You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દેવભૂમિ દ્વારકા : કોરોનાએ ઘરનો મોભી છીનવી લીધો તો આઘાતમાં પરિવારનો આપઘાત
કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. એવા ઘણા પરિવારો છે જેમાં માતાપિતા અથવા સંતાનો કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામ્યાં હોય.
ગુજરાતમાં કોરોના વાઇરસનો કેર યથાવત છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં એક કરુણ ઘટના ઘટી છે.
કોરોના વાઇરસના કારણે ઘરના મોભીનું મૃત્યુ થતાં પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો છે.
આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેય વ્યક્તિઓએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. મોભીનું મૃત્યુ થતા પરિવારના સભ્યો આઘાત જીરવી ન શકતા અંતિમ પગલું ભરી લીધું હતું.
'મને આપઘાતના સમાચાર મળ્યા ને હું ભાંગી ગયો'
નાશિકમાં રહેતા જયેશ જૈનના મોટાભાઈ પ્રવીણ જૈને બીબીસીને જણાવ્યું કે 5 તારીખે જયેશે ફોન કરીને જણાવ્યું હતું કે હું કોરોનાની સારવાર લેવા માટે હૉસ્પિટલમાં દાખલ થયો છું.
"જયેશે મારી સાથે અડધો કલાક વાત કરી હતી અને દરેક વસ્તુ જણાવી હતી. ત્યારબાદ શુક્રવારે રાત્રે અઢી વાગ્યે જયેશના પુત્ર કમલેશનો ફોન આવ્યો. કમલેશે જણાવ્યું કે પપ્પા ગુજરી ગયા છે. મેં વધુ વાત કરવાનો પ્રયાસ કર્યો તો ફોન કાપી નાખ્યો."
પ્રવીણ જૈન બીમાર હોવાથી ઘરમાં સારવાર લઈ રહ્યા છે. તબિયત ખરાબ હોવાના કારણે તેઓ દ્વારકા આવવાની સ્થિતિમાં નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વધુમાં જણાવે છે, "મેં થોડી વાર બાદ કમલેશને ફોન કર્યો તો તેણે જણાવ્યું કે પપ્પાની અંતિમવિધિ પતાવીને સવારે 6 વાગ્યે ફોન કરું છું. ત્યારબાદ મેં સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નહીં. મને બપોરે ફોન આવ્યો કે જયેશનાં પત્ની અને બે પુત્રોએ આપધાત કરી લીધો છે. આ સાંભળીને હું એકદમ ભાંગી ગયો હતો."
મૂળ ભાવનગરના પ્રવીણ જૈન કહે છે કે બંને ભાઈઓ નાના હતા ત્યારે જ તેમનાં માતાપિતા ગુજરી ગયાં હતા.
"જયેશ મનમાડમાં ફરસાણની દુકાનમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. થોડાં વર્ષો પહેલાં તે પરિવાર સાથે ગુજરાત આવી ગયો હતો. ગુજરાતમાં તે ફરસાણની દુકાનમાં કામ કરતો હતો અને બાદમાં પોતાનો ધંધો શરૂ કર્યો હતો."
ત્રણ દિવસની સારવાર બાદ જયેશભાઈનું મૃત્યુ
દ્વારકા શહેરના ટીવી સ્ટેશન પાસે આવેલા ઋક્ષ્મણીનગરમાં રહેતા જયેશભાઈ જૈનને કોરોના વાઇરસ હોવાનું નિદાન થયું હતું. પરિવારના સભ્યોએ તેમને દ્વારકાની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા.
ત્રણ દિવસની સારવાર બાદ ગુરુવારે સારવાર દરમિયાન જયેશભાઈ જૈનનું મૃત્યુ થયું હતું. જયેશભાઈનું મૃત્યુ થતા પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો હતો.
ગુરુવારે જયેશભાઈના અંતિમસંસ્કાર કર્યા બાદ પરિવારના સભ્યો ઘરે પરત આવ્યા હતા.
ઘરે આવ્યા બાદ જયેશભાઈનાં પત્ની સાધનાબેન જૈન અને તેમના બે પુત્રો દુર્ગેશ જૈન અને કમલેશ જૈને સામૂહિક આપઘાત કરી લીધો હતો.
શુક્રવાર સવારે દૂધવાળાએ ઘરનો દરવાજો ખખડાવતા કોઈ બહાર આવ્યું નહોતું, જેથી તેણે પાડોશીઓને જાણ કરી હતી.
સોસાયટીમાં રહેતા લોકોએ પોલીસને જણ કરતા પોલીસ આવીને ઘરનો દરવાજો તોડીને પ્રવેશ કરતા સાધનાબહેન જૈન અને તેમના બે પુત્રો દુર્ગેશ જૈન અને કમલેશ જૈનના મૃતદેહ જમીન પર પડ્યા હતા.
આ ઘટના મામલે પોલીસ શું કહી રહી છે?
દ્વારકાના પોલીસ ઇન્સપેક્ટર પી.બી. ગઢવીએ બીબીસીને જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેય વ્યક્તિએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. જયેશ જૈનના મૃત્યુ બાદ પરિવારના સભ્યોએ આઘાતમાં આવીને આપઘાત કર્યો છે.
તેઓ કહે છે, "આપઘાત પાછળ બીજા કોઈ કારણ છે કે કેમ તે વિશે અમે તપાસ કરી રહ્યા છીએ. દ્વારકામાં તેમનાં કોઈ સગાં-સંબંધી નથી અને અમે જયેશભાઈ જૈનના પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."
બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં મનોચિકિત્સક ખ્યાતિ મહારિયાએ જણાવ્યું કે આ તાત્કાલિક આઘાતનો કેસ લાગતો નથી પરંતુ લાંબા સમયથી સંપૂર્ણ પરિવાર ડિપ્રેશનમાં હોય એવી શક્યતા છે.
તેઓ કહે છે, "આ પરિવાર ફરસાણનો નાનકડો ધંધો ચલાવીને ગુજરાન ચલાવતો હતો. બાળકો પણ પૈતુક ધંધામાં હોય ત્યારે માત્ર આર્થિક સમસ્યા આ ઘટના પાછળનું કારણ નથી. એવી પ્રબળ શક્યતા કે પરિવારને બીજી કોઈ કૌટુંબિક સમસ્યા હોઈ શકે છે, જેના કારણે તેમને આ પગલું ભર્યું છે."
પોલીસ મુજબ સાધનાબેન જૈન અને તેમના બે પુત્રો કોઈ આર્થિક કારણસર પગલુ ભર્યું છે કે કેમ તે અંગે તપાસ થઈ રહી છે.
પરિવાર મૂળે મહારાષ્ટ્રના નાશિકનો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જયેશ જૈન મૂળે મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના છે અને ઘણાં વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયા છે. તેઓ હાલોલ અને સાવરકુંડલામાં રહ્યા બાદ દોઢ વર્ષ પહેલાં દ્વારકા આવ્યા હતા.
પોલીસ ઇન્સપેક્ટર પી.બી. ગઢવીના જણાવ્યા મુજબ, જયેશભાઈ જૈન ઋક્ષ્મણીનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને ઘરમાં જ ફરસાણ બનાવી વેચવાનો ધંધો કરતા હતા. તેઓ ઑર્ડર પ્રમાણે વસ્તુઓ બનાવી સપ્લાય કરતા હતા. તેમના કામમાં પરિવારના સભ્યો પણ મદદ કરતા હતા.
ઇન્સપેક્ટર ગઢવી વધુમાં જણાવે છે કે દ્વારકામાં જયેશભાઈ જેમની સાથે વ્યાપાર કરતા હતા અમે તેમની સંપર્ક કરવાનો પ્રયાસ કરીએ છીએ. જયેશભાઈના પાડોશીઓ પણ તેમના પરિવાર વિશે બહુ માહિતી ધરાવતા નથી.
દેશમાં પણ બની છે આવી ઘટનાઓ
દ્વારકામાં જે ઘટના બની છે, તેવી ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે.
ગલ્ફ ન્યૂઝ અનુસાર આંધ્ર પ્રદેશના રાજામુંદ્રીમાં પતિનું કોરોના વાઇરસથી મૃત્યુ થતાં પત્નીએ તેમનાં બે બાળકો સાથે આપઘાત કરી લીધો હતો.
અહેવાલ અનુસાર, 52 વર્ષના નરસિમ્હાનું ઑગષ્ટ 2020માં કોરોના વાઇરસની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જે બાદ 50 વર્ષનાં પારિમી સુનીતાએ 25 વર્ષના પુત્ર ફનીકુમાર અને 23 વર્ષની પુત્રી લક્ષ્મી અપર્ણા સાથે ગોદાવરી નદીમાં ઝંપલાવી દીધું હતું.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, અમદાવાદના ગોતામાં રહેતા 25 વર્ષના રાજવીરસિંહ ગોહિલે આપઘાત કરી લેતા 55 વર્ષના પિતા મહિપતસિંહ ગોહિલે પણ આપઘાત કરી લીધો હતો. પુત્રના મૃત્યુ બાદ મહિપતસિંહ આઘાતમાં હતા અને કોઈની સાથે વાતચીત પણ કરતા નહોતા.
ફ્રિ પ્રેસ જર્નલ અનુસાર, એપ્રિલ 2021માં મધ્ય પ્રદેશના ભોપાલમાં રહેતાં 32 વર્ષીય રીતિકા દામના માતા કોરોના વાઇરસથી મૃત્યુ થતાં તેમણે ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. અહેવાલ અનુસાર માતાના મૃત્યુ બાદ રીતિકા દામ માનસિક રીતે બીમાર થઈ ગયાં હતાં.
હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર દિલ્હીના જાફરપુર કલાણમાં રહેતા ભગવાનદાસ યાદવ, તેમનાં પત્ની અને પુત્રીએ ઝેર ખાઈને આપઘાત કરી લીધો હતો.
અહેવાલ અનુસાર, ચાદવના પુત્ર કુલદીપ યાદવે આપઘાત કરી લીધા બાદ પરિવાર આઘાતમાં હતો અને આત્યંતિક પગલું ભર્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો