ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅંક્રો કોરોના પૉઝિટિવ - TOP NEWS

ઇમેજ સ્રોત, Reuters
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅંક્રોનો કોરોનાનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. હાલ પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલયે આ જાણકારી આપી છે.
મૅંક્રોની કચેરીએ કહ્યું કે 42 વર્ષના રાષ્ટ્રપતિ મૅંક્રોમાં કોરોનાના લક્ષણો જણાતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
એક સરકારી અધિકારીએ કહ્યું કે મૅંક્રો હજુ પણ ફ્રાન્સના ઇન્ચાર્જ છે અને હવે ઘરેથી જ તમામ કામ સંભાળી રહ્યા છે.
ફ્રાન્સમાં કોવિડ-19ના વધી રહેલા કેસોના કારણે આ સપ્તાહથી જ રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર ફ્રાન્સમાં કોરોનાના સંક્રમણથી અત્યાર સુધી 59400થી વધુ મોત થઈ ચૂકી છે.
ફ્રાન્સ કોરોના મહામારીથી સૌથી અસરગ્રસ્ત યુરોપિયન દેશોમાંથી એક છે.

'જૂનાગઢના દીવાને' જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ બનાવવા અભિયાન શરૂ કર્યું

ઇમેજ સ્રોત, twitter/SultanAhmadAli
'અમદાવાદ મિરર'ના અહેવાલ અનુસાર જૂનાગઢના નવાબના પપૌત્ર અહમદઅલીએ પાકિસ્તાનમાં જૂનાગઢની જમીન પર કાયદાકીય દાવો કરતું ઑનલાઈન અભિયાન શરૂ કર્યું છે. તેઓ જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ બનાવવા માગે છે.
તાજેતરમાં જ પાકિસ્તાને નવો રાજકીય નકશો જાહેર કર્યો હતો. જેમાં જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો. તેના થોડા મહિના પછી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે અહમદઅલીના દાદા નવાબ મહબત ખાને જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું હતું.
હાલમાં જ 10 ડિસેમ્બરે જૂનાગઢના દીવાન (વઝીર-એ-આઝમ) તરીકે અહમદઅલીની તેમના પિતા જહાંગીર ખાને નિમણૂક કરી હતી.
અલી પાકિસ્તાનમાં મુસ્લિમ ઇન્સ્ટિટ્યુટના ચૅરમૅન છે. તેમણે 'જૂનાગઢ ઇઝ પાકિસ્તાન' નામના અભિયાનની શરૂઆત કરી છે. તેમણે કહ્યું છે, "જૂનાગઢ પાકિસ્તાન છે એ માત્ર નારો નથી પરંતુ મિશન છે અને હું તેના માટે મારી આખી જિંદગી લગાવી દઈશ"
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આ મામલે કહ્યું છે, "અલીમાં જૂનાગઢમાં આવવાની હિંમત નથી. પાકિસ્તાનમાં બેસીને ભારતમાંથી જે ભાગ છૂટો ના પડી શકે તેના વડા પ્રધાન પોતાને જાતે જ જાહેર કરવા એ એક ગુલાબી સ્વપ્ન છે, જે ક્યારેય પૂર્ણ નહીં થાય."

સંસ્કૃત રાષ્ટ્રીય ભાષા બનાવવા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી

ઇમેજ સ્રોત, Getty Images
'ડેક્કન હેરાલ્ડ'ના અહેવાલ અનુસાર ગુજરાતના પૂર્વ અગ્ર સચિવ કાલુજી ગોબરજી વણઝારાએ સંસ્કૃતને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપે તેવી માગ કરતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.
તેમણે દલીલ કરી છે કે હાલના બંધારણને છંછેડ્યા વિના આ માત્ર એક સામાન્ય કાયદા દ્વારા અથવા એક આદેશ દ્વારા પણ થઈ શકે છે. અધિકૃત ભાષા અને રાષ્ટ્રીય ભાષા સમાન હોય તે જરૂરી નથી, બંનેને અલગ રાખી શકાય છે.
તેમણે પોતાની અરજીમાં ભારતના અનેક મહાન નેતાઓને સંસ્કૃતને અધિકૃત ભાષા બનાવવા માટે ટાંક્યા છે.
વણઝારા ગુજરાત કૅડરના અધિકારી હતા. તેઓ નિવૃત્તિ બાદ હાલ વકીલાત કરી રહ્યા છે. તેમણે આ અરજી પાર્ટી ઇન પર્સન ફાઇલ કરી છે. કેસની સુનાવણીની તારીખ 4 જાન્યુઆરી રાખવામાં આવી છે.
કે. જી. વણઝારા શોહરાબુદ્દીન અને ઇશરત જહાંના કેસમાં દોષમૂક્ત થયેલાં પૂર્વ આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારાના ભાઈ છે.

મેડિકલ ઇન્ટરની હડતાળ સમેટાઈ

ઇમેજ સ્રોત, Getty Images
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાતની 14 સરકારી હૉસ્પિટલ અને ગુજરાત મેડિકલ ઍજ્યુકેશન અને રિસર્ચ સોસાયટીના જે ઇન્ટર્ન ડૉક્ટર છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર હતા તેમણે હડતાળને સમેટી લીધી છે.
2000 જેટલા ઇન્ટર્ન ડૉક્ટર પોતાના સ્ટાઇપેન્ડ વધારવાની માગ સાથે છેલ્લા ત્રણ દિવસથી આંદોલન કરી રહ્યા હતા.
બુધવારે આ વિદ્યાર્થીઓએ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી.
નીતિન પટેલે કહ્યું, "આજે સાંજે તેમનું એક ડૅલિગેશન મને મળ્યું હતું. અડધા કલાકથી બે કલાક સુધી બેઠક ચાલી હતી. મેં તેમને હડતાળને કોઈ પણ શરત વિના સમેટી લેવા અને કાલથી ડ્યુટી પર જોડાઈ જવા કહ્યું. "
"અમે સૌ સાથે બેસીને તેમની માગ પર કામ કરી રહ્યા છીએ. તેઓ કાલથી ડ્યૂટી પર ફરીથી જોડાશે. થોડા દિવસમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે."

સશસ્ત્ર દળોની વર્દી પર ચર્ચા થતાં સંસદીય સમિતિની બેઠકમાંથી રાહુલ ગાંધી બહાર નીકળી ગયા

ઇમેજ સ્રોત, Getty Images
'એનડીટીવી ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સભ્યો સંસદની સંરક્ષણ બાબતોની સમિતિની બેઠકમાંથી બુધવારે બહાર નીકળી ગયા હતા.
તેમણે આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વપૂર્ણ મુદ્દાની જગ્યાએ સશસ્ત્ર દળોની વર્દી પર ચર્ચા કરીને સરકાર સમય બરબાદ કરી રહી હતી.
એનડીટીવીનાં સૂત્રોના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી સમિતિની સામે લદ્દાખમાં ચીનની આક્રમકતા અને સૈનિકોને સારાં ઉપરકરણો મળે તેનો મુદ્દો ઉઠાવવા માગતા હતા, પરંતુ સમિતિના અધ્યક્ષ ભાજપ નેતા જુએલ ઉરાંવે તેમને પરવાનગી ન આપી.
રાહુલ ગાંધીને પરવાનગી ન આપતા તેઓ બેઠકમાંથી બહાર જતા રહ્યા. તેમની સાથે રાજીવ સાટવ અને રેવંત રેડ્ડી પર બહાર ચાલી ગયા.

ચીનનું ચાંગ ઈ-5 યાન ચંદ્રના નમૂના લઈ ધરતી પર પરત ફર્યું

ઇમેજ સ્રોત, SHUTTERSTOCK
ચીનનું ચાંગ ઈ-5 યાન ચંદ્રની સપાટી પરથી પથ્થર અને માટીના નમૂના લઈને પૃથ્વી પર પરત ફર્યું છે.
ચાંગ ઈ-5 યાન સ્થાનિક સમય અનુસાર ગુરુવારે અંદાજે દોઢ વાગે ઇનર મોંગોલિયામાં ઊતર્યું.
ચાંગ ઈ-5ને એક અંતરિક્ષયાન દ્વારા 24 નવેમ્બરે દક્ષિણ ચીનના વેનચાંગ સ્ટેશનેથી છોડવામાં આવ્યું હતું.
ચાલીસ વર્ષ પછી આ પ્રકારના અભિયાનમાં ચંદ્રના નમૂનાને ધરતી પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ચાંદ ઈ-5 અંદાજે બે કિલોગ્રામ નમૂના લઈને આવ્યું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












