ગુજરાતમાં કોરોના સંક્રમણના રેકર્ડબ્રેક કેસ સાથે ઑક્સિજનની વધતી માગ, પૂરતો જથ્થો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં વધારાની સાથે-સાથે ઑક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ઘટની પણ ચર્ચા થઈ રહી છે.
જોકે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારપરિષદોમાં અનેક વખત દાવા કર્યા છે કે રાજ્યમાં ઑક્સિજનનો અને રેમડેસિવિર જેવી જરૂરી દવાઓનો જથ્થો ન ખૂટે એ માટે ગુજરાત સરકાર પ્રયાસરત્ છે અને દર્દીઓને હાલાકી નહીં પડે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
જોકે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા તજજ્ઞો ચેતવે છે કે ગુજરાતમાં ઝડપથી ફેલાતો કોરોના ચિંતાજનક છે અને જો ઑક્સિજનનો જથ્થો એકત્રિત નહીં કરાય તો આવનારા દિવસોમાં ગંભીર સમ્સ્યા ઊભી થશે.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
રાજ્યમાં કોરોના સંક્રમણની સારવારમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતી રેમડેસિવિરની દવાની અછત તો વર્તાઈ જ રહી છે અને લોકો હૉસ્પિટલોની બહાર આ ઇન્જેક્શન મેળવવા માટે લાઇનોમાં ઊભા રહે છે.
એનાથી સમજી શકાય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા આરોગ્ય સેવાઓ સાથે લગતાં તમામ પાસાઓ પર ભાર વધી રહ્યો છે.
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના પ્રવક્તા ડૉક્ટર મુકેશ મહેશ્વરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે "ગયા વર્ષે મહદંશે શહેરો સુધી સીમિત રહેલો કોરોના હવે નાનાં શહેરો અને તાલુકાઓમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે."
ડૉ. માહેશ્વરી કહે છે, "કોરોના વાઇરસના નવા સ્ટ્રેન દર્દીનાં ફેફસાં પર વધારે અસર કરે છે, ત્યારે આવનારા દિવસોમાં ઑક્સિજનની અછતની નવી સમસ્યા ઊભી થઈ શકે છે."
અમદાવાદ મેડિકલ ઍસોશિયેશનના પૂર્વ સચિવ ડૉ. બિપિન પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં જે રીતે વધી રહ્યું છે એ જોતાં આવનારા દિવસોમાં ઑક્સિજનની અછત ઊભી થશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ગયા વર્ષ કરતાં આ વર્ષે વૅન્ટિલેટર પર હોય એવા દર્દીઓની સંખ્યા વધુ છે, જેના કારણે ઑક્સિજનની વધુ જરૂરિયાત ઊભી થઈ છે."
"ઑક્સિજનની અછતને કારણે બે દિવસ પહેલાં હિંમતનગરની હૉસ્પિટલમાંથી ઑક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓને અલગ હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા."

કેટલા ટકા દર્દીઓને ઓક્સિજન પર રાખવા પડે છે?
ગત વર્ષે પણ ગુજરાતમાં ઑક્સિજનની અછતના અહેવાલો આવ્યા હતા.
ભારતમાં ગુજરાત એવાં રાજ્યોમાં સામેલ હતું, જ્યાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ આવી રહ્યા હતા. મૃત્યુદરને લઈને પણ ગુજરાતમાં ચિંતાની પરિસ્થિતિ સર્જાઈ હતી.
ડૉ માહેશ્વરીનું કહેવું છે કે પ્રથમ લહેરમાં કોરોના સંક્રમણના મોટાભાગના કેસ શહેરી વિસ્તારોમાં આવતા હતા પરંતુ આ વખતે શહેરી વિસ્તારની બહાર પણ કોરોના સંક્રમણ વધ્યું છે.
તેઓ ઉમેરે છે, "માત્ર પાંચ દિવસમાં 136 મેટ્રિક ટન ઑક્સિજનની માગ વધી ગઈ છે, આ સંજોગોમાં કોરોનાના સંક્રમણના કેસ અત્યાર કરતાં દસ ટકા વધશે તો દર્દીઓને સંભાળવા મુશ્કેલ થશે, અને ઑક્સિજનની જરૂરિયાતને પહોંચવું મુશ્કેલ બનશે."
ડૉક્ટર બિપિન પટેલ કહે છે, "અત્યારે હૉસ્પિટલમાં દાખલ થતા કોરોનાના દર્દીઓમાંથી 45 ટકાથી વધારે દર્દીઓને ઑક્સિજન પર રાખવા પડે છે."
"આ સંજોગોમાં કોરોના કેસ જો હજુ વધે તો શહેરોની આસપાસના વિસ્તારોમાં જ્યાં શહેરોમાંથી ઑક્સિજન સપ્લાય થાય છે, ત્યાં અછત વર્તાશે અને સંક્રમિત દર્દી માટે એ વધુ જોખમી સાબિત થશે."

ઑક્સિજનનો ભાવવધારો

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના સચિવ અને જાણીતા ફિઝિશિયન ડૉક્ટર વસંત પટેલે કહ્યું કે "સામાન્ય સંજોગોમાં અમુક સમય જતાં વાઇરસ નબળો પડે છે. જોકે આ વાઇરસના નવા મ્યુટેન્ટને કારણે એ વધુ ઘાતક થયો છે."
"એક વર્ષ પહેલાંના વાઇરસમાં અને આજના વાઇરસમાં ફરક છે, જેના કારણે કોરોનાની બીજી લહેરમાં સુરત અને અમદાવાદમાં સ્મશાનગૃહોમાં લાઇનો જોવા મળી રહી છે. આ વખતના સંક્રમણમાં ફેફસાં પર સીધી અસર થાય છે અને ઑક્સિજનની વધુ જરૂર પડે છે."
તેઓ કહે છે, "ગયા વર્ષે થોડા સમય માટે ઉદ્યોગોને ઑક્સિજન આપવાનો બંધ કર્યો હતો, આ વખતે મારે દુખ સાથે કહેવું પડે છે કે ખાનગી કંપનીઓએ કોરોનાના આવા કપરાકાળમાં ઑક્સિજનના ભાવમાં વધારો કરી દીધો છે."
"ઑક્સિજનના પર ક્યુબિક મીટરે પાંચ રૂપિયાનો વધારો કરી દીધો છે, એટલે નાના સેન્ટરમાં ઑક્સિજન જાય છે ત્યાં બૉટલદીઠ 50 રૂપિયા વધારી દીધા છે."
"આ સંજોગોમાં સરકારે ઑક્સિજન ઉદ્યોગોને આપવાનો બંધ કરી હૉસ્પિટલને આપવો જોઈએ, જેથી વધુ દર્દીઓને બચાવી શકાય. આ વખતે હવે કોરોના કૉમ્યુનિટી સ્પ્રેડ થઈ રહ્યો છે, એટલે ઑક્સિજનની જરૂરિયાતને હળવાશથી ન લેવી જોઈએ."

ઑક્સિજનની માગ બમણી થઈ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અમદાવાદની ડેઝિગ્નેટેડ કોવિડ હૉસ્પિટલ હૃદયના ચૅરમેન સુરેન્દ્ર છાજેડે કહ્યું કે અત્યારે ગયા વર્ષની સરખામણીમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે, ગયા વર્ષે ઑક્સિજન પર રખાતાં દર્દીઓને સંખ્યા ઓછી હતી, જે હવે બમણી થઈ છે. એની સામે ઑક્સિજન નો સપ્લાય ઓછો છે."
"ગયા વર્ષે અમે બીજી હૉસ્પિટલને ઑક્સિજન લાવી આપતા હતા. હવે સ્થિતિ એવી થઈ છે કે અમને ઑક્સિજન ઓછો મળે છે, ગયા વર્ષ કરતાં કોરોનાનું સંક્રમણ ઘણું વધારે છે."
"આ સ્થિતિમાં સરકારે ઉધોગોને ઑક્સિજન આપવાનું બંધ કરી માત્ર મેડિકલ સર્વિસને આપવો પડશે, તો જ કોરોના સામેની લડાઈમાં તાકી શકાશે."
ગુજરાત સરકારના ફૂડ ઍન્ડ ડ્રગ્સ કમિશનર એચ. જી. કોશિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં અત્યારે 1000 મેટ્રિક ટન ઑક્સિજનનું રોજનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેની સામે 350 મેટ્રિક ટન જેટલો વપરાશ વધ્યો છે.
તેઓ સ્થિતિનો વિગતે ચિતાર આપતાં કહે છે, "સાત કંપનીઓ દ્વારા ઑક્સિજનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. બીજાં રાજ્યોની સરખામણીમાં આપણે ઑક્સિજનના ઉત્પાદનમાં આગળ છીએ."
"આગોતરા આયોજનરૂપે અમે નૉટિફિકેશન બહાર પડ્યું છે કે જેમાં ઉદ્યોગોને 40 ટકા અને મેડિકલ સેક્ટર માટે 60 ટકા ઑક્સિજન અપાશે."
"આ ઉપરાંત પ્રવાહી ઑક્સિજનના સંગ્રહની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આવનારા દિવસોમાં ઘટ ઊભી ન થાય."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













