈને દિલ્હીમાં 15 લોકોની ધરપકડ કરી છે.
આ પોસ્ટરોમાં કોરોના મહામારી મામલે સરકારની નીતિને લઈને વડા પ્રધાનની ટીકા કરવામાં આવી હતી.
સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા વિસ્તારોમાં આવાં પોસ્ટરો જોવાં મળ્યાં છે. દિલ્હી પોલીસે આ મામલે 17 એફઆઈઆર પણ નોંધી છે. આરોપીઓ પર સાર્વજનિક સંપત્તિને વિકૃત કરવા સમેત અનેક કલમો ઉમેરવામાં આવી છે.
આ ધરપકડ દિલ્હી પોલીસના અલગઅલગ ચાર ડિવિઝનો તરફથી કરવામાં આવી છે.
આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું હતું, "મોદીજી, તમે અમારાં બાળકોની વૅક્સિન વિદેશ કેમ મોકલી દીધી?"
ગુજરાત : કોરોના-મૃત્યુનો ખરો આંક જાહેર ન કરવાના આરોપ અંગે સરકારે શું કહ્યું?
ગુજરાતમાં કોરાનાથી થયેલાં મૃત્યુનો સાચો આંક સરકાર છુપાવી રહી હોવાનો આરોપ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ફગાવી દીધો છે.
પત્રકારપરિષદમાં જાડેજાએ જણાવ્યું, "ગુજરાત સરકાર દેશનાં અન્ય રાજ્યોની માફક જ કોરોના સંદર્ભનાં મૃત્યુ મામલે ICMR ((ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)ની માર્ગદર્શિકા અનુસરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતના સ્થાનિક અખબારોમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના સંબંધિત મૃત્યુનો ખરો આંક જાહેર ન કરવાનો આરોપ લગાવાતા અહેવાલો રજૂ થયા હતા. જેને પગલે રાજ્ય સરકારની ભારે ટીકા થઈ હતી.
ચીનની મોટી સફળતા, મંગળ પર રૉવર ઉતાર્યું
સાત મહિનાની અંતરિક્ષ યાત્રા, ત્રણ મહિના સુધી ભ્રમણકક્ષાની પરિક્રમા અને મહત્ત્વની નવ મિનિટ બાદ મંગળ પર સફળતાપૂર્વક રૉવર મોકલનાર ચીન વિશ્વનો બીજો દેશ બન્યો છે.
ચાઇના નૅશનલ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે ચુ રોંગ (ચીનના પૌરાણિક અગ્નિ અને યુદ્ધના દેવ) રૉવરે શનિવારે મંગળ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. રૉવર એક નાનો રૉબોટ છે અને તે પૈડાંથી સજ્જ છે.
ચુ રોંગ એ છ પૈડાંવાળું રૉવર છે. તે મંગળના યુટોપિયા પ્લેનેશિયા સુધી પહોંચ્યું છે જે મંગળના ઉત્તર ગોળાર્ધમાં છે.
ચીને આ રૉવરમાં રક્ષણાત્મક કૅપ્સુલ, પૅરાશુટ અને રૉકેટ પ્લૅટફૉર્મનો ઉપયોગ કર્યો છે. મંગળ પર ચીનના રૉવરનું ઉતરાણ કરવું એક મોટી સફળતા છે.
ચુ રોંગ રૉવર સાથે તિઅન્વેન -1 ઑર્બિટર પણ છે, જે આગામી ફેબ્રુઆરીમાં ગ્રહ પર પહોંચશે. ચીનનું આ રૉવર યુટોપિયાથી મંગળનાં ચિત્રો મોકલશે.
ભારતમાં વર્ષના અંતે સૌનું રસીકરણ
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર પુખ્તવયના લોકોના પૂર્ણ રસીકરણ માટે ભારતને ઑગસ્ટ - ડિસેમ્બરના ગાળામાં દરરોજ 90 લાખ કોરોના વૅકિસનના ડોઝની જરૂર પડશે.
અહેવાલ મુજબ ભારતમાં 94 કરોડ પુખ્તવયના લોકો છે. સરકાર જો ડિસેમ્બર સુધી દરેકને રસી આપવા માગતી હોય તો 170 કરોડ ડોઝની જરૂર પડે. દરરોજ 73.6 લાખ લોકોને ડોઝ આપવા પડે.
ભારતમાં 15 જાન્યુઆરીથી રસીકરણી શરૂઆત થઈ હતી અને અત્યાર સુધી 18 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
સરકારને ટાંકતા અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં ઑગસ્ટ - ડિસેમ્બર દરમિયાન રસીના 200 કરોડ ડોઝ ઉપલબ્ધ હશે અને વર્ષના અંત સુધીમાં દેશની પુખ્તવયની વસતીનું રસીકરણ થઈ જશે.
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જેલમાં ત્રણ ગેંગસ્ટરો ઠાર
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર ઉત્તર પ્રદેશની ચિત્રકૂટ જેલના હાઈ-સિક્યૉરિટી બૅરેકની અંદર થયેલા ગોળીબારમાં ત્રણ ગૅંગસ્ટરોનાં મૃત્યુ થયાં છે. પોલીસ અનુસાર ત્રણેય કેદીઓ સામે અસંખ્ય ગુનાઓ દાખલ છે.
અહેવાલ અનુસાર જેલમાં બંધ અંશુ દીક્ષિતે બીજી બૅરેકમાં સજા કાપી રહેલા મુકીમ કાલા અને મિરાજુદ્દીન ઉર્ફે મિરાજની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
હત્યા કર્યા બાદ અંશુ પોતાના બૅરેકમાં આવી ગયો અને પાંચ લોકોને બંધક બનાવી લીધા.
પોલીસ અંશુને સરેન્ડર કરવા માટે જણાવ્યું પરતું અંશુ ન માનતાં પોલીસ ઍન્કાઉન્ટરમાં તેનું મૃત્યુ થયું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ચિત્રકૂટ જેલ સુપરિન્ટેન્ડેન્ટ અને ચિત્રકૂટ જેલરને સસ્પેન્ડ કરી દીધા છે.
ઘટનાની તપાસ કરવા માટે સરકારે ત્રણ સભ્યોની એક ટીમ પણ બનાવી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો