લાલ બહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનને કઈ રીતે ધૂળ ચટાડી હતી?

    • લેેખક, રેહાન ફઝલ,
    • પદ, બીબીસી સંવાદદાતા

10 જાન્યુઆરી, 1966ના રોજ ભારતના તત્કાલિન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અયૂબ ખાન દ્વારા તાશકંદ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ઑગસ્ટ-સપ્ટેમ્બર, 1965 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે 17 દિવસના યુદ્ધ પર આ સમજૂતી થકી પૂર્ણવિરામ મૂકી દેવાયું હતું.

આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યાના બીજા જ દિવસે શાસ્ત્રીજીનું તાશકંદ ખાતે જ અવસાન થયું હતું.

કરારનાં 55 વર્ષો બાદ 1965નું યુદ્ધ અને તેમાં શાસ્ત્રીજીના નેતૃત્વની ભૂમિકા અંગે જાણવું પ્રાસંગિક બની જાય છે. જાણો કેવી રીતે 1965ના યુદ્ધમાં શાસ્ત્રીજીના મક્કમ નેતૃત્વની મદદથી ભારત પાકિસ્તાનને ધૂળ ચટાડવામાં સફળ રહ્યું હતું.

26 સપ્ટેમ્બર, 1965ના રોજ ભારતના વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ દિલ્હીના રામલીલા મેદાનમાં હજારો લોકોને સંબોધન કર્યું ત્યારે તેમના ચહેરા પર અનેરી ચમક હતી.

શાસ્ત્રીએ કહ્યું, "પ્રમુખ અયૂબે જાહેરાત કરી હતી કે દિલ્હી સુધી તેઓ હરતાંફરતાં પહોંચી જશે."

"તેઓ મોટા માણસ છે એટલે મેં વિચાર્યું કે તેમને પગપાળા દિલ્હી પહોંચવાની તકલીફ ક્યાં આપવી. આપણે જ લાહોર સુધી પહોંચીને તેમનું સ્વાગત કરીએ ને."

આ શાસ્ત્રી નહીં, પણ 1965ના યુદ્ધ પછીના ભારતીય નેતૃત્વનો આત્મવિશ્વાસ બોલી રહ્યો હતો.

આ એ જ શાસ્ત્રી હતા, જેમના નાના કદ અને પાતળા અવાજની અયૂબ ખાને મજાક ઉડાવી હતી.

અયૂબ ઘણી વાર વર્તન નહીં, પણ બહારના દેખાવના આધારે લોકો વિશે ધારણા બાંધી લેતા હતા.

શાસ્ત્રીનેકમજોરસમજતાહતાઅયૂબ

પાકિસ્તાનમાં ભારતના હાઇ કમિશનર તરીકે રહી ચૂકેલા શંકર વાજપેયી યાદ કરતાં કહે છે, "અયૂબ એવું વિચારવા લાગ્યા હતા કે હિન્દુસ્તાન નબળો દેશ છે. તેમને એવું પણ હતું કે રાજકીય નેતૃત્વ બહુ નબળું છે."

"તેઓ દિલ્હી આવવાના હતા, પણ હવે ત્યાં કોઈ વાત કરવા જેવું છે નહીં, એમ કહીને તેમણે આવવાનું ટાળ્યું હતું. શાસ્ત્રીએ કહ્યું કે સારું, તમારે ના આવવું હોય અમે પ્રવાસે આવીશું."

"તેઓ કૈરો ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે એક દિવસ માટે કરાચીમાં રોકાયા હતા."

"શાસ્ત્રીજીને વળાવવા માટે અયૂબ ઍરપૉર્ટ સુધી આવ્યા હતા ત્યારે હું હાજર હતો."

"મેં સાંભળ્યું હતું કે તેઓ પોતાના સાથીઓ સાથે ઇશારામાં એવી વાતો કરી રહ્યા હતા આ માણસ સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી."

આ સિવાય અયૂબે સમજવામાં બીજી મોટી ભૂલ એ કરી હતી કે કાશ્મીર પર હુમલા પછી ભારત આંતરરાષ્ટ્રીય સરહદ પાર નહીં કરે.

સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચના શ્રીનાથ રાઘવન કહે છે, "ત્યાં ઓવર કૉન્ફિડન્સનો માહોલ બની ગયો હતો. એક તો પોતે સેનાના જનરલ હતા."

"તેમને લાગ્યું હશે કે નહેરુના અવસાન પછી નવા વડા પ્રધાન આવ્યા છે, તેમાં એટલી ક્ષમતા નહીં હોય કે 1962ના અનુભવ પછી યુદ્ધનો સામનો કરી શકે."

"બીજું, તેમની વિદેશ નીતિના મુખ્ય સલાહકાર હતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટો."

"તેમણે એવું ઠસાવ્યું કે અત્યારે આપણે ભારત પર દબાણ વધારીએ તો કાશ્મીરનો મામલો આપણા ફાયદામાં ઉકેલી શકાય તેમ છે."

બ્રિગેડિયર એ. કે. ચૌધરીએ પોતાના પુસ્તક 'સપ્ટેમ્બર 1965'માં લખ્યું છે કે, "લડાઈનાં ઘણાં વર્ષો પછી એક ભૂતપૂર્વ કૅબિનેટમંત્રીએ અયૂબને પૂછ્યું હતું કે તમે યુદ્ધ કરતાં પહેલાં લાભાલાભ વિશે તમારા લોકો સાથે ચર્ચાવિચારણા નહોતી કરી?"

"એવું કહેવાય છે કે અયૂબે અકળાઈને કહ્યું હતું કે વારંવાર મારી નબળાઈઓ વિશે મને યાદ ના કરાવો."

યુદ્ધ બાદ શાસ્ત્રીજી પાકિસ્તાન ગયા હતા

જાણીતા પત્રકાર કુલદીપ નૈયરે બીબીસીને જણાવ્યું કે યુદ્ધ પૂરું થયા પછી તેઓ પાકિસ્તાન ગયા હતા.

તેઓ કહે છે, "મેં અયૂબને પૂછ્યું હતું કે આ તમે શું કરી બેઠા? તમે સારી રીતે જાણતા હતા કે તમે જીતી શકો તેમ નથી."

તેમણે કહ્યું કે આવા સવાલો ના પૂછો. ભુટ્ટોને મળો ત્યારે તેમને આ બધું પૂછજો."

ત્યાર બાદ નૈયર ભુટ્ટોને પણ મળ્યા હતા.

તેઓ કહે છે, "ભુટ્ટોને મળવાનું થયું ત્યારે મેં તેમને પૂછ્યું કે સૌ કોઈ એવું કહે છે કે આ લડાઈ ભુટ્ટોની હતી."

તેમણે કહ્યું, "હું બચાવ કરવા નથી માગતો. મને લાગતું હતું કે તમને હરાવી શકાય તેવી તક આ જ હતી."

"બાદમાં તમારી એટલી બધી ઑર્ડિનન્સ ફૅક્ટરી તૈયાર થઈ જવાની હતી કે અમારા માટે તેનો સામનો કરવો મુશ્કેલ બની જાત."

બીજું, મેં વિચાર્યું હતું, "અમે ટુકડીઓ મોકલીશું એટલે કાશ્મીર ખીણના લોકો અમારા સમર્થનમાં આવી જશે, પણ મારી ધારણા ખોટી પડી હતી."

અયૂબને આ લડાઈ માટે ઉશ્કેર્યા બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યુદ્ધવિરામ સ્વીકાર કરવાની વાત કરતી વખતે ભુટ્ટોને શરમ આવવી જોઈતી હતી.

તેના બદલે તે પ્રસંગે તેમણે જે ભાષણ કર્યું હતું તેનાથી તટસ્થ દેશો નિરાશ થયા હતા.

જોકે પાકિસ્તાનમાં તેમના અકડપણા અને તિરસ્કારની નોંધ લેવાઈ હતી.

ભારતીય સૈનિકો લાહોર તરફ આગળ વધ્યા

અયૂબ વિશે પુસ્તક લખનારા અલતાફ ગૌહરે લખ્યું છે, "દિલ્હીમાં પાકિસ્તાનના હાઇ કમિશનર મિયાં અરશદ હુસૈને તુર્કી દૂતાવાસના માધ્યમથી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને એક ખાનગી સંદેશ મોકલ્યો હતો."

"તેમણે સંદેશ મોકલ્યો હતો કે ભારત 6 ડિસેમ્બરે પાકિસ્તાન પર હુમલો કરવાનું છે."

"નિયમો પ્રમાણે વિદેશથી રાજદૂતો જે પણ સંદેશ મોકલે તે પ્રમુખને દેખાડવો જરૂરી હતો."

"પરંતુ આ સંદેશ અયૂબ સુધી પહોંચવા દેવાયો નહોતો."

"બાદમાં ખબર પડી હતી કે વિદેશ સચીન અઝીઝ અહમદે આ સંદેશ દબાવી દીધો હતો."

"તેમને એમ લાગતું હતું કે અરશદ હુસૈન કારણ વિના નર્વસ થઈ જનારા માણસ છે. તેઓ કારણ વિના કદાચ ડરી ગયા હશે."

આખરે ભારતીય હુમલાના સમાચાર અયૂબને 6 સપ્ટેમ્બરની વહેલી સવારે ચાર વાગ્યે મળ્યા.

પાકિસ્તાની વાયુસેનાના એક અધિકારીએ તેમને જણાવ્યું કે ભારતીય સૈનિકો લાહોર તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે તેમને જાણ થઈ હતી.

બીજી બાજુ યુદ્ધ પછી લાલબહાદુર શાસ્ત્રીની છાપ ખૂબ મજબૂત થઈ ગઈ હતી.

નહેરુના અવસાનના આઘાતમાંથી દેશ બહાર આવવા કોશિશ કરી રહ્યો હતો.

તે વખતે શાસ્ત્રીને ભારતના લોકો અને તેમના પક્ષના લોકો પણ કામચલાઉ નેતા સમજતા હતા.

'નાનાકદનામાણસનુંવિરાટકદમ'

સેનાના વેસ્ટર્ન કમાન્ડના વડા જનરલ હરબખ્શ સિંહે લખ્યું છે, "યુદ્ધનો સૌથી મોટો નિર્ણય (લાહોર તરફ કૂચ કરવાનો) સૌથી નાના કદની વ્યક્તિએ લીધો હતો."

સમગ્ર યુદ્ધ દરમિયાન શાસ્ત્રીજી ભારતના લોકો તથા વિપક્ષના નેતાઓને સાથે રાખીને આગળ વધવાની કોશિશ કરતા રહ્યા હતા.

તેમના પુત્ર એ વાત યાદ કરતાં કહે છે, "યુદ્ધ વખતે તે વખતના અમેરિકન પ્રમુખ લિન્ડન જ્હોન્સને શાસ્ત્રીજીને ધમકી આપી હતી કે તમે પાકિસ્તાન સામેનું યુદ્ધ બંધ નહીં કરો તો અમે તમને ઘઉં મોકલીએ છીએ તે બંધ કરી દઈશું."

"તે વખતે દેશમાં ઘઉં પૂરતા પ્રમાણમાં પાકતા નહોતા. શાસ્ત્રીજીને આ વાત બહુ ખૂંચી હતી, કેમ કે તેઓ બહુ સ્વાભિમાની વ્યક્તિ હતા."

"આ ધમકી પછી શાસ્ત્રીજીએ દેશવાસીઓને કહ્યું કે આપણે એક ટંકનું ભોજન નહીં કરીએ. તે રીતે અમેરિકાથી આવનારા ઘઉંનો ખાડો પૂરાઈ જશે."

અનિલ શાસ્ત્રી યાદ કરે છે, "તેમણે એવી અપીલ કરતાં પહેલાં મારી મા લલિતા શાસ્ત્રીને પૂછ્યું હતું કે તમે એવું કરી શકશો કે આજે રાતનું ભોજન રાંધવામાં ન આવે."

"હું કાલે દેશવાસીઓને એક ટંકનું ભોજન છોડી દેવા માટેની અપીલ કરવાનો છો. પણ હું જોવા માગું છું કે મારાં બાળકો ભૂખ્યાં રહી શકે ખરાં."

"તેમણે જોયું કે અમે એક વખત ભોજન લીધા વિના ચલાવી શકીએ તેમ છીએ, તે પછી તેમણે દેશવાસીઓને અરજ કરી હતી."

યુદ્ધમાંપાકિસ્તાનસામેભારતેકેટલાંહથિયારોવાપર્યાં?

'કચ્છ ટૂ તાશકંદ' નામનું પુસ્તક લખનારા ફારૂખ બાજવાના જણાવ્યા અનુસાર ભારતના સરકારી વિભાગોમાંથી કેટલાકે સારું કામ કર્યું હતું, જ્યારે કેટલાકે સામાન્ય કામગીરી બજાવી હતી.

સંરક્ષણ અને વિદેશ મંત્રાલય યોગ્ય રીતે ચાલ્યાં હતાં, પરંતુ બંનેએ અસામાન્ય કામગીરી કરી હતી તેવું કહીશું તો તે ખોટું ઠરશે.

ખાસ કરીને ભારતીય વિદેશ મંત્રાલયની ટીકા થઈ હતી, કેમ કે દુનિયાના બહુ ઓછા દેશોએ ભારતને ખુલ્લું સમર્થન આપ્યું હતું.

ટીકાકારોએ ભારતની વ્યૂહરચનાની પણ ઝાટકણી કાઢી હતી.

તેમનો તર્ક એ હતો કે ભારત પૂર્વ પાકિસ્તાન પર હુમલો કરીને પાકિસ્તાનને ભારે દબાણમાં મૂકી શકે તેમ હતું.

પરંતુ કદાચ ચીન યુદ્ધમાં સામેલ થઈ જાય તે ડરથી ભારતે તેમ કરવાનું ટાળ્યું હતું.

યુદ્ધના અંતિમ ગાળામાં યુદ્ધવિરામ માટે દબાણ થવા લાગ્યું ત્યારે વડા પ્રધાન શાસ્ત્રીએ સેનાના વડા જનરલ ચૌધરીને પૂછ્યું હતું કે યુદ્ધ શરૂ રાખવામાં ભારતને કોઈ ફાયદો છે કે કેમ?

સેનાના વડાએ યુદ્ધ ખતમ કરી દેવાની સલાહ આપી હતી, કેમ કે ભારત પાસે સામગ્રી ખૂટવા લાગી હતી.

જોકે વાસ્તવિકતા એ હતી કે ત્યાં સુધીમાં ભારતનાં ફક્ત 14 ટકા શસ્ત્રોનો જ ઉપયોગ થયો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો