કોવિડ-19 : કોરોના વૅક્સિનની રિસર્ચ લૅબોરેટરીથી તમારા સુધીની સફર

વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ વૈજ્ઞાનિક પ્રયાસોને કારણે વિશ્વ કોરોના વાઇરસની વૅક્સિન રેકૉર્ડ સમયમાં તૈયાર કરવામાં સફળ રહ્યું છે. આ રસીની મદદથી કોવિડ-19ની ભયંકર મહામારીથી સૌથી વધુ જોખમમાં મુકાયેલા લોકોને સુરક્ષિત કરવામાં મદદ મળશે.

સ્ક્રૉલ કરીને નીચે જાઓ અને જુઓ કે કેવી રીતે રેકૉર્ડ સમયમાં વૈજ્ઞાનિકોની પ્રયોગશાળામાંથી નીકળીને રસી લોકો સુધી પહોંચી રહી છે.

વૅક્સિનનું જીવન પ્રયોગશાળામાં શરૂ થાય છે.

પ્રયોગશાળામાં વૅક્સિન વિકસિત કરવાની પ્રક્રિયાનું ચિત્રણ.

વૈજ્ઞાનિકોએ નવા કોરોના વાઇરસની વૅક્સિન વિકસિત કરવાનું કામ ત્યારે જ શરૂ કરી દીધું હતું, જ્યારે જાન્યુઆરી, 2020માં તેની જેનેટિક સીક્વેંસ એટલે કે જૈવિક બનાવટ જારી કરાઈ હતી.

વિશ્વના તમામ વિશેષજ્ઞોએ પહેલી વાર મોટા પાયે સહયોગ કરીને વૅક્સિનના વિકાસના અલગ અલગ તબક્કાઓ પર એક સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. આ અભૂતપૂર્વ વૈશ્વિક સહયોગના કારણે જ વૅક્સિનવિકાસનું જે કામ દસ વર્ષમાં થાય છે, તે બાર મહિનામાં પૂરું કરવામાં સફળતા મળી શકી.

વૅક્સિન વિકસિત કરવામાં લાગેલા એકમેક સાથે સહયોગ કરી રહેલા વિશ્વના તમામ વૈજ્ઞાનિકો પૈકી કેટલાક એવા હતા, જેમણે સાર્સ અને મર્સ મહામારીઓના વાઇરસ વિશે અભ્યાસ કર્યો હતો. તેથી નવા કોરોના વાઇરસને નવા કોરોના વાઇરસને હરાવનાર વૅક્સિન તૈયાર કરવાનો મજબૂત પાયો પહેલાંથી તૈયાર હતો.

રિસર્ચરોએ આ વાઇરસ વિશે વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો, જેથી તેઓ વાઇરસમાં હાજર એ નાના તત્ત્વની શોધ કરી શકે જે આપણા શરીરની ઇમ્યૂન સિસ્ટમ કે રોગપ્રતિકારક શક્તિને ઍક્ટિવ કરે છે. વાઇરસમાં હાજર આ તત્ત્વ વૈજ્ઞાનિક ભાષામાં એન્ટિજન કહેવાય છે.

વાઇરસને હરાવવામાં કામયાબ થનાર મોટા ભાગની વૅક્સિનમાં આ વાઇરસને બનાવનાર નાની નાની બ્લૂપ્રિંટ કે વાઇરસના નુકસાન ન કરનારા અંશ હોય છે, જેથી તે આપણા શરીરમાં જ બની શકે.

રિસર્ચરોએ આ એન્ટિજનનું પરીક્ષણ લૅબમાં કમ્પ્યૂટર મૉડલ પર કર્યું, જેથી તેની આડઅસરો પર નજર રાખી શકાય.

ત્યાર બાદ આ રસીનું પરીક્ષણ માણસો પર કરવાનું શરૂ કરવામાં આવ્યું.

માણસો પર વૅક્સિનની ટ્રાયલનું ઇલસ્ટ્રેશન/ચિત્રણ

જ્યારે લૅબમાં થયેલા આ પરીક્ષણો પૂરાં થયાં, ત્યારે આ રસી વિશ્વના તમામ દેશોમાં એવા લોકોને મૂકવામાં આવ્યા, જેઓ પોતાની જાત પર આ રસીનું પરીક્ષણ કરાવવા માટે તૈયાર હતા. તેમને વૅક્સિન વૉલંટિયર્સ કહેવામાં આવે છે. આ રસીની હ્યૂમન ટ્રાયલ કે માનવપરીક્ષણનો હેતુ માત્ર આ રસી માણસ માટે સુરક્ષિત છે એ સુનિશ્ચિત કરવાનું ન હતું, બલકે તેનો હેતુ એ જાણકારી મેળવવાનો પણ હતો જેથી વાઇરસથી બચવા માટે વૅક્સિનનો કેટલો ડોઝ આપવો પડશે એ ખબર પડી શકે.

સામાન્ય રીતે વૅક્સિનનાં આવાં પરીક્ષણ કરવામાં દસ વર્ષ સુધીનો સમય લાગે છે. પરંતુ, કોવિડ-19 માટે રસીના ઘણા તબક્કાનાં પરીક્ષણ એક સાથે કરવામાં આવ્યાં, જેથી વૅક્સિનનો શક્ય તેટલો જલદી ઉપયોગ કરી શકાય.

વૅક્સિનનાં સફળ થયેલાં પરિક્ષણોનાં પરિણામો એ સંસ્થાઓને મોકલી દેવાયાં, જે દવાઓ સુરક્ષિત છે કે કેમ તે પ્રમાણિત કરે છે, અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. ભારતમાં વૅક્સિન કે કોઈ પણ દવાના ઉપયોગની પરવાનગી આપનાર સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગનાઇઝેશન છે અને તેના વડા ડ્રગ કંટ્રોલર ઑફ ઇન્ડિયા હોય છે. આ સંસ્થા ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય હેઠળ આવે છે.

આ સંગઠનો અને તેમના વૈજ્ઞાનિકોએ બધી રસીઓનાં પરીક્ષણનાં પરિણામો અને તે સુરક્ષિત હોવાના દાવાઓનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું. આ સિવાય તેમની ગુણવત્તા અને અસરકારતાના દાવાની પણ ચકાસણી કરી. જેથી આ રસીઓના ઉપયોગને મંજૂરી આપી શકાય.

ભારતમાં કોવિશિલ્ડ અને કૉવેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપતા ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા ડૉ. વી. જે. સોમાણીએ કહ્યું હતું, કે જો સહેજ પણ શંકા લાગે તો પરવાનગી નથી આપવામાં આવતી.

રસીના ડોઝ મોટા પ્રમાણમાં કોઈ દવા કારખાનામાં બનાવવામાં આવે છે.

વૅક્સિનના જથ્થાબંધ ઉત્પાદનને બતાવતું ચિત્રણ

સામાન્ય રીતે આ તબક્કામાં પહોંચ્યા બાદ જ – એટલે કે જ્યારે દવાને નિયામક સંસ્થાની મંજૂરી મળી જાય છે- દવાઓનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરાય છે.

પરતું, કોવિડની વૅક્સિનો મામલે, તેમના ઉપયોગ માટે મંજૂરી મળે એ પહેલાં જ તેમનું મોટા પાયે ઉત્પાદન કરી શકાય તે માટેની ક્ષમતા વિકસિત કરી લેવાઈ હતી. તે પણ એવા સમયે જ્યારે વૅક્સિન પર સંશોધન ચાલુ હતું. તેમને તૈયાર કરવા માટે વૈજ્ઞાનિકો કામ કરી જ રહ્યા હતા. તેનું કારણ એ હતું કે વૅક્સિન તૈયાર કરવા માટે મોટા પ્રમાણમાં રોકાણ કરાઈ રહ્યું હતું.

વૅક્સિનને મંજૂરી મળે એ પહેલાં જ તેને બનાવવાની ક્ષમતા વિકસિત કરવાનો હેતુ એ હતો કે જ્યારે સુરક્ષિત અને અસરકારક વૅક્સિન તૈયાર કરી લેવાય અને તેને મંજૂરી મળી જાય, ત્યારે કંપનીઓ તેના ઝડપી વિતરણ માટે તૈયાર રહે.

કોઈ પણ વૅક્સિન બનાવવાની પ્રકિયા દરમિયાન વાઇરસનાં સક્રિય તત્ત્વોને મોટા જથ્થામાં અન્ય તત્ત્વો જેમ કે સ્ટેબિલાઇઝર સાથે ભેળવવામાં આવે છે.

આ દરમિયાન વૅક્સિનમાં એ કેમિકલ પણ ભેળવવામાં આવે છે જેને ‘એડજુવેંટ' કહે છે. ‘એડજુવેંટ' આપણી રોગપ્રતિકારક શક્તિ કે ઇમ્યૂન સિસ્ટમને બહેતર બનાવે છે.

મોટા પ્રમાણમાં તૈયાર કરાયેલી આ રસીને નાની નાની કીટાણુંરહિત શીશીઓમાં પૅક કરવા અને મંજિલ તરફ રવાના કરતા પહેલાં, તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે.

વૅક્સિન કોલ્ડ ચેઇન કે ફ્રીઝર વાન અને આઇસ કૂલિંગ રેફ્રિજરેટર જેવાં માધ્યમો થકી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે.

વૅક્સિનને કોલ્ડ ચેઇન દ્વારા તમામ ઠેકાણાં સુધી લઈ જવાની પ્રક્રિયાનું ચિત્રણ.

જ્યારે વૅક્સિનના નિર્માતા, તેને પોતાના પ્લાન્ટથી કાઢે છે, ત્યારે તેમને રેફ્રિજરેટેડ ટ્રકો દ્વારા નક્કી મંજિલ તરફ રવાના કરવામાં આવે છે. આવું કરવાથી વૅક્સિનને સતત એક ખાસ તાપમાન પર સુરક્ષિત રાખવામાં આવે છે.

મોટા ભાગની પારંપરિક રસીઓને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સુરક્ષિત રાખવામાં આવે છે. પરંતુ કોવિડ-19ની એવી પણ કેટલીક રસીઓ છે, જેમને આના કરતાં પણ ઓછા તાપમાને સ્ટોર કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે ફાઇઝર-બાયોએનટૅકની વૅક્સિનને અત્યતં ઓછા તાપમાને એટલે કે -70 ડિગ્રી સેલ્સિયસ પર રાખવી પડે છે.

જોકે, બ્રિટનમાં તૈયાર કરાયેલી ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની વૅક્સિનને સામાન્ય ફ્રિજના તાપમાને રાખી શકાય છે. તેથી આ રસીને ક્યાંય લાવવા-લઈ જવામાં ઓછા પડકારોનો સામનો કરવો પડે છે. આવી વૅક્સિનને ઓછા તાપમાન પર રાખવામાં આવતી અન્ય દવાઓની કોલ્ડ ચેઇન દ્વારા પણ ક્યાંય લાવી- લઈ જઈ શકાય છે.

આ વૈશ્વિક મહામારીના અંત માટે એ જરૂરી છે કે આ વૅક્સિન એ લોકો સુધી પહેલાં પહોંચે જેમને તેની વધુ જરૂર છે. ના કે તેમને જેઓ રસી ખરીદવાની વધુ ક્ષમતા ધરાવે છે.

ધનિક દેશોની સરકારોએ એક સાથે ઘણી રસીઓના કરોડો ડોઝના ઑર્ડર આપી રાખ્યા છે. પરંતુ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વના ગરીબ અને ઓછી આવકવાળા દેશોના કમજોર વર્ગના લોકો સુધી વૅક્સિન પહોંચાડવા માટે કૉવૅક્સ નામથી એક કાર્યક્રમ શરૂ કર્યું છે.

વૅક્સિનના ડોઝને પ્રમુખ કેન્દ્રોથી રસીકરણ કેન્દ્રો સુધી લઈ જવાય છે.

વૅક્સિનનું રસીકરણ કેન્દ્રો સુધી પહોંચવાની સફર દેખાડતું ચિત્રણ.

જ્યારે કોઈ વૅક્સિન, પોતાની નક્કી મંજિલવાળા દેશ પહોંચે છે, ત્યારે તરત તેનું વિતરણ કરવાના સ્થાને, એક ખાસ ઠેકાણે તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે.

ફાઇઝરની વૅક્સિનને સુરક્ષિત રાખવા માટે ખાસ પ્રકારનાં રેફ્રિજરેટરની જરૂર હોય છે. ઘણા દેશોએ આ રસીને રાખવા માટે વિશેષ ફ્રિઝર ફાર્મ બનાવ્યાં છે. આ એ ગોડાઉન છે, જ્યાં વૅક્સિનને સુરક્ષિત રાખવા માટે ઘણાં ડીપ ફ્રીઝર રાખવામાં આવ્યાં છે.

જ્યારે પરીક્ષણ કરનારા, બહારથી આવેલી વૅક્સિનની ખેપને ગ્રીન સિગ્નલ આપી દે છે, ત્યારે તેમને ઓછા તાપમાનવાળાં વિશેષ વાહનો દ્વારા હૉસ્પિટલો, ક્લિનિક અને અન્ય રસીકરણ કેન્દ્રો સુધી લઈ જવામાં આવે છે.

ઘણી વાર કેન્દ્રીય વૅક્સિન હબથી રસીને હૉસ્પિટલો અને કિલનિક સુધી લઈ જતાં પહેલાં ક્ષેત્રીય કેન્દ્રો પર લઈ જવાય છે.

દર્દીઓને વૅક્સિન, રસીકરણ કેન્દ્રોમાં આપવામાં આવે છે.

દર્દીઓને રસી મૂકવાની પ્રક્રિયાનું ઇલસ્ટ્રેશન.

રસીકરણ કેન્દ્રોના પ્રશિક્ષિત કર્મચારીઓને આ વૅક્સિનની નાની નાની ખેપ પહોંચતી કરવામાં આવે છે. આ કેન્દ્રોમાં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે દર્દીઓને મૂકવા માટે લાવવામાં આવેલી રસીને, યોગ્ય રીતે એટલે કે ઉચિત તાપમાન પર રાખવામાં આવે.

ફીઝ કરાયેલા ડોઝ દર્દીઓને અપાય એ પહેલાં તેમને સામાન્ય તાપમાન પર લાવીને પીગળાવવામાં આવે છે અને પાતળા કરવામાં આવે છે.

અસલ કામ ત્યારે શરૂ થાય છે, જ્યારે વૅક્સિનને સિરિંજમાં ભરીને દર્દીના ખભાના ભાગે મૂકવામાં આવે છે.

આપણા શરીરની અંદર ગયા બાદ આ વૅક્સિન, આપણી ઇમ્યૂન સિસ્ટમ કે રોગપ્રતિકારક વ્યવસ્થાને શરીરમાં ગમે ત્યાં હાજર નવા કોરોના વાઇરસથી લડવા માટે તૈયાર કરે છે. રસી એ આશામાં મૂકવામાં આવે છે કે તેને મુકાવનારા કોવિડ-19ની ભયંકર બીમારીનો ફરી વાર શિકાર ન થાય.

જેમને આ રસી મૂકવામાં આવી છે, તે કેટલા સમય સુધી આ વાઇરસથી સુરક્ષિત રહી શકે છે, એ તો આ વૅક્સિન લેનાર પર બારીકાઈથી નજર રાખવાથી જ ખબર પડે છે.