પીએમ મોદીની ભત્રીજી છું, એટલે અડચણો સહન કરવી પડી : સોનલ મોદી

સોનલ મોદી
ઇમેજ કૅપ્શન, સોનલ મોદી
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"મને ભાજપનાં કાર્યકર તરીકે મારા કાર્યના આધારે ઓળખો, નહીં કે મોદીની ભત્રીજી તરીકે. મને નથી ખબર કે ભત્રીજી તરીકે મને અત્યાર સુધી શું ફાયદા થયા છે."

આ નરેન્દ્ર મોદીનાં ભત્રીજી સોનલ મોદીના શબ્દો છે.

ગુજરાત રાજ્ય સ્થાનિકસ્વરાજની ચૂંટણીના રંગે રંગાયેલું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં કયા રાજકીય પક્ષ માટે ઉમેદવાર કોણ છે, એ સ્પષ્ટ થઈ ગયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજી સોનલ પ્રહ્લાદ મોદી અમદાવાદના બોડકદેવની બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડવા માગતાં હતાં, જોકે તેમને ટિકિટ ફાળવવામાં આવી નથી.

બીબીસી ગુજારાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "ટિકિટ નથી મળી, એનું મને દુખ છે. હું પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્ટીના નિર્ણયને માન્ય રાખું છું."

ભાજપના ગુજરાતના નેતૃત્વ દ્વારા ટિકિટની ફાળવણી માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં પક્ષના નેતાઓનાં સગાં-સંબંધીઓને ટિકિટ ન આપવાની વાત પણ સામેલ હતી.

(બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે સોનલ મોદીના લીધેલા ઇન્ટરવ્યૂના આધારે)

જોકે સોનલ મોદી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે "મને કયા કારણોસર ટિકિટ નથી મળી, એની મને હજી સુધી જાણ નથી થઈ. પાટીલ સાહેબે આ પ્રમાણેનો નિયમ કર્યો છે એ ખરું પણ જો આ નિયમને ધ્યાને રાખીને મને ટિકિટ ન આપી હોય તો ઘણું દુખ થશે."

સોનલ મોદી કહે છે કે "જો મને પક્ષના સમીકરણો અથવા મેરિટના આધારે ટિકિટ ન આપવામાં આવી હોય, તો મને અફસોસ નહીં થાય."

ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે અગાઉ પત્રકારપરિષદમાં નવા નિયમો સંદર્ભે સોનલ મોદીને ટિકિટ ન મળવા અંગે પ્રશ્ન પૂછાતાં કહ્યું હતું કે "પાર્ટીના નિયમો તમામને લાગુ પડે છે."

સી. આર. પાટીલ

ઇમેજ સ્રોત, FACEBOOK/C R PAATIL

ઇમેજ કૅપ્શન, સી. આર. પાટીલ

સી. આર. પાટીલની આ ટિપ્પણી આ સંદર્ભે સોનલ મોદી કહે છે કે "જો આ નિયમને લીધે નિર્ણય લેવાયો હોય તો મને દુખ છે."

નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં કહ્યું હતું, "અમે એવી કોઈ અપેક્ષા રાખી નથી કે નરેન્દ્રભાઈના ફોટાનો ઉપયોગ કરીને અમે અમારું જીવન જીવીએ. નરેન્દ્રભાઈએ પોતે કહ્યું છે કે મારું કોઈ નથી, દેશની જનતા મારાં ભાઈ-બહેન છે. તો હવે આ વસ્તુ અમને ક્યાંથી લાગે પડે છે? આ વાતનું અનુકરણ કરવું હોય તો તો પછી કોઈ ચૂંટણી જ ન લડી શકે."

ફકીર વાઘેલાનાં ભત્રીજી મનીષા વાઘેલા, પૂર્વ નાયબ મેયર કલ્પના ભટ્ટનાં દીકરી વૈશાલી ભટ્ટ તેમજ રાજકોટના કૉર્પોરેટર કશ્યપ શુક્લના ભાઈ નેહલ શુક્લને પણ ટિકિટ આપવામાં આવી છે.

આ અંગે સોનલ મોદી કહે છે કે "આ મેં જોયું અને મને પણ અચરજ થયું, પાટીલ સાહેબે પત્રકારપરિષદમાં જે નિયમોની જાહેરાત કરી હતી પણ એવું બધે જ નથી થયું, એનો જવાબ તો કદાચ પાટીલ સાહેબ જ આપી શકશે."

મોદી

ઇમેજ સ્રોત, ANI

પ્રશ્ન : ભાજપમાં લોકશાહી ઢબે ટિકિટની વહેંચણી થતી હોવાનો દાવો કરાય છે, તો શું તમને એવું લાગે છે?

સોનલ મોદીનો જવાબ: નવા યુવાન ઉમેદવારો આવ્યા છે અને શિક્ષીત ચહેરાઓ પણ દેખાઈ રહ્યા છે પણ પાટીલ સાહેબે જે વાત કરી હતી, એમાં ક્યાંક ને ક્યાંક સમસ્યા દેખાય છે.

પ્રશ્ન: તમને ટિકિટ મળી હોત તો કદાચ તમને લોકો એ રીતે ઓળખત કે તમે નરેન્દ્ર મોદીનાં ભત્રીજી છો, શું તમને એવું લાગે છે?

જવાબ: હા વાત સાચી છે. હું એ કહેવા માગું છું કે મને ભાજપનાં કાર્યકર તરીકે મારા કાર્યના આધારે ઓળખો, નહીં કે મોદીની ભત્રીજી તરીકે. મને નથી ખબર કે ભત્રીજી તરીકે મને અત્યાર સુધી શું ફાયદા થયા છે.

પ્રશ્ન: તમે નરેન્દ્ર મોદીનાં ભત્રીજી છો, એટલે તમારે અડચણોનો સામનો કરવો પડે છે?

જવાબ: હા, મારે ઘણી અળચણોનો સામનો કરવો પડે છે. અમે સામાન્ય જનતાની જેમ જ જીવીએ છીએ, વડા પ્રધાનના પરિવારને જે લાભો મળે એ અમને ક્યારેય મળ્યા નથી. છતાં લોકો કહે છે કે તમે તો મોદીના સગા છો.

પ્રશ્ન: નરેન્દ્ર મોદી અમદાવાદમાં હીરા બાને મળવા માટે આવે છે, ત્યારે તમારી મુલાકાત થાય છે?

જવાબ: ના, માત્ર હીરા બા પૂરતા જ સીમિત છે અને તેઓ તેમને જ મળવા આવે છે. 2002માં મુખ્ય મંત્રી બન્યા ત્યારે અમે મળ્યાં હતાં, એમને મળે એટલો વખત થઈ ગયો છે.

મને ગર્વ છે કે મારા મોટા પપ્પા દેશના વડા પ્રધાન છે, સારાં કામ કરે છે. પરિવારની દૃષ્ટિએ જોઉં તો દુખ થાય છે.

તેમણે ઘર છોડી દેશનું કામ કર્યું એ ઉમદા છે પણ જ્યારે અમે આગળ આવવાની કોશિશ કરીએ, જેમકે મેં ટિકિટ માગી ત્યારે મોદીની ભત્રીજીની વાત આવી ગઈ. ત્યારે મારું કે મારા પિતાનું પક્ષ માટેનું કામ નથી જોવાતું.

પ્રશ્ન: ટિકિટ લેવા માટે ગયાં હતાં, ત્યારે કઈ વાતો મૂકી હતી?

જવાબ: હું એક સક્રિય કાર્યકર છું અને મેં કામ કર્યું છે. હું પક્ષને વખત આપી શકું છું અને આ પ્લૅટફૉર્મ છે. મેં એમ પણ કહ્યું હતું કે મોદીની ભત્રીજી તરીકે નહીં પણ મને કાર્યકર તરીકે જુઓ.

પ્રશ્ન: પ્રહ્લાદ મોદીએ કહ્યું હતું કે નાના કાર્યકરને સગાવાદના નામે દૂર રાખવા અને માનીતાઓને ઉપર બેસાડવા આ રીતે પાર્ટી ચાલી રહી છે, તમે શું માનો છો?

જવાબ: ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે.

પ્રશ્ન: પ્રહ્લાદ મોદીએ એમ પણ કહ્યું હતું કે રાજનાથ સિંઘના દીકરા સંસદસભ્ય બની શકતા હોય, ગૃહમંત્રી અમિત શાહના દીકરા જય શાહ જેમને કદી ક્રિકેટમાં સ્થાન નથી લીધું અને અચાનકથી તેમના હાથમાં બોર્ડનો વહીવટ આવી ગયો છે, તેમની પાસે કઈ ડિગ્રી આવી ગઈ છે. આ વિશે તમે શું કહો છો?

જવાબ: ડિગ્રી છે, કાબેલિયત છે અને તમને પદ આપવામાં આવ્યું છે તો એ બરાબર છે પણ જો લાયકાત નથી અને મળ્યું છે તો તે ખોટું છે. નાના કાર્યકર, જનતા દરેકના મનમાં આ સવાલ થાય જ છે. કોઈ બોલે છે, કોઈ નથી બોલતું.

જય શાહ પાસે લાયકાત હોય તો એમનો મળવું જોઈએ, પણ ન હોય અને મળે એ વાજબી નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો