કોરોનાકાળમાં નવરાત્રી માટે 200 માણસનું ભેગા થવું કેટલું જોખમી?

માસ્ક પહેરેલી વ્યક્તિ

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની અનલૉક - 5 હેઠળની માર્ગદર્શિકા અંતર્ગત નવરાત્રી, દશેરા, દિવાળી સહિતના તહેવારો મામલે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.

જેમાં સરકારે જાહેર ગરબા આયોજનની મંજૂરી નથી આપી. પરંતુ પૂજા-અર્ચના માટે ગરબી અથવા મૂર્તિ-તસવીરની સ્થાપના કરવા માટે વધુમાં વધુ 200 વ્યક્તિનાં ભેગા થવાની મંજૂરી આપી છે.

જોકે તેના માટે વિગતવાર માર્ગદર્શિકા છે જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને જગ્યાઓને સૅનેટાઇઝ કરવા સહિતની બાબતો સામેલ છે.

બીજી તરફ ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમિત કેસોમાં વધારો યથાવત છે અને ગુજરાતમાં પણ સરેરાશ દરરોજ 1200 કેસ નોંધાઈ રહ્યા છે.

ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાંમાં પણ કોરોના સંક્રમણે પગપેસારો કરી દીધેલ છે. સુરત, અમદાવાદ સહિતના મોટા શહેરોમાં દરરોજ 200-300 કેસો નોંધાઈ રહ્યા છે. જે શરૂઆતના 30-70 કેસો કરતાં ઘણા વધારે છે.

પરંતુ બીજી તરફ ગુજરાતમાં કોરોના વાઇરસની સારવાર બાદ સાજા થનારા દર્દીઓનો દર 75 ટકાથી વધારે છે.

જોકે, દેશમાં અન્ય રાજ્યોમાં કેટલીક જગ્યાએ ફરી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હોવાના અહેવાલો પણ જોવા મળ્યા છે. તો વળી અન્ય કેટલાક દેશો પણ મર્યાદિત રીતે ફરી લૉકડાઉન લાગુ કરતા જોવા મળ્યા છે.

line

શિયાળો અને ફેસ્ટિવલ સીઝન પડકારરૂપ

તાપણું કરતા બે વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

'નેશનલ કંટ્રોલ ફૉર ડિસિઝ કંટ્રોલ' દ્વારા તૈયાર એક અહેવાલમાં તો ચેતવણી પણ આપવામાં આવી છે કે દિલ્હીમાં શિયાળાની ઋતુ અને ફેસ્ટિવલ સિઝનના લીધે કેસોનું પ્રમાણ પ્રતિદીન 15000ને સ્પર્શી શકવાની શક્યતા છે.

તેમાં ત્રણ કારણો પર મુખ્યત્ત્વે ભાર મૂકાયો છે. જેમાં શિયાળામાં શ્વસનસંબંધિત તકલીફોની તીવ્રતામાં વધારો, બહારથી શહેરમાં આવતા લોકોની સંખ્યામાં વધારો અને વધુ દૂરથી આવતા દર્દીઓની સંખ્યામાં વધારો.

નીતિ આયોગના આરોગ્ય બાબતોના અધ્યક્ષ ડૉ. વી. કે પૉલના સુપરવિઝન હેઠળ આ અહેવાલ તૈયાર કરાયો છે. રિપોર્ટ અનુસાર આગામી ઉત્સવોની સિઝન અને મોટા મેળાવળા સૌથી મોટો પડકાર સર્જી શકે છે.

આમ, આગામી સમયમાં ફરી કોરોના વાઇરસના કેસોમાં વધારો જોવા મળી શકે એવી શક્યતાઓ અને ચેતવણી અપાઈ છે.

કોરોનાનો ટેસ્ટ કરાવી રહેલી વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

દરમિયાન ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલ કુલ 16465 એક્ટિવ કેસો છે અને અત્યાર સુધી કુલ 48 લાખથી વધુ લોકોના ટેસ્ટ થયા છે અને કુલ 3538 લોકોનાં મૃત્યુ નોંધાયાં છે.

હવે જો ગુજરાતની કુલ અંદાજિત વસ્તીની વાત કરીએ તો 6.5 કરોડની વસ્તીમાં 48 લાખ લોકોના ટેસ્ટ થયા છે.

જેનો અર્થ કે બીજા 6 કરોડ લોકોના ટેસ્ટ બાકી છે. જે વધુ ટેસ્ટિંગ થતા કેસો વધી શકવાનો સંકેત દર્શાવે છે.

બીજી તરફ રાજ્યમાં આરોગ્ય સેવા અને સુવિધાઓની કેવી સ્થિતિ છે તેની વાત કરીએ તો 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર 18મી સપ્ટેમ્બરના રોજ દેશના રાજ્યોમાં એક લાખની વસ્તી પર સરેરાશ પથારીનું પ્રમાણ 118 હતું.

પરંતુ ગુજરાત આ મામલે 14મા ક્રમે હતું અને પ્રતિ 1000ની વસ્તી માટે ઉપલબ્ધ પથારીની સરખામણીએ તે 23મા ક્રમે હતું. એટલે નેશનલ એવરેજ કરતાં પણ ગુજરાતમાં પથારીનું પ્રમાણ ઓછું હતું. જોકે, સપ્ટેમ્બર કરતા ઑગસ્ટમાં રિકવરી રેટ વધ્યો છે.

line

'200 માણસના ભેગા થવાથી જોખમ વધી જશે'

આરોગ્યકર્મી ડૉક્ટર

ઇમેજ સ્રોત, Getty Images

નવરાત્રી દરમિયાન 200 લોકોને સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરના પાલન સાથે ભેગા મળવાની પરવાનગી અને કોરોનાના બીજા તબક્કા મામલે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ) સુરત બ્રાન્ચના તત્કીલીક પૂર્વ પ્રમુખ અને આઈએમએ હડક્વાર્ટર્સના જૂનિયર ડૉક્ટર્સ નેટવર્ક વિભાગના સચિવ ડૉ. પારુલ વડગામાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સરકારે ગરબાના જાહેર આયોજનની મંજૂરી ન આપી તે આવકાર્ય પગલું છે.

તેમણે કહ્યું, "અમે તો પહેલાંથી જ કહી રહ્યા હતા કે નવરાત્રીની પરવાનગી ન આપવી જોઈએ. તેમ છતાં જો કે 200 વ્યક્તિઓને ભેગા મળવાની મંજૂરી આપી છે એ જોખમકારક જ છે. કેમ કે આરતી ગાતી વખતે કદાચ માસ્ક સરખો પહેરશે નહીં અથવા કોઈને શ્વાસની તકલીફ હોય તો તે માસ્ક કાઢીને આરતી ગાશે. એટલે તેનાથી જોખમ વધી જાય છે."

"જો કોઈ એક વ્યક્તિ સંક્રમિત હશે, તો તે તમામને સંક્રમિત કરે એવું જોખમ રહેલું છે. વળી મોટા ભાગે તહેવારોમાં લોકોની આદત હોય છે કે તેઓ નાસ્તોપાણી કરીને પછી ભેગા મળી વાતો કરતા હોય છે. એટલે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સાવધાનીની કાળજી કેટલી રાખી શકાશે એ પણ એક સવાલ છે."

નીતિન પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતના નાયમ મુખ્ય પ્રધાન નીતિન પટેલ

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારપરિષદમાં નવરાત્રી સહિતના તહેવારોની ગાઇડલાઇન જારી કરતી વખતે કહ્યું હતું કે સરકારે રાજ્યના મેડિકલક્ષેત્રના નિષ્ણાતો અને વિવિધ ઍસોસિયેશનની સલાહ લીધા પછી જ નિર્ણય કર્યો છે.

સુરતમાં જુલાઈ-ઑગસ્ટમાં કોરોના વાઇરસનું સંક્રમણ તેની ચરમસીમા પર હતું. આથી બીબીસીએ જાણવાની કોશિસ કરી કે શું ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનની મુખ્ય કમિટી અથવા તો સુરતની કમિટી સાથે કોઈ પ્રકારની સલાહ કે સૂચનો મંગાવવામાં આવ્યા હતા કે કેમ?.

તેના જવાબમાં પારુલ વડગામાએ કહ્યું,"અમે સમયેસમયે અમારાં સૂચનો સ્થાનિકતંત્ર સમક્ષ રજૂ કરતા રહીએ છીએ. પરંતુ નવરાત્રી સહિતના તહેવારો માટેની માર્ગદર્શિકા મામલે અમારા ઍસોસિયેશનની સુરત બ્રાન્ચ પાસે કોઈ સૂચનો નહોતાં માંગવામાં આવ્યાં. જોકે બની શકે કે તેમણે ગુજરાતની સેન્ટ્રલ બ્રાન્ચ પાસે કોઈ અભિપ્રાય માગ્યો હોય."

અત્રે નોંધવું કે ડૉ. પારુલ વડગામા સુરત સિવિલ હૉસ્પિટલમાં પણ કોરોના દર્દીઓની સારવારમાં સેવા આપી રહ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું, "હાલ સુરત સિવિલ હૉસ્પિટલમાં 1000માંથી 800થી વધુ પથારી ખાલી છે. અને પૂરતી સુવિધાઓ તથા સપ્લાય ઉપલબ્ધ છે. જો કે જુલાઈ-ઑગસ્ટમાં સ્થિતિ ચરમસીમાએ હતી. પણ સુરતનું પબ્લિક-પ્રાઇવેટવાળું સંયુક્ત માળખું હવે ભવિષ્યના પડકારો માટે સજ્જ છે."

line

'80 ટકા પથારી ફૂલ'

કોરોનાનું ગ્રાફિક્સ

ઇમેજ સ્રોત, Getty Images

વળી અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના દરદીઓને કૉર્પોરેશનના ક્વોટા હેઠળ સારવાર આપતી હૉસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ હોવાના પણ અહેવાલો નોંધાયા હતા.

અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશનના હવાલા સાથે આઉટલૂકનો 28 સપ્ટેમ્બરે એવો અહેવાલ હતો કે 80 ટકા ખાટલા દરદીઓથી ભરેલા છે.

વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાએ ઊથલો માર્યો છે અને સંક્રમણ વધ્યું છે. જેમ કે, સ્પેનની રાજધાની મેડ્રિડમાં આંશિક લૉકડાઉન લાગુ થયું છે. જે અંતર્ગત 10 લાખ લોકો ઘરમાં છે.

યુકેમાં જુલાઈની શરૂઆતમાં લૉકડાઉનમાં વધારે છૂટ આપવામાં આવી હતી, એ પછી આરોગ્યનિષ્ણાતોએ સરકારને કોરોના સંક્રમણની બીજી લહેર માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી.

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનનાં વડાં મોનાબહેન દેસાઈ અનુસાર કોરોના પર નિરીક્ષણ કરી રહેલા વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે નવેમ્બરમાં ભારતમાં કોરોનાની મોટી લહેર આવશે. નવેમ્બરમાં ઠંડક વધુ હશે. કોરોના બાબતે લોકોની શિસ્તનો અત્યાર સુધીનો રેકૉર્ડ ખરાબ છે એવામાં જો આવનારા દિવસોમાં તકેદારી ન રાખીએ તો પરિણામ વધુ ભયંકર આવી શકે છે.

તેમનું એવું પણ કહેવું હતું કે હૉસ્પિટલોમાં ખાટલા ખૂટી પડ્યા છે. ત્યારે જો પરિસ્થિતિ છે એના કરતાં વધુ ખરાબ થશે તો એ સ્થિતિ વધારે ભયાવહ રહેશે.

line

'સંક્રમિત કેસોમાં ઉછાળો આવે એવી શક્યતા'

કોરોનાનો ટેસ્ટ કરાવી રહેલી વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

દરમિયાન રાજ્યમાં કોવિડ-19ની ટાસ્ક ફોર્સના સભ્ય અને ગાંધીનગરસ્થિતિ 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ'ના ડાયરેક્ટર દિલીપ માવળંકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે રાજ્યમાં ફરી સંક્રમિત કેસોમાં ઉછાળો આવે એવી શક્યતા છે.

તેમણે કહ્યું, "સિનેમા થિયેટરો ખૂલ્યાં છે. દિવાળી પછી સ્કૂલ-કૉલેજો ખૂલી શકે છે. અને ઉપરથી નવરાત્રી સહિતના તહેવારો. એટલે કેસો વધી શકે છે."

"પરંતુ અન્ય રાજ્ય જેમ કે મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતની સ્થિતિ સારી છે. પરંતુ વસ્તીની સરખામણી કરવી પણ મહત્ત્વની છે."

"જોકે મુખ્ય વાત આંકડાઓની નથી. એ પણ જોવું પડે કે જેટલા કેસ આવે છે તેમાંથી કેટલાને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. એટલે દેશનાં દરેક શહેરનો ગ્રાફ ધ્યાન પર લેવો જોઈએ."

"જ્યાં સુધી તહેવારોમાં ભેગા થવાની વાત છે તો નવરાત્રીની આરતીમાં માત્ર યુવાઓ જ ભેગા થાય તો હિતાવહ રહેશે. વળી તેમણે એ પણ ધ્યાન રાખવું પડશે કે તેઓ ઘરે જઈને વૃદ્ધ લોકોને સંક્રમણ ન લગાવે."

line

આંકડાઓ વધી શકે છે

કોરોનાની દવા

ઇમેજ સ્રોત, Getty Images

જોકે અમદાવાદની સિવિલ હૉસ્પિટલની વાત કરવામાં આવે તો તેના અધિકારી ડૉ. જે. પી મોદી અનુસાર કોવિડ-19 માટે 1200 જેટલી પથારી તૈયાર કરાઈ હતી.

જેમાં ઑગસ્ટમાં 250 પથારી ભરાઈ હતી અને તેની ઑક્યુપન્સી સરેરાશ 350 જેટલી રહી છે. પરંતુ તેમનું કહેવું છે કે આંકડાઓમાં ફરી કેટલોક વધારો જોવા મળ્યો છે.

અમદાવાદ હૉસ્પિટલ અને નર્સિંગ હૉમ્સ ઍસોસિયેશનના આંકડાને ધ્યાને લઈએ તો સપ્ટેમ્બરમાં ખાનગી હૉસ્પિટલોમાં ઓક્સિજન ધરાવતા અને આઈસીયૂના ખાટલા 80 ટકા ભરાઈ ગયા હતા.

ઘણા નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય પથારી ભલે ઉપલબ્ધ હોય પરંતુ આઈસીયૂની પથારીની સંખ્યામાં એક સમયે અછત હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. અને જો ભવિષ્યમાં સમગ્ર રાજ્યભરમાં ફરી વખત મોટો ઉછાળો આવે તો આવી પથારીની વધુ જરૂર વર્તાઈ શકે છે.

આ તમામ બાબતે બીબીસીએ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો