બટલા હાઉસ ઍન્કાઉન્ટર : મોહનચંદ શર્માના મૃત્યુ માટે આરિઝ ખાનને મોતની સજા

- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
વર્ષ 2008ના બટલા હાઉસ ઍન્કાઉન્ટર મામલે ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માના મૃત્યુ મામલે આરિઝ ખાનને મોતની સજા સંભળાવવામાં આવી છે.
તેમજ કોર્ટે તેમને 11 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ગત સોમવારે દિલ્હીની એક અદાલતે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની હત્યાના મામલામાં આરિઝ ખાન અને તેમના સાથીઓને દોષી ઠેરવ્યા હતા.
સપ્ટેમ્બર 2008માં દિલ્હીના બટલા હાઉસ વિસ્તારમાં દિલ્હી પોલીસ અને ચરમપંથી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા લોકો વચ્ચે ઍન્કાઉન્ટર થયું હતું.
આ ઍન્કાઉન્ટર દિલ્હીમાં થયેલા એક સિરિયલ બ્લાસ્ટના છ દિવસ પછી થયું હતું. આ ધમાકામાં 26 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ઍન્કાઉન્ટરમાં ઇન્સ્પેક્ટર શર્માનું મૃત્યુ થયું હતું જ્યારે તેમના બે સાથીઓ ઘાયલ થયા હતા.
આ દરમિયાન આરિઝ ખાન ફરાર થઈ ગયા હતા અને 10 વર્ષ પછી ફેબ્રુઆરી 2018માં નેપાળથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન એડિશનલ સેશન જજ સંદીપ યાદવે કહ્યું, "એ સાબિત થઈ ગયું છે કે ખાન અને તેમના સાથીઓએ હથિયારોથી ગોળીઓ ચલાવી, જેના કારણે ઇન્સ્પેક્ટર શર્માનું મૃત્યુ થયું. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2013માં આરિઝના સાથી શહઝાદ અહમદને બટલા હાઉસ ઍન્કાઉન્ટરમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી હતી.
તેમના બે અન્ય સાથી આતિફ અમીન અને મોહમ્મદ સાજિદ ઍન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયા હતા.
ત્યારે એક અન્ય સાથી મોહમ્મદ સૈફની ઘટનાસ્થળથી ધરપકડ કરવામાં આવી હતી.
તારીખ 19મી સપ્ટેમ્બર 2008ના થયેલા ઍન્કાઉન્ટરમાં કથિત રીતે 'ઇન્ડિયન મુજાહિદ્દીન'ના બે ઉગ્રવાદીઓના મૃત્યુ થયાં હતાં, જ્યારે એક દિલ્હી પોલીસ અધિકારીનું મૃત્યુ થયું હતું.

ફરી ચર્ચા કેમ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ગત મંગળવારની પત્રકારપરિષદમાં પ્રસાદે ઑક્ટોબર-2008માં તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મમતા બેનરજીએ આપેલાં નિવેદનને ટાંકતા કહ્યું હતું, "દિલ્હીમાં જામિયાનગર વિસ્તારમાં એક સભાને સંબોધતી વખતે મમતા બેનરજીએ કહ્યું હતું કે જો બટલા હાઉસ ઍન્કાઉન્ટર ખરું હોય તો તેઓ રાજકારણ છોડી દેશે. હવે જ્યારે કોર્ટનો ચુકાદો આવી ગયો છે. ત્યારે તેમનું શું કહેવું છે?"
પ્રસાદે આરોપ મૂક્યો હતો કે બટલા હાઉસ ઍન્કાઉન્ટરને સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પક્ષ, કૉંગ્રેસ, લેફ્ટ પાર્ટી તથા મમતાજીએ રાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો હતો.
દેશના પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે કહ્યું હતું કે તેઓ પહેલાંથી જ કહેતા હતા કે એ ઍન્કાઉન્ટર ખરું છે. લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે જો કોઈ નેતાએ વ્યક્તિગત રીતે નિવેદન કર્યું હોય તો તેના વિશે કશું કહેવાપણું નથી. ચિદમ્બરમે આ મુદ્દે સ્પષ્ટતા કરી દીધી છે.
'ધ પ્રિન્ટ'ના રિપોર્ટ મુજબ, સોમવારે દિલ્હીની સ્થાનિક કોર્ટે ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની હત્યાના કેસમાં આરોપી અરીઝ ખાનને દોષિત ઠેરવ્યા હતા.
એડિશનલ સેશન્સ જજ સંદીપ યાદવે નોંધ્યું હતું કે 'આરીઝ ખાન તથા તેમના સાથીઓના કારણે ગોળી લાગવાથી ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માનું મૃત્યુ થયું.

બટલા હાઉસના તાર ગુજરાત સુધી

વરિષ્ઠ પત્રકાર શિશિર ગુપ્તા તેમના પુસ્તક 'ઇન્ડિયન મુજાહિદ્દીન'માં સમગ્ર ઘટનાક્રમ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
જે મુજબ : તા. 20મી ઑગસ્ટ (2008) ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તથા કેન્દ્રીય એજન્સીઓને એક નંબર આપ્યો હતો, જેને છેક બીજી સપ્ટેમ્બરે સર્વેલન્સ ઉપર મૂકવામાં આવ્યો.
બીજી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર દરમિયાન આ નંબર ઉપર અનેક વખત કૉલ થયા હતા, જેની વાતચીતનો ભેદ અધિકરીઓ પામી શક્યા ન હતા. 13મી સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં કનૉટ પ્લેસ, પહાડગંજ, ગ્રેટર કૈલાશ તથા બારાખમ્ભામાં શ્રેણીબંધ બૉમ્બવિસ્ફોટ થયા હતા, જેમાં 30 લોકોનાં મૃત્યુ થયાં તથા 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
એ પછી ફરી એક વખત ગુજરાત પોલીસે આપેલા ફોન નંબર અને તેના ઉપર થયેલી ચર્ચાઓ ઉપર પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું. જેમાંથી બ્લાસ્ટના આયોજન અને હવાલાથી નાણાં મેળવવાની માહિતી બહાર આવી.
દિલ્હી પોલીસે કોર્ટમાં દાખલ કરેલા દસ્તાવેજને ટાંકતા ગુપ્તા લખે છે કે, તારીખ 18મી સપ્ટેમ્બરે કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓ પાસેથી અહેવાલ મળ્યા હતા કે આતિફ ઉર્ફ બશીરે 11 લોકો સાથે અમદાવાદની મુલાકાત લીધી હતી અને આઈ.ઈ.ડી. (ઇમ્પ્રૂવાઇઝ્ડ ઍક્સ્પ્લૉઝિવ ડિવાઇસ) વિસ્ફોટક તૈયાર કર્યા હતા.
અન્ય લોકો તા. 26મી જુલાઈએ 'રાજધાની એક્સપ્રેસ' દ્વારા 12 લોકો અમદાવાદથી દિલ્હી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એ જ દિવસે અમદાવાદમાં 70 મિનિટના ગાળામાં શ્રેણીબંધ બૉમ્બવિસ્ફોટ થયા હતા, જેમાં 55થી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.
વિસ્ફોટના અનેક સ્થળ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના મતવિસ્તાર હેઠળ આવતા હતા. ગુજરાત પોલીસે શંકાની સોઈ ઉગ્રવાદી સંગઠન 'ઇન્ડિયન મુજાહિદ્દીન' ઉપર તાકી હતી.
તા. 17મી સપ્ટેમ્બરે આઈ.એમ. સાથે સંકળાયેલા અબુ બશરે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર ટી. એસ. પટેલને નવી દિલ્હીમાં એક ઇમારત દેખાડી હતી, જેનું સરનામું હતું, ફ્લેટ નંબર-108, એલ-18 બટલા હાઉસ.

બટલા હાઉસ ઍન્કાઉન્ટર સમયે...

કર્નલસિંહ પોતાના પુસ્તકમાં લખે છે, તા. 18મી સપ્ટેમ્બરે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની નાનકડી ટુકડીએ બટલા હાઉસનું નિરીક્ષણ કર્યું હતું, જેથી કરીને વિસ્તાર વિશે ચોક્કસ માહિતી રહે.
રાત્રે લગભગ 12 લોકોને થઈ રહે તેટલું ભોજન ફ્લેટ નંબર-108માં મંગાવવામાં આવ્યું હતું, જેના કારણે પોલીસની શંકા પ્રબળ બની હતી. સ્પેશિયલ સેલના અધિકરીઓએ વાતે એકમત હતા કે ત્યાં લોકો રહે છે, તેઓ 'કામના' છે અને ત્યાં રેડ કરવી જોઈએ.
જોકે ટીમ સામે એ સવાલ હતો કે ક્યારે રેડ કરવી અને કઈ રીતે? કારણ કે તે સમયે મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલતો હતો, એટલે સાંજના સમયે કે રાત્રે કાર્યવાહી થઈ શકે તેમ ન હતી.
આથી સવારે જ તપાસ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું. પોલીસનું માનવું હતું કે તે સમયે સંદિગ્ધો ઘરે હશે અને આરામ કરી રહ્યા હશે. સ્પેશિયલ સેલે બે ટીમનું ગઠન કર્યું, જેમાંથી એક ટીમનું નેતૃત્વ દિલ્હી પોલીસના ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્મા કરી રહ્યા હતા, જેમને 'વૅરિફિકેશન'ની કામગીરી સોંપવામાં આવી હતી.
સ્ક્રિપ્ટ પ્રમાણે, સવારે 11 વાગ્યા આજુબાજુ દિલ્હી પોલીસનો એક કર્મચારી ટેલિકૉમ કંપનીના માણસ તરીકે ત્યાં જઈ અને કસ્ટમર વૅરિફિકેશનના આધારે અંદરની સ્થિતિનો સરવે કરે. બીજી ટીમનું નેતૃત્વ એ સમયના એ.સી.પી. (આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ) સંજીવકુમાર યાદવ કરી રહ્યા હતા.
શર્માએ તેમની ટીમના માત્ર એક કર્મચારીને પોલીસ યુનિફૉર્મ પહેરવાની અને બાકીના સભ્યોને સાદાવેશમાં રહેવા તાકીદ કરી હતી, જેથી કરીને કંઈ ન મળે અને પરત ફરવાનું થાય તો ખાસ કોઈ હિલચાલ વગર કામગીરીને અંજામ આપી શકાય.
જો તેઓ સાદા કપડાં ઉપર બુલેટપ્રૂફ જૅકેટ પહેરે તો તેમની હાજરી છતી થઈ જાય તેમ હતી. જેના પરિણામો પણ જોવાં મળ્યાં. આ ટીમે કપડાંમાં છુપાવી શકાય તેવા નાનાં હથિયાર પોતાની સાથે રાખ્યાં હતાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બીજી ટીમ ખલિલુલ્લાહ મસ્જિદ પાસે હતી. તેઓ બુલેટપ્રૂફ જૅકેટ તથા એકે-47 જેવાં હથિયારોથી સજ્જ હતા.
યાદવે એ દિવસના ઘટનાક્રમ અંગે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "વૅરિફિકેશન માટે મોહન મોકલવામાં આવી હતી. થોડા સમય પછી અમને માહિતી મળી કે ત્યાં ગોળીબાર થયો છે અને ઇન્સ્પેક્ટર શર્મા તથા અન્ય એક હેડ-કૉન્સ્ટેબલને ગોળી વાગી છે, તથા એક આતંકવાદી જમીન ઉપર ઘાયલ અવસ્થામાં પડ્યો છે."
"આ માહિતી મળતા અમારી ટીમ ત્યાં ધસી ગઈ હતી. એક બંધ રૂમમાં બે હથિયારબંધ આતંકવાદી હતા. અમે તેમને સરેન્ડર કરવા માટે કહ્યું. પરંતુ અંદરથી ગોળીબાર થયો, જેથી અમારી ટીમે સ્વબચાવમાં ગોળીબાર કર્યો, જેમાં એક હેડ કૉન્સ્ટેબલના બુલેટપ્રૂફ જૅકેટ ઉપર ગોળીઓ લાગી, જેમાં એક ટૅરરિસ્ટ ઘાયલ થયો, જેને અમે હૉસ્પિટલમાં શિફ્ટ કરી દીધો."
સમગ્ર ઘટનાક્રમ ઉપર વર્ષ 2019માં બનેલી ફિલ્મ 'બટલા હાઉસ'માં જોન અબ્રાહમે એ.સી.પી. યાદવની જ્યારે રવિકિશને ઇન્સ્પેક્ટર શર્માની ભૂમિકા ભજવી હતી.
પોતાના પુસ્તકમાં કર્નલસિંહ લખે છેકે 'મારી ઉપર સંજીવનો ફોન આવ્યો, જેમાં તેમણે શર્મા તથા અન્ય એક હેડ કૉન્સ્ટેબલને ગોળી લાગી હોવાથી તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની વાત કહી હતી. તેમણે અંદર એક આતંકવાદી ઘાયલ અવસ્થામાં પડ્યો હોવાનું પણ જણાવ્યું હતું.'
યાદવને સંદિગ્ધોને ઘેરી રાખવાની સૂચના આપીને કર્નલસિંહ પોતે અને સ્પેશિયલ સેલના ડી.સી.પી. (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) આલોકસિંહ ઘટનાસ્થળે ધસી ગયા.
સમગ્ર ઘટનાક્રમ ચાર-પાંચ મિનિટમાં પતી ગયો, પરંતુ તે પછી ઘણું બધું થયું અને દિવસો સુધી આ ઘટનાક્રમ મીડિયામાં છવાયેલો રહ્યો અને રાજકારણમાં આજે પણ સમયાંતરે તેની ગૂંજ સાંભળવા મળે છે.

બટલા હાઉસ પછી....
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કર્નલસિંહ પોતાના પુસ્તકમાં લખે છે ઍન્કાઉન્ટર બાદ બટલા હાઉસની મુલાકાત મારી કૅરિયરના તણાવગ્રસ્ત સમયમાંથી એક હતો. બટલા હાઉસની ગલીઓમાં દિલ્હી પોલીસ પ્રત્યેનો આક્રોશ જોઈ શકતો હતો.
બટલા હાઉસ ઍન્કાઉન્ટરમાં ઘાયલ પોલીસ ઇન્સ્પેક્ટર શર્માએ અમુક કલાકો સુધી જિંદગી માટે જંગ લડી અને સાંજે તેમનું અવસાન થયું. કૉન્સ્ટેબલ બલવંત બચી ગયા હતા.
ઘટનાસ્થળ પાસે રહેતા નિયાઝ ફારુખીએ સમગ્ર ઘટનાક્રમ વિશે ' An Ordinary Man's Guide to Radicalism: Growing up Muslim in India' નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે સમગ્ર ઘટનાક્રમની તેમના જીવન ઉપર શું અસર થઈ, તેના વિશે લખ્યું છે.
જેમાં (પૃષ્ઠક્રમાંક 95-107) તેઓ લખે છે, "સાંજે ઇન્સ્પેક્ટર શર્માના મૃત્યુ અંગેના સમાચાર મીડિયામાં વહેતા થયા, જેના કારણે જામિયાનગરમાં તણાવ ફેલાઈ ગયો. મસ્જિદોમાં નમાઝની સાથે પવિત્ર મહિનામાં લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી."
ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી સાથે હતો. ઍન્કાઉન્ટરના પાંચમા દિવસે ઉત્તેજિત વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તત્કાલીન વાઇસ ચાન્સેલર મુસિરુલ હસને કહ્યું, 'આ લડાઈમાં હું તમારી સાથે છું, પરંતુ તમે ઉશ્કેરાટમાં કોઈ કામ ન કરશો. અત્યારે તમે ઈદ માટે ઘરે જાઓ.' (પૃષ્ઠક્રમાંક 238).
પોતાના પુસ્તકમાં કર્નલસિંહ લખે છે કે 'તા. છઠ્ઠી ઑક્ટોરબરે હું તથા આલોકસિંહ જામિયા મિલિયા યુનિવર્સિટી ગયા અને વાઇસ-ચાન્સેલર હસનને મળ્યા. એલ-108માં ચાલતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી તથા ત્યાં રહેનારાઓના મોબાઇલ-લેપટૉપમાંથી મળેલી સામગ્રી વિશે જાણ કરી. ત્યારબાદ તેમણે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે કોઈ ટિપ્પણી ન કરી.'
જામિયા યુનિવર્સિટીના પ્રૉફેસર, વિદ્યાર્થીઓ તથા સ્થાનિકો દ્વારા બટલા હાઉસ મુદ્દે 'જનસુનાવણી'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શુક્રવારે મૃત્યુ પામેલ સ્વામી અગ્નિવેશ, રાજકીય કાર્યકર જોન દયાલ સહિત માનવાધિકાર કાર્યકર્તઓ સામેલ થયા હતા.
આરોપીઓના વાલીઓ, પ્રત્યક્ષદર્શીઓ તથા સ્થાનિકોના નિવેદનને આધારે ઍન્કાઉન્ટર ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા. તૃણમૂલ કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી, કૉગ્રેસના નેતા દિગ્વિજયસિંહે પણ આવા જ સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે ભાજપના નેતાઓએ દિલ્હી પોલીસના સમર્થનમાં નિવેદન કર્યાં.
કૉંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના કહેવા પ્રમાણે, જ્યારે કૉંગ્રેસનાં તત્કાલીન અધ્યક્ષા સોનિયા ગાંધીને ઍન્કાઉન્ટરની તસવીરો દેખાડવામાં આવી તો તેઓ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યાં અને વધુ તસવીરો ન દેખાડવા તથા વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહનો સંપર્ક સાધવા માટે કહેવામાં આવ્યુ.
જોકે, તત્કાલીન ગૃહમંત્રી પી. ચિદમ્બરમે દિલ્હી પોલીસનું ઍન્કાઉન્ટર ખરું હોવાનું જણાવ્યું અને સાર્વજનિક મંચ ઉપર આ વાત કહેતા રહ્યા.
ડિસેમ્બરમાં દિલ્હી વિધાનસભા તથા 2009માં લોકસભા ચૂંટણી યોજાવાની હતી, એટલે તેમાં રાજકીય રંગ ભળવો પણ સ્વાભાવિક હતો.
ત્યારબાદ દિલ્હીના તત્કાલીન લેફટટન્ટ ગવર્નર તેજિન્દર ખન્નાના નિવાસસ્થાને તત્કાલીન કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલ તથા દિલ્હી પોલીસની મુલાકાતનો તખતો ગોઠવાયો, જેમાં કર્નલસિંહ તથા અન્ય અધિકારીઓએ ઍન્કાઉન્ટર સંબંધિત તથ્યો રજૂ કર્યાં.
એ મુલાકાત વિશે કર્નલસિંહ લખે છે, "સિબ્બલને ખાતરી થઈ હતી કે ઍન્કાઉન્ટર બનાવટી ન હતું. બાદમાં સાંજે સિબ્બલે તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની સાથે મુલાકાત કરીને વાત કરી. તેમણે સિંહનો નંબર લીધો તથા સાંજે કૉલ કરીને જે વાત થઈ તે વિશે જણાવ્યું."
સિંહના કહેવા પ્રમાણે, 'બાદમાં 2009માં એક કાર્યક્રમમાં એલ.જી.એ વડા પ્રધાન ડૉ. સિંઘ સાથે મારી ઓળખાણ કરાવી, ત્યારે તેમણે મને કહ્યું 'તમે સારું કામ કર્યું છે.'

મીડિયા, માનસ અને માણસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
"મીડિયા ટ્રાયલને કારણે તપાસ તથા જે લોકોની તપાસ ચાલી રહી હોય, તેના વિશે લોકોના મનમાં એક છાપ ઊભી કરે છે. કેસમાં મીડિયાને રસ હોય, તેના કરતાં વધુ સમય સુધી પોલીસ તપાસ ખેંચાઈ જતી હોય છે. એટલે તપાસ બાદ જે કંઈ બહાર આવે, પરંતુ લોકો એ વાત જ માને છે, જે મીડિયાએ તેમને કહી છે."
આ માન્યતા જામિયાનગર વિસ્તારમાં 'બટલા હાઉસ' ઍન્કાઉન્ટર સમયે દિલ્હી પોલીસના જૉઇન્ટ કમિશનર કર્નલસિંહની છે.
"જામિયાનગરના લોકોને પોલીસ ઉપર ભરોસો નથી અને પોલીસ પણ તેમનો વિશ્વાસ નથી કરતી. પોલીસે (બટલા હાઉસ ઍન્કાઉન્ટર) મુદ્દે વિગતો તથા નિવેદન વારંવાર ફેરવી તોળ્યા હતા. મીડિયાએ દરેક વખતે નિષ્ઠાપૂર્વક સંદેશ વહેતા કર્યા હતા અને ખાસ કોઈ સવાલ ઊભા કર્યા ન હતા."
આ માનવું છે કે નિયાઝ ફારુખીનું, જેઓ 'બટલા હાઉસ ઍન્કાઉન્ટર' સમયે ઘટનાસ્થળથી 200 મીટર દૂર રહેતા હતા.
કર્નલસિંહે સમગ્ર ઘટનાક્રમ ઉપર BATLA HOUSE: An Encounter That Shook the Nation 'બટલા હાઉસ : એ ઍન્કાઉન્ટર જેણે દેશને હચમચાવી નાખ્યો'ના નામથી પુસ્તક લખ્યું છે.

કાયદો, કલહ અને કામગીરી

કર્નલસિંહ પોતાના પુસ્તકમાં લખે છે, 'જનસુનાવણીમાં ભાગ લેનાર કોઈ પણ વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સૌગંદનામા ઉપર કોઈ નિવેદન ન આપ્યું, કારણ કે તેમની પાસે આ અંગે પ્રત્યક્ષ માહિતી ન હતી.'
રાષ્ટ્રીય માનવાધિકાર પંચે દિલ્હી હાઈકોર્ટના નિર્દેશના આધારે બે મહિનામાં તપાસ પૂર્ણ કરી અને દિલ્હી પોલીસને ક્લિનચીટ આપી.
'ઍક્ટ નાઉ ફૉર હાર્મની ઍન્ડ ડેમૉક્રૅસી' નામની સ્વૈચ્છિક સંસ્થાએ ન્યાયિક તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, જે ફગાવી દેવામાં આવી.
તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ કે. જી. બાલાકૃષ્ણનના નેતૃત્વવાળી બેન્ચે કહ્યું, "હજારો પોલીસવાળા માર્યા જાય છે. તેનાથી પોલીસના મનોબળ ઉપર અસર પડશે." જ્યારે ઍડવૉકેટ પ્રશાંત ભૂષણે કોર્ટ સમક્ષ દલીલ આપતા કહ્યું કે બટલા હાઉસ ઍન્કાઉન્ટરને કારણે એક મોટા સમુદાય ઉપર તેની અસર પડી છે.
ત્યારે તત્કાલીન ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણને અપ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું, "આપે ચોક્કસ સમાજ વિશે વાત ન કરવી જોઈએ."
શર્માને શાંતિ સમયનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'અશોકચક્ર' એનાયત થયો. યાદવ સહિત ઍન્કાઉન્ટર ટીમના અન્ય કેટલાક સભ્યોને 'રાષ્ટ્રપતિ પુરસ્કાર' એનાયત થયા.

સિંહ, ગુજરાત અને બીજું ઍન્કાઉન્ટર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
દિલ્હીની સ્થાનિક કોર્ટે સજ્જાદ અહમદ નામના આરોપીને ઇન્સ્પેક્ટર મોહનંચંદની હત્યાના કેસમાં (દિલ્હી બ્લાસ્ટ કેસમાં નહીં) આજીવનકેદની સજા ફટકારી.
પોતાના પુસ્તકમાં કર્નલસિંહ લખે છે કે ગુજરાત પોલીસે આપેલા ફોન નંબરને કારણે જયપુર (13 મે, 2008), અમદાવાદ તથા દિલ્હીના બ્લાસ્ટને ઉકેલવામાં મદદ મળી હતી.
ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ ઉપર ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. 1984 બેચના દિલ્હી કૅડરના આઈ.પી.એસ. (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઓફિસર કર્નલસિંહને ટીમના વડા નીમવામાં આવ્યા.
જોકે, બાદમાં તેમની મિઝોરમ બદલી થઈ અને તેઓ તપાસમાંથી હઠી ગયા. ગુજરાત પોલીસનો દાવો છે કે ઇશરત જહાં તથા તેના ત્રણ સાથી 2004માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવ્યાં હતાં, ત્યારે તેમની સાથે અથડામણ થઈ, જેમાં ચારેયનાં મૃત્યુ થયાં હતાં.
આજે આ કેસના મોટા ભાગના આરોપીઓ બહાર છે અને કેસ કાયદાકીય પ્રક્રિયા હેઠળ ચાલી રહ્યો છે.
2014માં કેન્દ્રમાં નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સની સરકાર બની અને મોદી દેશના વડા પ્રધાન બન્યા. ત્યારબાદ 'દિલ્હી કૉલેજ ઑફ એન્જિનિયરિંગ' તથા 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી, કાનપુર'માંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા કર્નેલસિંહને ઍન્ફૉર્સમૅન્ટ ડાયરેક્ટ્રેટના વડા બનાવ્યા. 34 વર્ષની સેવા બાદ તેઓ નિવૃત થયા.
તેમના કૅરિયરમાં 'બટલા હાઉસ' એક પ્રકરણ બની રહ્યું, પરંતુ જામિયાનગરના લોકો માટે તે જીવનનો ભાગ છે. ફારુખી પોતાના પુસ્તકમાં (પૃષ્ઠક્રમાંક 292-293)માં લખે છે :
'અગાઉ અમે અમારી ઓળખ અંગે આટલા સજાગ ન હતા. હવે અમે પરસ્પર 'બાંગ્લાદેશી' કે 'ઓસામા' જેવા જૉક નથી કરતા. એક નિર્દોષ જૉકને કારણે કોઈકની જિંદગી ગણતરીની મિનિટોમાં બદલાઈ શકે છે. અને કોઈનામાં તેને નકારવાની તાકત નહીં હોય.
'અમે ઍન્કાઉન્ટર મુદ્દે જાહેરમાં ચર્ચા નથી કરતા. સમયસર ઘરે પહોંચી જઈએ છીએ અને ઘરમાં બંધ થઈ જઈએ છીએ. મહદંશે આ જ દિનચર્યા જળવાઈ રહે છે.'


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













