ગુજરાતમાં સરકાર નહીં લોકો પાળે છે સ્વૈચ્છિક લૉકડાઉન, શું આનાથી ઘટી જશે કોરોના સંક્રમણ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે ત્યારે કેટલાંક શહેરો અને વિસ્તારોમાં સામાન્ય જનતા દ્વારા સ્વયંભૂ લૉકડાઉન પાળવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે લૉકડાઉન નહીં લગાવવામાં આવે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે લૉકડાઉનને કારણે ગરીબોને જે અગવડ પડે છે તેને ધ્યાનમાં રાખીને સરકાર લૉકડાઉન જાહેર નહીં કરે.
રાજ્ય સરકાર લૉકડાઉનની તરફેણમાં નથી પરંતુ રાજ્યનાં ઘણાં શહેરો અને ગામડાંઓમાં 2 દિવસથી લઈને 10 દિવસ સુધીના સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
કોરોના વાઇરસની ચેઇન તોડવા માટે અને જાહેર જગ્યાઓમાં ભીડ અટકાવવા માટે સ્વયંભૂ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે.
વર્ષ 2020ના જૂન અને જુલાઈ મહિનાઓમાં પણ કોરોના વાઇરસના કેસ વધતા ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાત સરકારે લૉકડાઉન હળવું બનાવી દીધા બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
શનિવાર સાંજ સુધીના આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના પાંચ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કોરોના વાઇરસના છેલ્લા 24 કલાકમાં 5011 નવા કેસ નોંધાયા છે અને 49 લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યમાં સૌથી વધુ 15 મૃત્યુ સુરતમાં થયાં છે. તેમજ અમદાવાદમાં 14, રાજકોટમાં 8, વડોદરામાં 4નાં મૃત્યુ થયાં છે.
તેમજ છેલ્લા એક દિવસમાં કુલ 2,87,617 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. અખબારીયાદી અનુસાર, રાજ્યમાં સાજા થવાનો દર 91.27 ટકા છે.

સ્વૈચ્છિક લૉકડાઉન કેમ કરવામાં આવી રહ્યું છે?

ઇમેજ સ્રોત, CHETAN PATEL/NAVSARI
રાજ્યનાં ઘણાં શહેરો અને ગામોમાં સ્થાનિક અધિકારીઓ, આગેવાનો અને વેપારીમંડળોની સમજાવટને પગલે પણ સજ્જડ બંધ પાળવામાં આવી રહ્યો છે.
ક્યાંક અઠવાડિયાનું તો ક્યાંક શનિવાર-રવિવારના બે દિવસનું લૉકડાઉન લગાવવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને કચ્છનાં પણ વિવિધ ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન કરવામાં આવ્યું છે.
મોરબી શહેરમાં શનિવાર અને રવિવારે સજ્જડ બંધ પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
મોરબીના વ્યાપારી મંડળે નિર્ણય કર્યો છે કે સોમવારથી શુક્રવાર દુકાનો સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. પાલનપુર, ડીસા, ભાભર અને દિયોદરમાં સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય કરાયો છે.
રાજકોટમાં માર્કેટ યાર્ડ દર અઠવાડિયાના શુક્ર, શનિ અને રવિ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.
બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા સાથે વાત કરતા યાર્ડના ચૅરમૅન ડી.કે. સખિયાએ જણાવ્યું, "યાર્ડના દલાલો-વેપારીઓ સાથે બેઠક કરીને બંધ રાખવાનું નક્કી કરાયું છે. અઠવાડિયામાં શુક્ર, શનિ અને રવિવારના રોજ અનાજનું યાર્ડ બંધ રાખવામાં આવશે."
"શાકભાજી યાર્ડ આખા સૌરાષ્ટ્રને શાકભાજી પૂરું પાડે છે અને એટલા માટે તે બંધ રાખવું શક્ય ન હોઈ અમે અલગ વ્યવસ્થા ઊભી કરી છે."
"જો બે દિવસ બજારો બંધ રહેતા હોય તો આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકો એકબીજાના સંપર્કમાં ઓછા આવશે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
દક્ષિણ ગુજરાતમાં નવસારી શહેરમાં વિકેન્ડ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
નવસારીમાં જરૂરિયાતની વસ્તુઓની દુકાનોને છોડીને શનિવાર અને રવિવારે શહેરની તમામ દુકાનો બંધ રહી હતી. રસ્તાઓમાં નહિવત્ ગણી શકાય એટલા લોકો નીકળ્યા હતા.
વલસાડ જિલ્લા વહીવટીતંત્રે નક્કી કર્યું છે કે દર રવિવારે જિલ્લામાં બંધ પાળવામાં આવશે.
નવસારી નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહે બીબીસીને જણાવ્યું કે, "હાલ કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે ત્યારે એ જરૂરી છે કે લોકો બિનજરૂરી ઘરથી બહાર ન નીકળે."
"જેટલા ઓછા લોકો એકબીજાના સંપર્કમાં આવશે, કોરોના વાઇરસની ચેઇન તોડવામાં એટલી જ સફળતા મળશે. અને એટલા માટે અમે શહેરમાં સ્વૈચ્છિક લૉકડાઉનની દરખાસ્ત મૂકી હતી જેને બધાએ સહર્ષ સ્વીકારી છે અને અમલ પણ કરી રહ્યા છીએ."
તેઓ વધુમાં જણાવે છે કે શહેરનો વેપારીવર્ગ અને સ્થાનિક પ્રજા પણ શનિવાર અને રવિવારના સ્વૈચ્છિક લૉકડાઉનને લંબાવવામાં આવે એવી માગ કરી રહ્યા છે.
"શનિવારે ધરમપુરના વેપારી મંડળ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
નવસારીમાં શનિવાર સાંજ સુધી કોરોના વાઇરસના 41 નવા કેસ નોંધાયા હતા.
સ્થાનિક વેપારી સંદીપ પટેલ જણાવે છે કે, "કેસમાં વધારો જોવા મળી રહ્યા છે ત્યારે સ્વૈચ્છિક બંધ પાળવાથી કોરોના વાઇરસથી બચી શકાય છે. અમે સુરક્ષા અને કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા માટે આ કરી રહ્યા છીએ."
"પાછલા કેટલાક દિવસોથી રસ્તાઓમાં અવરજવર અને ભીડ ખૂબ જ વધી ગઈ હતી. શહેરની હૉસ્પિટલોમાં કોરોના પૉઝિટિવ કેસમાં વધારો થતાં આ નિર્ણય લેવાયો છે."
"અમારા ઘણા વ્યાપારી મિત્રો સુરત, અમદાવાદ અને મુંબઈ પણ જતા હોય છે અને ત્યાંથી લોકો અહીં આવતા હોય છે. આ પગલાથી વિસ્તારમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવશે કે કેમ એ અંગે તો કશું કહી ન શકાય, પરંતુ વેપારીઓને સુરક્ષા માટે આ પગલું યોગ્ય લાગ્યું છે."

શું સ્વૈચ્છિક લૉકડાઉન કોરોના વાઇરસને વધતો અટકાવી શકે?

ઇમેજ સ્રોત, CHETAN PATEL/NAVSARI
સુરત મહાનગરપાલિકામાં કાર્યરત ડૉ. બિશ્વજિત દાસ કહે છે કે સ્વૈચ્છિક બંધ પાળવાથી બજારો અને રસ્તાઓ પર થતી ભીડ ઘટશે અને વાઇરસનું ટ્રાન્સમિશન અટકાવી શકાશે.
"બજારોમાં મોટી સંખ્યામાં લોકો આવીને મોટા ભાગે હજુ પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરતા નથી. જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતી વખતે પણ લોકો કોવિડ નિયમોનું પાલન કરતા નથી."
"નિયમો હળવા થતાં લોકોએ ભરપૂર છૂટ લીધી છે અને હજુ પણ સુરતમાં લોકો માસ્ક વગર ઘરથી નીકળી જાય છે."
"સંપૂર્ણ લૉકડાઉન તો લગાવી ન શકાય પરંતુ જો આ રીતે બંધ પાળવામાં આવે તો લોકોમાં સંદેશો જશે તો પરિસ્થિતિ ગંભીર છે અને સાવચેતી રાખવાની જરૂર છે. રાત્રી કર્ફ્યુ પણ જરૂરી છે જેથી લોકો કારણ વગર ઘરેથી બહાર ન નીકળે."
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ. દિલીપ માવળંકર સ્વયંભૂ કે સ્વૈચ્છિક લૉકડાઉન અંગે અલગ મત ધરાવે છે.
બીબીસી સહયોગી અર્જુન પરમાર સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે કે, "સ્વયંભૂ લૉકડાઉનથી સ્થિતિ સુધરવાને બદલે બગડી પણ શકે છે, કારણ કે ઓછા સમય માટે દુકાનો ખૂલી રહેશે, તેથી ઓછા સમયમાં વધુ ભીડ ભેગી થવાનો ભય ઊભો થશે."
"લૉકડાઉનનો હેતુ ભીડ ઓછી કરવાનો હોય છે, ના કે ભીડ વધુ કરવાનો. તેથી આ પગલાનો તર્ક હું સમજી નથી શક્યો."
તેઓ લૉકડાઉનને કોરોનાની સમસ્યા માટે અકસીર ઉપાય નથી માનતા.
તેઓ કહે છે કે, "કોરોનાના કેસો આવવાથી ગભરાઈ જઈને માત્ર બધું બંધ કરી દેવાથી પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે આવા કેસોની કૉન્ટેક્ટ ટ્રેસિંગ અને સમયસર સારવાર કરવી પડે."

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઝડપથી વધ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images
રસીકરણ ચાલી રહ્યું છે તેમ છતાં કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે. તો શું આ ગંભીર પરિસ્થિતિ છે?
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન (એએમએ)ના પ્રવક્તા ડૉક્ટર મુકેશ માહેશ્વરીએ બીબીસીને જણાવ્યું કે કોરોના વાઇરસ સામે વૅક્સિનની અસરકારકતા 70 અથવા 80 ટકા છે. એટલે જો 100 લોકોને રસી આપવામાં આવે તો 70 અથવા 80 લોકોને કોરોના વાઇરસનો ચેપ નહીં લાગે પણ બાકીના લોકોને ચેપ લાગી શકે છે.
તેઓ કહે છે કે, "આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી છે કે 70 ટકા લોકોને રસી આપવામાં આવે. જ્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી નહીં આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેશે. આ પરિસ્થિતિને ટાળવા માટે ભારત સરકારે વહેલી તકે 70 ટકા લોકોનું રસીકરણ કરવું જોઈએ."
પરંતુ શું ડોઝ લીધા બાદ ફરીથી સંક્રમિત થઈ જવું એ ગંભીર પરિસ્થિતિ કહેવાય?
ડૉ. મુકેશ માહેશ્વરી કહે છે, "રસી લીધા પછી પણ કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે, પણ વ્યક્તિને એકદમ હળવાં લક્ષણો હશે."
"વ્યક્તિને માત્ર ક્વૉરેન્ટીન કરવાની હોય છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોતી નથી. ત્રીજો સૌથી મોટો લાભ એ છે કે કોરોના વાઇરસના સંક્રમણને વધતું અટકાવી શકાય છે."
તેઓ કહે છે "રસી લીધા બાદ હળવાં લક્ષણો આવતાં હોય છે જે એટલું જોખમકારક નથી. વાઇરસના કારણે કોઈનું મૃત્યુ થવાની શક્યતા એકદમ ઘટી જાય. હજુ સુધી કોરોના વાઇરસનું જોખમ ગયું નથી અને એટલા માટે રસીકરણ બહુ જરૂરી છે."
માહેશ્વરી કહે છે કે "કોરોના વાઇરસનો રિપ્રોડક્શન નંબર 1 છે જેને અંગ્રેજીમાં (R01) કહેવાય છે. આ નંબર સૂચવે છે કે વાઇરસ કેટલા ટકા વસ્તીમાં ચેપ ફેલાવી શકે છે."
"તેની ગણતરી કરવાની પદ્ધતિ છેઃ 1ના આંકને 3થી ભાગ કરીને તેને બાદમાં 3ના આંકથી ગુણાકાર કરવામાં આવે છે. તેનો અર્થ થયો કે કોરોના વાઇરસ 70 ટકા વસ્તિમાં અસર કરી શકે છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














