પેટ્રોલ-ડીઝલ પર આગામી સમયમાં જીએસટી લાગશે? - BBC TOP NEWS

રાજ્યસભામાં નાણાબિલ પર ચર્ચા દરમિયાન સુશીલ મોદીએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલમાં તમામ રાજ્યોને લગભગ બે લાખ કરોડ રૂપિયાનું રાજસ્વ મળે છે.

જીએસટી કાઉન્સિલના પૂર્વ સંયોજક અને ભાજપના નેતા સુશીલકુમાર મોદીએ બુધવારે સંસદમાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને આગામી આઠથી 10 વર્ષ સુધી જીએસટી સિસ્ટમ અંતર્ગત લાવવાં શક્ય નથી.

આ પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું હતું કે જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી સિસ્ટમ અંતર્ગત લાવવાનો વિચાર કરાશે.

જોકે, બુધવારે રાજ્યસભામાં નાણાબિલ પર ચર્ચા દરમિયાન સુશીલ મોદીએ જણાવ્યું કે આ બન્ને ઉત્પાદનોને જીએસટી અંતર્ગત લવવામાં આવે તો તમામ રાજ્યોએ દર વર્ષે લગભગ બે લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડશે.

તેમણે કહ્યું કે અત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાંચ લાખ કરોડ કરતાં વધારા રૂપિયાનો કર પેટ્રોલિયનાં ઉત્પાદનોમાંથી વસૂલે છે.

સુશીલ મોદીએ ભાજપના રાજ્યસભાના સાંસદ છે અને કેટલાક મહિના પહેલાં તેઓ બિહારના ઉપ મુખ્યમંત્રી હોવા ઉપરાંત રાજ્યનું નાણામંત્રાલય પર જોઈ રહ્યા હતા.

જાણકારો અનુસાર પેટ્રોલિયમ ઉત્પાદનો સસ્તાં થવાની આશા રાખી રહેલા લોકો માટે જીએસટી કાઉન્સિલના પૂર્વ સંયોજકનું નિવેદન મહત્વનું છે.

સચીન વાઝે વિરુદ્ધ એનઆઈએએ આતંકવાદવિરોધી કાયદો લગાવ્યો

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની પાસે એક ગાડીમાં વિસ્ફોટક મળવાના કેસની તપાસ કરી રહેલી નેશનલ ઇનવેસ્ટિગેશન એજન્સીએ મુંબઈ પોલીસના પકડાયેલા અધિકારી સચીન વાઝે પર યુએપીએ હેઠળ કેસ દાખલ કર્યો છે.

અનલૉફુલ ઍક્ટિવિટિઝ ( પ્રિવેન્શન) ઍક્ટ દેશમાં ઉગ્રવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા અપરાધિક કેસોમાં લાગુ કરવામાં આવે છે.

સચીન વાઝેની કેન્દ્રીય તપાસ એજન્સી(NIA)એ મુકેશ અંબાણીના ઘર બહારથી મળેલી જિલેટિન ભરેલી કારના મામલામાં અટકાયત કરી હતી, જે બાદ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

એનઆઈએએ એવું પણ જણાવ્યું હતું કે 25 ફેબ્રુઆરીએ કારમાઇકલ રોડ પર વિસ્ફોટક ભરેલું વાહન રાખવામાં સચીન વાઝેની ભૂમિકાને પગલે તેમની ધરપકડ કરાઈ હતી.

અભિનેતા આમિર ખાન કોરોના સંક્રમિત, હોમ-ક્વોરૅન્ટીન થયા

અભિનેતા આમિર ખાન કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

આમિર ખાનના પ્રવક્તાએ જણાવ્યું છે, "આમિર ખાન હાલ હોમ-ક્વોરૅન્ટીનમાં છે અને તેમની તબિયત ઠીક છે."

ટાટાના સાણંદ પ્લાન્ટમાં 2020માં એકપણ નેનો કારનું ઉત્પાદન થયું નથી

ગુજરાત સરકારે મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે અમદાવાદના સાણંદ ખાતે ટાટાના નેનો પ્લાન્ટમાં વર્ષ 2020માં એકપણ નેનોનું ઉત્પાદન કરવામાં આવ્યું નથી.

કૉંગ્રેસના ધારાસભ્યોએ છેલ્લાં બે વર્ષમાં કેટલી કારનું ઉત્પાદન કર્યું છે તેનો જવાબ આપતા કહ્યું છે કે 2019માં 301 નેનો કારનું ઉત્પાદન થયું હતું. જ્યારે 2020માં એકપણ કારનું ઉત્પાદન કરવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે ટાટા મોટર્સનો આ પ્લાન્ટ નેનો સહિતની 2.50 લાખ કાર ચાલુ વર્ષે ઉત્પાદન કરવા સક્ષમ છે.

વિધાનસભામાં સરકારે કહ્યું હતું કે નેનો કારનું વેચાણ બીએસ-6માં તબદીલ ન થઈ શકવાના કારણે અને તેના ઉત્પાદનમાં વૈધાનિક જોગવાઈ પૂર્ણ ન થઈ શકવાના કારણે ઉત્પાદન ઓછું થયેલ છે.

સરકારે ગુજરાત વિધાનસભામાં વધુમાં જણાવ્યું હતું કે ટાટા મોટર્સ પ્રા.લી.ને રાજ્ય સરકારે 2009ના ઠરાવ અનુસાર 0.1 ટકાના સાદા વ્યાજે વીસ વર્ષ સુધી લોન આપવાનું નક્કી કર્યું હતું. સરકારે ટાટા મોટર્સ પ્રા. લી.ને હાલ સુધી ભરેલા વેરા સામે રૂપિયા 587.08 કરોડની લોન આપી છે.

સંજીવ ભટ્ટે લખેલાં પત્રો જાહેર કરો : સંજય રાઉતે કેન્દ્ર સરકારને કહ્યું

શિવસેનાના નેતા અને સંસદસભ્ય સંજય રાઉતે મંગળવારે કહ્યું કે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે કરેલા આક્ષેપને આધારે ગુજરાત સરકારને કેમ બરખાસ્ત કરવામાં આવતી નથી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સંજય રાઉતે કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદને અપીલ કરી હતી કે તેમણે એ પત્રો અને એની તપાસની વિગતોને જાહેરમાં મૂકવી જોઈએ.

રાઉતે કહ્યું, "ભટ્ટ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ પરમબીરસિંઘે કરેલાં આક્ષેપ કરતાં વધારે ચિંતાજનક હતા અને તમે(ભાજપે) તેમને જેલમાં મોકલી દીધા હતા. હું રવિશંકર પ્રસાદને અપીલ કરું છું કે તેઓ પત્રો(સંજીવ ભટ્ટના)ની સાથે બહાર આવે. શું કેન્દ્ર સરકાર તે સમયના ગુજરાતના મુખ્ય મંત્રી સામે કાર્યવાહી કરશે?"

સંજીવ ભટ્ટે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની 2002નાં રમખાણોમાં ભૂમિકા હોવાનો આક્ષેપ કર્યો હતો.

છત્તીસગઢમાં ઉગ્રવાદી હુમલામાં પાંચ સૈનિકોના મૃત્યુ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં થયેલા ઉગ્રવાદી હુમલામાં પાંચ પોલીસકર્મીનાં મૃત્યુ થયાં છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર મંગળવારે સાંજે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના 20 પોલીસકર્મીઓને લઈને બસ પરત ફરી રહી હતી ત્યારે આઈડી બ્લાસ્ટ થયો હતો. જેમાં પાંચનાં મૃત્યુ થયાં, જ્યારે બાકીના ઇજાગ્રસ્ત થયા હતા.

કાદેનાર પોલીસ કૅમ્પથી ત્રણ કિલોમિટર દૂર એક નાના બ્રિજ પર થોડા-થોડા અંતરે ત્રણ બૉમ્બ મૂકવામાં આવ્યા હતા. જેથી બ્લાસ્ટની ઇમ્પેક્ટના કારણે બસ બ્રિજથી નીચે પડી ગઈ હતી.

સિનીયર અધિકારીઓએ કહ્યું કે 'સુરક્ષાકર્મીઓ અબુજમાડ જંગલમાંથી નક્સલવિરોધી ઑપરેશન માટે પ્રવાસ કરી રહ્યા હતા.'

'લૉકડાઉનમાં ટીબીના દરદીઓ ઘરે રહેતાં રાજ્યમાં 497 બાળકોને ટીબી થયો'

કોરોના વાઇરસના વધતા સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ટીબી જેવી બીમારીઓનો ફેલાવો વધ્યો છે.

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર ગુજરાતના આરોગ્ય અધિકારીઓએ શોધ્યું છે કે છ વર્ષથી નીચેની ઉંમરનાં 497 બાળકો ટીબીથી સંક્રમિત થયાં છે. સરકાર દ્વારા 31,077 બાળકોની તપાસ કરવામાં આવી હતી.

બીમારી પાછળનું કારણ કોરોનાની મહામારી દરમિયાન ટીબીના દરદીઓ ઘરમાં રહેતા હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ઘરમાં જગ્યા ઓછી હોય એવા સંજોગોમાં દરદીઓનો ચેપ જલદી બાળકોમાં ફેલાય છે.

અમદાવાદના જે વિસ્તારોમાં વસતીગીચતા વધારે છે, તેવા વિસ્તારોમાં વધારે કેસ જોવા મળ્યા છે.

ગુજરાતથી ઋષિકેશ ગયેલી બસના 22 પ્રવાસી કોરોના સંક્રમિત

ગુજરાતથી ઋષિકેશ પહોંચેલી બસના 22 યાત્રીઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર બસ 15 દિવસની ઉત્તર ભારતની યાત્રાએ નીકળી હતી. જેમાં મોટા ભાગના ઘરડા લોકો હતા.

તેમના પ્રવાસની શરૂઆત અંબાજી માતાના મંદિરથી થઈ હતી, ત્યાંથી તેઓ જયપુર, પુષ્કર, મથુરા અને હરિદ્વાર થઈને ઋષિકેશ પહોંચ્યા હતા.

ટીહરીના ઍડિશનલ ચીફ મેડિકલ ઑફિસર જગદીશ જોશીએ કહ્યું કે મુની કી રેતી પાસે બસને રોકવામાં આવી હતી. જ્યાં પ્રવાસીઓના આરોગ્યની તપાસ કરાઈ હતી.

"ત્યાં લોકોના રેપીડ એન્ટિજન ટેસ્ટ કર્યા પણ તે નૅગેટિવ આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે કેટલાકને તાવ અને શરદી હતાં, અમે તેમના આરટીપીસીઆર ટેસ્ટ કર્યા. સોમવારે રાત્રે 50માંથી 22 મુસાફરોનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો."

હાલ ત્યાંના સ્થાનિક આરોગ્ય વિભાગને પ્રવાસીઓના રિપોર્ટની જાણકારી મોકલી દેવાઈ છે અને તેઓ આ દરદીઓની સારવાર કરશે.

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મિથુન ચક્રવર્તીને ભાજપે ટિકીટ ન આપી

બીબીસી હિંદીના અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની છેલ્લી યાદી જાહેર કરી દેવામાં આવી છે.

કોલકાતામાં હાજર પત્રકાર પ્રભાકર મણિ તિવારીએ કહ્યું કે આ યાદીમાં બોલીવુડ ઍક્ટર મિથુન ચક્રવર્તીનું નામ નથી.

છેલ્લા દિવસોમાં પશ્ચિમ બંગાળમાં તેમણે પોતાનું નામ વોટર તરીકે મતદારોની યાદીમાં જોડાવ્યું હતું.

આ પછી અટકળ લગાવવામાં આવી હતી કે મિથુન ચક્રવર્તી વિધાનસભા ચૂંટણી લડી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો