હાથરસ અમિત શાહના ગૃહ મંત્રાલયે બળાત્કારના કેસો માટે શું નવી ગાઇડલાઇન આપી?

અમિત શાહ

ઇમેજ સ્રોત, Sonali Pal Chaudhury/NurPhoto via Getty Images

ભારતના ગૃહ મંત્રાલયે શનિવારે એક વિગતવાર ગાઇડલાઇન જાહેર કરી મહિલાઓ સામે આચરવામાં આવતા ગુનાઓ સબબ પોલીસે અનિવાર્ય રીતે કરવાની કામગીરી અંગે જાણકારી આપી છે.

આ માર્ગદર્શિકા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે જાહેર કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય દલિત યુવતી સાથે કથિત ગૅંગ રેપ અને હત્યાની ઘટનાને લઈને પોલીસની શિથિલ કામગીરી અને કાર્યશૈલી પર ગંભીર સવાલો કરવામાં આવી રહ્યા છે અને આ કેસ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાઈ રહ્યો છે તેમજ આને લઈને રાજ્ય સરકારની પણ ઘણી બદનામી થઈ રહી છે.

આ કેસ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લાગ્યા છે કે તેઓ મહિલાઓની સુરક્ષા અને તેમની સાથે થતા અપરાધોને મામલે ન્યાય અપાવવા ગંભીર નથી.

આની નોંધ લઈ શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી છે.

આ માર્ગદર્શિકામાં મહિલા સામેના અપરાધોમાં કાર્યવાહી નહીં કરનાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાનો નિદેશ આપવામાં આવ્યો છે.

આમાં આઈપીસીની કલમ 166એ મુજબ દંડનીય અપરાધ માટે સીઆરપીસીના સેક્શન 154ના સબ સેક્શન 1 પ્રમાણે ફરિયાદ નહીં નોંધવાના સંબંધમાં 16 મે 2019એ ગૃહ મંત્રાલયે આપેલી માર્ગદર્શિકાનો સંદર્ભ આપવામાં આવ્યો છે.

આમાં ગૃહ મંત્રાલયની 5 ડિસેમ્બર 2019ની માર્ગદર્શિકાનો સંદર્ભ પણ આપવામાં આવ્યો છે જેમાં મહિલાઓ સામેના ગુનાઓમાં સમય પર અને સક્રિય કાર્યવાહીની વાત કરવામાં આવી હતી.

આ સિવાય બળાત્કારના કેસની તપાસ માટે એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર) અને યૌન હિંસાના કેસોમાં પુરાવાઓ એકત્રિત કરવાના અંગેની કિટ વિશેની માર્ગદર્શિકાનો પણ સંદર્ભ આપવામાં આવ્યો છે.

line

શું કહે છે ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા

પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

મહિલાઓ સાથે આચરવામાં આવતા ગુનાઓ માટે કેન્દ્ર સરકારે કાયદાકીય જોગવાઈઓને વધારે મજબૂત કરી છે.

માર્ગદર્શિકા કહે છે કે "કેન્દ્ર સરકારે સમયાંતરે રાજ્યો માટે અનેક નિદેશ આપેલા છે જેથી પોલીસ મહિલાઓ વિરુદ્ધના અપરાધોમાં સખત કાર્યવાહી કરી શકે. એમાં પોલીસ ફરિયાદ દાખલ કરવી, પુરાવાઓ એકત્રિત કરવા અને સેક્સુઅલ અસૉલ્ટ એવિડન્સ કલેક્શન(એસએઈસી) કિટ, બે મહિનામાં તપાસ પૂર્ણ કરવા અને યૌન હિંસાના અપરાધીઓનો ડેટાબેઝ બનાવવો વગેરે સામેલ છે."

આ માર્ગદર્શિકા મુજબ-

ગંભીર ગુનાઓને કેસમાં ફરિયાદ અનિવાર્ય રીતે દાખલ કરવામાં આવે. કાયદા મુજબ પોલીસ પોતાના સ્ટેશનની બહાર થયેલી ઘટનામાં ઝીરો ફરિયાદ પણ દાખલ કરી શકે છે.

ગંભીર ગુનામાં ફરિયાદ દાખલ કરવામાં નિષ્ફળ રહેવા પર સરકારી કર્મચારી સામે આઈપીસીની સેક્શન 166 મુજબ દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ છે.

સીઆરપીસીની સેક્શન 173 બળાત્કારના કેસોમાં બે મહિનામાં તપાસ પૂરી કરવાની વાત કરે છે. આ સંબંધમાં ગૃહ મંત્રાલયે એક ઑનલાઇન પોર્ટલ પણ બનાવેલું છે જ્યાં આવા કેસોને ટ્રેક કરી શકાય છે.

યૌન હુમલો કે બળાત્કારના કેસમાં 24 કલાકની અંદર સહમતીથી પરીક્ષણ કોઈ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિનર પાસે કરાવવું જોઈએ.

ભોગ બનનારનું લેખિત કે મૌખિક નિવેદન એક પુરાવા તરીકે લેવામાં આવે.

યૌન હિંસાના મામલાઓમાં ફૉરેન્સિક પુરાવાઓ માટે ગૃહ મંત્રાલયે માર્ગદર્શિકા આપેલી છે. આવા કેસની તપાસ માટે પોલીસને એસએઈસી કિટ આપવામાં આવી છે.

કાયકાકીય રીતે સખત જોગવાઈ અને ક્ષમતા વધારવાના ઉપાયો પછી પણ પોલીસ જો આ અનિવાર્ય આવશ્યક બાબતોનું પાલન ન કરે તો તે દેશમાં ક્રિમિનલ જસ્ટિસને પ્રભાવિત કરી શકે છે. જો આવી ખામીઓ દેખાય છે તો તેની તપાસ થવી જોઈએ અને તેના માટે જવાબદાર સંબંધિત અધિકારીઓ સામે તત્કાળ સખત કાર્યવાહી કરવી જોઈએ.

8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તમામ સંબંધિત અધિકારીઓને આ દિશામાં યોગ્ય નિર્દેશ જારી કરી શકે છે જેથી નિયમોનું સખતાઈથી પાલન થાય એ નિશ્ચિત કરી શકાય.

ઉલ્લેખનીય છે કે હાથરસ મામલે પોલીસની શિથિલતા અને અસંવેદનશીલતાને લઈને ઉત્તર પ્રદેશ સરકારની ભારે ટીકા કરવામાં આવી રહી છે. આ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરવાને લઈને વિપક્ષો યોગી સરકારની આલોચના કરે છે.

આ સમયે આ માર્ગદર્શિકા દ્વારા કેન્દ્ર સરકાર પોતે મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર છે એ દર્શાવવા પ્રયાસ કરી રહી હોય એમ શક્ય છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો