કેરળમાં દલિત દંપતીના 'આત્મદહનનો' સમગ્ર મામલો શું છે?

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી હિન્દી માટે
કેરળમાં કથિત રીત પોલીસ દ્વારા સતામણીની ફરિયાદ કરી રહેલા દલિત યુવકનો વીડિયો વાઇરલ થતાં મુખ્ય મંત્રી પિનારાઈ વિજયને તપાસના આદેશ આપ્યા છે.
આ વીડિયોમાં દલિત યુવક એક પોલીસ અધિકારીને જણાવી રહ્યા છે કે "તમે લોકોએ મારાં માતાપિતાની હત્યા કરી અને હવે તેમના અંતિમ સંસ્કાર કરતા પણ અટકાવી રહ્યા છો."
વીડિયો વાઇરલ થયા બાદ કેરળમાં અલગ-અલગ જગ્યાએ વિરોધપ્રદર્શનો કરવામાં આવ્યાં અને દબાણમાં આવીને રાજ્ય સરકારને તપાસના આદેશ આપવા પડ્યા હતા.
વીડિયોમાં 23 વર્ષના રાહુલ રાજ તેમનાં માતા અંબિલી અને પિતા રાજન માટે કબર ખોદતા દેખાય છે. 22 ડિસેમ્બરે બનેલી એક ઘટનામાં દાઝી જવાના કારણે રાહુલનાં માતાપિતા મૃત્યુ પામ્યાં હતાં.
કબર ખોદી રહેલા રાહુલને જ્યારે એક પોલીસ અધિકારી અટકાવે છે ત્યારે તેઓ વીડિયોમાં કહેતા સંભળાય છે, "તમે લોકોએ મારાં માતાપિતાનો જીવ લઈ લીધો અને હવે કહી રહ્યા છો કે હું અંતિમ સંસ્કાર પણ કરી ન શકું."
વીડિયો વાઇરલ થઈ ગયો અને પછી વિરોધપ્રદર્શનો થયાં અને ત્યારબાદ એવા વીડિયો સામે આવ્યા જેમાં લોકો જણાવી રહ્યા છે કે કઈ રીતે પોલીસે રાજનને તેના ઍસ્બેસ્ટોસના છતવાળું ઘર છોડવા માટે જણાવ્યું હતું.
તિરુવનંતપુરમથી 25 કિલોમિટર દૂર અતિયાન્નુર ગામમાં રાજનનું ઘર ફક્ત ત્રણ સૅન્ટ (એક એકરના 100મો ભાગ એટલે એક સૅન્ટ) જમીન પર બનેલું હતું.

22 ડિસેમ્બરે શું થયું હતું?

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
એક બીજા વીડિયોમાં રાહુલ જણાવતા દેખાય છે કે તે દિવસે શું થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીડિયોમાં રાહુલ રાજ કહે છે, "અમે બપોરે જમવા માટે બેઠા જ હતા કે પોલીસ આવી અને જણાવ્યું કે અમારે આ ઘર ખાલી કરી નાખવું જોઈએ. મારા પિતાએ જણાવ્યું કે જમ્યા બાદ અમે જતા રહીશું. પોલીસકર્મી અમારી વાત સાંભળવા માટે તૈયાર નહોતા. તેમણે કહ્યું અત્યારે જ નીકળી જાવ."
રાહુલ રાજ વીડિયોમાં કહે છે કે "મારા પિતાએ ફરીથી પોલીસકર્મીને જણાવ્યું કે જમી લીધા બાદ તેઓ ઘર ખાલી કરી નાખશે. પણ ખાખી પહેરેલા લોકોએ તેમની વાત માનવાનો ઇન્કાર કરી દીધો."
"એ પછી મારા પિતાએ પેટ્રોલ પોતાના માથા પર રેડી દીધું અને લાઇટર સળગાવીને આગ ચાંપી દીધી. જ્યારે પોલીસકર્મીએ લાઇટર છીનવવાનો પ્રયાસ કર્યો ત્યારે લાઇટર નીચે પડી ગયું અને મારાં માતાપિતા બળી ગયાં."
બીજા એક વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારી લાઇટર છીનવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ત્યારે જ લાઇટર જમીન પર પડી જાય છે, રાજન અને અંબિલી આગની લપેટમાં આવી જાય છે.
મૃત્યુ પહેલાં મૅજિસ્ટ્રેટ સમક્ષ પોતાના નિવેદનમાં રાજને કહ્યું હતું કે "મેં માત્ર પોલીસકર્મીને દૂર રાખવા માટે લાઇટર સળગાવ્યું હતું. પોતાનો જીવ લેવાની મારી કોઈ ઇચ્છા નહોતી. એક પોલીસકર્મીએ જોરથી હાથ માર્યો અને લાઇટર જમીન પર પડી ગયું અને અમે બંને આગમાં સપડાઈ ગયાં."

આવું કેમ થયું? આની પાછળનું કારણ શું હતું?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
રાજને જે જમીન પર પોતાનું મકાન બનાવ્યું છે, તે પ્લૉટની માલિકીને લઈને વિવાદ હતો. રાજનના વકીલ નિશાંત પીબીએ સ્વીકાર્યું કે આ પ્લૉટ વસંત નામનાં મહિલાએ ખરીદ્યો હતો પરંતુ તેમના દસ્તાવેજ પાક્કા નહોતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
નિશાંત પીબી કહે છે, "વસંતે જે જમીન ખરીદી હતી તે કેરળ લૅન્ડ અસાઇનમૅન્ટ રૂલ્સ અંતર્ગત આપવામાં આવી હતી."
"સરકાર દ્વારા આવા પ્લૉટ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યોને આપવામાં આવે છે અને તેનું ખરીદ-વેચાણ કરી શકાય નહીં. આ પ્લૉટની માલિકી એક પેઢીથી બીજી પેઢીને મળે છે અથવા સમાજની જ બીજી વ્યક્તિને વેચી શકાય છે."
"રાજન આ જમીન પર એટલા માટે રહેતા હતા કે અગાઉના માલિકે તેમને આ જમીન આપી હતી. તેમને આ અધિકાર આગળના માલિક તરફથી આપવામાં આવ્યો હતો. જ્યારે વસંત અદાલતમાં ગયા ત્યારે રાજને તેમને પડકાર્યા નહોતા. જ્યારે કોર્ટે મનાઈ હુકમ પસાર કર્યો ત્યારે રાજને મારો સંપર્ક કર્યો. અમે નીચલી અદાલતમાં ગયા."
"હાઈકોર્ટે મનાઈ હુકમ પર સ્ટે આપ્યો હતો. હાઇકોર્ટે તેના આદેશમાં એમ પણ કહ્યું હતું કે 15 જાન્યુઆરી સુધી 'યથા સ્થિતિ' જાળવી રાખવી. કમનસીબી કહેવાય કે હાઈકોર્ટનો આદેશ 22 ડિસેમ્બરની બપોરે આવ્યો તે પહેલાં રાજન અને અંબિલીની સાથે આ ઘટના ઘટી ચૂકી હતી."
વસંતના વકીલ બી. જી. વિજય કુમારે બીબીસીને જણાવ્યું કે "વાત સાચી છે કે આ જમીન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ફાળવવામાં આવી હતી પણ વસંતે જ્યારે આ જમીન ખરીદી ત્યારે કેરળ લૅન્ડ અસાઇનમૅન્ટ રૂલ્સ હેઠળ આવી જમીનનાં ખરીદ-વેચાણ પર પ્રતિબંધ નહોતો."
"સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે રાજને આવીને જમીનનો કબજો કરી લીધો. કોર્ટના મનાઈ હુકમ છતાં રાજને પ્લૉટની ચારે બાજુની દિવાલ તોડી પાડી અને જમીન પર બાંધકામ પણ કરાવ્યું."
માતા-પિતાના અંતિમ સંસ્કાર સમયે રાહુલને અટકાવવાની પોલીસની અસંવેદનશીલતાને લઈને લોકોમાં આક્રોશ ઉત્પન્ન થતાં મુખ્ય મંત્રી પી. વિજયને આ કેસમાં દખલગીરી કરવી પડી છે.
તેમણે તિરુવનંતપુરમના જિલ્લા મૅજિસ્ટ્રેટને આ પ્રકરણની સઘન તપાસ કરવા આદેશ આપ્યો છે અને પોલીસ તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












