You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : કેન્દ્ર સરકાર અને ખેડૂતનેતાઓ વચ્ચે બેઠક પૂર્ણ, કયા મુદ્દે સહમતી સધાઈ?
કેન્દ્ર સરકાર અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે બુધવારે યોજાયેલી છઠ્ઠા તબક્કાની બેઠક પૂર્ણ થઈ ગઈ છે.
આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે બહુ જ સારા માહોલમાં વાર્તા યોજાઈ અને ચાર મુદ્દામાંથી બે મુદ્દા પર સરકાર અને ખેડૂતો વચ્ચે સહમતી સધાઈ.
તમામની નજર આ બેઠક પર હતી.
આ બેઠક પર જ એ નક્કી થવાનું હતું કે દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પોતાનું પ્રદર્શન ચાલુ રાખશે કે કેમ?
જોકે, આ દરમિયાન ખેડૂત સંગઠનો હજુ પણ ત્રણેય કૃષિકાયદા પરત લેવાની માગ પર અડગ છે. જ્યારે કેન્દ્ર સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે તે કાયદા પરત નહીં લે.
વીજળીકાયદો પરત લેવા અને પરાળ સળગાવવા પર દંડના મામલે સરકાર અને ખેડૂતો વચ્ચે સહમતી સધાઈ છે. જોકે, આ સિવાયના જે બે મહત્ત્વના મુદ્દા છે - કૃષિકાયદા પરત લેવા અને એમએસપીની કાયદાકીય ગૅરેન્ટી એનો કોઈ ઉકેલ નથી આવ્યો.
કેન્દ્રીય મંત્રીના મતે સરકાર અને ખેડૂતનેતાઓ વચ્ચેની આગામી બેઠક ચાર જાન્યુઆરીએ યોજાશે.
ખેડૂતો ત્રણેય કાયદા પર લેવાની પોતાની માગ પર પાછી પાની કરવા તૈયાર નથી. કૃષિમંત્રીના મતે સરકાર કહી ચૂકી છે કે એમએસપી ચાલુ રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ કહ્યું છે કે આગામી બેઠકમાં આ અંગે વિચાર કરવામાં આવશે.
આ પહેલાં કેન્દ્રીય મંત્રી સોમપ્રકાશે કહ્યું હતું કે તેમને આશા છે કે બુધવારે થનારી બેઠક નિર્ણાયક સાબિત થશે અને ખેડૂતોનું આંદોલન ખતમ થઈ જશે.
તેઓએ કહ્યું કે બુધવારે બધા મુદ્દાઓ પર ફરી વાર ચર્ચા થવાની છે.
કૃષિકાયદા પર ચર્ચા
લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી)ની નીતિ પર વિશેષ રીતે ચર્ચા થશે, જેને લઈને પ્રદર્શનની શરૂઆત થઈ હતી.
સોમપ્રકાશ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલા એ ત્રણ પ્રતિનિધિઓમાંથી એક છે, જેઓ ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે.
આ સિવાય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલમંત્રી પીયૂષ ગોયલ અન્ય બે પ્રતિનિધિ છે, જે ખેડૂતો સાથેની ચર્ચામાં સામેલ થશે.
આ ત્રણેય નેતાઓ શરૂઆતથી ખેડૂતો સાથે કૃષિકાયદા પર ચર્ચા કરી રહ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા સોમપ્રકાશે કહ્યું, અમને આશા છે કે બેઠક નિર્ણાયક થશે. સરકાર ખુલ્લા મને ખેડૂતો સાથે વાત કરી રહી છે. અમને આશા છે કે આજે ખેડૂતોનું આંદોલન ખતમ થઈ જશે.
પાંચ તબક્કાની બેઠક અગાઉ થઈ ગઈ છે
આ દરમિયાન ખેડૂત મજદૂર સંઘર્ષ સમિતિ (પંજાબ)ના સંયુક્ત સચિવ સુખવિન્દરસિંહ સાબરાએ કહ્યું કે "બેઠકથી કોઈ ઉકેલ આવવાનો નથી. ખેડૂતો ઇચ્છે છે કે ત્રણેય કાયદાઓ પરત લેવામાં આવે."
તેઓએ કહ્યું, "ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચ રાઉન્ડની બેઠક થઈ ચૂકી છે. અમને નથી લાગતું કે સરકાર વાતચીતથી અમને કોઈ ઉકેલ આપી શકે. આથી અમે કાયદાઓ પરત લેવાની માગ પર અડગ છીએ."
સોમવારે કૃષિસચિવ સંજય અગ્રવાલે ખેડૂતનેતાઓને પત્ર લખીને વાતચીત કરવા માટે તેમને આવવા માટેની ભલામણ કરી હતી.
તેઓએ લખ્યું હતું કે કેન્દ્ર સરકાર ફરી વાર બેઠક શરૂ કરવા માગે છે.
મંગળવારે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પીયૂષ ગોયલે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.
પાંચ રાઉન્ડની બેઠક અનિર્ણિત રહ્યા બાદ હવે છઠા રાઉન્ડની બેઠક થઈ છે. જોકે કેન્દ્ર સરકાર પાંચ રાઉન્ડની બેઠકમાં એ આશ્વાસન આપી ચૂકી છે કે તે એમએસપીની લેખિતમાં ગૅરંટી આપવા માટે તૈયાર છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો