ગુજરાતમાં કોરોનાનો કેર : એક મહિનામાં રિકવરી રેટ છ ટકા ઘટ્યો, તબીબો ચિંતામાં કેમ?

માર્ચથી રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, માર્ચથી રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી, નવી દિલ્હી

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, અમદાવાદ અને સુરતમાં પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે. બંને શહેરોની હૉસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોવિડના દરદીઓ સારવાર માટે આવી રહ્યાં છે, જેના કારણે હેલ્થ સિસ્ટમ પર પણ દબાણ વધી ગયું છે.

એક માર્ચથી રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના વાઇરસના કેસમાં વધારો થવાના કારણે માત્ર એક મહિનામાં રાજ્યનો રિકવરી રેટ 6.34 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગુજરાત હાઈકોર્ટે અવલોક્યું હતું કે રાજ્યમાં 'મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિ' હોય તેમ લાગે છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથે કહ્યું કે ઝાયડસ હૉસ્પિટલની બહાર દોઢ કિલોમિટર લાંબી લાઇન લાગે છે. મને એ નથી સમજાતું કે કોઈ નર્સિંગ હૉસ્પિટલને દવા કેમ ન મળી શકે?

આ પહેલાં ગત મંગળવારે પણ આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં રાજ્યમાં કોવિડના વધતા કેસને નિયંત્રણમાં લેવા તથા તેના વ્યવસ્થાપન વિશે કેટલાંક સૂચનો કરવામાં આવ્યાં હતાં.

line

એક મહિનામાં કેસ આઠગણા થયા

ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં દરરોજ મોટા પ્રમાણમાં કોરોના વાઇરસના કેસ સામે આવી રહ્યા છે

ઇમેજ સ્રોત, ASHISH VAISHNAV/SOPA IMAGES/LIGHTROCKET VIA GETTY

ઇમેજ કૅપ્શન, ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં દરરોજ મોટા પ્રમાણમાં કોરોના વાઇરસના કેસ સામે આવી રહ્યા છે

પાછલા એક માસની આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગની પ્રેસ રિલીઝ જોઈએ તો ખ્યાલ આવશે કે રાજ્યમાં કોરોના વાઇરસના કેસ આઠગણા થયા છે. કેસ વધવાની સીધી અસર રિકવરી રેટ પર પડી છે અને સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે.

પ્રેસ રિલીઝ અનુસાર 12 માર્ચે ગુજરાતમાં કોરોના વાઇરસના 710 નવા કેસ નોંધાયા હતા અને રાજ્યમાં ઍક્ટિવ દરદીઓની સંખ્યા 4006 હતી. રિકવરી રેટ 96.95 ટકા હતી.

12 એપ્રિલે રાજ્યમાં 6021 નવા કેસ સામે આવ્યા છે અને ઍક્ટિવ કેસની સંખ્યા 30680 છે. રિકવરી રેટ 89.95 ટકા છે.

એક મહિના અગાઉ કોરોના વાઇરસના કારણે અમદાવાદ અને સુરતમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જો મહિના બાદની સ્થિતિ જોવામાં આવે તો રાજ્યમાં 55 લોકોનાં મૃત્યુ થયાં છે.

રાજ્યના ઘણા જિલ્લાઓમાં દમોટા પ્રમાણમાં કોરોના વાઇરસના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે માર્ચના ત્રીજા અઠવાડિયા સુધી રાજ્યના 17 જિલ્લા એવા હતા જ્યાં રોજના પાંચ અથવા એથી ઓછા કેસ નોંધાયા છે.

'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ'ના નિદેશક ડૉ. દિલીપ માવળંકર કહે છે, "કેસ વધી રહ્યા છે, તેના કારણે રિકવરી રેટ ઘટી રહ્યો છે અને રોગચાળો વધી રહ્યો છે."

"રિકવરી રેટ ઓછો હોય એટલે તેનો અર્થ એ થયો કે કોરોના વાઇરસના કારણે મૃત્યુમાં વધારો થયો છે."

"સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલાઈ ગયું છે. રેમડેસિવિર લેવા માટે લોકો લાંબી લાઇનો લગાવી રહ્યા છે, જે બહુ ગંભીર પરિસ્થિતિ છે."

વીડિયો કૅપ્શન, રાજકોટમાં વૅક્સિન માટે અનોખી સ્કિમ, રસી મૂકાવો અને મેળવો સોનાની ચૂની

માવળંકર કહે છે, "પ્રથમ લહેર કરતાં બીજી લહેર ત્રણગણી ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ."

તેઓ કહે છે કે લૉકડાઉન ખૂલી ગયા બાદ લોકોએ કોવિડ પ્રોટોકોલનું ચુસ્ત રીતે પાલન કર્યું નથી, જેના કારણે બીજી લહેરમાં કેસ ઝડપથી વધી રહ્યા છે.

સુરતમાં પ્રૅક્ટિસ કરતા ડૉ. હિતેશ જરીવાળા કહે છે, જેટલી ઝડપથી ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો થશે તેટલી ઝડપથી રિકવરી રેટમાં વધારો જોવા મળશે.

તેઓ કહે છે કે સુરતમાં હજુ પણ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટે સમજાવવા પડે છે, ખાસ કરીને યુવાનોને. જે લોકોને કોરોનાનાં લક્ષણો છે, તેઓ જો વહેલી તકે ટેસ્ટ કરાવીને સારવાર કરાવે તો ચેપને વધતો અટકાવી શકાય, જેનાથી સરવાળે રિકવરી રેટ વધશે.

ડૉ. માવળંકર કહે છે, "રિકવરી રેટને જોતાં લાગે છે કે પરિસ્થિતિ વણસી રહી છે. જે પ્રમાણે કેસ વધી રહ્યા છે, તે પ્રમાણે આવનારા દિવસોમાં રિકવરી રેટ હજુ નીચે આવી શકે છે."

વીડિયો કૅપ્શન, સુરતમાં કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનને અગ્નિદાહ આપવા લોકોનું વેઇટિંગ
line

હજુ રિકવરી રેટમાં ઘટાડો આવી શકે છે?

સરકારે RT-PCR ટેસ્ટ વધારે કરવો જોઈએ જેથી પૉઝિટીવ દરદીઓને ઓળખી શકાય.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરકારે RT-PCR ટેસ્ટ વધારે કરવો જોઈએ જેથી પૉઝિટીવ દરદીઓને ઓળખી શકાય.

નિષ્ણાતો મુજબ જ્યારે કોરોના વાઇરસના કેસમાં ઓચિંતા વધારો જોવા મળે ત્યારે અમુક સમય માટે રિકવરી રેટ ઘટી જાય છે.

ગુજરાતની રિકવરી રેટ હજુ ઘટી શકે છે અને સમય જતા તેમાં વધારો આવી શકે છે. પણ તે માટે શરત એ છે કે કોરોના દરદીને યોગ્ય સમયે સારવાર મળવી જોઈએ.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. અનીશ સિન્હા કહે છે, "કોરોના વાઇરસ ટેસ્ટ પૉઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછી હોવી જોઈએ. જો આ રેટ વધારે તો સરકારે વધુને વધુ લોકોના ટેસ્ટ કરવા જોઈએ."

"ટેસ્ટ પૉઝિટિવિટી રેટ એટલે જો 100 વ્યક્તિઓનો ટેસ્ટ કરવામાં આવે તો પાંચથી ઓછી વ્યક્તિઓ પૉઝિટિવ આવવી જોઈએ."

તેઓ કહે છે કે ટેસ્ટમાં વધારો કરવાથી રિકવરી રેટમાં સુધારો આવી શકે છે. સરકારે RT-PCR ટેસ્ટ વધારે કરવા જોઈએ, જેથી પૉઝિટિવ દરદીઓને ઓળખી શકાય.

line

રિકવરી રેટ કઈ રીતે ગણવામાં આવે છે?

વીડિયો કૅપ્શન, અમદાવાદની હૉસ્પિટલ બહાર રેમડેસિવિર ખરીદવા લાઇનમાં લાગેલા લોકો શું બોલ્યા?

તે વિશે અનીશ સિન્હા કહે છે કે હાલમાં મોટાભાગના દરદીઓ હોમ ક્વોરૅન્ટીન છે અથવા આઇસોલેશન સેન્ટરમાં છે.

તેઓ કહે છે કે આ દરદીઓ 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહેશે. 14 દિવસ બાદ જો આ દરદીઓ સાજા થઈ જાય તો તેઓ રિકવર થયેલા ગણાય. દરદીઓની સાજા થવા નાદરને રિકવરી રેટ કહેવામાં આવે છે.

બીબીસી સહયોગી બિપિન ટંકારિયાએ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન રાજકોટના પૂર્વ સેક્રેટરી, ડૉ. રાજેશ ઘોડાસરા સાથે વિશે વાત કરી હતી.

તેઓ કહે છે, "કોઈ પણ વાઇરસમાં મ્યુટેશન આવે એટલે તેની તીવ્રતા બદલાઈ જાય છે. હાલની પરિસ્થિતિ જોતા હજુ 20 દિવસ સુધી રાજ્યમાં કોરોના વાઇરસની તીવ્ર અસર રહેશે જેના કારણે રિકવરી રેટમાં હજુ ધટાડો આવી શકે છે."

"જેમ-જેમ લોકો વૅક્સિન લેતા જશે, તેમ-તેમ સ્થિતિમાં સુધારો આવતો જશે અને સરવાળે રિકવરી રેટમાં સુધારો આવતો જશે.''

રિકવરી રેટ ઘટવા પાછળનાં કારણો વિશે જણાવતા ડૉ. રાજેશ ઘોડસરા કહે, "લોકો સ્થિતિને હજુ પણ ગંભીરતાથી લેતા નથી અને તેમને લાગે છે કે વૅક્સિન આવી ગયા બાદ કોરોના કાબૂમાં આવી જશે."

"માર્કેટોમાં અને રસ્તોમાં ભારે ભીડ છે. રિક્ષામાં છથી સાત લોકો મુસાફરી કરી રહ્યા છે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી. આ સંજોગોમાં કેસ વધારો થશે જ અને રિકવરી રેટમાં ઘટાડો આવશે."

line

સોમવારે ગુજરાતમાં 5000 કરતાં વધુ કોરોના કેસ

વીડિયો કૅપ્શન, કોરોના વૅક્સિન : ભારતમાં કોરોનાની રસીની અછત સર્જાઈ?

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, સોમવારે (સાંજની સ્થિતિ મુજબ) રાજ્યમાં છ હજાર 21 નવા કેસ નોંધાયા છે.

આ સાથે રાજ્યમાં ઍક્ટિવ કેસની સંખ્યા 30 હજાર 680ને પાર પહોંચી ગઈ છે, જેમાંથી 216 પેશન્ટ વૅન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ મરણાંક ચાર હજાર 855 ઉપર પહોંચ્યો છે.

સોમવારે 55 દરદીનાં કોરોનાને કારણે અવસાન થયાં હતાં, જેમાં અમદાવાદ જિલ્લા (20), સુરત જિલ્લા (19), વડોદરા (સાત), રાજકોટ (ચાર), ભરૂચ (બે) ઉપરાંત બોટાદ અને સાબરકાંઠામાં એક-એક અવસાન થયાં હતાં.

સોમવારે બે હજાર 854 દરદીઓએ કોરોનાને માત આપી હતી. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ત્રણ લાખ 17 હજાર 981 દરદીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં 82 લાખ 37 હજાર 367 નાગરિકોને પ્રથમ ડોઝનું અને 11 લાખ 12 હજાર 678 નાગરિકોને બીજો ડોઝ અપાઈ ગયો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો