મિથુન ચક્રવર્તી : 'ગરીબોના અમિતાભ'થી TMCના રાજ્યસભા સાંસદ અને હવે ભાજપના નેતા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધ્યો અને બોલીવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ ચર્ચામાં આવ્યા છે.

મિથન ચક્રવર્તી આજે કોલકાતામાં આયોજિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં જોડાયા છે અને ભાજપમાં સામેલ થઈ ગયા છે.

તો ટ્વિટર પર પણ મિથુન ચક્રવર્તીનું એક એકાઉન્ટ ફરતું થયું છે, જેમાં તેઓ ભાજપનેતાઓ સાથે અને રેલીની તસવીરો શૅર કરી રહ્યા છે.

જોકે આ એકાઉન્ટ પર મિથુને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી કે આ તેમનું ઑફિશિયલ એકાઉન્ટ છે. તો તેની સત્તાવાર જાહેરાત પણ કરાઈ નથી.

બીબીસી આ સ્વતંત્ર રીતે આ ટ્વિટર એકાઉન્ટની પુષ્ટિ કરતું નથી પણ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે હકીકત છે.

300થી વધુ ફિલ્મોમાં કામ

અભિનેતા મિથુન ચક્રવર્તીનો જન્મ કોલકાતામાં થયો હતો. મૃણાલ સેનની ફિલ્મ 'મૃગયા'થી પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરનારા મિથુન ચક્રવર્તીએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

મિથુન ચક્રવર્તીને આજે પણ તેમની ફિલ્મોમાં કરેલા ડાન્સને આધારે યાદ કરાય છે. મિથુન ચક્રવર્તીને ત્રણ વાર રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે.

તેમની ફિલ્મ 'શુકનો લંકા' પહેલી એવી બાંગ્લા ફિલ્મ હતી જે આખા દેશમાં એકસાથે રિલીઝ થઈ હતી.

'ડિસ્કો ડાન્સર' અને 'ડાન્સ ડાન્સ' જેવી ફિલ્મોથી નવી ઊંચાઈ સિદ્ધ કરનારા મિથુને અનેક મુસીબતો અને મુશ્કેલીઓ વેઠી છે.

બીબીસી હિન્દી ડૉટકોમ માટે પીએમ તિવારીએ લીધેલા મિથુનના ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું હતું કે મારા માટે એ સમય બહુ ખરાબ હતો, જ્યારે લોકો મારા અભિનયનાં વખાણ કરીને કામનો ભરોસો આપતા હતા, પણ કોઈ કામ આપતું નહોતું.

તેઓ ડાન્સને એક પૂજા સમાન માને છે અને નિયમિત રીતે તેનો અભ્યાસ કરતા રહે છે.

મિથુન ચક્રવર્તીની ફિલ્મોમાં ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન, બંસરી, પ્રેમવિવાહ, કિસ્મત કી બાજી, હમ પાંચ, હમ સે બઢકર કૌન, શૌકીન, તકદીર, ગુલામી, પરિવાર, બીસ સાલ બાદ, ગુરુ, પ્યાર કા દેવતા, આદમી, દલાલ, મર્દ, માફિયારાજ, ગોલમાલ-3, OMG- ઓ માય ગોડ સહિત અનેકનો સમાવેશ થાય છે.

મિથુન ચક્રવર્તી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. 2014ની એ રાજ્યસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને લેફ્ટ પાર્ટીમાં ક્રોસ વોટિંગ થયું હતું અને તૃણમૂલ કૉંગ્રેસના વધારાના ઉમેદવાર તરીકે મિથુન ચક્રવર્તી રાજ્યસભામાં પહોંચ્યા હતા.

294 ધારાસભ્યોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે આઠ તબક્કામાં મતદાન યોજાશે અને બીજી મેના રોજ પરિણામ જાહેર થશે.

2016માં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ સીટ મળી હતી. આ વખતે પાર્ટીએ 200થી વધુ સીટ જીતવાનો દાવો કર્યો છે.

અહીં તૃણમુલ કૉંગ્રેસ, ભાજપ તથા કૉંગ્રેસ-ડાબેરી પક્ષો અને ઇન્ડિયા સૅક્યુલર ફ્રન્ટની યુતિ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

મમતા બેનરજીને આશા છે કે તેમનો પક્ષ સળંગ ત્રીજી વખત ચૂંટણી જીતવામાં સફળ રહેશે, જ્યારે ભાજપ અહીં પોતાનો ગઢ સ્થાપિત કરવા માગે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો