હૉસ્પિટલોમાં આગની ઘટના મામલે ગુજરાતનો ઇતિહાસ કેવો છે?

મહારાષ્ટ્રના ભંડારામાં એક હૉસ્પિટલમાં આગ લાગવાને કારણે દસ બાળકોનાં મૃત્યુ થયાં છે.

સમાચાર એજન્સી ANI પ્રમાણે મહારાષ્ટ્રના ભંડારા ડિસ્ટ્રિક્ટ જનરલ હૉસ્પિટલમાં સિક ન્યૂ બોર્ન કૅર યુનિટમાં વહેલી સવારે બે વાગ્યે આગ લાગી હતી.

જેમાં દસ બાળકોનાં મૃત્યુ થયાં છે જ્યારે સાત બાળકોને બચાવી લેવાયાં છે.

મહારાષ્ટ્રમાં મધરાત્રે હૉસ્પિટલ જેવી સુરક્ષિત જગ્યામાં આગ લાગવાને કારણે સર્જાયેલી કરુણ ઘટનાને કારણે ગુજરાતમાં તાજેતરમાં હૉસ્પિટલોમાં લાગેલી આગની ઘટનાઓની યાદો ફરી તાજા કરી દીધી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં પણ પાછલા અમુક સમયમાં હૉસ્પિટલોમાં આગની જુદી જુદી ઘટનાઓમાં સારવાર લઈ રહેલા દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.

ઑગસ્ટ, 2020થી અત્યાર સુધી ગુજરાતમાં હૉસ્પિટલોમાં આગ લાગવાની જુદી જુદી છ ઘટનાઓ બની હતી.

અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગ

6 ઑગસ્ટે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલના આઈસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં આગ લાગતાં 8 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તમામ મૃતક કોરોનાના દરદી હતા.

હૉસ્પિટલમાં આગ લાગતા કોરોનાના અન્ય દરદીઓને શહેરની સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

શ્રેય હૉસ્પિટલમાં કોરોનાના દરદીને સારવાર આપવાનું 16 મેથી શરૂ થયું હતું.

ઘટનાસ્થળે દોડી આવેલા મૃતકોના સ્વજનોએ તંત્ર અને હૉસ્પિટલ પર બેદરકારીના આરોપ લગાવ્યા હતા.

આ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ પણ આપ્યા હતા.

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે છ ઑગસ્ટે કહ્યું હતું કે "પ્રાથમિક માહિતી અનુસાર શ્રેય હૉસ્પિટલમાં જે આગ લાગી તે શૉર્ટ-સર્કિટને કારણે લાગી હતી."

SSG હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં આગ

તો અગાઉ વડોદરાની એસએસજી હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં પણ આગ લાગી હતી.

વડોદરાના ચીફ ફાયર ઑફિસર પાર્થ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર હૉસ્પિટલના આઈસીયૂ વૉર્ડના વૅન્ટિલેટરમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી.

આગ લાગતાં ચાર ફાયરબ્રિગેડની ગાડીઓ અને 35-40 જેટલા ફાયરમૅન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી.

જોકે આ ઘટનામાં તમામ દર્દીઓ અને સ્ટાફનો આબાદ બચાવ થયો હતો.

આગ લાગી એ વૉર્ડમાં 15 જેટલા દર્દી હતા, જેમને રેસ્ક્યૂ કરાયા બાદ ગોત્રીસ્થિત જીએમઈઆરએસ હૉસ્પિટલ સહિતની અન્ય હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આગ લાગતાં સિક્યૉરિટી કર્મચારીઓ અને હૉસ્પિટલના અન્ય સ્ટાફે ખભે ઊંચકીને દર્દીઓને વૉર્ડમાંથી બહાર કાઢ્યા હતા, એ પછી તેમને અન્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બોડેલી હૉસ્પિટલમાં આગ

12મી ઑગસ્ટે છોટા ઉદેપુરની બોડેલી ધોકલિયા હૉસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં આગ લાગી હતી.

જોકે આ ઘટનામાં કોઈ દર્દીને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.

આગ લાગતાં દર્દીને પહેલાં હૉસ્પિટલના અન્ય વિભાગમાં તથા બાદમાં અન્ય હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

દરમિયાન સારવાર લઈ રહેલા 10 દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

અધિકારીઓના કહેવા અનુસાર, સ્વીચબોર્ડમાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હતી અને સ્ટાફ દ્વારા તેને કાબૂમાં લેવામાં આવી હતી.

જામનગરની હૉસ્પિટલમાં આગ

25 ઑગસ્ટે જામનગરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહ હૉસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમાં આગ લાગવાની ઘટના ઘટી હતી.

આઈ.સી.યુ.માં નવ જેટલા દરદી હતા. જોકે, તમામને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. હૃદયરોગના દરદીઓને આ આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યા હતા.

જામનગરના કલેક્ટરે સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આગ પાછળનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે હૉસ્ટિપલના જે આઈ.સી.યુ. વૉર્ટમાં આ આગ લાગી તે વિભાગ બિન-કોવિડ વિભાગ હતો.

આગ લાગતાં વિભાગમાંથી દરદીઓ અને મોંઘાં સાધનોને બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.

ટ્રાઈસ્ટાર હૉસ્પિટલમાં આગ

18 નવેમ્બરે સુરતની અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી ટ્રાઇસ્ટાર હૉસ્પિટલમાં આગની ઘટના બની હતી.

પ્રાથમિક માહિતી અનુસાર હૉસ્પિટલના પહેલા માળે આગની ઘટના બની હતી.

શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાયું હતું.

મીડિયા અહેવાલ અનુસાર આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના અહેલાલ નહોતા મળ્યા.

હૉસ્પિટલમાં આગ લાગવાને કારણે દર્દીઓને બાટલા સાથે બહાર કાઢવામાં આવ્યા હતા.

હૉસ્પિટલમાં આગ લાગતાં થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રાજકોટની ઉદય શિવાનંદ હૉસ્પિટલમાં આગ

26 નવેમ્બરે મોડી રાતે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ફાયર વિભાગના અધિકારીઓ પ્રમાણે અંદાજે 12.20 વાગ્યે કૉલ આવ્યો હતો. હૉસ્પિટલથી 500 મીટરના અંતરે જ મહુડી ફાયરસ્ટેશન આવેલું છે, જેથી તાત્કાલિક 6 ફાયર ફાઇટર અને 10 ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.

રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં 33 લોકો સારવાર હેઠળ હતા. જે પૈકી 11 લોકો આગ લાગી એ વૉર્ડમાં સારવાર હેઠળ હતા.

આ ઘટના પર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો