ઈરાનની ઇઝરાયલને ધમકી, પરમાણુ સંયંત્ર પર હુમલાનો બદલો લેવાશે - BBC TOP NEWS

ઈરાન

ઇમેજ સ્રોત, EPA

ઈરાનના વિદેશમંત્રી જવ્વાદ ઝરીફે કહ્યું છે કે તેમનો દેશ નતાંઝ ભૂમિગત પરમાણુ સંયંત્ર પર થયેલા હુમલાનો બદલો લેશે.

ઈરાનના મતે આ હુમલા પાછળ ઇઝરાયલનો હાથ હતો. રવિવારે ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે નતાંઝ યુરેનિયમ સંવર્ધન સંયંત્ર 'પરમાણુ આતંકવાદ'ના નિશાના પર આવી ગયો હતો.

જોકે, પ્રારંભિક સમાચારમાં જણાવાયું હતું કે ત્યાં વીજપુરવઠો ઠપ થઈ ગયો હતો. તાજેતરમાં જ અહીં યુરેનિયમ સંવર્ધિત કરનારા નવા આધુનિક સેન્ટ્રીફ્યુઝ લગાવાયા હતા.

ઇઝરાયલે અધિકૃત રીતે કોઈ પર પણ આ હુમલાનો આરોપ નથી લગાવ્યો.

જોકે, ત્યાંના સરકારી રેડિયોએ ગુપ્તચર સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે આ ઘટના પાછળ ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા 'મોસાદ'નો હાથ હતો. તેણે એવું પણ જણાવ્યું કે ઈરાને જેટલું જણાવ્યું છે એનાથી ક્યાંય વધારે નુકસાન થયું છે.

બીજી તરફ અમેરિકન ગુપ્તચર અધિકારીઓએ 'ન્યૂયૉર્ક ટાઇમ્સ'ને જણાવ્યું છે કે સંયંત્ર પર એક મોટો વિસ્ફોટ થયો. આનાથી ભૂમિગત સંયંત્રની અંદર સ્થાપિત સેન્ટ્રીફ્યુઝને વીજળી પહોંચાડનારી પાવર સિસ્ટમ સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગઈ. એવું અનુમાન પણ છે કે આ વિસ્ફોટ બાદ ફરીથી યુરેનિયમનું સંવર્ધન શરૂ કરવા માટે ઓછામાં ઓછા નવ મહિના લાગશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સઇદ ખાતિબ્ઝાદેહે તહેરાનમાં એક પત્રકારપરિષદમાં કહ્યું કે આ હુમલા પાછળ સ્પષ્ટ રીતે ઇઝરાયલનો હાથ છે.

ઈરાનના સરકારી મીડિયાએ વિદેશમંત્રી જવ્વાદ ઝરીફને ટાંકીને કહ્યું, "અમે પ્રતિબંધ ખતમ કરવાના રસ્તે પ્રગતિ સાધી છે એટલે યહુદી સમર્થક અમારી સામે બદલો લેવા ઇચ્છે છે."

એ બાદ વિદેશમંત્રીએ એવું પણ કહ્યું કે ઈરાન આનો બદલો લેશે.

line

સ્પુતનિક-V : ભારતમાં રશિયન વૅક્સિનને કોવિડ-19ની સારવારમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

સ્પુતનિક-V

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ભારતમાં ડૉ. રેડીઝ લૅબ દ્વારા આ રસીનું ઉત્પાદન કરાયું છે આ રસીની અસરકારકતા 91.6 ટકા છે. જે મૉર્ડના અને ફાઇઝરની રસી બાદ સૌથી વધારે

ભારતમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે હવે ત્રીજી રસીના ઉપયોગને મંજૂરી મળી ગઈ છે.

સોમવારે રસીસંબંધિત બાબતોના નિષ્ણાતોની સમિતી 'સબજેક્ટ ઍક્સપર્ટ કમિટી' (SEC)એ રશિયન રસી સ્પુતનિક-Vના ઇમરજન્સી ઉપયોગ માટેની હૈદરાબાદની ડૉ. રેડીઝ્ લૅબની અરજી સ્વીકારી લીધી.

ભારતમાં ડૉ. રેડીઝ લૅબ દ્વારા આ રસીનું ઉત્પાદન કરાયું છે આ રસીની અસરકારકતા 92% ટકા છે.

કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં ભારતમાં આ ત્રીજી રસીને મંજૂરી અપાઈ છે.

ભારતીય દવાનિયામકની કમિટીએ સ્પુતનિક-Vને ઇમરજન્સી સારવારમાં ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપવા બેઠક યોજી અને રસીના ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો અંગે વિચાર કર્યો.

આ પહેલાં 1 એપ્રિલે યોજાયેલી છેલ્લી બેઠકમાં SECએ ડૉ. રેડ્ડીઝ લૅબને રસીના તમામ ઇમ્યુનોઝેનસિટી પૅરામિટરના ડેટા રજૂ કરવા કહ્યું હતું.

નોંધનીય છે કે સ્પુતનિક-Vનું નામ સોવિયેટ સંઘના પ્રથમ કુત્રિમ ઉપગ્રહ પરથી રાખવામાં આવ્યું છે.

આ રસી કોરોનાના વાઇરસને કમજોર કરવાના સિદ્ધાંત પર કામ કરે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વિકસાવે છે.

line

રેમડેસિવિર કાળાબજારી : વડોદરામાં વૉટ્સઍપ ઑડિયો મૅસેજથી ડૉક્ટર અને નર્સ પકડાયા

કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઉપયોગી રેમડેસિવિર મેળવવા અમદાવાદ, સુરત સહિતનાં શહેરોમાં લાઇનો લાગે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઉપયોગી રેમડેસિવિર મેળવવા અમદાવાદ, સુરત સહિતનાં શહેરોમાં લાઇનો લાગે છે.

વડોદરા પોલીસ દ્વારા ડૉક્ટર સહિત બે શખ્સની રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના આરોપમાં ધરપકડ કરી છે.

રેમડેસિવિરનો ઉપયોગ કોરોના સંક્રમિત દર્દીઓને સારવારમાં થાય છે અને રાજ્યભરમાં તે મેળવવા માટે લાઇનો લાગી રહી છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે શનિવારે બંને શખ્સોને બે અલગ-અલગ ટ્રેપમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.

અહેવાલ પ્રમાણે પોલીસનું કહેવું છે કે વૉટ્સઍપ ઑડિયો મૅસેજ દ્વારા તેમને ટિપ મળી હતી કે રેમડેસિવિર ઇન્જેક્શન ખોટી રીતે વેચાય છે.

વીડિયો કૅપ્શન, અમદાવાદની હૉસ્પિટલ બહાર રેમડેસિવિર ખરીદવા લાઇનમાં લાગેલા લોકો શું બોલ્યા?

પહેલી ટ્રેપમાં ખોડિયારનગરથી પકડાયેલા આરોપી દ્વારા રેમડેસિવિર 7,500 રૂપિયામાં વેચાતા હોવાનું જાણવા મળ્યું, જેની મહત્તમ કિંમત 2,500 નક્કી કરાઈ છે. આરોપી તબીબ હોવાનું પોલીસ જણાવે છે.

જ્યારે અન્ય ટ્રેપમાં કોવિડ ડેઝિગ્નેટૅડ મેડિકલ કૉલેજમાં કામ કરતા પુરુષ નર્સની ધરપકડ કરાઈ છે, જે રેમડેસિવિર નવ હજારમાં વેચતા હોવાની બાતમી પોલીસને મળી હતી.

બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે.

line

'ઈરાનના ભૂગર્ભ પરમાણુ કાર્યક્રમને 'આતંકવાદી પ્રવૃત્તિ'ને કારણે નુકસાન'

ઈરાનના નેતંજ ખાતેનું ભૂગર્ભ પરમાણુ કેન્દ્ર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઈરાનના નેતંજ ખાતેનું ભૂગર્ભ પરમાણુ કેન્દ્ર

ઈરાનના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે તેના નેતંજ ખાતેના ભૂગર્ભ પરમાણુ કેન્દ્રને 'આતંકવાદી પ્રવૃત્તિ'ને કારણે નુકસાન પહોંચ્યું છે.

આના એક દિવસ અગાઉ ઈરાને યુરેનિયમના સંવર્ધનમાં વૃદ્ધિ કરતાં સેન્ટ્રિફ્યૂઝને કાર્યરત કરી દીધું હતું.

આ હુમલા પાછળ કોણ જવાબદાર છે, તેના વિશે અધિકારીએ સ્પષ્ટતા નહોતી કરી, પરંતુ તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને 'પરમાણુ આતંકવાદ'ને પહોંચી વળવા માટે આગળ આવવા અપીલ કરી હતી.

ઈરાનના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ નુકસાન પાછળ ઇઝારયલ દ્વારા કરવામાં આવેલો સાયબર ઍટેક જવાબદાર છે.

ગત વર્ષે પણ ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં આગ લાગી હતી, ત્યારે પણ સાયબર ઍટેકને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનની સરકાર દ્વારા વર્ષ 2015નો પરમાણુ કરાર ફરીથી બહાલ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ ઘટનાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે સેન્ટ્રિફ્યૂઝ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, એટલે જ એક દિવસ અગાઉ જ્યારે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ત્યારે તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

line

ગુજરાતમાં ઑક્સિઝનનો વપરાશ બમણો

ગુજરાતમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસની સાથે ઑક્સિજનની માગ પણ વધી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસની સાથે ઑક્સિજનની માગ પણ વધી છે.

ગત પાંચ દિવસમાં ગુજરાતમાં મેડિકલ ગ્રેડ ઑક્સિઝનનો વપરાશ બમણો થયો છે. ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગના આંકડાને ટાંકતા 'ઇન્ડિયન એક્સપ્રેસ'એ અહેવાલ પ્રકાશિત કર્યો છે.

જે મુજબ, પહેલી માર્ચે ગુજરાતમાં 50 મેટ્રિક ટન ઑક્સિઝનનો વપરાશ થયો હતો, જે તા. 25મી માર્ચે 101 મેટ્રિક ટનની ઉપર પહોંચી ગયો.

ચોથી એપ્રિલે 234 મેટ્રિક ટનની ખપત થઈ હતી, જે પાંચ દિવસ બાદ 272 મેટ્રિક ટન ઉપર પહોંચી ગઈ હતી.

જેમાંથી સરકારી હૉસ્પિટલમાં 220 મેટ્રિક ટન તથા ખાનગી હૉસ્પિટલોમાં 252 મેટ્રિક ટન ઑક્સિઝનનો વપરાશ થયો હતો.

નવમી એપ્રિલના રોજ સુરતમાં (118.91 મેટ્રિક ટન), અમદાવાદમાં (94.75 મેટ્રિક ટન) વડોદરામાં (87.09 મેટ્રિક ટન) અને રાજકોટમાં (48.32 મેટ્રિક ટન) તબીબી ગુણવત્તાવાળા ઑક્સિઝનનો વપરાશ થયો હતો.

line

ટીકા ઉત્સવના પ્રથમ દિવસે

કોરોના સંક્રમણ સામેની લડાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણ અભિયાનને બીજું યુદ્ધ ગણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોના સંક્રમણ સામેની લડાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણ અભિયાનને બીજું યુદ્ધ ગણાવ્યું હતું.

મુખ્ય પ્રધાનો સાથેની બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 11મી એપ્રિલથી દેશભરમાં 'ટીકા મહોત્સવ' શરૂ થયો હતો.

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, પ્રથમ દિવસે આ અભિયાનને વ્યાપક સફળતા મળી હતી.

સામાન્ય રીતે રવિવારના દિવસે સરેરાશ 16 લાખ વૅક્સિન ડોઝ અપાતા હતા, પરંતુ રવિવારે આ આંક 27 લાખ (સાંજે આઠ વાગ્યાની સ્થિતિ પ્રમાણે)ને પાર કરી ગયો હતો.

સરેરાશ 45 હજાર કોવિડ વૅક્સિન સેન્ટર કાર્યરત્ રહેતાં, તેના બદલે રવિવારે 63 હજાર 800 જેટલાં સ્થળોએ રસીકરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

વડા પ્રધાન મોદીએ રસીકરણ અભિયાનને કોરોના સામે 'બીજું યુદ્ધ' ગણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે તા. 11મી એપ્રિલ સમાજસુધારક જ્યોતિબા ફુલેની જયંતી છે, જ્યારે તા. 14મી એપ્રિલ બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મતિથિ છે.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

યુપીમાં રાત્રિ કર્ફ્યુ

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોવિડ-19ના કેસોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે, જેના પગલે યોગી આદિત્યનાથની સરકારે અનેક શહેરો અને જિલ્લામાં રાત્રિ કર્ફ્યુ નાખવાની જાહેરાત કરી છે. આ સિવાય શિક્ષણક્ષેત્રણે પણ નિષેધાત્મક આદેશો આપવામાં આવ્યા છે.

આ સિવાય જે જિલ્લામાં દૈનિક 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અથવા 500થી વધુ ઍક્ટિવ કેસ છે, ત્યાં રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવશે.

સરકારે આદેશ આપ્યા છે કે તા. 30મી એપ્રિલ સુધી તમામ શાળા-કૉલેજમાં ઑફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવે. જોકે પૂર્વનિર્ધારિત પરીક્ષાઓ લઈ શકાશે.

આ સિવાય ખુલ્લામાં યોજાતા જાહેરકાર્યક્રમમાં 100થી વધુ અને બંધ જગ્યામાં યોજાતા સાર્વજનિકકાર્યક્રમમાં 50થી વધુ લોકો ભાગ નહીં લઈ શકે.

રવિવારે રાજ્યમાં કોરોનાના 15 હજાર 353 નવા કેસ નોંધાયા હતા અને કુલ મરણાંક નવ હજાર 152 ઉપર પહોંચ્યો છે.

line

ઑસ્ટ્રેલિયા ઉપર વાવાઝોડું ત્રાટક્યું

ઑસ્ટ્રેલિયામાં હવામાન ખાતાએ 'ભારે પવન ફૂંકાવાની અને ભારે વરસાદ'ની આગાહી કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયામાં હવામાન ખાતાએ 'ભારે પવન ફૂંકાવાની અને ભારે વરસાદ'ની આગાહી કરી છે.

ઑસ્ટ્રેલિયાના પશ્ચિમી છેડે કાલબરી શહેર ઉપર રવિવારે મોડીરાત્રે સેરોજા વાવાઝોડું ત્રાટક્યું હતું.

હવામાન ખાતાએ 'ભારે પવન ફૂંકાવાની અને ભારે વરસાદ'ની આગાહી કરી છે. હજારો ઘરોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હોવાના અહેવાલ છે.

સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે, અહીંની ઇમારતો વાવાઝોડાંનો માર ઝીલી શકે તે રીતે તેનું નિર્માણ કરવામાં નથી આવ્યું, જેથી કરીને વધુ નુકસાન થવાની આશંકા છે.

રાજ્યના પ્રીમિયર માર્ક મેકગોવાનના કહેવા પ્રમાણે, "દાયકાઓમાં આપણે ન જોયું હોય તેવું વાવાઝોડું છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો