અન્ન સુરક્ષા : ગુજરાતમાં અનલૉક તો થયું પણ મજૂરોની હોજરીઓ પૂરી ભરાઈ નહીં

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના મહામારીને કારણે લૉકડાઉન જાહેર થયું ત્યારે ખભે થેલા મૂકીને રસ્તા પર ચાલ્યા જતાં હજારો મજૂરોનાં ચહેરા આપણને યાદ છે. એ મજૂરોની આંગળી ઝાલીને તેમની સાથે જતાં તેમનાં નાના ભૂલકાંનાં દૃશ્યો પણ ક્યારેય ભૂલાય એવા નથી.

લૉકડાઉનના મહિનામાં શ્રમિકોને પેટનો ખાડો પૂરવા ફાંફાં પડી જ ગયા હતા. ગુજરાતમાં અનલૉક થયું ત્યારે પણ ધંધો-રોજગાર અપૂરતા હોવાને કારણે રોજ કમાઈને રોજ ખાનાર શ્રમિકોની હોજરીઓ અર્ધી ખાલી જ રહી હતા એમ એક સરવેમાં બહાર આવ્યું છે.

લૉકડાઉન પછી ગુજરાતમાં ખોરાક અને ખાદ્યસુરક્ષા સંદર્ભે 'અન્ન સુરક્ષા અધિકાર અભિયાન' અને 'રોજીરોટી અધિકાર અભિયાન' દ્વારા એક સરવે કરવામાં આવ્યો હતો. ગુજરાતના 9 જિલ્લા અને શહેરના 403 પરિવારોને સાંકળીને આ સરવે કરવામાં આવ્યો હતો.

જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, મોરબી, નર્મદા, પંચમહાલ, વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિના દરમિયાન એની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

લોકોએ ભૂખ્યાં સૂઈ રહેવું પડ્યું

સરવેમાં નબળા અને પછાત વર્ગના સમુદાય વચ્ચે ભૂખની સ્થિતિ ચકાસવામાં આવી હતી. એના તારણો પર નજર કરીએ તો સપ્ટેમ્બર-ઑક્ટોબર મહિનામાં 21.8% લોકો 'કેટલીક વાર' ભૂખ્યા પેટે સૂઈ ગયા હતા. 8.9% લોકોએ 'ઘણી વાર' ભોજન છોડી દેવું પડ્યું હતું. 20.1% લોકોએ પણ 'કેટલીક વાર' ભોજન છોડી દેવું પડ્યું હતું.

જેમની ભૂખ અધકચરી જ સંતોષાઈ હતી એવા મોજણીમાં નોંધાયેલા 403 પરિવારો પૈકી 40.1% જેમના ઘરમાં એકાદ વ્યક્તિ વિકલાંગ હતી. 35% પરિવારો બેઘર કે ઝૂંપડપટ્ટી વિસ્તારના હતા.

64.5% લોકો એવા હતા કે જે દ્હાડિયા તરીકે કે છૂટક મજૂરી કરતા હતા. 38.7% લોકો એવા હતા જે ખેતીકામ પર નભતા હતા.

આ મોજણીમાં વધુ એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે 403માંથી 203 ઘર એવા હતા જેમની લૉકડાઉન પહેલા માસિક આવક 3000 રૂપિયાથી ઓછી હતી. એમાંના અડધોઅડધ એટલે કે 46.8% લોકોએ સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન આવકમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું.

એટલે કે મહિને ત્રણ હજાર રૂપિયા પણ તેમને મળતા નહોતા. એપ્રિલ અને મે મહિનામાં લૉકડાઉનને લીધે તેમના ઘરમાં કોઈ આવક જ નહોતી.

જેમની મહિનાની આવક 3000 રૂપિયા કરતાં ઓછી છે એવા લોકોએ રોજગારી મેળવવા માટે એક કરતાં વધુ આવકના સાધનો માટે કામ કરતાં રહેવું પડે છે. 30% લોકોએ ખોરાક માટે કરજ કરીને પૈસા લીધા હતા અને 17% લોકોને દાગીના કે અન્ય કિંમતી ચીજ ગીરો મૂકવાનો વારો આવ્યો હતો.

"લૉકડાઉન પછી સપ્ટેમ્બર - ઑક્ટોબર મહિનામાં કેટલાક મજૂરો સાથે અમે વાત કરી. તેમની આજીવિકાની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. રોજનું કમાઈને રોજ ખાનારાં કેટલાંક લોકોએ અમને કહ્યું કે અમારે કેટલાંક દિવસ ભોજન વગર સૂઈ જવું પડ્યું હતું. ક્યારેક તો ચા પણ બનાવી શકતાં નહોતાં. એમણે કહ્યું કે ઘરેણાં ગીરો મૂકીને ઘર ચલાવવાનો વારો આવ્યો હતો." આ શબ્દો રંજનબહેન વાઘેલાના છે.

રંજનબહેને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સરવેની કામગીરી કરી હતી. તેમણે પતંગ, અકીક અને હીરાઘસુઓને મળીને તેમની સ્થિતિ જાણી હતી.

મધ્યાહ્ન ભોજનનું રૅશન ઘરે તો પહોંચ્યું પણ…

સરવેમાં એ પણ સામે આવ્યું છે કે ગુજરાતમાં ભૂખમરાની સ્થિતિ નથી જોવા મળી એનું કારણ અન્નની જે જાહેર વિતરણ વ્યવસ્થા - પીડીએસ(પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ) છે. જેમનો સરવે કરવામાં આવ્યો એ પૈકી 85% ટકા લોકો પાસે રૅશન કાર્ડ હતું.

જેમાંના 80% લોકોએ જણાવ્યું હતું કે એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન દર મહિને રૅશન મળ્યું છે.

જે ઘરમાં બાળકો શાળાએ જતાં હતાં એમાંના 80.2% બાળકોનાં ઘરે મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ રૅશન કે ભથ્થું મળ્યું છે. જોકે, એ પૂરતું નહોતું.

આ સંદર્ભે વિગતો જણાવતાં આનંદી સંસ્થાના ટેકનિકલ સપોર્ટ યુનિટના ડિરેક્ટર નીતા હાર્ડીકરે કહ્યું હતું કે, "અભ્યાસ દરમિયાન જોવા મળ્યું કે કૂકિંગ કોસ્ટ તરીકે રકમ જમા કરવાનો જે જનરલ રિઝોલ્યુશન - જીઆર થયો, જેમાં મુખ્યત્વે દાળ, તેલ, મસાલાનો ખર્ચો સરકાર મધ્યાહ્ન ભોજન સંચાલકોને આપતી હોય છે. એમાંથી બાળકોનાં ખાતામાં ક્યાંક 44 તો ક્યાંક 56 રૂપિયા મહિનાના અંતે જમા થયા."

નીતા કહે છે કે, "આ ખૂબ નજીવી રકમ છે. આટલા રૂપિયામાં કિલો દાળ કે તેલ પણ એ ઘરના બાળક માટે ન આવી શકે. આના પરથી જોવા મળે છે શાળામાં ચાલતી મધ્યાહન ભોજનની યોજનાને ઘરે પહોંચાડાતા રૅશન તરીકે તબદીલ કરવામાં આવે તો યોજના સંકોચાઈ જાય છે."

એમણે એમ પણ કહ્યું કે "સરવે કરવા જે સ્વયંસેવકો જે લોકોના ઘરે ગયા હતા તેમણે એ પરિવારોમાં જે હતાશા કે વિષાદ જોયો એ સરવેમાં ન તો સમાવી શકાય છે ન તો વર્ણવી શકાય."

કોરોના લૉકડાઉનની અસર આરોગ્ય કરતાં પણ આજીવિકા પર મોટી

'આનંદી' સંસ્થાનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સેજલ દંડે જણાવ્યું હતું કે, " અન્ન એ પાયાનો અધિકાર છે. લૉકડાઉન દરમિયાનની હાડમારીને કારણે અન્ન અધિકારને મોટો ધક્કો પહોંચ્યો છે. ગરીબ અને રોજનું કમાઈને રોજ ખાનારાં લોકોની આજીવિકા પર જે અસર થઈ છે એ સ્વાસ્થ્ય કરતાં મોટી છે."

"જો આ સ્થિતિમાં દરમિયાનગીરી ન કરવામાં આવે તો ગુજરાતમાં કુપોષણનો દર ખૂબ વધી જાય અને એનો ઉકેલ મેળવતાં વર્ષો લાગી જાય એમ છે. કોરોનાની વૅક્સિનથી આ સમસ્યા ઉકેલાઈ જશે એવું નથી. અન્ન સુરક્ષા મામલે ગુજરાતમાં તાબડતોબ કામ કરવાની જરૂર છે. બજેટ વધારવાની જરૂર છે."

કડિયાનું મહેનતાણું 100 રૂપિયા ઘટી ગયું

જે શ્રમિકો મજૂરી માટે સ્થળાંતર કરતાં હતા તેમને લૉકડાઉનમાં બેવડો માર પડ્યો હતો. કઈ રીતે? એ વિશે જણાવતાં નીતા હાર્ડીકરે કહ્યું હતું કે, "લૉકડાઉન વખતે જે મજૂરો ચાલીને પોતાને વતન આવ્યાં એમાં પંચમહાલ-દાહોદના આદિવાસી વિસ્તારોના પણ ઘણાં હતા."

"એ પરિવારો સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ફરી પોતાને ખર્ચે અમદાવાદ-વડોદરા કે અન્ય શહેરોમાં ચણતર કે ખેતી કામ માટે ગયા ત્યારે તેમને કામ ન મળ્યું અને ફરી ઘરે પાછા આવી જવું પડ્યું. તેમનો જવા-આવવાનો ખર્ચ માથે પડ્યો અને કામ ન મળવાને કારણે મુશ્કેલીઓ વધી."

ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના જે મજૂરો ગુજરાતમાં આવે છે તેમની આજીવિકાના અલગ જ સવાલો છે અને યથાવત્ છે.

આજીવિકા બ્યૂરો સંસ્થા સાથે સંકળાયેલા મહેશ ગજેરાએ કહ્યું હતું કે, "લૉકડાઉન પછી અનલોક થયું ત્યારે જૂન મહિનાના પહેલા સપ્તાહમાં અમદાવાદમાં કડિયા શ્રમિકો જે આદિવાસી હતા તે તરત જ આવી ગયા હતા. માર્ચ અન એપ્રિલ તેમને કોઈ કામ જ મળ્યું નહોતું તેથી તેઓ તરત જ આવી ગયા. અમે આવા 135 પ્રવાસી શ્રમિકોની મોજણી કરી હતી."

મહેશ ગજેરા કહે છે કે "આ શ્રમિકોમાં કડિયા, ફેક્ટરી વર્કર અને એપીએમસી કામદારો વગેરે સામેલ હતા."

"સરવેમાં અમે નોંધ્યું કે જે કામદારો પહેલાં એકલા મજૂરી માટે આવતા હતા તેઓ લૉકડાઉન પછી સપરિવાર સ્થળાંતર કરવા લાગ્યા છે કારણકે સ્કૂલો બંધ છે."

મહેશ ગજેરા કહે છે કે "હવે ચિત્ર એવું છે કે કડિયાનાકા પર કિશોરો વધારે જોવા મળે છે. ગુજરાતમાં ચણતરમાં બાળમજૂરીનું પ્રમાણ વધી રહ્યું છે. શ્રમિકોને અનલૉક પછી જુલાઈ મહિનાથી કામ ઓછું મળવા લાગ્યું હતું. તેથી મજૂરી દર પણ ઓછો થઈ ગયો છે."

"કડિયાકામમાં જે 350 રૂપિયા રોજની મજૂરી મળતી હતી તે આજે 250 પર આવી ગઈ છે. દૈનિક વેતન અને કામના દિવસો ઓછા થઈ ગયા છે. અગાઉ 25 દિવસ કામ મળતું હતું હવે 15 દિવસનું કામ મળે છે."

સીવણકામ પર નભતી મહિલાઓની હાલત ખરાબ

જ્યારે શ્રમિકો કે કામદારોની વાત આવે ત્યારે પુરૂષો જ વધુ ધ્યાને આવે છે પણ મહિલાઓની જે હાલત છે એ પણ ગંભીર છે.

મહેશ ગજેરા કહે છે કે, "અમદાવાદમાં નારોલ જેવા વિસ્તારમાં અન્ય રાજ્યોના શ્રમિકો છે તેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ ઉત્તર પ્રદેશ, બિહારના મજૂરોની છે, ત્યાં પચાસ ટકા લોકો પાસે કામ નથી."

"નારોલ વિસ્તારમાં ઘરે બેસીને મહિલાઓ જે સિલાઈકામ કરતી હતી તે આજ દિવસ સુધી ચાલુ જ નથી થયું. દિવાળી અને નોરતા ગયા છતાં કામ નથી મળ્યું. હવે તેમનું મકાનનું ભાડું માથે ચઢી રહ્યું છે અને રૅશન ઉધાર મળતું નથી."

મહેશ ગજેરા કહે છે "તેમના પર કરજ વધી ગયું છે. પુરૂષ હોય કે મહિલા, શ્રમિકો તેમની આવકનો 48% ટકા હિસ્સો રોજના ભોજન પાછળ ખર્ચે છે. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં મજૂરી રળવા આવેલા 98% લોકોનું રૅશનકાર્ડ વતનમાં છે."

"તેઓ પોતાની રોજની આવકનો 42% ભાગ ખોરાક ભોજન પાછળ ખર્ચે છે જ્યારે કે સામાન્ય માનવી 15-20% ખર્ચે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો