રાકેશ શર્મા : અંતરિક્ષમાં પહોંચનાર પહેલા ભારતીયની કહાણી

13 જાન્યુઆરી, 1949ના રોજ પંજાબના પટિયાલમાં જન્મેલા રાકેશ શર્મા એવા પહેલા ભારતીય છે જેમણે અવકાશનો પ્રવાસ ખેડ્યો હતો.

આ અંગે અગાઉ બીબીસી હિંદી રેડિયોના સંપાદક રાજેશ જોશીએ રાકેશ શર્મા સાથે વાતચીત કરી હતી.

રાકેશ શર્માએ અવકાશયાત્રાના અનુભવ વિશે જણાવ્યું હતું કે 30 વર્ષોથી વધારે સમયથી હું આ વાતની રાહ જોઈ રહ્યો હતો. અન્ય ભારતીયોની જેમ હું પણ ઉત્સુકતા સાથે બેઠો હતો.

મને આનંદ થયો કે 2022 સુધીમાં ભારત પોતાની ટેકનિકથી અંતરિક્ષમાં માણસને મોકલશે.

હવે ટેક્નૉલૉજી આપણી હશે અને છેલ્લાં 30 વર્ષોથી હું આ જ કહી રહ્યો છું. ભલે હું અંતરિક્ષમાં જનારો પહેલો ભારતીય હતો પરંતુ પોતાના વૈજ્ઞાનિકો અને પોતાના દમ પર અંતરિક્ષમાં જવાની વાત જ ખાસ છે.

અંતરિક્ષની યાત્રા પડકારજનક હોય છે અને દિલ જરા વધારે જ ધડકવા લાગે છે. આ ખરેખર એક જોખમભર્યું કામ છે.

આ પહેલાં મારો કોઈ અનુભવ ન હતો. સ્પેસમાં ગયા બાદ ઇન્દિરા ગાંધીએ મને પૂછયું હતું કે અંતરિક્ષમાંથી ભારત કેવું દેખાય છે, તો મે કહ્યું હતું કે 'સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા.'

હું ઍરફોર્સમાં પાઇલટ હતો. પાઇલટમાંથી જ મને અંતરિક્ષમાં જવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. હાલ તો ટેક્નૉલૉજીમાં ઘણો ફેરફાર આવી ગયો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

માણસનું અંતરિક્ષમાં જવું હવે કોઈ નવી વાત નથી રહી. હિંદુસ્તાન જો માણસને મોકલશે તો શું હાંસલ થશે?

હાંસલ એ થશે કે વિજ્ઞાનનું ફલક વધારે વિસ્તરશે. આપણે પ્રયત્ન કરવાનું જ બંધ કરી દઈશું તો શું મળશે?

આ માત્ર અંતરિક્ષમાં પહોંચવાની જ વાત નથી. તેના બહાને આપણે ટેક્નૉલૉજીનો પણ વિકાસ કરી શકીશું.

આપણે આ કામ માત્ર વિજ્ઞાન માટે જ નથી કરી રહ્યા, તેના અન્ય પણ ફાયદાઓ હોય છે.

તમે એ વાત ના ભૂલો કે આપણી સભ્યતાનું ભવિષ્ય અંતરિક્ષમાં જ છે. પૃથ્વી પર સંસાધનોની અછત સતત વધી રહી છે.

આપણે ભવિષ્યમાં અન્ય જગ્યાએ વસવાટ કરવો પડશે. આપણી વસતિ સતત વધી રહી છે. એવામાં આપણે કોઈ અન્ય સ્થળની શોધ કરવી પડશે.

રાકેશ શર્મા હાલ શું કરે છે?

આઈઆઈટીમાં જાઉં છું, આઈઆઈએમમાં જાઉં છું. મોટિવેશનલ લેક્ચર આપું છું. જે અનુભવ મેળવ્યો છે તેને બધા સાથે શેર કરું છું.

જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી કરતો રહીશ. જ્યારે તમને કોઈ કામ આપવામાં આવે છે ત્યારે તમારું સંપૂર્ણ ફોકસ તે કામ પર હોય છે.

અંતરિક્ષ વિશે આપણી પાસે ખૂબ જ ઓછી માહિતી છે. આપણે દરરોજ નવી ચીજોની શોધ કરીએ છીએ.

(આ લેખ અગાઉ પ્રકાશિત થયો હતો. તેને ફરી વાર અહીં રજૂ કરવામાં આવ્યો છે. )

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો