બોઇંગ 737 દુર્ઘટના : દરિયામાં માનવઅંગો દેખાયાં, બ્લૅક-બૉક્સ મળ્યાનો દાવો

ઇન્ડોનેશિયાના અધિકારીઓનું કહેવું છે કે દુર્ઘટનાગ્રસ્ત શ્રીવિજયા ઍરલાઇન્સના વિમાન બોઇંગ 737નું બ્લેક-બૉક્સ સમુદ્રમાં ક્યાં પડ્યું છે, તેની જાણ થઈ ગઈ છે.

સત્તાધીશોનું કહેવું છે કે નેવી દ્વારા સોમવારે શરૂ થનારા તપાસ અભિયાનમાં બ્લૅક-બૉક્સને દરિયામાંથી કાઢી લેવામાં આવશે.

ઇન્ડોનેશિયાની નેશનલ ટ્રાન્સપૉર્ટ સૅફ્ટી કમિટીના પ્રમુખ સાર્જેટો તજાહોનોએ કહ્યું, "અમે બન્ને બ્લૅક-બૉક્સનું લોકેશન નોંધી લીધું છે. હવે મરજીવા બહુ જલદી તે કાઢી લાવશે."

ઉલ્લેખનીય છે કે રવિવાર મોડી સાંજ સુધી ચાલેલું તપાસ અભિયાન રાત થઈ જવાને લીધે અટકાવી દેવામાં આવ્યું હતું.

અગાઉ તપાસ અભિયાન દરમિયાન વિમાનનો કાટમાળ, મૃતકોનાં અંગ અને યાત્રીઓનો થોડો સામાન મળી આવ્યો હતો.

જકાર્તા પોલીસનું કહેવું છે મૃતકોના પરિવારજનો પાસેથી ડીએનએ સૅમ્પલ અને ડેન્ટલ રેકૉર્ડ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી માનવઅંગોની ઓળખ મેળવી શકાય.

દરમિયાન આ પૂર્વે ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તાથી ઉડાણ ભરનાર એક પૅસેન્જર પ્લેન, જેની પર 62 લોકો સવાર હતા. જેમાં 50 મુસાફરો હોવાનું કહેવાય રહ્યું છે. તે વિમાન ગુમ થયું હોવાનું માનવામાં આવ્યું પણ હવે તે ઇન્ડોનેશિયામાં ક્રૅશ થયું હોવાનું કહેવાયું છે.

વિમાન જકાર્તાથી પશ્ચિમ કાલિમતન પ્રાંતના પૉઇન્ટેનૅક જઈ રહ્યું હતું. ગતરોજ તે તેની ફ્લાઇંગ હાઇટમાં માત્ર એક જ મિનિટની અંદર તે 10,000 ફૂટ નીચે આવી ગયું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે તેમને એક વિસ્ફોટ થતો દેખાયો હતો.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ કાલિમતન પ્રાંતમાં આવેલ પૉઇન્ટેનૅક જઈ રહેલા શ્રીવિજયા ઍર બોઇંગ 737 વિમાને સંપર્ક ગુમાવ્યો હતો.

ફ્લાઇટ ટ્ર્રૅકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24 ડોટ કૉમે કહ્યું કે વિમાને એક મિનિટમાં 3000 મિટર (10,000 ફૂટ)ની ઊંચાઈ ગુમાવી હતી.

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર શોધ અને બચાવ માટેના પ્રયત્નો ચાલુ છે. શ્રીવિજયા ઍરનું કહેવું છે કે તેઓ આ ઉડાણ વિશે વધુ માહિતી ભેગી કરી રહ્યા છે.

અધિકારીઓનું કહેવું છે કે લાપતા થયેલ વિમાનથી છેલ્લે સંપર્ક સ્થાનિક સમયાનુસાર બપોરે 2 વાગ્યે 40 મિનિટે થયો હતો.

ઇન્ડોનેશિયામાં આ પહેલાં બે મોટી વિમાનદુર્ઘટનાઓ થઈ ચૂકી છે જેમાં 737 મૅક્સ બોઇંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાં હતાં. જોકે શનિવારે જકાર્તાથી ટેક ઑફ કરેલ વિમાન 737 મૅક્સ શ્રેણીનું નથી.

ઑક્ટોબર 2018માં ઇન્ડોનેશિયન લાયન ઍરની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેમાં 189 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને વિમાનનું કાટમાળ સમુદ્રમાં મળ્યું હતું.

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે તેમને ઓછામાં ઓછા એક ધડાકાનો અવાજ સંભળાયો હતો. સોલિહિન નામના એક માછીમારે બીબીસીની ઇન્ડોનેશિયન સર્વિસને જણાવ્યું કે તેમણે દુર્ઘટના થતી જોઈ, જે બાદ તેમણે પોતાના કૅપ્ટન સાથે ટાપુ પર પરત ફરવાનો નિર્ણય કર્યો.

તેમણે કહ્યું, "વિમાન વીજળીની જેમ સમુદ્રમાં પડ્યું અને પાણીમાં ધડાકો થયો. અમે નજીક હતા તેથી અમુક કાટમાળ અમારા જહાજ સાથે અથડાયો."

નૅશનલ સર્ચ ઍન્ડ રેસ્ક્યૂ એજન્સીના એક અધિકારી બામબૈંગ સુરયો અજીનું કહેવું છે કે, "અમે દુર્ઘટનાની ચોક્કસ જગ્યા શોધવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. અમને આશા છે કે આજ રાત્રે તે ખબર પડી જશે. સમુદ્રની ઊંડાઈ લગભગ 20-23 મિટર છે."

તેમણે સ્વીકાર્યું કે સમુદ્રમાં એક જગ્યાએ કાટમાળ દેખાયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો