સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાસ અને કૉંગ્રેસના મતભેદનો ભાજપ ફાયદો ઉઠાવશે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં 21 ફેબ્રુઆરીએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકાની બેઠકો પર ચૂંટણી યોજાશે. મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારીપત્રકો પણ ભરાઈ ગયાં છે.
સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે ભાજપ, આપ, કૉંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. જોકે શહેરના પાટીદાર વિસ્તારોમાં કૉંગ્રેસ પક્ષને પ્રચાર કરવામાં મુશ્કેલી થાય તેવા સંજોગો ઊભા થયા છે.
તેની પાછળનું કારણ છે, પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને કૉંગ્રેસ વચ્ચેનો વિખવાદ.

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images
પાસ દ્વારા જાહેરાત કરાઈ છે કે તેઓ કોઈ પણ કૉંગ્રેસના નેતાને પાટીદાર વિસ્તારમાં પ્રચાર અથવા જાહેરસભા નહીં કરવા દે, પાસની જાહેરાત બાદ કૉંગ્રેસ કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે.
કૉંગ્રેસ દ્વારા પાસના નેતાઓને મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પણ તેમાં કોઈ સફળતા મળી નથી.
સોમવારે કૉંગ્રેસ અને પાસના નેતાઓ વચ્ચે એક બેઠક પણ થઈ હતી પણ તેમાં કોઈ નિવેડો આવ્યો નહોતો.
સુરતના વરાછા, કતારગામ, પૂણા, સિમાડા, વેડરોડ, સિંગણપોર, કાપોદ્રા, સરથાણા, મોટા વરાછા, અમરોલી જેવા વિસ્તારોમાં પાટીદાર મતદારો મોટી સંખ્યામાં છે.

પાસ કેમ નારાજ છે?

ઇમેજ સ્રોત, ALPESH KATHIRIA FACEBOOK
2021ની ચૂંટણી માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)એ કૉંગ્રેસ પક્ષે પાસે ત્રણ બેઠકની માગ કરી હતી. પાસે વૉર્ડ નંબર 16માં કાઉન્સિલર વિજય પાનસુરિયા માટે, વૉર્ડ નંબર 17માં વિલાસબહેન ધોરાજિયા માટે અને વૉર્ડ નંબર 3માં પાસના નેતા ધાર્મિક માલવિયા માટે ટિકિટ માગી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથેની વાતચીતમાં પાસ નેતા ધાર્મિક માલવિયા કહે છે, "કૉંગ્રેસે અમારી માગણી ન સ્વીકારી અને માત્ર મને ટિકિટ આપવાની વાત કરી. છેલ્લે સુધી અમને કહેવામાં આવ્યું કે ટિકિટ મળશે અને ઉમેદવારીપત્રક ભરવાના સમયે બીજા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું."
"અમે માત્ર ત્રણ બેઠકો માગી હતી અને આ બેઠકોમાં કોઈ જાતીય સમીકરણો પણ નથી પણ પક્ષે અમારી સાથે દગો કર્યો છે."
કૉંગ્રેસના વલણથી ધાર્મિક માલવિયા એટલા નારાજ થયા કે ટિકિટ મળવા છતાં ઉમેદવારીપત્રક ભર્યું નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેઓ વધુમાં જણાવે છે, "અમારી માગણી કેમ સ્વીકારવામાં ન આવી તે માટે કૉંગ્રેસ તરફથી કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. કૉંગ્રેસના આંતરિક રાજકરણના કારણે ટિકિટ આપવામાં આવી નથી."
"કૉંગ્રેસના વલણથી સ્પષ્ટ થાય છે કે પક્ષ સમાજના યુવાનોની ઉપેક્ષા કરી રહ્યો છે, જે ચલાવી નહીં લેવાય."
કૉંગ્રેસ પક્ષના વલણથી પાસના હોદ્દેદારો એટલા નારાજ થયા છે તેમને નક્કી કર્યું છે કે તેઓ હવે કૉંગ્રેસના ઉમેદવારોને પાટીદાર વિસ્તારોમાં પ્રચાર નહીં કરવા દે.
ધાર્મિક માલવિયા કહે છે, "જો કૉંગ્રેસ પાર્ટી પાટીદાર સમાજ અને આંદોલનનું મહત્ત્વ ન સમજી શકે તો અમારી તાકાત બતાવવાનો સમય આવી ગયો છે. પાટીદાર યુવાનોએ હવે નક્કી કર્યું છે કે તેઓ કૉંગ્રેસનો વિરોધ કરશે."

શું કૉંગ્રેસને ફટકો પડશે?

ઇમેજ સ્રોત, FACEBOOK/HARDIK PATEL
2015માં યોજાયલી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કૉંગ્રેસને 36 બેઠક મળી હતી, જેમાં પાટીદાર વિસ્તારોમાંથી 23 બેઠક મળી હતી.
આ બેઠકો જીતવામાં પાસનો મહત્ત્વનો ફાળો હોવાનું મનાય છે. હવે જ્યારે પાસ દ્વારા કૉંગ્રેસને સમર્થન આપવાની ના પાડી દેવાઈ છે ત્યારે શું ચૂંટણીમાં પક્ષને ફટકો પડી શકે?
રાજકીય વિશ્લેષક નરેશ વરિયા કહે છે, "વૉર્ડ નંબર 3માં કૉંગ્રેસની પેનલ નહીં આવે કારણકે ધાર્મિક માલવિયા બાદ પક્ષના બીજા બે ઉમેદવારોએ પણ ફૉર્મ પાછું ખેંચી લીધું છે. એટલે દેખીતી રીતે ભાજપને ફાયદો થઈ રહ્યો છે. આવી જ હાલત વૉર્ડ નંબર 2માં હશે કારણકે આ વૉર્ડના મતદારો પર પાસ સારો પ્રભુત્વ ધરાવે છે."
"વૉર્ડ નંબર 16 અને 17માં પણ કૉંગ્રેસને ફટકો પડી શકે છે. જો પાસ અને કૉંગ્રેસ સાથે ન હોય તો ભાજપને લાભ થઈ શકે છે. જો ધાર્મિક માલવિયા કૉંગ્રેસના ઉમેદવાર રહ્યા હોત તો પક્ષને પાટીદાર વિસ્તારોમાં જરૂર લાભ થયો હોત."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તેઓ વધુમાં જણાવે છે, "2015ની ચૂંટણીમાં સરકારવિરોધી મત પડ્યા હતા અને એટલા માટે કૉંગ્રેસની બેઠકો વધી હતી. આ ચૂંટણીમાં એવી સફળતા મેળવવી એમ પણ અઘરી હતી અને હવે પાસ પણ વિરોધ માટે ઊતરી જતાં કૉંગ્રેસ માટે કપરા ચઢાણ છે."
પત્રકાર વિનીત શર્મા કહે છે, "કૉંગ્રેસ પક્ષને પાટીદાર વિસ્તારોમાં બહુ નુકસાન થઈ શકે છે અને આ પરિસ્થિતિ માટે કૉંગ્રેસના નેતાઓ જવાબદાર છે. પાસ દ્વારા કરાયેલી જાહેરાતથી કૉંગ્રેસને નુકસાન થશે, એમાં કોઈ બેમત નથી."
તેઓ જણાવે છે કે આમ આદમી પાર્ટીની પણ પાટીદાર વિસ્તારમાં સારી પકડ છે. ભાજપ બાદ હવે કૉંગ્રેસથી નારાજ થયેલા મતદારો આપને મત આપી શકે છે. જો આવું થાય તો કૉંગ્રેસને જ નુકસાન થશે કારણકે આ બેઠકો પહેલાં તેમની પાસે હતી.

ભાજપને ફાયદો થશે?

ઇમેજ સ્રોત, FACEBOOK/C R PAATIL
એવું ચર્ચાઈ રહ્યું છે કે પાસ અને કૉંગ્રેસ વચ્ચેના વિખવાદનો ફાયદો ભાજપને પણ થઈ શકે છે.
નરેશ વરિયા માને છે કે પાટીદાર આંદોલન હવે નબળું પડી જતાં ભાજપને ફાયદો થશે.
તેઓ કહે છે, "2015ની ચૂંટણીમાં પાટીદાર આંદોલન ટોચ પર હતું અને એટલા માટે ચૂંટણીમાં પાસની સારી અસર થઈ હતી. પણ હવે એવો જુવાળ નથી અને એટલા માટે ભાજપને ચૂંટણીમાં લાભ થઈ શકે છે. બીજું કે ભાજપ રામમંદિરથી લઈને બીજા એવા મુદ્દા પણ ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરશે, જેના કારણે તેને લાભ થશે."
પાસ પણ સ્વીકારે છે કે ભાજપ આનો લાભ થઈ શકે છે.
ધાર્મિક માલવિયા કહે છે, "2015માં ભાજપે જે પ્રકારે દમન ગુજાર્યો અને પાટીદાર સમાજમાં રોષ હતો, તેનો લાભ ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષને થયો હતો. હવે જ્યારે કૉંગ્રેસ પક્ષ સાથે અમારા મતભેદ થયા છે, ત્યારે આ ચૂંટણીમાં ભાજપને લાભ થશે પણ અમારો પ્રયાસ રહેશે કે તેઓ બહુ લાભ ન લઈ શકે."

શું પાસ આપને સમર્થન આપશો?

ધાર્મિક માલવિયા કહે છે, "કૉંગ્રેસ અને ભાજપે જ્યારે પાટીદાર સમાજની અવગણના કરી છે, ત્યારે આમ આદમી પાર્ટીને લાભ થઈ શકે છે. પણ કઈ રીતે લાભ લેવો એ આપ પર નિર્ભર છે. અમે કોઈ પક્ષ માટે ટેકો જાહેર નહીં કરીએ."
સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા કહે છે, "ભાજપ પોતાના કાર્યકર્તાઓની મહેનત અને સંગઠનની શક્તિ દ્વારા ચૂંટણીમાં જીત મેળવશે અને પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારમાં પણ સીટો મેળવશે. અમે વિકાસના મુદ્દાના લઈને ચૂંટણી લડીશું."
"2015માં પાટીદાર વિસ્તારોમાં કૉંગ્રેસ પક્ષને જે બેઠકો મળી હતી, તે તમામ બેઠકો આ ચૂંટણીમાં અમે જીતવાનો પ્રયાસ કરીશું."

પાસ મોટું મન રાખે : કૉંગ્રેસ
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી કહે છે, "કોઈ પણ પક્ષ માટે કોઈ પણ સમાજને નારાજ કરવાનું ન પોસાય. વિગતોનાં આદાન-પ્રદાનમાં ક્યાંક થોડી ગેરસમજ થઈ છે તે દૂર કરવા માટે કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ પ્રયાસ કર્યા છે. તેમને પાસના નેતાઓ સાથે વાત કરી છે."
"આ માટે અમે પ્રયત્નો કર્યો છે. પાસ મોટું મન રાખે અને સાથે મળીને કામ કરે. કૉંગ્રેસ પણ મોટું મન રાખશે."
"આગામી દિવસોમાં ગેરસમજ દૂર થાય તે માટેના પ્રયાસો કરીશું. 25 વર્ષથી સુરતની જનતાને ભાજપના ભ્રષ્ટ શાસનને મુક્ત કરાવવાનો અમારો અભિગમ છે. પાસ અને કૉંગ્રેસ બંને આ માટે કામ કરી રહ્યાં છે અને કરતાં રહેશે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













