ગુજરાત સ્થાનિકસ્વરાજ ચૂંટણી : ભાજપ છાપ સુધારવા ટિકિટ મામલે ‘નો-રિપીટ’ નીતિ લાવ્યો છે?

સી. આર. પાટીલ

ઇમેજ સ્રોત, FACEBOOK/C R PAATIL

ઇમેજ કૅપ્શન, સી. આર. પાટીલ
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગુજરાતના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કૉંગ્રેસમાં આગામી ચૂંટણીમાં નસીબ અજમાવવા માટે ટિકિટ મેળવવા માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.

ટિકિટ મેળવવા માટે ભલામણોના વરસાદ અને ગળાકાપ હરિફાઈ વચ્ચે ગુજરાત ભાજપ દ્વારા આગામી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ ટર્મથી પક્ષની ટિકિટ મેળવીને ચૂંટાઈ આવતા, 60- વર્ષથી વધુ વયના અને ચૂંટાયેલા પ્રતિનિધિનાં સગાંને ટિકિટ ન ફાળવવાની નીતિ અપનાવાઈ છે.

ગુજરાત ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમોએ ગુજરાતના રાજકીય પ્રવાહોમાં નવી ચર્ચા જગાવી છે. ભાજપ દ્વારા લેવાયેલા આ પગલાનાં સંભવિત કારણો વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક રાજકીય વિશ્લેષકો અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે વાત કરી.

line

શા માટે ભાજપે લીધો આવો નિર્ણય?

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

રાજકીય પંડિતોના મતે આ નીતિ ઘડવા પાછળનું મુખ્ય કારણ ભાજપ પોતાની જૂની છાપને ફરી ઉપસાવવા માગે છે એ છે.

જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે 1995માં ભાજપ પહેલીવાર સત્તા પર આવ્યો ત્યારે તેણે એવી છાપ ઊભી કરી હતી કે તે કૉંગ્રેસથી અલગ છે. અહીં વંશવાદ નથી, ભ્ર્ષ્ટાચાર નથી, નવા વિચારોને અવકાશ છે, પરંતુ સમય જતા આ બદલાઈ ગયું છે.

ઘનશ્યામ શાહ કહે છે, "ભાજપ કૉંગ્રેસમુક્ત થવાને બદલે કૉંગ્રેસમય થવા લાગ્યો છે. ત્યારે આ મિનિ વિધાનસભા જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છાપ બદલવી જરૂરી છે."

"એટલે જ ભાજપે ત્રણ ટર્મથી વધારે ચૂંટણી લડેલા લોકોને ટિકિટ નહીં અપાય અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે."

ઘનશ્યામ શાહ એવું પણ કહે છે કે વિધાનસભામાં 99 પર અટક્યા પછી ત્રણ વર્ષમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોની સંખ્યા વધારે છે. આ સંજોગોમાં પાર્ટીનું પ્રમુખપદ સાંભળ્યા પછી સી. આર. પાટીલ બોલ્યા હતા કે નવા કૉંગ્રેસી નહીં આવે, પણ કૉંગ્રેસ તોડવાનો સિલસિલો ચાલુ જ રહ્યો. આ સંજોગોમાં એમનો આ નિર્ણય કેટલો અસરકારક રહેશે એ એક સવાલ છે.

line

'ભાજપ પણ વંશવાદમાં માને છે'

ચતુષ્કોણીય જંગ

ઇમેજ સ્રોત, Getty Images/AFP

રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ ભાજપમાં રહેલા વંશવાદનાં મૂળ તરફ આંગળી ચીંધતાં ઉમેરે છે, "ભાજપ કૉંગ્રેસની ટીકા કરે છે પણ વંશવાદમાં એ પણ માને જ છે. ગુજરાત પૂરતી વાત કરીએ તો ગુજરાતના હિતુ કનોડિયા, ભૂષણ ભટ્ટથી માંડીને ઘણા એવા ધારાસભ્યો છે કે જેઓ દીકરાઓને બાપનો વારસો મળ્યો હોવાના પુરાવા છે."

પક્ષમાં વંશવાદને જાકારો આપવામાં ભાજપ સફળ રહેશે કે નિષ્ફળ સાબિત થશે, આ મુદ્દે વાત કરતાં તેઓ કહે છે કે, "ભાજપ આ નીતિમાં સફળ નહીં રહે અને જો આનો કડકાઈથી અમલ કરવા જશે તો વિપરીત સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના વધુ છે. કારણ કે એક વિધાનસભા બેઠકના વિસ્તારમાં આવતા કૉર્પોરેટર અને જિલ્લા-તાલુકાના પ્રમુખો વિધાનસભાની જીત ના પાયા ગણાય છે. અને જો આ નિયમ આવે તો વિધાનસભામાં પણ જીતવું અઘરું પડે. કારણ કે જૂના લોકો નિષ્ક્રિય થઈ જાય તો ભાજપને નુકસાન થઈ શકે છે."

line

'ભાજપે ઓળખ ગુમાવી, અપનાવી વહલાંદવલાંની નીતિ'

વીડિયો કૅપ્શન, ભાજપમાં સગાવાદ ચાલે છે? શું કહે છે પીએમ મોદીના ભાઈ પ્રહ્લાદ મોદી

ઘનશયામ શાહની વાતને સમર્થન આપતાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપને બેઠો કરવામાં જેમનો મોટો ફાળો રહ્યો છે એવા શંકરસિંહ વાઘેલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ભાજપની એક અલગ ઓળખ હતી જે તેણે પોતાની વહાલાંદવલાંની નીતિમાં ગુમાવી દીધી છે.

તેઓ કહે છે, "ભાજપ પોતાના સ્કોર સેટલ કરવા માટે આ નિર્ણય લઈ રહ્યો છે પણ એ ભારે પડશે. કારણ કે વિધાનસભા કે લોકસભાની બેઠક જીતવી હોય તો એ કૉર્પોરેટર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોના સંબંધોના આધારે જિતાય છે. નવાનિશાળિયાને આધારે ના જિતાય."

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "ચૂંટણી જીતવા માટે જમીનથી જોડાયેલા કાર્યકરોની જરૂર પડે છે એટલે એમણે કૉંગ્રેસના મજબૂત લોકોને પાર્ટી માં લેવાનું શરૂ કર્યું હતું . રહી વાત વંશવાદની તો ભાજપ માં વંશવાદ ક્યાં નથી ? હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકી , નરેશ કનોડિયાના દીકરા હિતુ કનોડિયાને ટિકિટ આપવી , વિઠ્ઠલ રાદડિયા અને એમના દીકરા જયેશ રાદડિયાને ટિકિટ આપવી કે અશોક ભટ્ટ ના દીકરા ભૂષણ ભટ્ટ ને રાજકારણમાં ટિકિટ આપવી એ વંશવાદ નથી તો શું છે ?"

"જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપે આ જ કર્યું છે. પણ પોતાના અંગત માણસોને ગોઠવી ભાજપમાં મજબૂત સ્થાન ધરાવતા લોકોની પાંખો કાપવા માટે આ પગલું ભરાઈ રહ્યું છે. એટલે નવા કૉર્પોરેટર અને નવા જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો હોય તો સિનિયર ધારાસભ્યો ની પાંખો કપાઈ જાય, કારણકે એમની જીતનો મદાર એમના પર જ રહેલો છે. આપોઆપ એમના પર કાબૂ મેળવી શકાય , એટલે આ પગલું ભર્યું છે."

સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષ કરતાં વધુ ઉંમરના લોકોને તેમજ ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતાં લોકોને ઉમેદવાર ન બનાવવાની ભાજપની જાહેરાતને તેઓ સમજી-વિચારીને ઘડાયેલું

કાવતરું ગણાવે છે. તેઓ કહે છે કે, "ત્રણ ટર્મવાળી શરતની વાત કરીએ તો સિનિયર લોકો ના હોય તો પાર્ટીમાં મનફાવે તે કરી શકાય એટલે આ જાહેરાત કરી છે. 60 વર્ષથી ઉપરનો માણસ રાજકારણમાં નહોય તો પહેલા એમને એ જોવું જોઈએ કે ખુદની ઉંમર કેટલી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉંમર કેટલી છે . આ સીધું નિશાન રાજકોટ અને મહેસાણા ઉપર છે, કારણ કે આ નિર્ણયથી વિજય રૂપાણીના રાજકોટમાં અસંતોષ વધશે અને માનેસનામાં નીતિન પટેલના ત્યાં અસંતોષ વધશે , આ સમજણ સાથે ચાલેલી ચાલ છે.

line

'મનગમતા માણસોને સેટ કરવાનો ધંધો'

નીતિન પટેલ

ઇમેજ સ્રોત, TWITTER/NITINPATEL

ઇમેજ કૅપ્શન, નીતિન પટેલ

ગુજરાતના ભૂતપૂર્વ IT મિનિસ્ટર બિમલ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ ભાજપની એવી ચાલ છે કે જે થકી તેઓ પોતાના માણસોને સેટ કરી અને સંનિષ્ઠ કાર્યકરોને દૂર કરવા માગે છે.

તેઓ ભાજપમાં રહેલા વંશવાદ પર કટાક્ષ કરતાં કહે છે કે, "જો ભાજપમાં વંશવાદ ના હોત તો ભૂતપૂર્વ ધારાસભ્ય અનિલ પટેલનાં પત્ની શારદાબહેનને સાંસદ કેમ બનાવ્યાં? સવજી કોરાટનાં પત્ની જશુમતી બહેન કોરાટ કેમ ધારાસભ્ય બનાવ્યાં? આ નિયમો પોતાના મનગમતા માણસોને સેટ કરવાનો ધંધો છે એનાથી વધુ કઈ નથી."

line

વૈકલ્પિક પક્ષોના પડકારથી ગભરાઈને પગલું ભર્યું?

કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા કહે છે કે, "60 વર્ષથી વધુ વયની વ્યક્તિને ટિકિટ નહીં આપવાની વાત કરનાર સી.આર.પાટીલે પોતાની ઉંમર જોવાની જરૂર છે."

"ભાજપે વંશવાદની વાત કહેવી પડે એ શરમજનક છે, વાસ્તવમાં ભાજપના લોકો પોતાના સંનિષ્ઠ કાર્યકરોને તડકે મૂકી પૈસાદાર, ભ્રષ્ટ અને ખરાબ છબીવાળા લોકોને પોતાની સાથે લાવવા માંગે છે. હું વધુ નહીં કહું પણ એટલું કહીશ કે સી.આર. પાટીલ પોતાના જેવા માણસોને ભાજપમાં હોદ્દા પર લાવી સેવાના નામે મેવો કેવી રીતે ખવાય એવો નવો ચીલો ચાતરવા માંગે છે."

બીજી તરફ એન.સી.પી.ના ગુજરાતના પ્રદેશપ્રમુખ જયંત બોસ્કીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભાજપના લોકો અમારાથી ડરી રહ્યા છે કારણકે એન.સી.પી.એ 40થી 45 વર્ષના ઉમેદવારોને ટિકિટ આપી છે. અને એમના લોકો કોરોનાકાળમાં ઘરમાં બેઠા રહ્યા અને લોકોની વચ્ચે અમારા જેવા યુવા નેતા ગયા એના કારણે હવે તેઓ યુવા નેતાની વાતો કરે છે. તેમજ ભાજપને વંશવાદ માટે બોલવાનો કોઈ અધિકાર નથી સંસદ અને વિધાનસભામાં એમણે વંશવાદ જ ચલાવ્યો છે."

ગુજરાતમાં પોતાની જાતને વિકલ્પ તરીકે પ્રસ્થાપિત કરવા માટે આ વખત ચૂંટણીજંગમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટી (આપ)ના ગુજરાત એકમના મહામંત્રી આર.સી.પટેલે બીબીસી સાથેની વાતચીત માં કહ્યું કે, "અમારી સાથે ભારે સંખ્યામાં યુવાનો જોડાયા છે , તેમજ બુદ્ધિજીવી વર્ગ આપમાં આવ્યો છે. ત્યારે અમારામાંથી ઘણા લોકો ભાજપને સવાલ કરે છે કે જો ભાજપમાં વંશવાદ છે તો ત્રીજા વિકલ્પ તરીકે આપ કેમ નહીં. ભાજપ અમારાથી ડરીને આ વંશવાદનું હથિયાર લઈને બહાર નીકળ્યો છે."

તો તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને જાણીતા સેફોલોજિસ્ટ એમ.આઈ. ખાન આ મુદ્દે પોતાનું વિશ્લેષણ મૂકતાં કહે છે કે, "ભાજપમાં કૉંગ્રેસમાંથી આવેલા ઘણા લોકો છે ત્રણ વર્ષમાં આવા લોકોની સંખ્યા વધી ગઈ છે, આ લોકો સિનિયર છે અને પોતાના સગાં અને ઓળખીતાને ટિકિટ અપાવવા માંગે છે. આવી પરિસ્થિતિમાં ભાજપે આ હથિયાર ઉગામવું પડ્યું છે."

"ગુજરાત હોય કે રાષ્ટ્રીય રાજકારણ ભાજપમાં વંશવાદ ચાલે જ છે. પક્ષની અંદરના લોકોનો અવાજ દબાવવા માટે આ હથિયાર ઉગામવું પડે એ ભાજપનું કમ્પલઝન છે, નહીંતર આંતરિક અસંતોષ ડામવો અઘરો છે."

તેઓ આ પગલાની સફળતાની અનિશ્ચિતતા તરફ ધ્યાન દોરતાં જણાવે છે કે, "પણ આ પ્રયોગ કેટલો સફળ જાય છે એ કહેવું મુશ્કેલ છે કારણકે વિધાનસભા અને લોકસભાની બેઠક જીતવી કૉર્પોરેટર અને તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યોના સમર્થન વગર શક્ય નથી, એટલે ધારાસભ્યો અને સંસદસભ્યો તેમને આ નિર્ણયમાં કેટલા સફળ થવા દે છે એ એક સવાલ છે."

line

શું કહે છે ભાજપના પ્રવક્તા?

નીતિન પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ ઉપરોક્ત તમામ વિશ્લેષણો સાથે સંમત થતા નથી. તેમણે આ નિયમો મુદ્દે કહ્યું કે, "એક કાર્યકરને કૉર્પોરેટર પદ પર, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધી પહોંચતાં 40 વર્ષ લાગે છે, નાના કાર્યકર્તાને સ્થાન મળે એ માટે પક્ષે 60 વર્ષની વય વટાવી ચૂકેલા લોકો અને ત્રણ ટર્મ સુધી પક્ષની ટિકિટ પર ચૂંટાઈ આવેલા લોકોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે."

પક્ષમાં વંશવાદ હોવાના આક્ષેપ નકારતાં તેઓ કહે છે કે, "વંશવાદની વાત કરીએ તો ભાજપ એમાં માનતો નથી ભાજપમાં ચા બનાવનાર વડા પ્રધાન થઈ શકે છે અને પોસ્ટર લગાવનાર નાનો કાર્યકર્તા ગૃહમંત્રી બની શકે છે."

"ક્યાંક કોઈ જગ્યાએ એક કુટુંબના સભ્યોને ટિકિટ અપાઈ છે તો એ પરિવારની નિષ્ઠા અને સેવા જોઈને એમના દીકરા કે દીકરી ને ટિકિટ અપાઈ છે. ભાજપની વંશવાદની કોઈ છાપ નથી. ભાજપ વંશવાદમાં માનતો નથી એટલે આ જાહેરાત થઈ છે. ભાજપ 1995માં હતો એવો જ પક્ષ છે એમાં કોઈ બેમત નથી. કેટલાક લોકો દ્વારા ભાજપમાં વંશવાદ હોવાનો અપપ્રચાર ચલાવાઈ રહ્યો હતો. એની સામેનો જવાબ એ છે કે અમે વંશવાદમાં માનતા નથી."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો