ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે હાઈકોર્ટે ફરી લૉકડાઉનની ચેતવણી કેમ આપી?

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP VIA GETTY IMAGES
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો છે, તેવો દિલાસો ક્ષણજીવી રહ્યો અને રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો આવ્યો છે.
ગુરુવારે રાજ્યમાં કોરોનાના 710 નવા કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ કેસનો આંકડો 2,75,907 થયો હતો.
આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં દૈનિક કેસની સંખ્યા 480થી વધીને 700ને પાર કરી ગઈ છે.
રિકવર થયેલા કેસની તુલનામાં નવા કેસની સંખ્યા વધુ હોવાથી રાજ્યનો રિકવરી રેટ ઘટીને 97.03 ટકા થયો હતો, જે એક સપ્તાહ અગાઉ 97.36 હતો.
કોરોનાના કેસમાં વધારા પાછળ લોકોની બેદરકારી અને તાજેતરની સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓને જવાબદાર ગણવામાં આવે છે. ચૂંટણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગની ઉપેક્ષા કરીને હજારો લોકો ટોળે વળ્યાં હોય એવાં દૃશ્યો પણ જોવાં મળતાં હતાં.
કોરોનાની નવી સંભવિત લહેરની ગુજરાત હાઈકોર્ટે પણ નોંધ લેવી પડી હતી. કોર્ટે તાજેતરમાં રાજ્ય સરકારને આ અંગે ટકોર કરી હતી અને નજીકના ભવિષ્યમાં ખરાબ સ્થિતિ પેદા થશે તેવી અપેક્ષા રાખીને પગલાં લેવાં જણાવ્યું હતું.
હાઈકોર્ટે ગુજરાત સરકારને જણાવ્યું કે કોરોનાની સ્થિતિ ફરીથી વણસી શકે છે અને રાજ્ય સરકારે તેનો સામનો કરવા સજ્જ રહેવું પડશે.
કોર્ટે પૂરતા પ્રમાણમાં કોવિડ ડેઝિગ્નેટેડ હૉસ્પિટલોની વ્યવસ્થા કરવા અને પૂરતી સંખ્યામાં પથારીઓ ઉપલબ્ધ કરાવવા પણ જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકોની બેદરકારીને પણ કોર્ટે ગંભીરતાથી લીધી છે અને કહ્યું છે કે આવી જ રીતે કેસ વધતા રહેશે તો ફરીથી લૉકડાઉન લાવવું પડે તેવી સ્થિતિ પેદા થઈ શકે છે.
આ ઉપરાંત હાઈકોર્ટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર જેવાં શહેરોમાં માસ્ક પહેરવાના નિયમ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરાવવા માટે વિજિલન્સ ટીમો ગોઠવવા નિર્દેશ આપ્યો હતો.
કોરોનાની વકરેલી સ્થિતિ માટે હાઈકોર્ટે તાજેતરની સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓને પણ જવાબદાર ગણી છે.

ઇમેજ સ્રોત, Getty Images
કોર્ટે નિરીક્ષણ કર્યું હતું, "થોડી રાહત મળી હોય તેવું લાગતું હતું અને ગુજરાતનાં મોટાં શહેરોમાં સ્થિતિ સુધરી હોય તેમ જણાતું હતું, ત્યારે જ જુદા-જુદા સ્તરે યોજાયેલી ચૂંટણી તથા લોકોની લાપરવાહીએ સ્થિતિ બગાડી દીધી. તેના કારણે ફરીથી ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે."
કોર્ટે જાહેર સમારંભોમાં લોકોની સંખ્યાને નિયંત્રિત કરવા પણ રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે કહ્યું કે, "લગ્ન જેવા જાહેર સમારોહ માટે રાજ્ય સરકારે કયા પ્રોટોકૉલ અથવા નિયમો ઘડ્યા છે તે અમે નથી જાણતા."
"આમંત્રિતોની સંખ્યા અંગે અગાઉ જે નિયમો હતા તે હજુ અમલમાં છે કે નહીં તે અમે નથી જાણતા. પરંતુ આ એવી બાબત છે, જેને સરકારે ધ્યાનમાં રાખવી જોઈએ."
ગુજરાતમાં ચૂંટણીપ્રચાર ચાલતો હતો ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી સ્વયં કોરોના પૉઝિટિવ થયા હતા.
15 ફેબ્રુઆરીએ મુખ્ય મંત્રી વિજય રૂપાણી વડોદરામાં એક ચૂંટણીસભાને સંબોધતી વખતે ઢળી પડ્યા હતા અને તબીબી તપાસ વખતે તેમનો કોવિડ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
આ દરમિયાન રાજ્યમાં રસીકરણ કામગીરી પૂરજોશમાં ચાલુ છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 17.24 લાખ લોકોએ કોરોનાની વૅક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે, જ્યારે 11 માર્ચ સુધીમાં 4.25 લાખ લોકોને વૅક્સિનનો બીજો ડોઝ પણ અપાઈ ગયો છે.
ગુરુવારે 60 વર્ષથી વધુ વયના તથા પહેલાંથી બીમારી ધરાવતા 45 વર્ષથી વધુ વયના 10,000થી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.
લૅટેસ્ટ આંકડા પ્રમાણે ગુજરાતમાં કોરોનાના નવા કેસની દૈનિક સંખ્યા 710 હતી અને રાજ્યમાં ઍક્ટિવ કેસની સંખ્યા 3788થી વધુ હતી. તેમાંથી 49 દર્દી વૅન્ટિલેટર પર હતા.
11 માર્ચે સુરતમાં સૌથી વધુ 171, અમદાવાદમાં 149, વડોદરામાં 84 અને રાજકોટમાં 61 નવા કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.67 લાખ લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે 4400થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2.76 લાખ કેસ નોંધાયા છે.
પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 22.7 લાખથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 52,500થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

'કોરોના પૂરો થઈ ગયો, તેમ માનવું ભૂલભર્યું'

ઇમેજ સ્રોત, ANI
બીબીસી સાથે વાત કરતા અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડૉ. મોના દેસાઈએ જણાવ્યું કે, "અમે અગાઉ પણ કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને માસ્ક પહેરો."
"કોરોના પતી ગયો છે, એવું માનીને ન ચાલો. આપણે એક વર્ષ સુધી માસ્ક પહેર્યા અને સામાજિક અંતર જાળવ્યું તેના કારણે મોટા ભાગના લોકો કોરોનાથી બચી રહ્યા. તો હજુ પણ તેનું પાલન કરવામાં શું વાંધો છે?"
નવરાત્રી વખતે સરકાર કોરોનાના નિયમોમાં છૂટછાટ આપી રહી હતી, ત્યારે અમદાવાદ મેડિકલ ઍસોસિયેશને સરકારને પત્ર લખીને આ વર્ષે નવરાત્રી યોજવાની છૂટ ન આપવા વિનંતી કરી હતી.
ડૉ. મોના દેસાઈએ કહ્યું હતું કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો છતાં નવરાત્રીના તહેવારની પ્રકૃતિ જ એવી છે કે તેમાં આ નિયમોનું પાલન ન થઈ શકે.
રસીકરણ શરૂ થવાના કારણે હવે લોકોમાં કોરોનાની બીક જતી રહી છે?
તેવા સવાલના જવાબમાં ડૉ. મોના દેસાઈએ જણાવ્યું કે, "વૅક્સિન મુકાવવાથી કોરોના નહીં થાય એવું નથી, પરંતુ કોરોના ઓછો ઘાતક થશે."
"વૅક્સિન લીધી હશે અને કોરોના થશે તો મોટા ભાગે ઘરે સારવાર લઈને પણ સાજા થઈ શકાશે. પરંતુ વૅક્સિનેશનનું પ્રમાણ હજુ ઘણું ઓછું છે."
"આ ઉપરાંત વાઇરસનું વહન કરતા લોકોમાં કોઈ લક્ષણ જોવા ન મળે, તો પણ તેઓ બીજા દસ લોકોને ચેપ આપી શકે છે. આ બાબત બહુ જોખમી છે."
રાજકોટસ્થિત ક્રિટિકલ કૅર સ્પેશિયાલિસ્ટ ડૉ. જયેશ ડોબરિયાએ આ અંગે જણાવ્યું, "કોઈ પણ મહામારીમાં એકથી વધુ લહેર આવતી હોય છે. એક વખત રોગચાળો અંકુશમાં આવે તો તે ફરી માથું ન ઊંચકે એવું નથી."
"ગયા વર્ષે માર્ચમાં કોરોનાની પહેલી લહેર હતી ત્યારે આપણને તૈયારીની તક મળી હતી. માર્ચથી મે દરમિયાન ભારતમાં હજારોની સંખ્યામાં કેસ નોંધાયા, પરંતુ લૉકડાઉન ન હોત તો કદાચ લાખોમાં કેસ નોંધાયા હોત."
તેઓ કહે છે, "લૉકડાઉનના કારણે સરકારને તૈયારી કરવાનો અને ડૉક્ટરોને આ રોગને સમજવાનો જરૂરી સમય મળ્યો. જુલાઈથી સપ્ટેમ્બરમાં ગુજરાત અને ભારતમાં આ રોગ તેની ચરમસીમાએ હતો. તે સમયે હૉસ્પિટલોમાં જગ્યા મળતી ન હતી."
લોકો બેદરકાર શા માટે થયા તે સવાલના જવાબમાં તેઓ કહે છે, "નવેમ્બર-ડિસેમ્બર 2020માં કોરોનાના કેસ ઘટ્યા ત્યારે લોકોમાં આ રોગ અંગે ડર ઓછો થવા લાગ્યો."
"આ ઉપરાંત આર્થિક પરિબળ પણ હતું, કારણકે રોજી-રોટી માટે બહાર નીકળ્યા વગર ચાલે તેમ ન હતું. લોકો 10 મહિનાથી ઘરમાં હતા અને કંટાળ્યા હતા. ત્યાર પછી તેમણે બહાર નીકળવાનું શરૂ કર્યું."

પ્રોટોકૉલનું પાલન કરતા રહેવું પડશે

ઇમેજ સ્રોત, EPA/DIVYAKANT SOLANKI
એએમએના પૂર્વ પ્રમુખ ડૉ. મોના દેસાઈ કહે છે કે "મારે જ મારી જાતને બચાવવી પડશે તેમ માનીને ચાલો, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો."
ચૂંટણીસભાઓ અને લગ્નપ્રસંગોના કારણે કોરોના વધ્યો છે કે કેમ તે વિશે તેમણે કહ્યું કે "કોઈ તમને માસ્ક પહેર્યા વગર સભામાં આવવાની ફરજ નથી પાડતું. તેથી તમારે જ જવાબદારી સમજીને પોતાની સુરક્ષા માટે માસ્ક પહેરવાનું છે."
"બ્રાઝિલ, અમેરિકા, મૅક્સિકોમાં પણ હજુ કોરોનાના કારણે મૃત્યુદર ઊંચો હોવાનું કારણ એ છે કે ત્યાં પણ લોકો માસ્ક પહેરવાનો ઇનકાર કરે છે અને બીચ પર છૂટથી ફરે છે."
"આપણે ત્યાં કોરોનાના કારણે બહુ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામશે તેવો શરૂઆતમાં ભય હતો, પરંતુ આપણે પ્રોટોકૉલનું પાલન કર્યું અને તેના કારણે સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. હવે ફરીથી પ્રોટોકૉલનો ભંગ કરીને સ્થિતિને વકરવા દેવી ન જોઈએ."
નવા મ્યુટેશન અંગે તેમણે કહ્યું કે અત્યાર સુધી જે મ્યુટેશન આવ્યા તેનો સ્પ્રેડ બહુ ઝડપથી થાય છે પરંતુ સદનસીબે તે ઘાતક નથી.
ડૉ. જયેશ ડોબરિયાએ જણાવ્યું કે "તમે તાજેતરની ચૂંટણીના ફૂટેજ જોશો તો જણાશે કે અમુક લોકો જ ચુસ્તપણે સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્કના નિયમોનું પાલન કરે છે."
"માસ્ક ન પહેરનારા પાસેથી ઊંચો દંડ વસૂલવામાં આવ્યો તેના કારણે એક નૅગેટિવ માહોલ સર્જાયો કે નેતાઓ માસ્ક નથી પહેરતા તો આપણે શા માટે પહેરીએ? તેના કારણે પણ અમુક લોકો લાપરવાહ થયા છે."
"લોકોએ જોયું કે કોરોના થયો હોય તેવા 95 ટકા લોકો સરળતાથી સાજા થઈ જાય છે, માત્ર પાંચ ટકાને ગંભીર મુશ્કેલી પડે છે. પણ આ પાંચ ટકાના પરિવારજનોને પૂછો તો ખબર પડે કે કોરોના કેટલો ભયંકર રોગ છે. એવા પણ પરિવારો છે, જેમાં ત્રણ-ત્રણ પુરુષોનાં મોત કોરોનાથી નીપજ્યાં છે."

રસીકરણ પછી પણ લાંબી મજલ કાપવી બાકી

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિટિકલ કૅર સ્પેશિયાલિસ્ટ ડૉ. ડોબરિયા કહે છે, "હજુ માંડ બે-ત્રણ ટકા લોકોને વૅક્સિન મળી શકી છે. અત્યારે 30 ટકા લોકોમાં કોરોના સામે ઇમ્યુનિટી છે, તેમ માની લઈએ તો પણ બાકીના 60થી 65 ટકા લોકો પર કોરોનાનું જોખમ તોળાય છે."
"આ ઉપરાંત વાઇરસના નવા-નવા મ્યુટેશનને પણ હળવાશથી ન લઈ શકાય. મ્યુટેશનમાં વાઇરસની શક્તિ ઘટી પણ શકે અને વધે પણ ખરી."
તેમણે કહ્યું, "વૅક્સિન મુકાવ્યા પછી પણ તેની સંપૂર્ણ અસર આવતા બે મહિના લાગી જાય છે, તેથી ત્યાં સુધી ધ્યાન રાખવું પડે."
"છેલ્લા બે દિવસમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. દૈનિક 15,000 જેટલા કેસ આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સાથેનો આપણો સંપર્ક અને લોકોની આવ-જા જોતા કહી શકાય કે થોડા દિવસોમાં આપણે ત્યાં પણ કેસની સંખ્યા ઉછળી શકે છે."
ગુજરાતમાં પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે જેમાં 60 વર્ષથી વધુ વયના લોકો અને પહેલેથી બીમારીઓ ધરાવતા 45 વર્ષથી વધુ વયના લોકોને રસી અપાઈ રહી છે.
કોવિડ-19ની રસી આપવા માટે સરકારી અને ખાનગી મળીને કુલ 100થી વધુ હૉસ્પિટલો નિર્ધારિત કરવામાં આવી છે.
ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ માને છે કે ચૂંટણીસભાઓના કારણે જ રાજ્યમાં કોરોનાનો ચેપ વધ્યો છે એવું ન કહી શકાય.
તેઓ કહે છે કે, "કેસ વધવામાં ચૂંટણીસભાની અમૂક ભૂમિકા કદાચ રહી હશે, પરંતુ કોરોનાના કેસમાં વધારો માત્ર ગુજરાતમાં નહીં, આખા દેશમાં જોવા મળ્યો છે."
તેમણે કહ્યું કે, "નવેસરથી કોરોનાના કેસ વધવાના કારણે લોકો અને સરકાર ચોક્કસ સાવધ થઈ ગયા છે. જેમણે થોડા સમયથી માસ્ક પહેરવાનું છોડી દીધું હતું અથવા સોશિયલ ડિસ્ટન્સ ટાળતા હતા તેઓ ફરી નિયમોનું પાલન શરૂ કરશે. વૅક્સિનેશન શરૂ થવાના કારણે લોકો થોડા બેફિકર બન્યા હોય તે પણ શક્ય છે."

સરકારની શું તૈયારી છે?

ઇમેજ સ્રોત, Getty Images
લાઇવ મિન્ટના તાજેતરના અહેવાલ પ્રમાણે પડોશી રાજ્યોમાંથી આવતા કોરોનાગ્રસ્ત લોકોને ચકાસવા ગુજરાતના આરોગ્ય વિભાગે રેલવે-સ્ટેશનો અને રાજ્યોની સરહદો પર ચેક પોસ્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે.
તેમાં મહારાષ્ટ્ર સહિતનાં પડોશી રાજ્યોમાંથી આવતા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે, કારણ કે મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે.
આરોગ્ય વિભાગની રિલીઝ મુજબ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવાં પડોશી રાજ્યોમાં કોવિડના કેસમાં સતત વધારો થયો હોવાથી આ રાજ્યોમાંથી ગુજરાત આવતા લોકોનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે.
આરોગ્ય વિભાગ મુજબ ઍન્ટ્રી પૉઇન્ટ પર ચેક પોસ્ટ સ્થાપવા ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર રેલવે-સ્ટેશન પર પણ દેશના જુદાજુદા ભાગોમાંથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.
કોરોના પૉઝિટિવ દર્દીઓને જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવશે. શહેરોમાં લોકોને ઘરઆંગણે કોવિડ-19ની આવશ્યક સેવા પૂરી પાડવા માટે 'ધન્વંતરિ રથ'ની સંખ્યા વધારવામાં આવશે તેમ જણાવાયું હતું.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પણ સંપર્ક થઈ શક્યો નહોતો.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















