ભીમા કોરેગાંવ: હિંસાના ત્રણ વર્ષ પછી શું છે કેસની સ્થિતિ?

- લેેખક, દીપાલી જગતાપ
- પદ, બીબીસી સંવાદદાતા
જાન્યુઆરી 2018માં ભીમા કોરેગાંવમાં હિંસક અથડામણો થઈ તે ઘટનાને હવે ત્રણ વર્ષનો ગાળો વીતી ગયો છે.
આ ઘટનામાં પોલીસે 16 સામાજિક કાર્યકર્તાઓ, કવિઓ અને વકીલોની ધરપકડ કરી છે.
પોલીસ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ આ કેસમાં જે લોકોની ધરપકડ કરી છે તેમાં આનંદ તેલતુંબડે, માનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખા, કવિ વરવર રાવ, સ્ટેન સ્વામી, સુધા ભારદ્વાજ, વર્નોન ગોન્ઝાલ્વિસ સહિત બીજા ઘણા લોકો સામેલ છે.
ભીમા કોરેગાંવ હિંસાની દેશના સામાજિક અને રાજકીય માહોલ પર ગંભીર અસર પડી હતી.
1 જાન્યુઆરી, 2018ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મરાઠાઓ વચ્ચે થયેલા યુદ્ધની 200મી વર્ષગાંઠની ઉજવણી વખતે ભીમા-કોરેગાંવમાં હિંસા ફાટી નીકળી હતી.
તે દિવસે હજારો દલિતો ભીમા કોરેગાંવમાં વિજયસ્થંભ નજીક એકઠા થયા હતા. પરંતુ આ વિસ્તારમાં તણાવ ફેલાયા બાદ ત્યાં આગ ચાંપવાની અને પથ્થરમારાની ઘટનાઓ બની. તેમાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાથી એક દિવસ અગાઉ 31 ડિસેમ્બર, 2017ના રોજ ઐતિહાસિક શનિવાર વાડા પર એલ્ગાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રકાશ આંબેડકર, જિજ્ઞેશ મેવાણી, ઉમર ખાલિદ, સોની સોરી અને બી.જી. કોલસે પાટિલ જેવી હસ્તીઓએ ભાગ લીધો હતો.
પૂણે પોલીસની પ્રારંભિક તપાસ પછી કેન્દ્ર સરકારે આ કેસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને સોંપી દીધો હતો. ઑક્ટોબરના બીજા સપ્તાહમાં એનઆઈએએ એક ખાસ અદાલતમાં 10,000 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પૂણે પોલીસે ભીમા કોરેગાંવની હિંસા અંગે બે જુદાજુદા કેસ દાખલ કર્યા હતા.
બીજી જાન્યુઆરી 2018ના રોજ પિંપરી પોલીસ સ્ટેશનમાં હિંદુવાદી નેતાઓ, સંભાજી ભિડે અને મિલિંદ એકબોટે સામે એક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
8 જાન્યુઆરી, 2018ના દિવસે તુષાર દામગુડે નામની વ્યક્તિએ એલ્ગાર પરિષદમાં ભાગ લેનારા લોકો સામે ફરિયાદ દાખલ કરાવી હતી.
આ એફઆઈઆરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એલ્ગાર પરિષદમાં ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યાં હતાં. જેના કારણે બીજા દિવસે હિંસા થઈ હતી. આ એફઆઈઆરના આધારે પોલીસે અનેક સામાજિક કાર્યકરો, વકીલો અને કવિઓની ધરપકડ કરી હતી.
આ મામલે પ્રથમ ચાર્જશીટ દાખલ કર્યા પછી પોલીસે 21 ફેબ્રુઆરી, 2019ના રોજ એક પૂરક ચાર્જશીટ પણ રજૂ કરી હતી.
17 મે, 2018ના રોજ પોલીસે યુએપીએની કલમ 13, 16, 18, 18બી, 20, 39, અને 40 હેઠળ કેસ દાખલ કર્યો.
એનઆઈએએ આ અંગે 24 જાન્યુઆરી, 2020ના દિવસે ઇન્ડિયન પિનલ કોડની કલમ 153A, 505(1)(B), 117 અને 34 ઉપરાંત યુએપીએની કલમો 13, 16, 18, 18B, 20 અને 39 હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી.
મહારાષ્ટ્ર અને સમગ્ર દેશને હચમચાવી દેનારી આ ઘટના અને અનેક ધરપકડો પછી અત્યાર સુધીમાં ભીમા-કોરેગાંવ મામલે કેવા વળાંક આવ્યા છે?
એનઆઈએ પોતાની તપાસમાં અત્યાર સુધીમાં ક્યાં પહોંચી છે? શું આ કેસમાં આરોપીઓ સામે બધી ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે અને ન્યાયિક પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે?
ભીમા કોરેગાંવમાં થયેલી હિંસા માટે હકીકતમાં કોણ જવાબદાર છે? શું તપાસ એજન્સીઓ હિંસા ફેલાવનારા ગુનેગારોને શોધવામાં સફળ રહી છે? આ લેખમાં આ મામલાની તપાસમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી છે.

એનઆઈએની તપાસની સ્થિતિ

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને 24 જાન્યુઆરી, 2020ના રોજ તપાસ સોંપવામાં આવી હતી. એનઆઈએએ મુંબઈમાં એક નવી એફઆઈઆર દાખલ કરી હતી. તેમાં 11 લોકોને આરોપી તરીકે દર્શાવ્યા હતા.
એનઆઈએએ ભારતીય દંડસંહિતાની અગાઉથી લાગેલી કલમો ઉપરાંત યુએપીએની કેટલીક કલમો પણ તેમાં ઉમેરી હતી. જોકે દેશદ્રોહ સાથે સંકળાયેલી કલમ 124 (એ)ને હજુ સુધી લગાવવામાં આવી ન હતી.
ઑક્ટોબર 2020માં એનઆઈએએ આ મામલે ખાસ અદાલત સમક્ષ 10,000 પાનાંની એક ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસમાં ગૌતમ નવલખા, આનંદ તેલતુંબડે, હની બાબુ, રમેશ ગૈચોર, જ્યોતિ જગતાપ, સ્ટેન સ્વામી, મિલિંદ તેલતુંબડે અને બીજા આઠ લોકોનાં નામ સામેલ કરાયાં હતાં.
પૂણે પોલીસે એક એફઆઈઆરમાં સામાજિક કાર્યકર ગૌતમ નવલખા અને સ્કોલર આનંદ તેલતુંબડેના નામ 22 ઑગસ્ટ, 2018ના રોજ સામેલ કર્યાં હતાં.
નવલખા અને તેલતુંબડેએ કરેલી જામીન અરજીઓને કોર્ટે 8 એપ્રિલ, 2020ના રોજ ફગાવી દીધી હતી. આ બંને આરોપીઓ એનઆઈએ સમક્ષ હાજર થયા હતા.
14 એપ્રિલ, 2020ના દિવસે તેમની ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએએ ઑક્ટોબર 2020માં ઝારખંડના 83 વર્ષીય સામાજિક કાર્યકર ફાધર સ્ટેન સ્વામીની પણ ધરપકડ કરી હતી.

એનઆઈએની 10 હજાર પાનાંની ચાર્જશીટ

ઇમેજ સ્રોત, AFP
એનઆઈએ તરફથી દાખલ કરાયેલી દસ હજાર પાનાંની ચાર્જશીટમાં એવો દાવો કરાયો હતો કે સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખા કાશ્મીરી અલગાવવાદીઓ, પાકિસ્તાની જાસૂસી એજન્સી અને માઓવાદીઓના સંપર્કમાં હતા.
ચાર્જશીટ અનુસાર નવલખા વર્ષ 2020-11 દરમિયાન કાશ્મીરી અમેરિકન કાઉન્સિલને સંબોધવા ત્રણ વખત અમેરિકા ગયા હતા. 2011માં એફબીઆઈએ ગુલાબ નબી ફઈની ધરપકડ કરી ત્યારે નવલખાએ ફઈના અમેરિકન વકીલને એક પત્ર લખ્યો હતો.
ચાર્જશીટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે ગુલાબ નબી ફઈએ પાકિસ્તાની સેનાના કેટલાક અધિકારીઓ સાથે નવલખાનો પરિચય કરાવ્યો હતો.
ચાર્જશીટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે નવલખા પાસેથી જપ્ત થયેલા ડિજિટલ ઉપકરણો દ્વારા માઓવાદીઓ અને આઇએસઆઈ સાથેના તેમના સંબંધ સ્થાપિત થયેલા છે.
દિલ્હી યુનિવર્સિટીના એક પ્રોફેસર હની બાબુની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએએ તેમની વિરુદ્ધ પોતાના વિદ્યાર્થીઓને માઓવાદી વિચારધારાથી પ્રભાવિત કરવાનો આરોપ મૂક્યો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એનઆઈએએ એવો આરોપ પણ મૂક્યો હતો કે હની બાબુ પાઇખોમ્બા મેટેઈના સંપર્કમાં હતા, જેઓ મિલિટરી અફેર કેસીએમ (એમસી)ના માહિતી અને પ્રસાર સચિવ છે.
તેમના પર જેલમાંથી મુક્ત થયેલા સીપીઆઈ (માઓવાદી) કૅડર માટે નાણાં એકત્ર કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.
એનઆઈએએ આ કેસમાં ચાર્જશીટમાં જણાવ્યું હતું કે હની બાબુના એકાઉન્ટમાંથી આ મામલે કેટલાક વાંધાજનક ઈ-મેઇલ મળ્યા છે.
એનઆઈએએ એવો દાવો પણ કર્યો હતો કે હની બાબુએ વિદેશી પત્રકારો અને સીપીઆઈ (માઓવાદી)ના સભ્યો વચ્ચે મુલાકાત પણ કરાવી હતી. આ ઉપરાંત તેમણે આંધ્રપ્રદેશ અને તેલંગણાના પ્રતિબંધિત રિવોલ્યુશનરી ડેમૉક્રેટિક ફ્રન્ટ સાથે પણ કામ કર્યું છે.
એનઆઈએની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, ગોરખે, ગૈચોર અને જગતાપ સીપીઆઈ (માઓવાદી)ના તાલીમબદ્ધ સભ્યો છે અને તેઓ કબીરકલા મંચના પણ સભ્ય છે.
ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર આનંદ તેલતુંબડે ભીમા કોરેગાંવ શૌર્યપ્રેરણા અભિયાનના સંકલનકર્તા પૈકી એક હતા. તેઓ 31 ડિસેમ્બર, 2017ના રોજ શનિવાર વાડામાં હાજર રહ્યા હતા.
આરોપીઓની જામીનઅરજી
ગૌતમ નવલખાએ મુંબઈ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને કોર્ટે તેમની જામીનઅરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો.
સતત એવા અહેવાલ આવી રહ્યા છે કે ભીમા કોરેગાંવ હિંસા મામલે આરોપીઓ સાથે જેલમાં અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે. ડિસેમ્બર 2020માં મુંબઈ હાઈકોર્ટે તલોજા જેલના વહીવટીતંત્રને આ મામલે થોડી માનવતા દર્શાવવા માટે જણાવ્યું હતું.
જેલના વહીવટીતંત્રે નવલખાને ચશ્માં આપવાની મનાઈ કરી દીધી હતી. નવલખાના પરિવારજનોએ કોર્ટમાં જણાવ્યું કે જેલમાં તેમનાં ચશ્માં ચોરાઈ ગયાં હતાં.
તેમને નવાં ચશ્માં મોકલવામાં આવ્યાં હતાં. પરંતુ જેલના વહીવટીતંત્રે તેમને તે ચશ્માં આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. ગૌતમ નવલખા 68 વર્ષના છે.

વરવર રાવ

ઇમેજ સ્રોત, FACEBOOK/BHASKER KOORAPATI
વરિષ્ઠ કવિ અને બુદ્ધિજીવી વરવર રાવ છેલ્લાં બે વર્ષથી જેલના સળિયા પાછળ છે. તેમને ભીમા કોરેગાંવ હિંસા મામલે પકડવામાં આવ્યા હતા.
હાલમાં તેમની તબિયત નાદુરસ્ત છે અને તેમને મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
21 ડિસેમ્બર, 2020ના રોજ મુંબઈ હાઈકોર્ટ દ્વારા તેમની જામીનઅરજી પર સુનાવણી કરવામાં આવી હતી. તેમનાં પત્ની હેમલતા રાવે તબીબી કારણસર તેમને જામીન આપવામાં આવે તેવી માગણી કરી હતી.
નવેમ્બરમાં અદાલતના હસ્તક્ષેપ પછી જ વરવર રાવને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લીવર સંબંધિત ગંભીર બીમારીથી પીડાય છે. તેમનાં પત્નીએ જણાવ્યા પ્રમાણે તેમને જેલમાં જે સારવાર આપવામાં આવી રહી છે તે પૂરતી નથી.
તેમની હાલત કથળવા લાગી ત્યારે કોર્ટમાં એક જામીનઅરજી દાખલ કરવામાં આવી. તેમને સારવાર માટે જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
આ જામીનઅરજી પર આગામી 7 જાન્યુઆરી, 2021ના રોજ સુનાવણી થશે. આ દરમિયાન એનઆઈએએ હાઈકોર્ટમાં જણાવ્યું કે વરવર રાવની તબિયત સારી છે અને તેમને જેલમાં મોકલી દેવા જોઈએ.

સ્ટેન સ્વામી

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ સ્ટેન સ્વામીની ઑક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ધરપકડ કરી હતી.
તેમની સામે નક્સલવાદીઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાનો ગંભીર આરોપ મૂકાયો છે. તેઓ આ તમામ આરોપીઓમાં સૌથી વયોવૃદ્ધ આરોપી છે જેમની સામે આતંકવાદને લગતી આકરી કલમો લગાવવામાં આવી છે. તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોનો ઇનકાર કર્યો છે.
થોડા દિવસો અગાઉ સ્ટેન સ્વામીને જેલમાં સ્ટ્રો આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેના કારણે જેલના વહીવટીતંત્રની ભારે ટીકા થઈ હતી.
83 વર્ષના ફાધર સ્ટેન સ્વામી પાર્કિન્સન્સ નામની બીમારીથી પીડિત છે. તેમના વકીલે અદાલતમાં જણાવ્યું કે તેઓ હાથમાં કપ પકડી શકતા નથી, કારણ કે તેમના હાથ સતત ધ્રૂજતા રહે છે.
આ ઘટના પછી સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને લોકોએ ફાધર સ્ટેન સ્વામી માટે તલોજા જેલમાં ઘણી સ્ટ્રો મોકલી હતી. સ્વામીના વકીલો ફરીથી કોર્ટમાં ગયા અને જેલનું વહીવટીતંત્ર તેમને સ્ટ્રો આપવા માટે તૈયાર થઈ ગયું હતું.

સુધા ભારદ્વાજ

ઇમેજ સ્રોત, Getty Images
બાયકુલાની મહિલા જેલમાં કેદ કરવામાં આવેલાં સામાજિક કાર્યકર્તા સુધા ભારદ્વાજે જેલમાં પુસ્તકો અને અખબાર વાંચવા દેવામાં આવે તેવી માગણી કરી હતી.
સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા અને હની બાબુ તરફથી ઉપસ્થિત રહેલા વકીલ ચાંદની ચાવલાએ એનઆઈએની વિશેષ અદાલત સમક્ષ એવી ફરિયાદ કરી હતી કે જેલ અધિકારી તેમના અસીલોને પુસ્તકો અને અખબાર વાંચવા માટે આપવાનો ઇનકાર કરે છે.
અદાલતે વકીલોને આ અંગે એક સોગંદનામું દાખલ કરવા માટે જણાવ્યું છે. આ વિશે 12 જાન્યુઆરીએ સુનાવણી થશે.
સુધા ભારદ્વાજની જૂન 2018માં ધરપકડ કરવામાં આવી હતી. તેમના વકીલ નિહાલસિંહ રાઠોડે જણાવ્યું કે તેમની જામીનઅરજી દાખલ કરવામાં આવી હતી જે 60 વખત સુનાવણી માટે રાખવામાં આવી હતી. આમ છતાં તેના પર ક્યારેય વિચાર કરવામાં આવ્યો ન હતો.
રાઠોડે દાવો કર્યો હતો કે 40 વખત તો પોલીસ આરોપીને કોર્ટમાં લાવી જ ન હતી.
પોલીસે જણાવ્યું કે તેઓ આરોપીને એટલા માટે કોર્ટમાં લાવી શકી ન હતી, કારણ કે સમયસર સુરક્ષા વ્યવસ્થા થઈ શકી ન હતી.

પૂણે પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં શું છે?

પોલીસે કહ્યું કે આ મામલે પકડવામાં આવેલા લોકોની હાર્ડ ડિસ્ક, પેનડ્રાઇવ, મેમરીકાર્ડ અને મોબાઇલ ફોનની તપાસ પરથી મળેલી માહિતીના આધારે આ લોકો સામે આરોપ દાખલ કરવામાં આવ્યા છે.
સુધીર ધવલે, રોના વિલ્સન, સુરેન્દ્ર ગડલિંગ, શોમા સેન અને મહેશ રાઉત સાથે સંકળાયેલા મામલે ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે "પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી)એ રોના વિલ્સન અને સુરેન્દ્ર ગડલિંગ મારફત સુધીર ધવલેનો સંપર્ક કર્યો હતો." સુધીર એ કબીરકલા મંચના સક્રિય સભ્ય છે.
ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે, "સીપીઆઈ માઓવાદીએ તેમને કબીરકલા મંચના બેનર હેઠળ એક કાર્યક્રમ યોજવા માટે જણાવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ ભીમા કોરેગાંવ યુદ્ધની બસોમી વર્ષગાંઠ નિમિત્તે દલિત સંગઠનોને એકત્ર કરવાનો અને તેમને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવાનો હતો."
પોલીસે આ અંગે દાવો કર્યો છે કે રોના વિલ્સન અને સુધીર ધવલેએ અંડરગ્રાઉન્ડ કૉમરેડ એમ એટલે કે મિલિંદ તેલતુંબડે અને પ્રકાશ ઉર્ફ ઋતુપર્ણા ગોસ્વામીની સાથે મળીને આ કામ કર્યું હતું.
એવું કહેવામાં આવ્યું હતું કે આ લોકોએ 31 ડિસેમ્બર, 2017ની એલ્ગાર પરિષદમાં ઉશ્કેરણીજનક નારા લગાવ્યા હતા. તેમણે ગીતો ગાયાં અને નાટક આયોજિત કર્યાં હતાં.
પોલીસનો આરોપ છે કે આના કારણે ભીમા કોરેગાંવમાં કાનૂન અને વ્યવસ્થાની સમસ્યા પેદા થઈ હતી અને અંતમાં હિંસા ફેલાઈ હતી. વરવર રાવ, સુધા ભારદ્વાજ, વર્નોન ગોન્ઝાલ્વિસ અને અરુણ ફરેરાની ધરપકડ પછી આ મામલે એક પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પોલીસનો આરોપ છે કે રોના વિલ્સન અને હજુ ફરાર રહેલા કિશનદા ઉર્ફ પ્રશાંત બોઝની મદદથી વરવર રાવે હથિયારો અને વિસ્ફોટકો ખરીદવાની વ્યવસ્થા કરી હતી.
આ અંગે પોલીસે દાવો કર્યો છે કે વરવર રાવ સીપીઆઈ-માઓવાદીના એક વરિષ્ઠ નેતા છે. તેઓ પ્રતિબંધિત માઓવાદી પાર્ટીના નેતાઓ સાથે સતત સંપર્કમાં હતા.
ઉપરાંત વરવર રાવ પર એવો આરોપ પણ મૂકવામાં આવ્યો છે કે હથિયારોના ટ્રાન્સફર અંગે તેમણે નેપાળના માઓવાદી નેતા વસંદ સાથે સોદો કર્યો હતો. રાવ પર બીજા આરોપીઓને ભંડોળ આપવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.
પોલીસે ગોન્ઝાલ્વિસની સૌપ્રથમ આર્મ્સ ઍક્ટ અને એમ્યુનિશન ઍક્ટ હેઠળ ધરપકડ કરી હતી. મુંબઈની કાલાચોકી પોલીસ સ્ટેશનમાં ગોન્ઝાલ્વિસ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એક કેસમાં તેઓ અત્યારે સજા ભોગવી રહ્યા છે. પોલીસે દાવો કર્યો છે કે ગોન્ઝાલ્વિસ માઓવાદી પક્ષના સક્રિય સભ્ય છે.
પોલીસે કહ્યું છે કે ગૌતમ નવલખા પ્રતિબંધિત સંગઠનમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓ લોકોની નિમણૂક કરવાથી લઈને તેમને ફંડ આપવાની અને યોજનાઓ બનાવવા સુધીની પ્રવૃત્તિમાં સામેલ હોય છે.
પોલીસનો દાવો છે કે ગૌતમ નવલખા દેશદ્રોહનાં કામો સાથે પણ સંકળાયેલા છે. પોલીસે એવો દાવો પણ કર્યો છે કે નવલખા પાસેથી મળી આવેલા દસ્તાવેજો પરથી સ્પષ્ટ છે કે તેમણે કાર્યકર્તાઓને અંડરગ્રાઉન્ડ થઈને દેશની વિરુદ્ધ કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
પોલીસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે આનંદ તેલતુંબડેએ પ્રતિબંધિત માઓવાદી પાર્ટીની વિચારધારાનો પ્રચાર કર્યો હતો. તેમના પર પ્રતિબંધિત માઓવાદી પાર્ટી પાસેથી ભંડોળ મેળવવાનો પણ આરોપ છે.

આ કેસની તપાસ એનઆઇએને કઈ રીતે ટ્રાન્સફર કરાઈ?

ઇમેજ સ્રોત, PTI
પોલીસની શરૂઆતની કાર્યવાહી દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર હતી.
ત્યારપછી 2019ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલા ભાજપે સત્તા ગુમાવવી પડી હતી. તેની જગ્યાએ રાજ્યમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીએ સાથે મળીને મહાવિકાસ અઘાડી સરકારની રચના કરી હતી.
એનસીપીના પ્રમુખ શરદ પવારે 22 ડિસેમ્બર, 2018ના રોજ એક પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે પૂણે પોલીસના નેતૃત્વ હેઠળ એલ્ગાર પરિષદ મામલાની તપાસ અનેક પ્રકારના સવાલ પેદા કરે છે.
પવારે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "દેશદ્રોહનો ગંભીર આરોપ લગાવીને સામાજિક કાર્યકરોની ધરપકડ કરવામાં આવે તે બિલકુલ યોગ્ય નથી. એક લોકશાહી દેશમાં તમામ પ્રકારના વિચારો વ્યક્ત કરવાની લોકોને છૂટ મળવી જોઈએ."
એમણે કહ્યું કે "પૂણે પોલીસ દ્વારા આ અંગે કરવામાં આવેલી કાર્યવાહી અયોગ્ય છે. એવું લાગે છે કે બદલો લેવાની ભાવના સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓએ તપાસમાં પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે."
થોડા દિવસો પછી જાન્યુઆરીમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ મામલાને પૂણે પોલીસ પાસેથી લઈને એનઆઈએને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.
એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ મામલો એનઆઈએને તપાસ માટે સોંપવાનો વિરોધ કર્યો હતો. તેમણે આ આદેશને ગેરબંધારણીય ગણાવ્યો હતો.

ન્યાયિક તપાસનો અહેવાલ

ઇમેજ સ્રોત, RAJU SANADI/BBC
દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળ તત્કાલીન મહારાષ્ટ્ર સરકારે ભીમા કોરેગાંવ હિંસાની તપાસ માટે 9 ફેબ્રુઆરી, 2018ના રોજ બે સભ્યના ન્યાયિક પંચની રચના કરી હતી.
કોલકાતા હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જે.એન. પટેલ આ તપાસપંચનું અધ્યક્ષપદ સંભાળતા હતા.
આ પંચને તેનો અહેવાલ સોંપવા માટે ચાર મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં અનેક વખત સમયમર્યાદા વધારી આપવામાં આવી હોવા છતાં તપાસપંચે પોતાનો અહેવાલ હજુ સુધી સોંપ્યો નથી.

હિંદુત્વ કાર્યકર્તાઓ સામેની તપાસમાં શું થયું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
એક તરફ પૂણે પોલીસે એવો આરોપ મૂક્યો હતો કે ભીમા કોરેગાંવ હિંસામાં ડાબેરી કાર્યકર્તાઓ સંકળાયેલા હતા. બીજી તરફ પૂણે ગ્રામીણ પોલીસે આરોપ મૂક્યો હતો કે પહેલી જાન્યુઆરી 2018ના રોજ થયેલી હિંસા પાછળ હિંદુત્વવાદી નેતાઓનો હાથ હતો.
એવું કહેવામાં આવ્યું હતું કે ભીમા કોરેગાંવ હિંસા મામલે હિંદુત્વની રાજનીતિ સાથે સંકળાયેલા લોકો સામે પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. તેમને ‘ક્લિનચિટ’ આપવામાં આવી હતી. જ્યારે ડાબેરી વિચારધારા ધરાવતા લોકોની સામે અયોગ્ય રીતે ઘણી ગંભીર કાર્યવાહી કરવામાં આવી હતી.
પિંપરી પોલીસ સ્ટેશનમાં હિંદુત્વવાદી નેતાઓ સંભાજી ભિડે અને મિલિંદ એકબોટે સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
આ મામલે પોલીસ દ્વારા મિલિંદ એકબોટેની બે વખત ધરપકડ પણ કરવામાં આવી હતી. પૂણે પોલીસે તેમની 14 માર્ચ, 2018ના રોજ ધરપકડ કરી હતી અને તેમની સામે ધાકધમકીથી રૂપિયા વસૂલવાના તથા હિંસામાં સામેલ હોવાના ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.
અનીતા સાલ્વેએ દાખલ કરેલી ફરિયાદ સંબંધિત મામલામાં પૂણેની એક અદાલતે 4 એપ્રિલ, 2018ના રોજ એકબોટેને જામીન પર મુક્ત કરવાના આદેશ આપ્યા હતા. પરંતુ શિકરાપુર પોલીસ દ્વારા બીજી એક ફરિયાદના અનુસંધાને તેમને ફરીથી પકડવામાં આવ્યા હતા.
આ વિશે શિકરાપુર પોલીસનું કહેવું છે કે હિંસા ફેલાવતા પહેલા એકબોટે અને તેમના સમર્થકોએ કાર્યક્રમના સ્થળ પર કેટલાક ચોપાનિયાં વહેંચ્યા હતા.
આ વિશે પૂણેની સેશન્સ કોર્ટે તેમને 19 એપ્રિલે જામીન આપી દીધા હતા. ભીમા કોરેગાંવ હિંસાના મામલે અન્ય એક આરોપી સંભાજી ભિડેની હજુ સુધીમાં ક્યારેય ધરપકડ કરવામાં આવી નથી.
તેમના પર એવો આરોપ છે કે તેમણે 1 જાન્યુઆરી, 2018ના દિવસે ભીમા કોરેગાંવમાં રહીને લોકોને હિંસા કરવા માટે ઉશ્કેર્યા હતા. કેટલાંક સંગઠનોએ સંભાજી ભિડે સામે કાર્યવાહી કરવાની પણ માગણી કરી છે.
કેટલાક લોકોએ અદાલતમાં પણ અપીલ કરી છે. પરંતુ પોલીસે હજુ સુધી આ મામલે કોઈ આરોપનામું ઘડ્યું નથી.

ભીમા કોરેગાંવનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE
ભીમા કોરેગાંવને 200 વર્ષ પહેલાંના એક યુદ્ધ માટે યાદ રાખવામાં આવે છે. વર્ષ 1818માં પેશ્વાના નેતૃત્વમાં મરાઠા સેના અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે આ યુદ્ધ થયું હતું.
આ યુદ્ધમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની વતી મહાર સૈનિકો લડ્યા હતા. તેમણે પેશ્વાની સેના પર વિજય મેળવવામાં બ્રિટિશરોને મદદ કરી હતી.
આ યુદ્ધ વિશે એવું કહેવામાં આવે છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મહાર રેજિમેન્ટની બહાદુરીના કારણે જ પેશ્વાઓને હરાવવામાં સફળતા મેળવી હતી.
મહાર સૈનિકોએ આ યુદ્ધમાં દર્શાવેલી વીરતાના કારણે તેની યાદમાં અહીં એક વિજયસ્થંભ બનાવવામાં આવ્યો છે. દર વર્ષે પહેલી જાન્યુઆરીએ આ સ્થળે હજારો લોકો એકઠા થાય છે. તેમાં મોટા ભાગે દલિત સમુદાયના લોકો હોય છે.
તેઓ આ સ્થળે એ લોકોને શ્રદ્ધાંજલિ આપે છે જેમણે 1818ના યુદ્ધમાં લડતી વખતે પોતાના જીવ ગુમાવ્યા હતા.
અહીં વિજયસ્થંભ પર યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોનાં નામ લખવામાં આવ્યાં છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












