કુંભમેળો : કોરોના મામલે ભારત બ્રાઝિલ કરતાં પણ આગળ, હરિદ્વારમાં ભારે ભીડ ઊમટી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં અત્યારે કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થતો જઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ હરિદ્વારમાં યોજાયેલ કુંભમેળામાં ગંગાસ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ ઊમટી પડી છે.
નોંધનીય છે કે સોમવારના દિવસને હરિદ્વાર આવેલા શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન માટે પવિત્ર દિવસ માની રહ્યા હતા.
અધિકારીઓના મતાનુસાર ભારે ભીડના કારણે તેઓના માટે સુરક્ષાના નિયમોનું પાલન પડકારરૂપ બની ગયું છે.
હિંદુ માન્યતા પ્રમાણે શ્રદ્ધાળુઓને આસ્થા હોય છે કે ગંગાસ્નાન થકી તેમના તમામ પાપ ધોવાઈ જશે અને તેમને મુક્તિ પ્રાપ્ત થશે.
નોંધનીય છે કે કુંભમેળો દર 12 વર્ષે યોજાય છે અને અલાહાબાદ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન પૈકી એક શહેરની યજમાન શહેર તરીકે પસંદગી થતી હોય છે.
બીજી તરફ ભારતમાં કોરોનાની પરિસ્થિતિ સતત ગંભીર બનતી જઈ રહી છે.
સોમવારે ભારતમાં કોરોનાના નવા 1,68,000 કેસો નોંધાયા હતા. આ સાથે જ ભારત બ્રાઝિલને વટાવી કોરોનાના કેસોની બાબતમાં વિશ્વમાં બીજો સૌથી અસરગ્રસ્ત દેશ બની ગયો છે.
કોરોનાના કુલ કેસોની સંખ્યા એક કરોડ 35 લાખને પાર પહોંચી જતાં હવે ભારત કોરોનાના કુલ કેસો બાબતે માત્ર અમેરિકાથી જ પાછળ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકામાં કોરોના વાઇરસના કુલ ત્રણ કરોડ દસ લાખ કરતાં વધુ કેસો નોંધાયા છે.

'કુંભમેળામાં સોશિયલ ડિસ્ટન્સિંગ કરાવવાનું કામ બન્યું અઘરું'

ઇમેજ સ્રોત, Reuters
ભારતમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતાં આરોગ્યક્ષેત્રના નિષ્ણાતોએ કુંભમેળાને સ્થગિત રાખવાની દરખાસ્ત કરી હતી પરંતુ સરકારે કોરોનાથી સલામતી અંગેના તમામ નિયમોનું પાલન થશે એવું જણાવીને આ દરખાસ્ત મંજૂર રાખી નહોતી.
સમાચાર સંસ્થા એએનઆઈને એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગંગાકાંઠે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું ઘણું અઘરું બની ગયું છે.
ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ સંજય ગુંજ્યાલે કહ્યું કે, "અમે લોકોને કોરોનાથી સલામત રહેવા માટે યોગ્ય પગલાં લેવા માટે સતત અપીલ કરી રહ્યા છીએ. પરંતુ વધુ ભીડના કારણે, દંડ કરવાની કામગીરી પણ અશક્ય બની ગઈ છે."
તેમણે કહ્યું કે, જો પોલીસ નદીકાંઠે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન સુનિશ્ચિત કરાવવા પગલાં ભરે તો ત્યાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાવાનો ભય છે.
સોમવારે સોમવતી અમાસ છે. જે આ બે મહિના ચાલનારા મેળા દરમિયાન ગંગાસ્નાન કરવાનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે.
સોમવારે લાખો શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન માટે હરિદ્વારા આવ્યા હતા.
સરકારે અગાઉ જણાવ્યું હતું કે મેળામાં માત્ર કોવિડ નૅગેટિવ રિપોર્ટ લઈને આવનારા શ્રદ્ધાળુઓને જ પ્રવેશ અપાશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ માટેના તમામ નિયમોનું પાલન થશે.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, આ દરમિયાન સાધુઓ સહિત ઘણા લોકો પહેલાંથી જ પૉઝિટિવ આવી ચુક્યા છે. આ કારણે સોમવારના સ્નાન વખતે કોરોના વધુ પ્રસરે તેવો ભય ઊભો થયો છે.
અહીં નોંધનીય છે કે સમગ્ર ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે.
આ બીજી લહેરમાં વધી રહેલા કેસોને પગલે ઘણાં રાજ્યોમાંથી એવા સમાચાર પણ મળી રહ્યા છે કે ત્યાં હૉસ્પિટલમાં પથારીઓ અને પ્રાણરક્ષક દવાઓનો જથ્થો ખૂટી પડ્યો છે.
ભારતમાં કોરોનાના સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે. ભારતના કુલ કેસો પૈકીના 30 થી 40 ટકા કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
ભારતમાં સતત વધી રહેલા કેસો છતાં ઘણા લોકોને આશંકા છે કે હજુ પરિસ્થિતિ વધુ વણસી શકે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












