હાથરસ કેસ: એ છ સવાલો જેના જવાબ ઉકેલી શકે છે રહસ્ય

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTY IMAGES
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા, હાથરસથી
ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે 14 સપ્ટેમ્બરના રોજ 20 વર્ષીય દલિત યુવતી સાથે કથિત ગૅંગરેપ બાદ 29 સપ્ટેમ્બર થયેલા મૃત્યુના પરિણામે ઉત્તર પ્રદેશ પ્રશાસન અને સરકાર સામે વિરોધનો વંટોળ વધારે તેજ બનતો જઈ રહ્યો છે.
પીડિતા સાથે કથિતપણે ગૅંગરેપ બાદ તેમની સાથે અમાનવીય હિંસા કરાઈ હોવાના આરોપો છે. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે.
હવે જ્યારે આ ઘટના એક રાષ્ટ્રીય મુદ્દો બની ગઈ છે અને ચારે તરફથી પીડિતા અને તેમના પરિવાર માટે ન્યાયની માગણીઓ ઊઠી રહી છે અને આ મામલે કેટલાક પ્રશ્નો પણ ઊઠી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને અનેક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે અને અનેક દાવાઓ થઈ રહ્યા છે ત્યારે કેટલાક એવા મહત્ત્વના સવાલો છે જે ઘટનાનું રહસ્ય ઉકેલી શકે છે. એ સવાલો પર નજર જે હજી ઉકેલાઈ નથી રહ્યાં.

1. ઘટના બની એ સમયે પીડિતાનો નાનો ભાઈ ક્યાં હતો?

આ કેસમાં મુખ્ય આરોપી સંદીપ છે અને પીડિતાનાં નાના ભાઈનું નામ પણ સંદીપ જ છે.
સોશિયલ મીડિયા અને મેઇનસ્ટ્રીમ મીડિયામાં પીડિતાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો પીડિતાનાં પરિજનો ઘટના પછી પોલીસ સ્ટેશન પહોંચ્યા એ સમયનો ગણાવાય છે.
આ વીડિયોમાં પીડિતા કહે છે કે 'સંદીપે મારું ગળું દબાવી દીધું. હાથથી ગળું દબાવ્યું, ગળું છોડ્યું જ નહીં.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે પીડિતાને પૂછવામાં આવે છે કે ગળું કેમ દબાવ્યું તો એ જવાબ આપે છે કે, 'મેં જબરદસ્તી ન કરવા દીધી.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ વીડિયોને આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે પીડિતા જે સંદીપનું નામ બોલે છે એમનો નાનો ભાઈ જ છે. જોકે, સંદીપે બીબીસીને કહ્યું કે ઘટના સમયે તેઓ નોઇડામાં હતા અને પછી બે અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં બહેનની સાથે જ રહ્યા. પીડિતાનાં શબની સાથે જ તેઓ ગામ પહોંચ્યા હતા.
ગામના અનેક લોકોએ મીડિયામાં નિવેદન આપતા કહ્યું કે પીડિતા જે સંદીપનું નામ લઈ રહી છે તે નાનો ભાઈ જ છે. જોકે, કોઈ પણ એ નથી કહી રહ્યું કે એને એ દિવસે ગામમાં જોવામાં આવ્યો હતો કે નહીં.
આ કેસમાં એક અન્ય એક આરોપી પણ સંદીપ છે જેની પોલીસે પીડિતાનાં પરિવારજનોની ફરિયાદ પર ધરપકડ કરી છે.

2. પ્રથમ પોલીસ ફરિયાદમાં બળાત્કારની કલમ કેમ નહીં?

પીડિતાના મોટાભાઈએ પોલીસ સ્ટેશનમાં લખાવેલી પ્રથમ ફરિયાદમાં બળાત્કારનો ઉલ્લેખ નથી. એમાં મુખ્ય આરોપી સંદીપે એમનું ગળું દબાવી મારવાની કોશિશ કરી એવો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેના આધારે જ પોલીસ ફરિયાદ થઈ છે.
હવે, એ સવાલ ઉઠે છે કે પરિવારે પ્રથમ પોલીસ ફરિયાદમાં બળાત્કારની વાત કેમ ન કહી.
બીબીસીએ આ સવાલ જ્યારે પીડિતાનાં માતાને પૂછ્યો તો એમણે કહ્યું કે, 'દીકરી એ સમયે ભાનમાં નહોતી. પૂરી વાત ન કરી, જ્યારે એ ફરી ભાનમાં આવી ત્યારે આખી વાત કરી.'
જોકે, જ્યારે બીબીસીએ એમની સાથે અનૌપચારિક વાત કરી તો એમણે કહ્યું કે, લોકલાજનો પણ ભય હતો.
પીડિતાનાં માતાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તે જ્યારે બાજરીના ખેતરમાંથી મળી ત્યારે અર્ધનગ્ન અને બેહોશ હતી.

3. પોલીસે તરત જ બળાત્કાર માટે પરીક્ષણ કેમ ન કરાવ્યું?

ઇમેજ સ્રોત, PAWAN SHARMA/GETTY IMAGES
જ્યારે પીડિતાએ પોલીસની પૂછપરછમાં પોતાની સાથે બનેલી ઘટના વિસ્તારથી કહી અને ચાર આરોપીઓનું નામ લીધું ત્યારે 22 સપ્ટેમ્બરે યૌન હુમલાને લઈને પીડિતાનો નમૂનો પહેલી વાર લેવામાં આવ્યો. આગરાની ફૉરેન્સિક લૅબને આ નમૂનાઓ 25 સપ્ટેમ્બરે મળ્યા.
અહીં સવાલ એ છે કે પીડિતા જ્યારે પહેલીવાર પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યારે પોલીસે યૌન હુમલાની દૃષ્ટિએ તપાસ કેમ ન કરી. વળી, પીડિતાની માતાનું નિવેદન છે કે તે અર્ધનગ્ન અને બેહોશ મળી હતી.
આ સવાલ પર તત્કાલીન એસપી અને હવે સસ્પેન્ડ કરાયેલા વિક્રાંત વીરે બીબીસીને કહ્યું હતું કે, 'પીડિતાનાં પરિવારે જે ફરિયાદ આપી હતી તેના આધારે જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. પછી જ્યારે પીડિતાને ભાન આવ્યું અને એમણે ગૅંગરેપની વાત કરી તો પછી 22 સપ્ટેમ્બરે ગૅંગરેપની કલમો લગાવવામાં આવી અને ચારે આરોપીઓની તરત જ ધરપકડ કરી લેવામાં આવી.'
જોકે, જ્યારે એમને બીબીસીએ પૂછયું કે પહેલી ફરિયાદ પછી પોલીસે બળાત્કારને લઈને કાર્યવાહી કેમ ન કરી તો એમનો જવાબ હતો કે 'પોલીસે યોગ્ય કામ કર્યું છે અને પુરાવાઓ એકત્ર કરવાની દરેક કોશિશ કરી છે.'
પીડિતા જ્યારે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે એની હાલત ખરાબ હતી. એ વખતે નિવેદનમાં જબરદસ્તીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો તો પણ પોલીસે શરૂઆતમાં જ કેસને યૌન હુમલાની દૃષ્ટિએ કેમ ન જોયો એનો જવાબ ઉત્તર પ્રદેશ પોલીસે આપવાનો રહે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

4. પોલીસે પરિવારને મેડિકલ રિપોર્ટ અને પોસ્ટ્મૉર્ટમ રિપોર્ટ કેમ ન આપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
પરિવારજનોનો આરોપ છે કે પોલીસે હજુ સુધી પીડિતાનો મેડિકલ રિપોર્ટ અને પોસ્ટ્મૉર્ટમ રિપોર્ટ તેમને આપ્યો નથી. જ્યારે બીબીસીએ આ અંગે તત્કાલીન એસપી વિક્રાંત વીરને પૂછયું તો તેમણે કહ્યું કે, આ રિપોર્ટ હજી ગુપ્ત છે અને તપાસમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પીડિતાનાં પરિવારને તમામ તબીબી કાગળો અને પોસ્ટ્મૉર્ટમ રિપોર્ટ મેળવવાનો અધિકાર છે. પરિવારને હજુ રિપોર્ટ કેમ નથી આપવામાં આવ્યો તે અંગે પોલીસે કોઈ જવાબ આપ્યો નથી.
પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ફૉરેન્સિક પુરાવાના આધારે બળાત્કાર થયો છે, તે પુરવાર થતું નથી. જોકે, રિપોર્ટમાં બળજબરીથી પેનિટ્રેશનના પ્રયાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે અહેવાલમાં આ મુદ્દાને પોતાના નિવેદનમાં સામેલ કર્યો નથી.
જ્યારે બીબીસીએ એસપીને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, "તપાસના આ તબક્કે, આખી ઘટના શું છે તે કહી શકાય નહીં, તપાસ હજી ચાલુ છે".

5. પીડિતાનો મૃતદેહ શા કારણે બાળી નખાયો?

ઇમેજ સ્રોત, Getty Images
સ્થાનિક પોલીસ મંગળવારે મોડી રાત્રે પીડિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
પરિવારજનોનો આરોપ છે કે તેમને ઘરમાં બંધ કરીને બળજબરીપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જોકે, પોલીસ જણાવે છે કે પરિવારજનોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાયા છે.
આવી રીતે અડધી રાત્રે અંતિમ સંસ્કાર કરાયા બાદ પરિવારજનો અને દલિત સમુદાય ભારે ગુસ્સે ભરાયો છે.
કેટલાક લોકો આ ઘટનાને પીડિતા સાથે બળાત્કારની બીજી ઘટના ગણાવી રહ્યા છે. તેમજ પોલીસના આ કૃત્યને પુરાવા નષ્ટ કરવાના પ્રયત્ન તરીકે પણ જોઈ રહ્યા છે.
રોષે ભરાયેલા લોકોનું કહેવું છે કે પોલીસે આવી રીતે અંતિમ સંસ્કાર કરીને 'ફરી વાર પોસ્ટમૉર્ટમ કરાવવાની સંભાવના ખતમ કરી નાખી છે.'
પીડિતાના ભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારા સબંધીઓને માર મારવામાં આવ્યો. તેને બળજબરીપૂર્વક બાળી નખાઈ. અમને તો એ વાતની પણ ખબર નથી કે પોલીસે કોના અંતિમ સંસ્કાર કર્યા છે? અમને છેલ્લેછેલ્લે તેની સિકલ પણ નથી જોવા દીધી. પોલીસને આવી તે કઈ વાતની ઉતાવળ હતી?'
જ્યારે અમે એસપીને આ જ પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે, "મૃત્યુને ઘણી વાર થઈ ચૂકી હતી. પોસ્ટમૉર્ટમ અને પંચનામાની કાર્યવાહી થતાં થતાં 12 વાગી ગયા હતા. કેટલાક કારણોસર પીડિતાનો મૃતદેહ તુરંત નહોતો લાવી શકાયો."
"પીડિતાના ભાઈ અને તેમના પિતા મૃતદેહ સાથે જ આવ્યા હતા. પરિવારજનોએ રાત્રે જ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસે અંત્યેષ્ટિ માટે લાકડાં અને અન્ય સામગ્રી એકઠી કરવામાં મદદ કરી હતી. પરિવારજનોએ જ અંતિમ સંસ્કાર કર્યા હતા."
દલિતોના અધિકારો માટે કાર્ય કરતાં સમાજસેવિકા મંજુલા પ્રદીપે પણ અડધી રાત્રે પોલીસ દ્વારા પીડિતાનાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની ઘટનાને વખોડી હતી.
તેમણે કહ્યું હતું કે, "પોલીસની આ કાર્યવાહી પર શંકા જાય એ સ્વાભાવિક છે. રેપ જેવા કેસોમાં મૃતદેહને દફનાવી દેવાય છે જેથી બીજી વખત જરૂર પડ્યે પોસ્ટમૉર્ટમ કરી શકાય પરંતુ આવી રીતે બળજબરીપૂર્વક પીડિતાનાં મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાથી હવે તે શક્યતા મરી પરવારી છે. હવે તમામ પુરાવા મેળવવામાં મુશ્કેલી પડશે."
પોલીસ અને તંત્રનો તર્ક એ છે કે શબ ખરાબ થઈ ગયું હતું અને મામલો સંવેદનશીલ હોવાને કારણે માહોલ ખરાબ થવાની પણ સંભાવના હતી.

6. આરોપી રામુ એ દિવસે ક્યાં હતો?

ઇમેજ સ્રોત, Press Association
કેસમાં એક આરોપી રામુનો પરિવાર અને તેમના સમર્થનમાં પંચાયત કરવાવાળા ઠાકુર અને સવર્ણ સમાજના સભ્યોની દલીલ છે કે ઘટના સમયે રામુ ડેરી પર ફરજ બજાવતો હતો. તેમનું કહેવું છે કે તેના સીસીટીવી પુરાવા પણ મળી જશે. પરંતુ સમાજના સભ્યો કોઈપણ પ્રકારના સીસીટીવી ફૂટેજ આપી શકયા નહીં.
પોલીસને જ્યારે ધરપકડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એસપીએ કહ્યું કે, પીડિતાનાં નિવેદનના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તકનિકી અને ફૉરેન્સિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. કોઈ પણ નિર્દોષને સજા કરવામાં આવશે નહીં.
આ બાજુ પીડિતાનાં પરિવારજનોએ ભારપૂર્વક જણાવ્યું છે કે પીડિતાએ રામુનું નામ લીધું છે અને ફાંસી આપવા સિવાય તેમને કોઈ સજા મંજૂર નથી. રામુ જે ડેરી પર કામ કરતો હતો તેના માલિકે પણ તેને નિર્દોષ ગણાવ્યો છે, પરંતુ હજી સુધી સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યું નથી.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













